° °

આજનું ઇ-પેપર
Friday, 07 October, 2022


પતિની લાંબી ઉંમર માટે વ્રત કરવાં કે નહીં?

02 August, 2022 11:55 AM IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

સમય બદલાય એમ સમાજ બદલાય અને એની સાથે પરંપરા પણ બદલાય. આ બદલાવને થોડો નજીકથી સમજવાની કોશિશ કરીએ

પતિની લાંબી ઉંમર માટે વ્રત કરવાં કે નહીં?

પતિની લાંબી ઉંમર માટે વ્રત કરવાં કે નહીં?

એક સમયે સ્ત્રીઓ દિવાસો, વટસાવિત્રી કે કરવા ચૌથ જેવાં વ્રતો ખૂબ શ્રદ્ધાથી પતિની લાંબી ઉંમર માટે રાખતી. આજે આ પરંપરાને સાચવનારી સ્ત્રીઓની સંખ્યા ઘટતી જાય છે. જે સ્ત્રીઓ આ  વ્રતો રાખે પણ છે તો એ રાખવા પાછળનાં એમની પાસે જુદાં કારણો છે. સમય બદલાય એમ સમાજ બદલાય અને એની સાથે પરંપરા પણ બદલાય. આ બદલાવને થોડો નજીકથી સમજવાની કોશિશ કરીએ

અષાઢ મહિનાની અમાસે હાલમાં જ દિવાસો ગયો જેને એવરત પણ કહેવાય છે. સ્ત્રીઓ પોતાના પતિની લાંબી ઉંમર માટે એવરત કરે છે, જે લગ્ન પછીનાં પાંચ વર્ષ સુધી કરવાનું હોય છે અને એ પછી આખી જિંદગી બાળકો માટે જીવરત કરે. ઉપવાસ સરખો. બસ, એનું લક્ષ્ય બદલાઈ જતું હોય છે. પહેલાં પતિ માટે તો પછી બાળક માટે સ્ત્રી આ ઉપવાસ રાખતી હોય છે. દિવાસા પછીના દિવસે થયેલી બોરીવલીની એક કિટી પાર્ટીમાં એકઠી થયેલી લગભગ ૨૫-૪૫ વર્ષની સ્ત્રીઓ વચ્ચેના સંવાદ કંઈક આ પ્રકારના છે. 
‘કાલે દિવાસો કોણે રાખ્યો હતો?’ આ પ્રશ્નના જવાબમાં ૨૦ જણની કિટીમાંથી દસનાં મોઢાં પર પ્રશ્ન એ હતો કે દિવાસો છે શું. કિટીના વડીલ ગણી શકાય એવાં ૪૫ વર્ષનાં જયશ્રી બહેને બધાને દિવસા વિશે ટૂંકમાં જ્ઞાન આપ્યું. એ સાંભળીને ૩૦ વર્ષની વીણાએ આશ્ચર્ય સાથે પૂછ્યું કે તમે લોકોએ કાલે ખરેખર પતિની લાંબી ઉંમર માટે વ્રત રાખેલું? 
શીલા ખૂબ પ્રાઉડ સાથે બોલી, ‘મેં તો એટલે રાખેલું કે આઇ ફીલ વેરી રોમૅન્ટિક અબાઉટ ધિસ. હું તો કરવા ચૌથ અને વટસાવિત્રી પણ એટલે જ કરું છું અને મારા પતિને પણ કરાવડાવું છું. મારા સોશ્યલ સર્કલમાં અમે એટલે જ તો બેસ્ટ કપલ ગણાઈએ છીએ.’  
પોતાને ફેમિનિસ્ટ ગણાવતી વર્ષા બોલી ઊઠી, ‘આપણે ત્યાં બધાં વ્રત ફક્ત સ્ત્રીઓ માટે છે, પુરુષો માટે કંઈ નહીં. સ્ત્રીઓ જો પુરુષ માટે વ્રત કરે તો પુરુષોએ પણ સ્ત્રીઓ માટે વ્રત કરવાં જ જોઈએ.’ 
એ સાંભળીને પૂર્વીએ ચોખવટ કરી, ‘અમારા ઘરમાં વર્ષોથી પરંપરા છે. મારી મમ્મી અને સાસુ બન્નેએ કર્યાં છે એટલે એમણે મને જ્યારે કરવા કહ્યું ત્યારે મને થયું ઠીક છે, આમ પણ આજકાલ મારી ફ્રૂટ ડાયટ જ ચાલે છે. એટલે તકલીફ પડશે નહીં અને ઘરમાં બધા ખુશ પણ રહેશે.’  
‘સાચું કહું તો મને રાજગરાની પૂરી અને શ્રીખંડ ખૂબ જ ભાવે. એટલે કોઈ પણ વ્રત કરવાની હું ક્યારેય ના પાડું નહીં. એમાં જો પૅટીસ મળી જાય...!’ મોંમાં જાણે કોઈએ પૅટીસ જ મૂકી દીધી હોય એવા ભાવ સાથે અનુ બોલી ઊઠી. 
આ બધી વાતોમાં કિટીની સૌથી વધુ ડાહી ગણાતી સુકન્યા બોલી, ‘મને તો શ્રદ્ધા છે વ્રતો ઉપર. પરંપરાનું પાલન કરવું જ જોઈએ. એના પર પ્રશ્નો શું ઉઠાવવાના કે તમે વ્રત કરો તો ખરેખર તમારા પતિની ઉંમર વધે જ કે નહીં? જો આવો પ્રશ્ન કરો તો ન વધે. શ્રદ્ધા રાખો તો વધે.’ 
‘અરે! દરેક વાત શ્રદ્ધા પર આવીને કઈ રીતે અટકાવી દે છે તું?’ સ્પિરિચ્યુઅલ લાઇફમાં ઘણી આગળ વધેલી પ્રજ્ઞા બોલી, ‘ધર્મને સાચી રીતે સમજવો જરૂરી છે. આપણો ધર્મ કહે છે કે દરેક વ્યક્તિનું જીવન અને મૃત્યુ બન્ને નિશ્ચિત જ છે. બધું જ લખાયેલું છે. એક દિવસનો ઉપવાસ એને હલાવી શકે નહીં.’ 
મૉડર્ન મનાલીએ કહ્યું, ‘સાચું કહું તો હું અને મારા હસબન્ડ બન્ને આમાં માનતાં નથી. તેની લાંબી ઉંમર થાય એ માટે અમે બન્ને દરરોજ સાથે એક્સરસાઇઝ કરીએ છીએ. હેલ્ધી ખોરાક લઈએ છીએ અને મેન્ટલી એકબીજાને અઢળક પ્રેમ અને સપોર્ટ આપીએ છીએ. વ્રતથી ઉંમર વધે કે ન વધે, આ બધું કરવાથી અમે બન્ને હેલ્ધી જીવન જીવી શકીશું.’ 
જેને જેમ ઠીક લાગે એમ એ કરી શકે છે એ વાત પર છેલ્લે આ ગરમાગરમ ડિસ્કશનને ઠંડા આઇસક્રીમ વડે શાંત કરી દેવામાં આવ્યું. 
ઉપવાસ કરવાના તો કેમ? 
ધર્મ સનાતન છે પરંતુ પરંપરાઓ સમયને અને સમાજને આધીન છે. સમય બદલાય એમ સમાજ બદલાય અને એની સાથે પરંપરા પણ બદલાય. રીતભાતો અને રહેણીકરણી પણ બદલાય. એટલે જ પહેલાંની સ્ત્રીઓ પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખતી હતી, પણ આજે સમય બદલાયો છે. એ વિશે વાત કરતાં એસએનડીટી કૉલેજનાં પ્રોફેસર રેણુકા પ્રજાપતિ કહે છે, ‘એક સમય હતો જ્યારે સ્ત્રીઓને પ્રશ્નો પૂછવાનો અધિકાર નહોતો એટલે તેમને પ્રશ્નો સૂઝતા પણ નહીં. આજની ભણેલી-ગણેલી સ્ત્રીઓ પ્રશ્નો પૂછે છે. ઉપવાસ કરવાનો તો કેમ કરવાનો? આ ‘કેમ’નો જ્યાં સુધી તેમને સંતોષકારક જવાબ ન મળે ત્યાં સુધી તેઓ એ વાતને આંખ બંધ કરીને ફૉલો કરે એવું નથી બનતું. એવું કરવું પણ ન જોઈએ. આંખો બંધ કરીને જે પરંપરાઓ અનુસરવામાં આવે એ સમય જતાં ખોખલી બની જાય છે. આજની સ્ત્રી જાણે છે અને માને પણ છે કે સાવિત્રીએ આ વ્રત કરીને પોતાના પતિ સત્યવાનના પ્રાણ પાછા લાવ્યા હતા. સીતાના સતીત્વ વિશે પણ તે અવગત છે. પરંતુ એ પોતે સાવિત્રી કે સીતા નથી એ પણ તે જાણે છે.’ 
સ્ત્રી નહીં, દામ્પત્ય બદલાયું છે
ઘણા લોકો પરંપરામાં ન માનતી આજની સ્ત્રીઓને ગુનેગારની દૃષ્ટિએ પણ જોતા હોય છે. તેઓ માને છે કે સ્ત્રીઓ બદલાઈ ગઈ છે એને લીધે પરંપરાઓને જીવંત રાખી શકાતી નથી. પણ હકીકત એવી નથી એમ જણાવતાં રેણુકાબહેન કહે છે, ‘સ્ત્રીઓ નથી બદલાઈ, દામ્પત્ય બદલાઈ ગયું છે. પહેલાંના સમયમાં પતિ-પત્નીના સંબંધોમાં સમાનતા નહોતી, પરંતુુ આજે છે. બીજું એ કે આજના દામ્પત્યમાં ઘણી સમજદારી જોવા મળે છે. બેમાંથી કોઈ બીજા પર જબરદસ્તી કશું લાદતા નથી. પ્રેમ તો છે જ પણ એ પ્રેમ અને સમર્પણનાં સ્વરૂપો ઘણાં જુદાં છે. ઉપવાસ ભલે ન કરતી હોય, પણ આજે તે પોતાના પતિની હેલ્થનું ધ્યાન રાખવામાં કોઈ કચાશ ન રાખતી હોય તો પણ એ સમર્પણ જ છે.’ 
અંગત નિર્ણય 
જૂની પેઢી જે શ્રદ્ધા સાથે પતિના આયુષ્ય માટે વ્રતો કરતી એવી શ્રદ્ધા સાથે આજની પેઢી નથી કરતી, એ વિશે વાત કરતાં સાહિત્ય સર્જનમાં સ્ત્રીઓનો સૂર સ્પષ્ટ કરતી લેખિની સંસ્થાનાં પ્રમુખ પ્રીતિ જરીવાલા કહે છે, ‘મારાં મમ્મીને આવાં વ્રતોમાં અખૂટ શ્રદ્ધા હતી. ખૂબ મનથી એ આ વ્રતો કરતી, પણ હું આ વ્રતો નથી કરતી. મારી માને એમાં પૂરી શ્રદ્ધા હતી, મને બિલકુલ નથી. પણ હું મારી માને ખોટી નથી કહેતી કે નથી હું એવું કહેતી કે હા, મારે પણ એ કરવાં જોઈએ. આ એક અંગત નિર્ણય અને માન્યતા છે. જે સ્ત્રીઓ કરે છે તેમની પાસે પોતાનાં કારણો છે અને જે સ્ત્રીઓ નથી કરતી તેમની પાસે એનાં પોતાનાં કારણો છે. ફેમિનિઝમ અંતે એ જ છે કે જે સ્ત્રીને જે યોગ્ય લાગતું હોય એ કરવાની તેને છૂટ હોવી જોઈએ. પૂરી સ્વતંત્રતા હોવી જોઈએ. જેમ આપણે વ્રત કરતી સ્ત્રીને માન આપીએ એમ ન કરતી સ્ત્રીને પણ એટલું જ માન અપાવું જરૂરી છે.’  

 આજની ભણેલી-ગણેલી સ્ત્રીઓ પ્રશ્નો પૂછે છે. ઉપવાસ કરવાનો તો કેમ કરવાનો? આ ‘કેમ’નો જ્યાં સુધી તેમને સંતોષકારક જવાબ ન મળે ત્યાં સુધી તેઓ એ વાતને આંખ બંધ કરીને ફૉલો કરે એવું નથી બનતું.  - રેણુકા પ્રજાપતિ

મૉડર્ન અને ભણેલી સ્ત્રી કરવા ચૌથ કરે?

જાણીતાં ઍક્ટ્રેસ રત્ના પાઠક શાહે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં કહેલું કે, ‘આપણો સમાજ દિવસે ને દિવસે રૂઢીવાદી બનતો જાય છે. આજથી પહેલાં કોઈ દિવસ કોઈએ મને પૂછ્યું નહોતું કે તમે કરવા ચૌથ કરો છો? ગયા વર્ષે પહેલી વાર મને કોઈએ પૂછ્યું. મેં એમને કહ્યું, પાગલ છું હું? એ ભયાવહ નથી કે એક મૉડર્ન, ભણેલી-ગણેલી સ્ત્રી કરવા ચૌથ કરે? પતિના લાંબા જીવન માટે પ્રાર્થનાઓ કરે, કારણ કે એના થકી તેના જીવનને સાર્થકતા મળે? ભારતીય સમાજમાં વિધવા હોવું ભયાનક છે. તો કંઈ પણ જે મને વિધવા થવાથી બચાવી શકે એ હું કરીશ. ખરેખર? આ ૨૧મી શતાબ્દીમાં આપણે આવું વિચારીએ છીએ? ભણેલી-ગણેલી સ્ત્રીઓ આવું માને છે?’  
આ બાબતે અમુક લોકોએ ઊહાપોહ મચાવ્યો છે કે રત્ના પાઠક શાહે ધર્મ અને પરંપરાઓનું અપમાન કર્યું છે તો ઘણા એવું માને છે કે તેમણે ભારતીય સમાજની જુનવાણી માનસિકતાને છતી કરી છે અને જો સ્ત્રીનું સૌભાગ્ય ન રહે તો તેનું અસ્તિત્વ જ જાણે કે જોખમાય ગયું હોય એવા સમાજના એકતરફી વલણ તરફ આંગણી ચીંધી છે.

02 August, 2022 11:55 AM IST | Mumbai | Jigisha Jain

અન્ય લેખો

અનેક મર્યાદાઓ છતાં આત્મનિર્ભરતા એ જ જીવનમંત્ર

આજીવન સાથે રહેનારી શારીરિક-માનસિક મર્યાદાઓ અને જબરદસ્ત પરાવલંબી સ્થિતિ છતાં હિંમત ટકાવી રાખનારા સેરિબ્રલ પૉલ્ઝીના દરદીઓની સંઘર્ષકથા જાણશો તો સૅલ્યુટ કરવાનું મન થશે

06 October, 2022 02:22 IST | Mumbai | Jigisha Jain

કૉફી હેલ્ધી છે કે અનહેલ્ધી?

ઇન્ટરનૅશનલ કૉફી દિવસ પર જાણીએ મેડિકલ પ્રોફેશનલ્સ પાસેથી કે કૉફી ખરેખર સ્વાસ્થ્ય માટે કેવી છે

01 October, 2022 03:48 IST | Mumbai | Jigisha Jain

યુવાનો માટે ફ્રેન્ડ, ફિલોસૉફર અને ગાઇડની ભૂમિકા ભજવી શકે છે પૉડકાસ્ટ

સ્પિરિચ્યુઅલથી માંડીને સેલ્ફ હેલ્પ, કરીઅર ગાઇડન્સથી લઈને કૉમેડી જેવા અગણિત જુદા-જુદા વિષયો પરના પૉડકાસ્ટ યુવાનોને બહોળા પ્રમાણમાં તક અને ચૉઇસ બંને આપે છે

30 September, 2022 02:56 IST | Mumbai | Jigisha Jain

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK