Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > દાદાજીનો વારસો જાળવવા ચાની ટપરી નહીં, કૅફે ખોલી

દાદાજીનો વારસો જાળવવા ચાની ટપરી નહીં, કૅફે ખોલી

27 May, 2022 02:00 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

એક સમયે વીટી સ્ટેશનની બહાર ચા વેચતા દાદાજીના વારસાને પોતાના યુનિક આઇડિયાથી રી-ઇન્વેન્ટ કરી કાંદિવલીનાં ભાઈ-બહેન ધવલ અને શિવાની વ્યાસે ટી૨૦ નામની કૅફે સ્ટાર્ટ કરી

દાદાજીનો વારસો જાળવવા ચાની ટપરી નહીં, કૅફે ખોલી

સ્ટાર્ટ અપ સ્ટોરી

દાદાજીનો વારસો જાળવવા ચાની ટપરી નહીં, કૅફે ખોલી


ઇન્ડિયામાં ચા પીવાના શોખીનોની કમી નથી એમ ચાની ટપરીઓ પણ હર નુક્કડ પર મળી જશે. ચાની ચુસકી લેતાં-લેતાં ગપાટા મારવાની મજા જ કંઈ ઓર છે. ટપરી પર કડક મસાલાવાળી ચા પબ્લિકની ફર્સ્ટ ચૉઇસ હોય છે તો હવે જુદી-જુદી ફ્લેવરની ચા પીવાનો ટ્રેન્ડ પૉપ્યુલર થઈ રહ્યો છે. કાંદિવલીના ધવલ વ્યાસને એમાં બિઝનેસ સ્કોપ દેખાયો. જોકે પૅન્ડેમિકના કારણે સ્ટાર્ટઅપને સ્ટાર્ટ થવામાં ખાસ્સો વિલંબ થયો. લગભગ દોઢેક વર્ષની સ્ટ્રગલ બાદ મહાવીરનગર વિસ્તારમાં ટી૨૦ નામથી કૅફે ખોલનારા ધવલને ચાના બિઝનેસમાં કઈ રીતે રસ પડ્યો તેમ જ એની કૅફેમાં મળતી ચાની ખાસિયત શું છે એ જાણીએ. 
ચાનો બિઝનેસ કેમ?
ચાના બિઝનેસમાં ઝંપલાવવાનો આઇડિયા ક્યાંથી આવ્યો એ સંદર્ભે વાત કરતાં ધવલ કહે છે, ‘વર્ષો પહેલાં મારા દાદાજી દેશમાંથી મુંબઈ આવ્યા ત્યારે આજીવિકા માટે વીટી (હાલનું સીસીએમટી) સ્ટેશનની બહાર ચાની ટપરી ખોલી હતી. તેઓ સરસ મજાની ચા બનાવતા. તેમની ટપરી પર હંમેશાં ભીડ રહેતી. જોકે પપ્પાને ચાના બિઝનેસને વધારવામાં રસ નહોતો તેથી કન્સ્ટ્રક્શન લાઇનમાં ચાલ્યા ગયા. અમારી ફૅમિલી બે પાંદડે થતાં ટપરી બંધ કરી દીધી અને ચાનો બિઝનેસ ભુલાઈ ગયો. હવે તો દાદાજી હયાત પણ નથી. વર્ષો પછી કહાણી રિપિટ થાય એવા સંજોગો ઊભા થયા. સ્ટડીમાં મારું મન લાગતું નહોતું. ટ્વેલ્ફ્થ સુધીનો અભ્યાસ કર્યા બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નાના-મોટા રોલ મેળવવાનો પ્રયાસ કરી જોયો. એન્ટરટેઇનમેન્ટ વર્લ્ડમાં જામ્યું નહીં તેથી પપ્પાને જણાવી દીધું કે હું બિઝનેસ કરવા માગું છું. મારો વિચાર રેસ્ટોરન્ટ ખોલવાનો હતો. એમાં ઇન્વેસ્ટમેન્ટ વધુ જોઈએ તેથી એકઝાટકે ઝંપલાવવા કરતાં ધીમે-ધીમે આગળ વધવું જોઈએ એવું ઘરમાં ડિસ્કશન ચાલતું હતું. નાનપણમાં મેં અને શિવાનીએ દાદાજીના મોઢે સાદી, કડક સ્પેશિયલ, મસાલાવાળી ચા વિશે ઘણું સાંભળ્યું હતું. તેઓ અમારી સાથે ટપરી પર જામેલી ભીડ વિશે વાતો કરતા. શિવાનીએ દાદાજીનો વારસો આગળ વધારવાની સલાહ આપી. એમાં નુકસાનીની શક્યતા નહીંવત હોવાથી પ્રસ્તાવ ગમી ગયો.’
ચાનો બિઝનેસ કરવો છે એવો નિર્ણય લીધા બાદ ભાઈ-બહેન મોડી રાત સુધી ચર્ચાવિચારણા કરતા એમ જણાવતાં ધવલ કહે છે, ‘વચ્ચે થોડાં વર્ષ ફ્રૅન્ચાઇઝી ધરાવતી મોટી કૅફેટેરિયામાં જઈને કૉફી પીવાની ફૅશન ચાલી હતી. હવે ફરી ચા પીવાનો ટ્રેન્ડ સ્ટાર્ટ થયો છે. જોકે કસ્મરને અટ્રૅક્ટ કરવા હોય તો ટપરી નહીં, પ્રૉપર કૅફેટેરિયા જોઈએ. આઇડિયાને ઇમ્પ્લિમેન્ટ કરવામાં શિવાનીનો ખૂબ સાથ મળ્યો. ઇન્વેસ્ટમેન્ટ માટે પપ્પાનો સપોર્ટ હોવાથી ચિંતા નહોતી. ૨૦૨૦ની શરૂઆતમાં અમે લોકોએ શૉપ લીધી. ઇન્ટીરિયરનું કામ ચાલતું હતું ત્યાં લૉકડાઉન આવી જતાં કૅફે ખોલી ન શક્યા. ઇન ફૅક્ટ કામ પણ અધૂરું રહી ગયું. હવે શું થશે? કેટલો સમય લાગશે? ઇન્વેસ્ટમેન્ટ વેસ્ટ જશે તો? આવા અનેક પડકારો સામે લડવાનું હતું. સ્ટ્રગલના દિવસોમાં બહેન મારી સપોર્ટિવ સિસ્ટમ બની. ૨૦૨૧ના સેકન્ડ હાફમાં કૅફે સ્ટાર્ટ થયા બાદ શિવાની એની લાઇફમાં બિઝી થઈ ગઈ. ત્યારથી એકલા હાથે હૅન્ડલ કરું છું.’ 
ખાસિયત શું છે?
ગલીના હર નુક્કડ પર ચા મ‍ળે છે. તમે એમાં કંઈ નવું આપો ત્યારે ઓળખ ઊભી થાય. અમારે ત્યાં ફુદીના, રોઝ, ઇલાયચી, સૅફ્રન, મૅન્ગો, પાનમસાલા, તુલસી, રબડી, બટરસ્કૉચ જેવી સત્તર પ્રકારની ચા મળે છે અને ત્રણ વરાઇટી પ્રોસેસમાં છે એવી માહિતી આપતાં ધવલ કહે છે, ‘આખા મહાવીરનગરમાં તમને ચાની આટલી વરાઇટી નહીં મળે. અમારે ત્યાં મળતી દરેક ચાની ફ્લેવર યુનિક છે. એને સર્વ કરવામાં પણ ક્રીએટિવિટી ઍડ કરી છે. મિન્ટ ચા સાથે ફુદીનો, સૅફ્રન ચા સાથે કેસર, પાનમસાલા ફ્લેવરવાળી ચા સાથે વરખવાળું સુગંધી પાન, રોઝ ચા સાથે ગુલાબની પાંખડીઓથી ડેકોરેટ કરીને સર્વ કરવામાં આવે છે. ઇન્ડિયામાં બેસ્ટ ફ્લેવર્ડ ચા પત્તી ઇન્દોરની વખણાય છે. અમે ત્યાંથી જ મગાવીએ છીએ. ચાનો ઓરિજિનલ ટેસ્ટ જળવાઈ રહે એ માટે કુલ્હડમાં આપવામાં આવે છે. કુલ્હડ અને ફ્લેવર અમારા યુએસપી છે. જોકે બિઝનેસને વિસ્તારવા કૉફી અને સ્નૅક્સ રાખીએ છીએ.’
ટી૨૦માં મળતી કૉફીનો ટેસ્ટ પણ હટકે છે. એમાં ચાની ફ્લેવર ઍડ કરવામાં આવી છે એવી વાત કરતાં ધવલ કહે છે, ‘બ્લૅક હૉટ કૉફી, હૉટ ઍન્ડ કોલ્ડ ચૉકલેટ કૉફી ઉપરાંત અદરક અને મસાલા કૉફી ટેસ્ટ કરવા જેવી છે. આદુંને ખાંડીને કૉફીમાં ઍડ કરવાથી સુગંધ અને સ્વાદ બદલાઈ જાય છે. મસાલા કૉફીમાં એલચીનો પાઉડર અને ચપટી ચાનો મસાલો નાખી ખૂબ ઉકાળીને સર્વ કરવામાં આવે. ચાની ચુસકી લેતાં-લેતાં પીત્ઝા, ગાર્લિક બ્રેડ, બર્ગર, વડાપાંઉ, સૅન્ડવિચ જેવી રેગ્યુલર આઇટમો ઑર્ડર કરી શકો છો.’

 આખા મહાવીરનગરમાં તમને ચાની આટલી વરાઇટી નહીં મળે. દરેક ચાની ફ્લેવર યુનિક છે અને સર્વ કરવામાં પણ ક્રીએટિવિટી ઍડ કરી છે. - ધવલ વ્યાસ



ટી૨૦માં ટ્વેન્ટી૨૦


કસ્ટમરને આકર્ષવા ધવલ અવનવા કીમિયા શોધી કાઢે છે. કૅફેમાં દર બે મહિને મેનુની અંદર ટેમ્પરરી પિરિયડ માટે નવી આઇટમ ઍડ કરવામાં આવે છે. લેમન-ફુદીના ક્રશ અને સ્ટ્રૉબેરી ક્રશ લેટેસ્ટ આઇટમ છે. આ પહેલાં પનીર, ચીઝ અને પીત્ઝા વડાપાંઉ ઇન્ટ્રોડ્યુસ કર્યાં હતાં. હાલમાં આઇપીએલ ચાલતી હોવાથી લાઇવ સ્ટ્રિમિંગ રાખ્યું છે. કૅફેનો ટાઇમિંગ સવારે અગિયારથી રાતના સાડાબાર સુધીનો છે. ચાનો રેટ ૧૫થી ૨૫ રૂપિયા છે.


Whatsapp-channel Whatsapp-channel

27 May, 2022 02:00 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK