પૈસાના સંગ્રહ પાછળની ગજબનાક પાગલતાની વાત આપણે ગયા શનિવારે કરી અને હવે આજે તમને એક એવી વ્યક્તિ સાથે મુલાકાત કરાવવાની છે.

ગુજરાતી મિડ-ડે લૉગૉ
પૈસાના સંગ્રહ પાછળની ગજબનાક પાગલતાની વાત આપણે ગયા શનિવારે કરી અને હવે આજે તમને એક એવી વ્યક્તિ સાથે મુલાકાત કરાવવાની છે, જે આ પાગલતાને પડકારી એ સૌની આંખોમાં અચરજ આંજે છે જે ધનની સંગ્રહતામાં દોટ મૂકીને જીવે છે.
વાત છે એક દંપતીની જે મુંબઈમાં જ રહે છે. એક દિવસ એ મહાશય મારી પાસે આવ્યા. ધર્મલાભ લઈ તે સામે ઊભા રહ્યા અને પછી તેમણે પોતાની વાત શરૂ કરી.
‘મહારાજસાહેબ, વર્ષોથી જે સ્થાન પર રહીને નોકરી કરી એ સ્થાનેથી સમય થઈ જતાં મારે નિવૃત્તિ લેવી પડી છે. ઘરના સભ્યોમાં હું, મારી પત્ની અને મારી દીકરી એમ ત્રણ જ જણ. ઈશ્વરની કૃપાથી દીકરીએ ખૂબ સારું એજ્યુકેશન લીધું હતું અને હવે તો ફૉરેન સેટલ થઈ ગઈ છે. અમને બહુ બોલાવે, ત્યાં રહેવા આવવાનું કહે, પણ અમે અહીં જ સારાં છીએ, પૂરતું ધર્મધ્યાન કરવા મળે, સાધુ-ભગવંતોની નિશ્રામાં રહેવા મળે એવું તેને સમજાવી દીધું છે એટલે હવે તે બહુ દલીલ નથી કરતી.’
ભાઈની વાત સાંભળવામાં સામાન્ય લાગતી હતી, ‘દીકરી પાસેથી એક રૂપિયો લેવો નહીં અને તેણે અમને કોઈ આવક મોકલવી નહીં એવી પ્રતિજ્ઞા પાલિતાણામાં શેત્રુંજયની સાક્ષીએ લેવડાવી છે.’
‘બહુ સારી વાત કહેવાય...’
‘ઘરમાં અમે બે જ જણ. ઘરનું ઘર અને મહિને ૩૦,૦૦૦ પેન્શન મળે.’ ભાઈએ વાત આગળ વધારી, ‘પૈસાની વ્યવસ્થા મેં એવી બનાવી છે કે પેન્શનના ૩૦,૦૦૦ રૂપિયા આવે છે એમાંથી રોજ ૧૦૦૦નો ખર્ચ કરવાનો. કપડાં, ભોજન, દવા, ઇલેક્ટ્રિક બિલ વગેરેમાં વપરાતી રકમ બાદ જે પૈસા વધે એ રકમ સત્કાર્યમાં વાપરી નાખવાની!’
‘એટલે?’
‘એટલે એ કે સંસારી જીવનનો એક દિવસનો ખર્ચ જો ૩૦૦ થાય તો બચેલા ૭૦૦ રૂપિયાનો સદવ્યય સત્કાર્યમાં એ જ દિવસે કરી દેવાનો. ટૂંકમા, એક દિવસમાં પેન્શનના ૩૦,૦૦૦માંથી ૧૦૦૦ ઓછા કરી જ દેવાના!’
‘કમાલ કહેવાય...’
‘મહારાજસાહેબ, મજા તો ત્યારે આવે છે કે જે મહિનાની ૩૧ તારીખ હોય છે એ ૩૧મી તારીખે મારી પાસે એક પણ રૂપિયો હોતો નથી એટલે હું અને મારી પત્ની અમે બન્ને ચોવિહાર-ઉપવાસ કરી લઈએ છીએ.’ એ મહાત્માએ હાથ જોડતાં કહ્યું, ‘આશીર્વાદ આપો કે મેં ગોઠવેલી આ વ્યવસ્થા જીવનના અંત સુધી ટકાવી રાખવામાં અમને કોઈ જ તકલીફ ન પડે અને સમાજને આપેલું સમાજમાં વાપરીને અમે જઈએ...’
કેવો વિરલ આત્મા...