° °

આજનું ઇ-પેપર
Friday, 07 October, 2022


આ સોસાયટી વર્ષે ૫૦ લાખ લિટર વરસાદનું પાણી બચાવે છે

31 July, 2022 01:29 PM IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

કામો થકી સાયનની અવંતીનિકેતન કો-ઑપરેટિવ સોસાયટી આત્મનિર્ભર બનવાની કોશિશમાં છે. એનો આ પ્લાન એટલો પ્રેરણાદાયી છે કે બીજી સોસાયટીઓ પણ ઘણું શીખી શકે છે

સિવિક ઍક્ટિવિસ્ટ અને સોસાયટીનાં રહેવાસી પાયલ શાહ.  આશિષ રાજે

સિવિક ઍક્ટિવિસ્ટ અને સોસાયટીનાં રહેવાસી પાયલ શાહ. આશિષ રાજે

રેઇન વૉટર હાર્વેસ્ટિંગ દ્વારા લગભગ ૩૦-૩૫ ટકા જેટલું જરૂરિયાતનું પાણી જમા કરવું, સૂકો-લીલો કચરો જુદો કરવો અને એ લીલા કચરામાંથી ગાર્ડનમાં જરૂરી ખાતર ખુદ જ બનાવવું જેવાં કામો થકી સાયનની અવંતીનિકેતન કો-ઑપરેટિવ સોસાયટી આત્મનિર્ભર બનવાની કોશિશમાં છે. એનો આ પ્લાન એટલો પ્રેરણાદાયી છે કે બીજી સોસાયટીઓ પણ ઘણું શીખી શકે છે

મુંબઈ આકાશને ચૂમતી બુલંદ ઇમારતોની નગરી છે. આજે મુંબઈમાં ભલે આવી અઢળક ઇમારતો હોય, પરંતુ એક સમયે ગણી-ગાંઠી ઇમારતો હતી જે મુંબઈની શાન ગણાતી અને એમાંથી જ એક છે સાયન પાસે આવેલા ષણ્મુખાનંદ હૉલની એકદમ નજીક આવેલું ૧૮ માળનું અવંતી અપાર્ટમેન્ટ. આજથી ૪૫ વર્ષ પહેલાં બનેલા આ બિલ્ડિંગમાં ૧૩૦ ફ્લૅટ છે અને લગભગ ૫૦૦ આસપાસ લોકો અહીં રહે છે. આજથી ૪૫ વર્ષ પહેલાં સ્કાયસ્ક્રેપર, જ્યાંથી મુંબઈનો વ્યુ સુપર્બ જોઈ શકાય એવાં ચુનંદા બિલ્ડિંગોમાંનું એક આ બિલ્ડિંગ હતું, જેમાં એ સમયથી સ્વિમિંગ પૂલ પણ છે, એ પણ નાનોસૂનો નહીં, મહાકાય. જોકે જૂના બિલ્ડિંગને મજબૂત બનાવવા માટે અત્યારે રિનોવેશન કામ ચાલે છે, જે હજુ અમુક વર્ષો ચાલશે. 
વરસાદનું પાણી 
અવંતી અપાર્ટમેન્ટ ફક્ત જૂનું બુલંદ બિલ્ડિંગ નથી. અહીંના રહેવાસીઓ ઘણા જાગૃત હોવાને કારણે મુંબઈનાં એ બિલ્ડિંગોમાંનું પણ એક છે, જ્યાં આજથી ૧૦-૧૨ વર્ષ પહેલાંથી રેઇન વૉટર હાર્વેસ્ટિંગ માટે પહેલ કરાઈ હતી. વરસાદનું પાણી સંગ્રહ કરીને વાપરવું એ પર્યાવરણ માટે જ નહીં, બિલ્ડિંગ માટે પણ કેટલું હિતકારી છે એ આ અપાર્ટમેન્ટના લોકો ઘણું પહેલાં સમજી ગયા હતા. એ સમયે શું બન્યું હતું એ યાદ કરતાં બિલ્ડિંગના કમિટી મેમ્બર પરેશ વરૈયા કહે છે, ‘અમારો એરિયા એટલે કે ગાંધી માર્કેટનો એરિયા નીચાણવાળો વિસ્તાર છે. એટલે અમારે ત્યાં વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા અતિ છે. વરસાદમાં જે હાલાકી ભોગવવી પડે એના ઉપાયસહ અમારા બિલ્ડિંગના જ એક એન્જિનિયરે અમને સૂચન કર્યું કે આપણે સોસાયટીમાં રેઇન વૉટર હાર્વેસ્ટિંગ કરીએ. વરસાદનું જે પાણી બિલ્ડિંગમાં ભરાઈ રહે છે એનો સંચય કરીશું તો એ આપણને જ કામ લાગશે. ખરું કહું તો એ સમયે પાણીની અછત બિલ્ડિંગને હતી નહી, પરંતુ ગૌરાંગ દામાણી એટલે કે અમારા બિલ્ડિંગમાં રહેતા એન્જિનિયરે જ્યારે બધાને આનું મહત્ત્વ સમજાવ્યું ત્યારે બધાને એ વાત ગળે ઊતરી અને બધા એના માટે તૈયાર થયા.’ 
પૈસા અને પાણી બંનેની બચત 
પરંતુ એ એટલું સરળ પણ નહોતું. આ કામ કઈ રીતે આદરવામાં આવ્યું એ યાદ કરતાં કમિટી મેમ્બર નીરવ શાહ કહે છે, ‘પહેલાં બિલ્ડિંગના પાણીના ઉપયોગનું ડીટેલ ઑડિટ કરવામાં આવ્યું, જેમાં ખબર પડી કે બિલ્ડિંગના ૩૦-૩૫ ટકા જેટલો પાણીનો વપરાશ ફ્લશ ટૅન્કનો છે. રેઇન વૉટર હાર્વેસ્ટિંગ વડે જે પાણી બચાવવામાં આવશે એનો ઉપયોગ આ ફ્લશ ટૅન્કમાં તો થશે જ. એ સિવાય ગાર્ડનમાં, ગાડીઓ ધોવામાં, બિલ્ડિંગની લાદી ધોવામાં અને કૉમન ટૉઇલેટ્સમાં વપરાશે તો સોસાયટીના વૉટર બિલિંગમાં ઘણી રકમ બચશે એવી યોજનાસર કામ કરાયું અને એનું રિઝલ્ટ પણ એવું જ આવ્યું. છેલ્લાં કેટલાંય વર્ષોથી અમે પાણીના પૈસા અને પાણી બંને બચાવી રહ્યા છીએ.’ 
સૂકો-લીલો કચરો 
છેલ્લાં પાંચ-છ વર્ષથી અવંતી બિલ્ડિંગમાં સૂકો અને લીલો કચરો જુદો-જુદો જ લેવામાં આવે છે, જે કરવાનું સરળ નથી હોતું, એમ કહેતાં બિલ્ડિંગનાં જૂનાં રહેવાસી અને સિવિક ઍક્ટિવિસ્ટ પાયલ શાહ કહે છે, ‘ખાલી કહી દેવાથી સૂકો કે લીલો કચરો અલગ-અલગ નથી થઈ જતા. મુખ્ય તકલીફ એ છે કે ઘરે એ આદત જ નહોતી કોઈને. વળી, રહેવાસીઓ માણી જાય તો પણ આ કામ ઘરોમાં મુખ્યત્વે બાઈઓ જ કરે છે. ઘરની કુક કે કામવાળી જ છે જેને ટ્રેઇન કરવાં જરૂરી છે કે કચરો અલગ-અલગ જ રાખવો. બધાં ઘરોમાં સ્રીઓએ પોતાની બાઈઓને ટ્રેઇન કરવાનું શરૂ કર્યું, પણ મુખ્ય તકલીફ ત્યાં આવી જ્યાં કચરો એકઠો કરનારા સ્વિપર્સ જ બંને કચરાઓ ભેગા કરવા લાગ્યા. બિલ્ડિંગની અમુક જાગૃત સ્ત્રીઓએ કમિટીનું ધ્યાન દોર્યું. સ્વિપરને સમજાવવા પડ્યા કે તમારે બંને કચરા અલગ જ લેવા. થોડો સમય તકલીફ થઈ, પણ પછી બધાને આદત પડી ગઈ. સૌથી સારું તો એ છે કે અમારા બિલ્ડિંગનાં બાળકોને સ્કૂલોમાં આ વસ્તુ શીખવવામાં આવી, જેથી ઘરમાં તેઓ જ આ બાબતે ધ્યાન રાખવા લાગ્યા.’ 
કમ્પોસ્ટ બનાવે છે ખુદ 
જ્યારે લીલો અને સૂકો કચરો અલગ થયા ત્યારે સોસાયટીમાં એ વિચાર પણ શરૂ થયો કે કેમ આપણે આપણું ખાતર ખુદ જ ન બનાવીએ? જે વિશે વાત કરતાં કમિટી મેમ્બર લોમેશ તકવાની કહે છે, ‘કેમ્પસમાં જગ્યા ઘણી હતી અને કમ્પોસ્ટ બનાવવા માટે અમારી પાસે લીલો કચરો પણ. બસ જરૂર હતી કોઈ જાણકારની, જે આ કામ કરી શકે. એના માટે સોસાયટીમાં અલગથી બજેટ આપવામાં આવ્યું અને બહારથી એક પ્રોફેશનલ ભાઈને અમે અપ્રૉચ કરી કમ્પોસ્ટ બનાવીએ છીએ, જેને કારણે અમારું કૅમ્પસ એકદમ ગ્રીન છે અને અમારા ગાર્ડનમાં બહારના ખાતરની જરૂર પડતી નથી. આ બધી કોશિશો એટલે માટે છે કે એક સોસાયટી તરીકે અમે આત્મનિર્ભર બની શકીએ.’ 
સિનિયર સિટિઝન્સને સધિયારો
આખા અવંતી નિકેતન બિલ્ડિંગમાં ૬૦ જેટલા સિનિયર સિટિઝન રહે છે જેમનું આખું એક ગ્રુપ છે. આ ગ્રુપ લગભગ દર મહિને એક પાર્ટી કોઈ ને કોઈ બહાના હેઠળ રાખતું હોય છે, જે વિશે વાત કરતાં પાયલ શાહ કહે છે, ‘કોઈ પણનો બર્થ-ડે, બાળકોનાં રિઝલ્ટ, કોઈની ઍનિવર્સરી જેવા કોઈ પણ બહાના હેઠળ સિનિયર સિટિઝનો બધા મળે અને પાર્ટી કરે. એમાંથી ઘણા એવા પણ છે, જેમનાં બાળકો યુએસ રહે છે અને તેઓ અહીં એકલા છે, પણ બિલ્ડિંગમાં બધાનો પ્રેમ એટલો છે કે એકલું લાગે જ નહીં. બધાને એકબીજાનો સધિયારો છે.’

આ સોસાયટીમાં હાલમાં તો કોઈ જ બૅટરી ઑપરેટેડ વેહિકલ છે નહીં, પરંતુ તાતા પાવર દ્વારા હાલમાં જ જુદી-જુદી સોસાયટીમાં ચાર્જર ફ્રીમાં ઇન્સ્ટૉલ કરવાની ઑફર ચાલી રહી હતી ત્યારે એ લોકોએ ભવિષ્યનું વિચારીને ચાર્જર નખાવ્યું છે.

કેટલું પાણી ભેગું કરી રહ્યા છે? 
અવંતી નિકેતન અપાર્ટમેન્ટના જૂના રહેવાસી અને એન્જિનિયર ગૌરાંગ દામાણી પાસેથી જાણીએ કે રેઇન વૉટર હાર્વેસ્ટિંગ વડે બિલ્ડિંગને કેટલું પાણી મળે છે. 
ટેક્સાસ નૅચરલ રિસોર્સ કન્ઝર્વેશન કમિશનના નિયમ મુજબ દર હજાર સ્ક્વેર ફુટના એરિયામાં પડતા એક ઇંચ વરસાદમાં ૨૩૦૦ લિટર પાણી જમા થાય. મુંબઈમાં ઍવરેજ દર વર્ષે ૧૮૦૦ મીમી અથવા ૭૨ ઇંચ વરસાદ પડે છે, પણ એવું સમજો કે બધું પાણી આપણે જમા ન કરી શકીએ અને અમુક ગટરમાં વેડફાઈ જાય અને કદાચ જે પ્રકારની ડિઝાઇન અને કૅપેસિટીનું રેઇન વૉટર હાર્વેસ્ટિંગનું સ્ટ્રક્ચર આપણે બનાવ્યું છે એનું પણ થોડું લિમિટેશન નડે તો પણ આ આંકડાનું કુલ ૭૫થી ૯૦ ટકા જેટલું પાણી તો બચાવી જ શકાય. અવંતીનિકેતન કો-ઑપરેટિવમાં છત અને રોડ મળીને ૪૦,૦૦૦ સ્કેવર ફુટની જગ્યા નીકળે છે જ્યાં વરસાદનું પાણી ઝીલી શકાય છે. 
તો ફૉર્મ્યુલા પ્રમાણે (૪૦૦૦૦ સ્ક્વેર ફુટનો એરિયા x ૭૨ ઇંચ વરસાદ x ૨૩૦૦ લિટર ઇંચદીઠ જમા થતું પાણી x ૦.૭૫ જેટલી ક્ષમતા)/૧૦૦૦ =દર વર્ષે કુલ ૫૦,૦૦,૦૦૦ લિટર પાણી પ્રાપ્ત કરી શકાય અથવા ફક્ત વરસાદની સીઝનમાં દર મહિને ૧૨,૫૦,૦૦૦ લિટર પાણી જમા થાય છે.

31 July, 2022 01:29 PM IST | Mumbai | Jigisha Jain

અન્ય લેખો

અનેક મર્યાદાઓ છતાં આત્મનિર્ભરતા એ જ જીવનમંત્ર

આજીવન સાથે રહેનારી શારીરિક-માનસિક મર્યાદાઓ અને જબરદસ્ત પરાવલંબી સ્થિતિ છતાં હિંમત ટકાવી રાખનારા સેરિબ્રલ પૉલ્ઝીના દરદીઓની સંઘર્ષકથા જાણશો તો સૅલ્યુટ કરવાનું મન થશે

06 October, 2022 02:22 IST | Mumbai | Jigisha Jain

કૉફી હેલ્ધી છે કે અનહેલ્ધી?

ઇન્ટરનૅશનલ કૉફી દિવસ પર જાણીએ મેડિકલ પ્રોફેશનલ્સ પાસેથી કે કૉફી ખરેખર સ્વાસ્થ્ય માટે કેવી છે

01 October, 2022 03:48 IST | Mumbai | Jigisha Jain

યુવાનો માટે ફ્રેન્ડ, ફિલોસૉફર અને ગાઇડની ભૂમિકા ભજવી શકે છે પૉડકાસ્ટ

સ્પિરિચ્યુઅલથી માંડીને સેલ્ફ હેલ્પ, કરીઅર ગાઇડન્સથી લઈને કૉમેડી જેવા અગણિત જુદા-જુદા વિષયો પરના પૉડકાસ્ટ યુવાનોને બહોળા પ્રમાણમાં તક અને ચૉઇસ બંને આપે છે

30 September, 2022 02:56 IST | Mumbai | Jigisha Jain

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK