Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આંખ અત્યારેય છે દહેશત નીચે

આંખ અત્યારેય છે દહેશત નીચે

10 April, 2022 02:46 PM IST | Mumbai
Hiten Anandpara

તમે વિમાનમાં બેઠા હો ત્યારે નીચે ધરતી કેવી સરસ લાગે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


તમે વિમાનમાં બેઠા હો ત્યારે નીચે ધરતી કેવી સરસ લાગે. વિશાળતાનો અનુભવ થાય. એમાં પણ બર્ફીલા પર્વતો પરથી પસાર થવાની તક મળે તો જેમ સોનામાં સુગંધ ભળે એમ ઉડાનમાં બરફ ભળે. બીજી તરફ માત્ર બત્રીસ માળ ઊંચા મકાનની અગાશી પરથી નીચે ગલીઓમાં ચાલતા માણસો દેખાય ત્યારે વામણાપણાનો ખ્યાલ આવે. કેટલાક સવાલો મનમાં ઊઠે છે એમાં જિજ્ઞેશ વાળા ઉમેરે છે...

ભીંતને રાખી જિગરમાં ક્યાં જવું એ પ્રશ્ન મોટો?
આપણા ખુદના જ ઘરમાં ક્યાં જવું એ પ્રશ્ન મોટો?
આપણે તો છાંયડા નીચે તરત આવી જવાના
પાંદડાંને પાનખરમાં ક્યાં જવું એ પ્રશ્ન મોટો?
આ પંક્તિઓને યુક્રેનના સંદર્ભમાં જુઓ. તહસનહસ થયેલાં મકાનોમાં એકલદોકલ રહેતો કોઈ માણસ કેટલું ગમખ્વાર અનુભવતો હશે. બૂચા શહેરમાં જે માનવસંહાર થયો એની તસવીરો જોઈને થાય કે આપણી માનસિકતા હજી અઢારમી સદીની જ છે. છતી આંખે બધા જોઈ રહ્યા છે છતાં કશું નિવારણ આવતું નથી. રશિયાનો રાક્ષસી પંજો યુક્રેનને નેસ્તનાબૂદ કરવા મથી રહ્યો છે. ભાવેશ ભટ્ટની વાત કડવી લાગશે, પણ સાચી છે...
ક્યારનો ચિંતા કરે છે કાલની!
ઠાર પહેલાં આગ અબ્બીહાલની
આભ નીચે એક જણ કચડાઈ ગ્યો
છે જરૂરત કોઈને અહેવાલની?
એક જણનું દુઃખ આખરે સમાજનું જ દુઃખ છે. એકમાં બીજા ઉમેરાતા જાય એટલે અનેક બને. આ સરવાળો કરીએ ત્યારે પીડાનો પર્વત ઊંચો થતો જાય. વિશ્વ અનેક સંકટોનો સામનો કરી રહ્યું છે. શ્રીલંકા અને પાકિસ્તાન દેવાળિયા થવાની લાઇનમાં ઊભાં છે. મજબૂત મનાતા ઇઝરાયલની સત્તામાં ઊથલપાથલ શરૂ થઈ છે. ચીનમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે. ક્રૂડના વધતા જતા ભાવ વૈશ્વિક અર્થતંત્ર માટે ક્રૂર પુરવાર થઈ રહ્યા છે. સુભાષ શાહ વિમાસણ વ્યક્ત કરે છે...
એકલતાના અડાબીડમાં એવો તો અટવાયો 
કે આમ ફરું તો દિશા નડે ને આમ ફરું તો પાસું
દીવાલ ક્યાં છે? બારી ક્યાં છે? ક્યાં છે ઉપર-નીચે?
અંદર જેવું છે જ નહીં ત્યાં દરવાજો શું વાસું?
દરવાજો વાસીને આપણે સલામતી અનુભવીએ. ઘરની ચાર દીવાલો મિસાઇલોના માર ન ઝીલી શકે, પણ આપણાં ડૂમાં ને ડૂસકાં જરૂર સાચવી શકે. દીવાલોનો રંગ ઊખડેલો હોય તો ચાલે, પણ મજબૂતી બરકરાર રહેવી જોઈએ. રશિયા-યુક્રેનનું યુદ્ધ જોતાં લાગે છે કે તાણી-તૂસીને પણ દુશ્મન દેશ સામે ઝીંક લેવા પગભર અને આત્મનિર્ભર થવું પડે. જયંત વસોયા અદૃશ્યને આલેખે છે... 
બિંબને ઓળખ, ત્યજી પ્રતિબિંબ તું
તારું સાચું રૂપ તક્તામાં નથી.
એક છત નીચે નિકટ સૌ આપણે
એનું શું જે ભીંત નકશામાં નથી?
શાસ્ત્રો અને વ્યૂહના મામલામાં અપગ્રેડ ન થઈએ તો ડાઉનગ્રેડ થવાનો વારો આવે. યુદ્ધ આવકાર્ય નથી, પણ જો અસ્તિત્વનો સવાલ આવે તો લડવું પડે. યુદ્ધનો વારો ન આવે એ માટે ફૂંફાડો રાખવો પડે. ફૂંફાડો સર્જવા માટે આર્થિક સધ્ધરતા અને જનતાનું સમર્થન જોઈએ. યુક્રેનથી હિજરત કરી ગયેલા નાગરિકો હવે હિજરાતી જિંદગીના મોહતાજ બની ગયા છે. જે હાથે આપ્યું હોય એ હાથે લેવું પડે એ દર્દનાક છે. ચિનુ મોદીના શેરમાં તેમની હાય અને શ્રાપ સાંભળી શકાશે... 
હું ભિખારી છું અને તું પણ ગરીબી ભોગવે 
લાગણીના કેટલા સિક્કા પડાવું બાદશા’
એક દરિયો પગ વગર પણ કેટલું દોડી શકે 
તખ્ત નીચે પાય મૂકે તો બતાવું બાદશા’
તખ્ત સાચવવા અને વિસ્તારવાની લડાઈમાં આખરે તો સામાન્ય નાગરિક જ ખપ્પરમાં હોમાય છે. તેની આહ ખંડેરોમાં એકલવાયી ચીસ બનીને ઘૂમરાતી રહી જાય. સત્તાધારીઓની લડતમાં જિંદગીનો ખો નીકળી જાય. રાકેશ સાગર સગર એનો નિર્દેશ કરે છે...
કરે છે રોજ પક્ષપલટો કોઈ ભીતર
હૃદયમાં આ કેવી સરકાર ચાલે છે
જરા નીચે નમીને જો ખબર પડશે
દીવા નીચે ઘણો અંધાર ચાલે છે
ડૉ. મહેશ રાવલ આ અંધારાનું કારણ સમજાવે છે...
કેટલાક એવાય સરવાળા થયા છે
ફૂલ ઓથે શૂળ રૂપાળાં થયાં છે 
રોજ ઠલવાતાં હશે ત્યાં સ્વપ્નનાં શબ
આંખ નીચે, એનાં જ કૂંડાળાં થયાં છે 



ક્યા બાત હૈ


એક ઓછી ભીંતવાળી છત નીચે
શું લખું તમને લખેલા ખત નીચે?

આંસુની મોસમ વીતી ગઈ છે છતાં
આંખ અત્યારેય છે દહેશત નીચે


છેક નખશિખ જોઈ તલવારો ચલાવી
એ જ જૂની એમની આદત નીચે

કેટલાં વરસો પછી ભેગા થયા
ઓળખીતી આપણી હાલત નીચે

આપની મેડી જ જાલિમ નીકળી
એક બૂમે ચાંદ પણ આવત નીચે

નવનીત જાની

Whatsapp-channel Whatsapp-channel

10 April, 2022 02:46 PM IST | Mumbai | Hiten Anandpara

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK