Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > રણમાં ખીલ્યાં ગુલાબ

રણમાં ખીલ્યાં ગુલાબ

27 November, 2022 02:16 PM IST | Mumbai
Alpa Nirmal

ફિફા વર્લ્ડ કપનો ફીવર દુનિયાભરમાં ફેલાઈ ગયો છે ત્યારે ફુટબૉલ પ્લેયર્સ રોનાલ્ડો, મેસી, નેમારની સાથોસાથ કતારનાં નાયાબ સ્ટેડિયમો પણ હૉટ ટૉપિક બની ગયાં છે

અલ બેત સ્ટેડિયમ

અલ બેત સ્ટેડિયમ


૨૦૧૦માં ધાર્મિક કટ્ટર વિચારસરણી ધરાવતા કતારને ૨૦૨૨માં યોજાનારા ફિફા વર્લ્ડ કપનું યજમાનપદ મળ્યું ત્યારથી અનેક કારણસર આ દેશ ચર્ચામાં રહ્યો; જેમાં મુખ્ય મુદ્દો એ હતો કે ન તો અહીં વર્લ્ડ કપ યોજી શકાય એવાં સ્ટેડિયમ હતાં કે ન ફુટબૉલરસિયાને સમાવી શકાય કે સગવડ અપાય એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું કે ન તો એ દેશની કોઈ સ્ટ્રૉન્ગ ફુટબૉલ ટીમ હતી. વળી સૌથી મોટું વિલન તો અહીંનું ગરમ વાતાવરણ હતું. ૪૦-૫૦ ડિગ્રી તાપમાન ધરાવતા આ દેશમાં મૅચ કઈ રીતે રમી શકાય એ સવા લાખનો સવાલ સામે ઊભો જ હતો. ખેર આજે ૧૨ વર્ષે આખા વિશ્વને આ પ્રશ્નોના ઉત્તર મળી ગયા છે.

ઓન્લી ૧૧,૫૭૧ સ્ક્વેર કિલોમીટરના આ દેશે ફક્ત એક દસકામાં એવી છલાંગ મારી છે કે આખું જગત અચંબિત છે. આમ તો ગલ્ફ કન્ટ્રીઝમાં અજાયબ અને અદ્ભુત ઇમારતો બનાવવાની નવાઈ નથી, પણ વર્લ્ડમાં હાઇએસ્ટ કૅપિટલ ઇન્કમ ધરાવતા આ દેશે એ નેબરિંગ કન્ટ્રીઝને અદેખાઈ આવે એવાં અદ્વિતીય અને બેનમૂન સ્ટ્રક્ચર ઊભાં કર્યાં છે. પ્રખ્યાત ‘ગાર્ડિયન’ મૅગેઝિનમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે કતાર પોતાની કાયાપલટ માટે છેલ્લાં ૧૦ વર્ષથી દર અઠવાડિયે ૫૦૦ મિલ્યન અમેરિકન ડૉલર વાપરી રહ્યું છે. એ હિસાબે અત્યાર સુધી ૨૩૦ બિલ્યન ડૉલર અને ભારતીય ચલણમાં ૧૯,૦૦૦ અબજ રૂપિયા  વાપરી  કતાર સરકારે આ રણમાં ગુલાબ ખીલવ્યાં છે.



તો આજે લટાર મારીએ ફુટબૉલનાં લેટેસ્ટ, મૅગ્નિફિસ્ટ સ્ટેડિયમોમાં...


અલ થુમામા સ્ટેડિયમ

ઇસ્લામ ધર્મ પાળતા પુરુષો માથે એક ખાસ આકારની દોરીથી ગૂંથેલી ટોપી પહેરે છે, તકિયા હૅટ. એ જ આકારનું બનેલું અલ થુમામા સ્ટેડિયમ કતાર અને ટર્કીની જૉઇન્ટ કંપનીનું સર્જન છે. આ બ્યુટિફુલ સ્ટ્રક્ચરને કન્સ્ટ્રક્ટ થતાં ત્રણ વર્ષ લાગ્યાં છે. ‘ઘફિયા’ તરીકે જાણીતી ટોપીના શેપના સ્ટેડિયમે આર્કિટેક્ચર વર્લ્ડમાં ન્યુ એરાની શરૂઆત કરી છે. આ સ્ટેડિયમની આખી આઉટર વૉલ અસલ ટોપી જેવી વાઇટ અને જાળીદાર છે. ઇવેન્ટની પૂર્ણાહુતિ બાદ અહીં બુટિક હોટેલ, મસ્જિદ, સ્પોર્ટ્સ હેલ્થ ક્લિનિક બનાવવાનું આયોજન છે.


અલ બેત સ્ટેડિયમ

પ્રાચીન સમયમાં અરબી પ્રજા પાણી, ખોરાક, રોજગારની શોધમાં  કબીલા સાથે ફરતી રહેતી અને હંગામી તંબુમાં વસવાટ કરતી. એ ટેન્ટની ડિઝાઇન પર આધારિત અલ બેત સ્ટેડિયમની ડિઝાઇન લૅબનીઝ કંપનીએ બનાવી છે. એમાં ૬૮,૮૯૫ પ્રેક્ષકો બેસી શકે એવી સગવડ છે. આ સ્ટેડિયમની છત ખોલ-બંધ થઈ શકે એવી છે. નોમેડિક સ્ટાઇલના આ સ્ટેડિયમમાં તંબુમાં વપરાતું હતું એવું ડિઝાઇનવાળું કાપડ વપરાયું છે. અહીં આ સ્ટ્રક્ચર બનાવવામાં અહમ ભૂમિકા ભજવનારા કામદારો, વર્કરોનાં નામ પણ કોતરાયાં છે. ફિફા બાદ આ સ્ટેડિયમની કૅપેસિટી રિડ્યુસ કરી, અહીં વર્લ્ડ ક્લાસ હોટેલ્સ, મૉલ, ગાર્ડન બનાવાશે. દોહાથી ૩૫ કિલોમીટરના ડિસ્ટન્સ પર અલ ખોર સિટીમાં આ સ્ટેડિયમ છે.

સ્ટેડિયમ ૯૭૪

અનોખું નામ અને અનોખું એલિવેશન ધરાવતું આ સ્ટેડિયમ કમ્પ્લીટલી મૂવેબલ છે. અને આ આખા સ્ટેડિયમને કન્સ્ટ્રક્ટ કરવા સિમેન્ટ કે કૉન્ક્રીટનો લગીરેય ઉપયોગ નથી થયો. સેન્ટ્રલ દોહાથી ૧૦ કિલોમીટર પૂર્વે ‘રાસ અબુ અબુદ’ વિસ્તારમાં આવેલું આ હંગામી સ્ટ્રક્ચર ૯૭૪ કન્ટેનરથી બન્યું છે. ૯૭૪ કન્ટેનર વપરાયાં હોવા ઉપરાંત કતારનો ઇન્ટરનૅશનલ ડાયલિંગ કોડ ૯૭૪ હોવાથી ઓળીઝોળી પીપળપાન ફઇબાએ પાડ્યું સ્ટેડિયમ ૯૭૪ નામ. ફુટબૉલ પ્રસંગ પછી ડિસમેન્ટલ થઈ જનારા આ સ્ટેડિયમનું એલિવેશન પણ યુનિક છે. કન્ટેનર જાતજાતના કલરનાં છે. દરેક કલરનું એક સિગ્નિફિકન્સ છે, જેમ કે બ્લુ કન્ટેનરમાં ફૂડ સ્ટૉલ અને રેસ્ટોરાં છે, તો યલોમાં - વૉશરૂમ, બ્લૅકમાં પ્રેયર રૂમ અને મેડિકલ ઇર્મજન્સીમાં પ્રેક્ષકોએ ગ્રીન કન્ટેનરમાં જવાનું રહેશે.

લુસૈલ આઇકૉનિક સ્ટેડિયમ

દોહાથી નૉર્થ સાઇડ ૨૦ કિલોમીટરના અંતરે બનાવાયેલા આ સ્ટેડિયમમાં એકસાથે ૮૮,૯૬૬ પ્રેક્ષકો બેસી શકે એવું એક્સ્ટ્રા લાર્જ છે. ઇસ્લામિક ડિઝાઇન ધરાવતું હૅન્ડ ક્રાફ્ટેડ ગોલ્ડન બાઉલના શેપની ડિઝાઇન તો આઇકૉનિક છે જ. એ ઉપરાંત આવડું જાયન્ટ સ્ટ્રક્ચર ફક્ત ચાર વર્ષના ગાળામાં તૈયાર થયું છે એ વાત અકલ્પનીય છે. ફાઇનલ્સ સહિત કુલ ૧૦ મૅચો અહીં રમાવાની છે. બ્રિટિશ આર્કિટેક્ચર ફર્મ ફૉસ્ટર ઍન્ડ પાર્ટનર્સે તેની ડિઝાઇન બનાવી છે તેને બાઉલ જેવું દેખાડવા આખા સ્ટેડિયમની બહારની બાજુ ત્રિકોણાકાર, કેલિગ્રાફિક, સોનેરી પૅનલ્સ લગાડાઈ છે. વર્લ્ડ કપ પછી સ્ટેડિયમની કૅપેસિટી ઓછી કરી અહીં સસ્કૂલ પ્લેગ્રાઉન્ડ, રેસ્ટોરાં, કમર્શિયલ ઑફિસ બનાવાશે. ઍક્ચ્યુઅલી, આ લુસૈલ સિટી ડેવલપમેન્ટનો એકમાત્ર પ્રોજેક્ટ છે. 

અલ જનુબ સ્ટેડિયમ

બોટના શેપ જેવું આ સ્ટેડિયમ ઇરાકી-બ્રિટિશ આર્કિટેક્ટ ઝાહા હદીદનો ડિઝાઇનર પીસ છે. ૨૩૦ મીટર લાંબી ઓપનેબલ છત ધરાવતા આ સ્ટેડિયમની કૅપેસિટી ૪૪,૩૨૫ વ્યક્તિઓ સમાવવાની છે. દોહાથી દક્ષિણમાં ૨૨ કિલોમીટર દૂર અલ વાક્રાહ ઇલાકામાં આવેલા આ સ્ટેડિયમની ‌ફિફા પૂરું થયા બાદ અડધી સીટો ઓછી કરીને એ સીટો ડોનેટ કરવામાં આવશે. આ ઇવેન્ટ બાદ અહીં લાર્જ સ્વિમિંગ-પૂલ, સ્પા, વેડિંગ હૉલ, શૉપિંગ કૉમ્પ્લેક્સ બનાવાશે. ફક્ત ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં નિર્માણ પામેલા આ સ્ટેડિયમમાં પ્રેક્ષકોને શિપમાં બેઠા હોય એવો અનુભવ થશે.

ખલીફા ઇન્ટરનૅશનલ સ્ટેડિયમ

આ કતારનું ઓલ્ડેસ્ટ સ્ટેડિયમ છે. દોહા સિટી સેન્ટરથી ફક્ત પાંચ કિલોમીટરના અંતરે આવેલું આ સ્ટેડિયમ ઑલરેડી આમિર કપ, અરેબિયન ગલ્ફ કપ અને આઇએએએફ વર્લ્ડ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપનું સાક્ષી રહી ચૂક્યું છે. આ સ્ટેડિયમમાં અંદર શૉપ્સ અને રેસ્ટોરાં પણ છે.

એહમદ બીન અલી સ્ટેડિયમ

એરિયલ વ્યુમાં લંબચોરસ ચપટા મોતી જેવું દેખાતું આ સ્ટેડિયમ ડેઝર્ટને અડીને અને દોહાથી ફક્ત ૨૦ કિલોમીટર દૂર છે. ૩૫૦ મિલિયન ડૉલરના ખર્ચે બનેલું આ સોસર ગ્રાઉન્ડ કતારના શાસકના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ પ્લેસ ૪૫,૦૩૨ ફુટબૉલરસિયાઓને સમાવી શકે છે. એની યુનિકનેસ છે એની આઉટર વૉલ, જેની ચારે તરફ જાયન્ટ સ્ક્રીન લગાડાઈ છે; જેમાં ન્યુઝ, કમર્શિયલ તેમ જ સ્કોરનું અપડેટ ફુલટાઇમ ચાલુ રહેશે. 

એજ્યુકેશન સિટી સ્ટેડિયમ

એનું આખું એલિવેશન હીરામાં પાસા પડાયા હોય એવું પાસાદાર છે અને અન્ય આઉટસ્ટૅન્ડિંગ વાત એ છે કે આ આઉટર વૉલ પર એવું મટીરિયલ લગાવાયું છે જે સૂર્યની મૂવમેન્ટ અનુસાર રંગ બદલે છે. અહીંની બધી જ ઑપરેટિંગ સિસ્ટમ સસ્ટેનેબલ અને ઇકો ફ્રેન્ડલી છે. 

કાબિલેદાદ કૂલિંગ સિસ્ટમ

ઑલમોસ્ટ ઝીરો પોવર્ટી રેટ ધરાવતા કતારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતું તો એ ઊભું થઈ ગયું. મહેમાનનવાઝીનો કોઈ અનુભવ નહોતો તો એ માટે પણ કાબેલ કંપનીઓને કૉન્ટ્રૅક્ટ અપાયા અને પ્રૉબ્લેમ સૉલ્વ કરાયો, પણ સૌથી મોટી ચુનૌતી હતી ટેમ્પરેચર ઘટાડવાની, કારણ કે ઑલરેડી આ ગરમ રણ પ્રદેશ, વળી સ્ટેડિયમ હોવાથી એ ઉપરથી તો ખુલ્લું રાખવું જ પડે ત્યારે ‘ડૉ. કૂલ’ના નામે જાણીતા પ્રોફેસર સૌદ અબ્દુલ અઝીઝ અબ્દુલ ગની વહારે ધાયા. કતાર યુનિવર્સિટીના એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના આ પ્રોફેસરે અહીં હીટિંગ વેન્ટિલેશન ઍન્ડ ઍર કન્ડિશનિંગ જેવી અફલાતૂન ટેક્નૉલૉજી યુઝ કરી. આ ટેક્નૉલૉજીમાં દરેક સ્ટેડિયમની બહાર ૧ કિલોમીટર દૂર મોટો પાણીનો પ્લાન્ટ રખાયો અને સ્ટેડિયમની ચારે તરફ કૂલિંગ સિસ્ટમનાં મોટાં મશીન. આખા સ્ટેડિયમની ફરતે પાણીની પાઇપલાઇન ફિટ કરાઈ જેમાંથી પાણી પસાર કરાય ને એ પાણી રેફ્રિજરેશન સિસ્ટમથી ઠંડું કરાય. સ્ટેડિયમની દરેક લેવલ ઉપર દરેક સીટની નીચેથી આ પાઇપ પાસ થતો હોય. એમાં ફરતા ઠંડા પાણીને કારણે સમગ્ર વાતાવરણ ૨૦થી ૨૫ડિગ્રી થઈ જાય અને સ્ટેડિયમ કૂલ રહે. આ ઇશ્યુ તો સૉલ્વડ્, પરંતુ હજારો માણસો જ્યારે અહીં ભેગા થયા હોય, તેમના શરીરની ગરમી, ઉચ્છ્વાસનું શું? એને માટે સ્ટેડિયમની અંદરની બાજુએ ઉપરના ભાગમાં પાવરફુલ ‘ઍર સકર મશીન’ લગાડવામાં આવ્યાં. આ ઍર સકર બહારથી આવતી ગરમ હવા તેમ જ સ્ટેડિયમમાં લોકો દ્વારા પેદા થતી ગરમ હવાને ખેંચી ચિલિંગ પ્લાન્ટમાં મોકલે, જ્યાં ફરી આ હવા પાણીના સંસર્ગમાં ઠંડી થઈ સ્ટેડિયમની સર્ક્યુલર ફરતી રહે એટલે તાપમાન ઠંડું જ રહે. હવા-પાણીના રીસાઇક્લિંગની સાથે રેફ્રિજરેશન માટે અહીં મોટા પ્રમાણમાં વીજળીને બદલે સોલર પાવરનો ઉપયોગ થયો છે, જેને કારણે પ્રોજેક્ટનું કૉસ્ટિંગ તો ઘટી જાય છે, પ્લસ પ્રદૂષણ પણ નહીંવત્ થઈ જાય છે. વળી દરેક સ્ટેડિયમને ખાસ આકાર અપાયો છે. સ્ટેડિયમ સ્ટ્રક્ચરના ઍરો ડાયનનૅમિક્સ શેપને કારણે બહારની હવા એને ટકરાઈને પાસ થઈ જાય છે. સદીઓ પહેલાં તંબુઓ આ જ આકારના બનાવાતા જેની પાછળનું વિજ્ઞાન અંદરના વાતાવરણને કૂલ રાખવાનું જ હતું. આ  સાયન્સ અને ટ્રેડિશનનો અહીં સ્માર્ટલી યુઝ થયો છે. 

Whatsapp-channel Whatsapp-channel

27 November, 2022 02:16 PM IST | Mumbai | Alpa Nirmal

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK