Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ટ્રાય કરો આ ડિફરન્ટ મોદક

ટ્રાય કરો આ ડિફરન્ટ મોદક

09 September, 2021 12:27 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ વખતે બાપ્પાના સ્વાગતમાં કંઈક હેલ્ધી, હટકે અને ઇનોવેટિવ મોદક ટ્રાય કરવા હોય તો જાણીતી ચૅનલના રેસિપી શોના હોસ્ટ અને હોમ શેફ નેહા ઠક્કર પાસેથી જાણીએ અવનવા ઑપ્શન્સ

ટ્રાય કરો આ ડિફરન્ટ મોદક

ટ્રાય કરો આ ડિફરન્ટ મોદક


આવતી કાલે ગણેશચતુર્થીના દિવસે મોટા ભાગના ગુજરાતીઓના ઘરે ચૂરમાના લાડુ બને. મુંબઈમાં રહીને મહારાષ્ટ્રિયન રંગ ચડ્યો હોય તો મોદક બને. આ વખતે બાપ્પાના સ્વાગતમાં કંઈક હેલ્ધી, હટકે અને ઇનોવેટિવ મોદક ટ્રાય કરવા હોય તો જાણીતી ચૅનલના રેસિપી શોના હોસ્ટ અને હોમ શેફ નેહા ઠક્કર પાસેથી જાણીએ અવનવા ઑપ્શન્સ

ઓટ્સ ગુલકંદ મોદક



રોઝ ફ્લેવર પસંદ હોય અને મીઠાઈ ખાધા પછી પણ હેલ્થને અસર ન થાય એવું ઇચ્છતા હો તો આ મોદક બનાવી શકાય.
સામગ્રી
૧૦૦ ગ્રામ ઓટ્સ, ૧ ચમચો મિલ્ક પાઉડર, ૧/૪ કપ કન્ડેન્સ્ડ મિલ્ક, ૧/૪ ચમચી ઇલાયચી પાઉડર, ૧ ચમચો ગુલકંદ, ૩-૪ ચમચી મિકસ ડ્રાયફ્રૂટ્સના ટુકડા, પિસ્તા અને ચેરી - ડેકોરેશન માટે
રીત
સૌપ્રથમ એક પૅનમાં ઓટ્સને સરખાં શેકી લેવાં.
એમાં જ ડ્રાયફ્રૂટ્સના ટુકડા નાખીને શેકી લેવું. પછી થોડું ઠંડું પડે એટલે મિક્સરમાં ચાલુ-બંધ કરીને પીસી લેવું.
હવે એ કરકરો પાઉડર એક થાળીમાં લઈ એમાં મિલ્ક પાઉડર, કન્ડેન્સ્ડ મિલ્ક, ઇલાયચી પાઉડર ઉમેરીને મિક્સ કરી લેવું. આપણે કન્ડેન્સ્ડ મિલ્ક લીધું છે એટલે ખાંડ નથી લેતા. તમને મીઠાશ વધારે જોઈએ તો તમે ખાંડ ઉમેરી શકો છો.
સ્ટફિંગ માટે ગુલકંદ લઈ એમાં ડ્રાયફ્રૂ્ટ્સ નાખીને મિક્સ કરવું. 
હવે મોદકનું મોલ્ડ લઈ તેમાં પિસ્તા અને ચેરીના કાપ મૂકી ઉપર ઓટ્સવાળો લોટ લઈ મોલ્ડમાં સરખું દબાવી વચ્ચે ગુલકંદનું સ્ટફિંગ ઉમેરી બંધ કરીને મોદક તૈયાર કરી લેવા.


વૃંદાવન મોદક

ગણેશજીના આગમનને હમણાં જ ગયેલી જન્માષ્ટમીના રંગે રંગીને કંઈક હટકે સ્ટાઇલમાં મોદક બનાવવા હોય તો આ રેસિપી ટ્રાય કરી શકાય.

સામગ્રી
એક વાટકી કોપરાનું છીણ, એક 
વાટકી મિલ્ક પાઉડર, ૧/૨ વાટકી પીસેલી ખાંડ, ૩-૪ ચમચા ઘી, ૧/૩ કપ દૂધ, ૨ અંજીર, ૩ ખજૂર, ૪ બદામ
રીત
સૌપ્રથમ એક પૅનમાં મિલ્ક પાઉડર કોરો જરાક શેકી લેવો. પછી એક બાઉલમાં કાઢી લેવો. હવે એ જ પૅનમાં કોપરાનું છીણ શેકી લેવું. બરાબર શેકાઈ જાય એટલે પૅનમાં કોપરાનું છીણ, મિલ્ક પાઉડર, દૂધ, ઘી, પીસેલી ખાંડ, ઇલાયચી પાઉડર બધું સરખી રીતે મિક્સ કરીને એકદમ ઘટ્ટ થાય ત્યાં સુધી શેકવું. એ વધારે કોરું ન પડે એનું ધ્યાન રાખવું, કેમ કે ઠંડું થયા એ પછી આ મિશ્રણ વધુ ઘાટું થતું હોય છે.
બીજી તરફ સ્ટફિંગ માટે અંજીર, ખજૂર અને બદામને મિક્સરમાં પીસી લેવાં. હવે કોપરાના છીણના મિશ્રણમાંથી નાનો લૂઓ હાથમાં લઈ આંગળી વડે તુલસીના કૂંડા જેવો શેપ આપો. એમાં અંજીરનું ફીલિંગ ભરવું જે અંદર મૂકેલી માટી જેવો આભાસ આપશે. અંજીરના મિશ્રણમાં ગણેશપ્રિયા દૂર્વા ભરાવી દેવી.

એલોવેરા લાડુ

સૌ જાણે છે કે એલોવેરા અનેક રીતે ગુણકારી છે. ખાસ તો લોકો 
નાડીશુદ્ધિ માટે એનો રસ પીએ છે. જો તમે કંઈક હેલ્ધી સ્ટાઇલમાં ફ્યુઝન લાડુ બનાવવા માગતા હો તો આ ટ્રાય કરી શકો. 
સામગ્રી
૪ એલોવેરા, ૨૫૦ ગ્રામ દેશી ગોળ, ૨૫ ગ્રામ ઓટ્સ, ૩૦૦ ગ્રામ ફુલ ફૅટ દૂધ, ૧/૨ ટેબલસ્પૂન રવો, અડધી ચમચી તજ પાઉડર, ૨૦૦ ગ્રામ માવો, ૧ ચમચી મગજતરીનાં બી, ૧૫૦ ગ્રામ મિક્સ ડ્રાયફ્રૂટ્સ
રીત 
સૌથી પહેલાં એલોવેરા પાક બનાવવા માટે ડાર્ક એલોવેરા એટલે કે કુંવારપાઠાનાં પાન પસંદ કરવાં, કેમ કે એમાં કડવાશ નથી હોતી. કુંવારપાઠાનાં પાનને છોલીને અંદરનો સફેદ ગર્ગ કાઢી લેવો. પછી એના નાના કટકા કરવા. પછી ઠંડા પાણીથી ધોઈને બાજુ પર મૂકવાં.
એક કડાઈમાં ઓટ્સને શેકીને ક્રશ કરી લેવાં. બીજી કડાઈમાં ઘી લઈ એલોવેરાના સફેદ ગરના પીસ નાખી બેથી ત્રણ મિનિટ થવા દેવું. પછી 
એમાં દૂધ ઉમેરવું. સાથે રવો 
અને ઓટ્સ પાઉડર નાખીને સીઝવા દેવું.
એકદમ સરસ લચકાપડતું થઈ જાય ત્યારે એમાં સમારેલો ગોળ ઉમેરવો. સાથે માવો પણ ઉમેરી દેવો.
છેલ્લે એમાં તજ પાઉડર, મગજતરીનાં બી અને ડ્રાયફ્રૂટ્સની કતરણ નાખી એકદમ સારી રીતે મિક્સ કરીને હલાવી લેવું.
હવે થોડું ઠંડું થવા દેવું. પછી મોલ્ડમાં ભરીને મોદકનો શેપ આપવો.

ઇન્સ્ટન્ટ પૂરણાચે મોદક

ટ્રેડિશનલ પૂરણાચે મોદક બનાવવા દાળ બાફવા અને શેકવામાં ઘણો સમય લાગી જાય છે. જોકે તમારે કંઈક ટ્રેડિશનલ અને છતાં ઝટપટ બની જાય એવા મોદક ટ્રાય કરવા હોય તો આ રહ્યો ઑપ્શન.
સામગ્રી
એક કપ ચણાની દાળ, હાફ કપ છીણેલો ગોળ (ખાંડ પણ લઈ શકો છો), એક ચમચી ઇલાયચી પાઉડર, બે ચમચી તલ, બે ચમચી કોપરાનું છીણ, બે ચમચી ઘી, જાયફળ થોડું, અડધો કપ નવશેકું પાણી
રીત
સૌપ્રથમ ચણાની દાળને સરખી શેકી લેવી અને ઠંડી પડે એટલે થોડીક કરકરી પીસી લેવી. ગોળને છીણીથી છીણી લેવો.
હવે એક બાઉલમાં ચણાની દાળનો લોટ, છીણેલો ગોળ, તલ, ઇલાયચી પાઉડર, કોપરાનું છીણ બધું ઉમેરીને સરખું મિક્સ કરી લેવું. એમાં થોડું જાયફળ છીણીને ઉમેરવું.
પછી થોડું નવશેકું પાણી થોડું-થોડું ઉમેરીને મિક્સ કરતા જવું. એકદમ સરસ પૂરણનો લોટ તૈયાર થઈ જશે. એમાં થોડુંક ઘી ઉમેરીને બરાબર મિક્સ કરવું. મોદકના મોલ્ડને ઘીથી ગ્રીસ કરી એમાં પૂરણ ભરીને મોદક તૈયાર કરી લેવા.

મોદક આમટી

આપણે ગણેશજીને કાયમ ગળ્યો જ મોદક પ્રસાદીમાં ધરાવતા હોઈએ છે. જોકે કંઈક તીખું ખાવું-ખવડાવવું હોય તો મોદકમાં તીખું સ્ટફિંગ ભરીને રસામાં બનતી આ વાનગી તમને જરૂર ભાવશે. 
સામગ્રી
બે ચમચા સૂકા કોપરાનું છીણ, બે ચમચા તલ, બે ચમચા ખસખસ, ૧ ચમચી ગરમ મસાલો, ૧ ચમચી જીરું, ૧ નાની ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, બે વાટકી પાણી, તેલ પ્રમાણસર જોઈતા પ્રમાણમાં
મોદક માટેનું સ્ટફિંગ
૮-૧૦ કાજુનો પાઉડર, બે ચમચા કોપરું, બે ચમચા લીલી કોથીમર, ૧ ચમચી આદું-મરચાંની પેસ્ટ, પ્રમાણસર પાણી
મોદકના પડ માટેની સામગ્રી
બે વાટકી ઘઉંનો લોટ, એક વાટકી ચણાનો લોટ, એક ચમચી તેલ, જરૂર પ્રમાણમાં પાણી
રીત
સૌપ્રથમ બન્ને લોટ ભેગા કરીને કણક બાંધી લેવી.
બાંધેલા લોટને પંદર મિનિટ રેસ્ટ આપવો.
લોટમાંથી પૂરી વણી સ્ટફિંગની સામગ્રી એકઠી કરીને એના મોદક બનાવવા. 
એક પૅનમાં તેલ ગરમ કરવા મૂકો. હવે એમાં કાજુનો પાઉડર, કોપરું, આદું અને મરચાંની પેસ્ટ સાંતળી લો.
એમાં લાલ મરચાંનો પાઉડર, ધાણાજીરું પાઉડર, મીઠું નાખીને મિક્સ કરવું. હવે પાણીને ગરમ કરીને મિશ્રણમાં ઉમેરો. 
આ પાણી બરાબર ઊકળે એટલે એમાં મોદક ઉમેરવા અને એના પર ઢાંકણ ઢાંકી આમટી કુક થવા દેવી. મોદક ચડી જાય એટલે ઉપરથી કોથમીર નાખી મોદક આમટી સર્વ કરવી.

Whatsapp-channel Whatsapp-channel

09 September, 2021 12:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK