° °

આજનું ઇ-પેપર
Monday, 26 September, 2022


લવ ઇઝ નૉટ હાઇડ ઍન્ડ સિક ગેમ

19 August, 2022 04:24 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

આજની જનરેશન રિલેશનશિપને છુપાવવામાં નથી માનતી એ દીવા જેવી ચોખ્ખી વાત છે. પ્રેમ છે તો છે, એમાં છુપાવવાનું શું?

 રાજ ઠક્કર અને ઈશિતા ગાંધી સંબંધોનાં સમીકરણ

રાજ ઠક્કર અને ઈશિતા ગાંધી

કેબીસીના મંચ પર કમ્પૅન્યન તરીકે ગર્લફ્રેન્ડને લાવનારા દિલ્હીના આયુષ ગર્ગની હિંમત જોઈને અમિતાભ બચ્ચન પણ પ્રભાવિત થઈ ગયા હતા. આજની જનરેશન રિલેશનશિપને છુપાવવામાં નથી માનતી એ દીવા જેવી ચોખ્ખી વાત છે. પ્રેમ છે તો છે, એમાં છુપાવવાનું શું? આવું માનનારા યુવાનોની સંખ્યા કેમ વધી રહી છે એનાં કારણોની ખણખોદ કરીએ

પ્રેમમાં પડનારા યુવાનો ચોરીછૂપીથી મળે એ જમાનો તો ક્યારનો ચાલ્યો ગયો. દીકરો કે દીકરી પ્રેમમાં છે એની જાણ થતાં જ પરિવાર બન્નેની સગાઈ કરી સંબંધને ઑફિશ્યલ બનાવી દે એ દિવસો પણ હવે આઉટ થઈ ગયા છે

‘કૌન બનેગા કરોડપતિ’ની નવી સીઝનમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી દરમ્યાન દિલ્હીનો આયુષ ગર્ગ નામનો સ્પર્ધક ૭૫ લાખના માઇલસ્ટોન સુધી પહોંચ્યો. જોકે આ એપિસોડનું પ્રસારણ થાય એ પહેલાં જ આયુષના નામની ચર્ચા ચારેકોર થવા લાગી. અલબત્ત, એ જેટલા રૂપિયા કમાયો એ નહીં, પણ તે પોતાની ગર્લફ્રેન્ડને લઈને ટીવી પર આવેલો.  એ વાત વધુ ઇન્ટરેસ્ટિંગ હતી. અમિતાભ બચ્ચન પણ આ યુવાનની હિંમતથી પ્રભાવિત થઈ ગયા હતા.

અલબત્ત, આ ઘટના બતાવે છે કે પ્રેમમાં પડનારા યુવાનો ચોરીછૂપીથી મળે એવો જમાનો તો ક્યારનો ચાલ્યો ગયો. દીકરો કે દીકરી પ્રેમમાં છે એની જાણ થતાં જ પરિવાર બન્નેની સગાઈ કરી સંબંધને ઑફિશ્યલ બનાવી દે એ દિવસો પણ હવે આઉટ થઈ ગયા છે. આજે તો ગર્લફ્રેન્ડ કે બૉયફ્રેન્ડ એકબીજાના ઘરે બિન્દાસ અવરજવર કરી શકે એવા રિલેશન્સ કૉમન થતા જાય છે. કોઈ પણ બંધનમાં બંધાતાં પહેલાં એકમેકને સારી રીતે સમજી તેમ જ અરસપરસની ફૅમિલીમાં ઍડ્જસ્ટ થયા પછી જ આગળ વધવામાં તેઓ માને છે. આજની જનરેશન રિલેશનશિપને છુપાવવામાં નથી માનતી એ દીવા જેવી ચોખ્ખી વાત છે. પ્રેમ છે તો છે, એમાં છુપાવવાનું શું? ભવિષ્યમાં રિલેશનશિપ વર્કઆઉટ થાય કે ન થાય, પરંતુ અત્યારે હાઇડ ઍન્ડ સિકની ગેમ રમવાની જરૂર નથી એવું માનનારા યુવાનોની સંખ્યા ઝડપથી વધી રહી છે ત્યારે આ વિષય પર ચર્ચા કરીએ.  

પેરન્ટ્સને ટ્રસ્ટમાં લો

સાત વર્ષ પહેલાં કૉલેજમાં સાથે અભ્યાસ કરતા પરેલના મિતેશ સોલંકી અને દાદરની આયુષી ધરોડ વચ્ચે શરૂઆતમાં ફ્રેન્ડશિપ જ હતી. જેમ-જેમ નજીક આવતાં ગયાં એકબીજાના ઘરે અવરજવર વધી ગઈ. આ સંદર્ભે વાત કરતાં આયુષી કહે છે, ‘મિતેશ મારા ઘરે વધુ આવતો, હું તેના ઘરે બહુ ઓછું જતી હતી. મમ્મીને શંકા જતાં આડકતરી રીતે પૂછવાનો પ્રયાસ કર્યો પણ એ વખતે રિલેશનશિપને લઈને ક્લિયર નહોતાં તેથી થોડો વખત જવાબ આપવાનું ટાળ્યું. તેના ઘરમાં પણ ડાઉટ હતો. બહારના લોકો સામે જાહેર ન કરો, પણ ફૅમિલીને કહેવું જરૂરી છે એવું લાગતાં અમે કન્ફેસ કરી લીધું. મને લાગે છે કે પેરન્ટ્સને કહી દેવાથી કમ્ફર્ટેબલ થઈ જાઓ છો.’

રિલેશનશિપમાં તમે સિીરયસ હો તો જાહેર કરવામાં ખચકાટ ન થવો જોઈએ. જોકે ટેલિવિઝન પર આવીને જાહેર કરવું એ બહુ મોટી વાત છે. મિડલ ક્લાસ ફૅમિલીના યુવાનો હજી એટલા ઓપનઅપ નથી થયા પણ પેરન્ટ્સને ટ્રસ્ટમાં લેવા જ જોઈએ એવું તેઓ ચોક્કસ માને છે એવી વાત કરતાં મિતેશ કહે છે, ‘સોશ્યલ મીડિયાના કારણે હવે બધાનાં સર્કલ મોટાં થઈ ગયાં છે તેથી પ્રેમસંબંધ છૂપો રહેવાનો નથી. કોઈક રીતે પેરન્ટ્સ સુધી વાત પહોંચી જ જવાની છે. બહારની વ્યક્તિ મીઠું-મરચું ભભરાવીને વાત કરશે એના કરતાં આપણે જણાવી દઈએ એવી સમજણ વિકસી છે. પેરન્ટ્સને પહેલેથી જાણ હોય તો તેઓ ગૉસિપને સ્ટૉપ કરાવી શકે અન્યથા તેમને આઘાત લાગે છે. આજના યંગસ્ટર્સની જેમ પેરન્ટ્સ પણ ઓપન માઇન્ડેડ થયા હોવાથી લવ અફેરને છુપાવવાની જરૂર રહી નથી. અમારા બન્નેના પેરન્ટ્સે રિલેશનશિપને બહુ જ સરળતાથી સ્વીકારી છે. પ્રૉપર એન્ગેજમેન્ટ હવે થશે પણ ગોળધાણા ખાઈ લીધા છે.’

ઇમોશનલ સપોર્ટ મળ્યો

અંધેરીમાં રહેતાં રાજ ઠક્કર અને ઈશિતા ગાંધી પણ કૉલજમાં મળ્યાં હતાં. દસ વર્ષથી એકમેકના ઘરમાં આવ-જા કરતાં હોવાથી ફૅમિલી મેમ્બરો સાથે કમ્ફર્ટેબલ થઈ ગયા છે. તેમના પેરન્ટ્સે રિલેશનશિપને બહુ પહેલાંથી સ્વીકારી હતી, પરંતુ ઑફિશ્યલ અનાઉન્સમેન્ટ આ વર્ષે જ કરી. રાજ કહે છે, ‘અમારી મુલાકાત ટીનેજમાં થઈ હતી. પેરન્ટ્સથી અમે કોઈ વાત છુપાવી નહોતી. જોકે ઉંમર નાની હોવાથી તેમણે સલાહ આપી કે પહેલાં સ્ટડી પર ફોકસ કરો. કરીઅર સેટ થાય પછી વિચાર કરીશું. ઇન્ટરનેટના યુગમાં માહોલ ચેન્જ થઈ ગયો છે. ફ્રેન્ડ્સ અને કઝિન્સ આપણી ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝથી વાકેફ હોય ત્યારે ફૅમિલીથી છુપાવવામાં કોઈ લૉજિક નથી. બન્ને જનરેશનના ઓપનઅપ થવાથી બધું ઈઝી થઈ જાય છે અને જરૂર પડ્યે પેરન્ટ્સ આપણા સપોર્ટમાં ઊભા રહે છે.’

રિલેશનશિપને પરિવારના સદસ્યો સાથે શૅર કરવાથી તમે ઇમોશનલી બ્રેકડાઉન થતા નથી એવો અનુભવ પણ કર્યો છે એવી વાત કરતાં ઈશિતા કહે છે, ‘અમે એવી એજમાં નજીક આવ્યાં હતાં જ્યારે મૅચ્યોરિટી નહોતી. એક તબક્કો એવો પણ આવ્યો જ્યારે મારી અને રાજ વચ્ચે અમુક બાબતોને લઈને મિસઅન્ડરસ્ટૅન્ડિંગ થવા લાગી. જો સંબંધને છુપાવ્યો હોત તો ફ્રસ્ટ્રેશન વધી જાત. ઇમોશન્સને કોની સામે એક્સપ્રેસ કરો? અમારા કેસમાં પેરન્ટ્સ સપોર્ટ સિસ્ટમ બન્યાં. તેમના સજેશનથી એકબીજાને સ્પેસ આપવા માટે થોડો સમય આપ્યો. એ ગાળામાં ભાઈ-બહેનનો પણ ખૂબ સપોર્ટ મળ્યો. તેમની સાથે ડિસ્કશન કરવાથી થર્ડ પર્સનના નજરિયાથી રિલેશનશિપને સમજી શક્યા. ઘણી કશ્મકશ બાદ મક્કમ રહ્યાં ત્યારે પેરન્ટ્સે જ ઑફિશ્યલ જાહેરાત કરી. હાલમાં અમારા ગોળધાણા થઈ ગયા હોવાથી ફૅમિલી સાથેનું કમ્ફર્ટ લેવલ ઓર વધી ગયું છે.’

પૉઝિટિવ સાઇન

નવી જનરેશન લવ અફેરને છુપાવવામાં નથી માનતી એ સાચું, પરંતુ સામાન્ય રીતે એની જાણ ઇમિડિયેટ ફૅમિલી (પેરન્ટ્સ અને ભાઈ-બહેન) સુધી સીમિત હોય છે. કેબીસીમાં જોવા મળેલો કિસ્સો રૅર છે એવો મત વ્યક્ત કરતાં વડાલાનાં રિલેશનશિપ કાઉન્સેલર નીતા શેટ્ટી કહે છે, ‘ઓપનઅપ શબ્દનો અર્થ કલ્ચર ઍન્ડ રિલિજિયસ બૅકગ્રાઉન્ડ, રિચ ફૅમિલી, અપર મિડલ ક્લાસ માટે જુદો છે. સંતાનોનું એક્સપોઝર વધી જતાં ઇન્ડિયન મિડલ ક્લાસ પેરન્ટ્સ ઓપનઅપ થયા છે. સંતાનની પસંદગીને તેઓ હસતા મોઢે સ્વીકારતા થયા છે. આજે પોતાની કમ્યુનિટીમાં જ લગ્ન થવાં જોઈએ એવો આગ્રહ રહ્યો નથી પરંતુ અનાઉન્સમેન્ટ કરવામાં ઉતાવળ નથી કરતાં, કારણ કે તેમને સમાજમાંરહેવું છે. ઇન ફૅક્ટ સંતાનો પણ શરૂઆતમાં ​ફ્રેન્ડ છે કહીને પેરન્ટ્સ સાથે ઓળખાણ કરાવે છે. છોકરા-છોકરી એકબીજાના ઘરે આવ-જા કરે ત્યારે તેમના નૉન-વર્બલ બિહેવિયરથી પેરન્ટ્સને આઇડિયા આવી જાય છે કે રિલેશન ફ્રેન્ડશિપ કરતાં વિશેષ છે. બીજી તરફ સંતાનો પોતાના સંબંધને લઈને ગંભીર બને પછી પેરન્ટ્સને હકીકત જણાવી દે છે. બન્ને જનરેશન ઓપનઅપ થઈ એ ટ્રસ્ટ અને ઇમોશનલ પર્સ્પેક્ટિવથી પૉઝિટ‌િવ સાઇન કહેવાય. એનાથી પરસ્પર બૉન્ડિંગ વધે છે અને ભાવિ જમાઈ અથવા પુત્રવધૂને સમજવાનો પૂરતો સમય મળે છે. પેરન્ટ્સને લાગે કે આ સંબંધમાં આગળ વધવા જેવું નથી તો તેઓ સંતાનને સમજાવી શકે છે.

કદાચિત કોઈ કારણસર બ્રેકઅપ થઈ જાય અથવા સંતાનના લગ્નજીવનમાં ભંગાણ પડે તો પેરન્ટ્સ તેમને ઇમોશનલી તૂટી જતાં બચાવી લે છે. લવ અફેરના કિસ્સાઓમાં હાઇડ ઍન્ડ સિકની ગેમ ઓવર થઈ જતાં અગાઉ યુવાપેઢીમાં પ્રેમસંબંધમાં નિષ્ફળતા બાદ જે આત્મહત્યાના કેસ બનતા હતા એ લગભગ ખતમ થઈ ગયા છે. હવે પેરન્ટ્સના સપોર્ટથી તેઓ લાઇફમાં મૂવઑન કરી લે છે.’

19 August, 2022 04:24 PM IST | Mumbai | Varsha Chitaliya

અન્ય લેખો

તું સકલ જગધારિણી

તહેવારો આપણું ટોનિક છે

25 September, 2022 02:29 IST | Mumbai | Hiten Anandpara

તમારાં ભૂલકાંની સ્કિન મેકઅપનો માર ઝીલી શકશે?

બાળકોની સ્કિન ફ્લોલેસ અને કુદરતી રીતે ગ્લોઇંગ હોય છે, પણ જો નવરાત્રિના હેવી કૉસ્ચ્યુમની સાથે તેમને મેકઅપ કરવો જ હોય તો એનું પ્રમાણ ખૂબ ઓછું હોવું જોઈએ

23 September, 2022 01:26 IST | Mumbai | Aparna Shirish

જાહેરાતો જોવી કે ગજવું હળવું કરવું?

યુટ્યુબના આ વલણ સંદર્ભે આખો દિવસ વિડિયોની દુનિયામાં વિહરતા યુવાવર્ગના પ્રતિભાવો જાણીએ

23 September, 2022 11:52 IST | Mumbai | Varsha Chitaliya

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK