° °

આજનું ઇ-પેપર
Wednesday, 26 January, 2022


અકસ્માત પછી વધેલા વજનને ગજબ રીતે ઘટાડ્યું આ ભાઈએ

10 January, 2022 08:32 PM IST | Mumbai | Ruchita Shah

હાર્દિક શાહને ફરક પડ્યો ત્યારે જ્યારે હેવી વેઇટ ધરાવતા તેમના ખાસ મિત્રને સ્ટ્રોક આવ્યો. એ પછી સ્ટ્રૉન્ગ વિલપાવરનો ઉપયોગ કરીને તેમણે કેવો ચમત્કાર સર્જ્યો એ વિશે જાણીએ‍‍

અકસ્માત પછી વધેલા વજનને ગજબ રીતે ઘટાડ્યું આ ભાઈએ

અકસ્માત પછી વધેલા વજનને ગજબ રીતે ઘટાડ્યું આ ભાઈએ

વેઇટ થઈ ગયું હતું ૮૮માંથી ૧૧૮ કિલો. જોકે કંઈ ખાસ ફરક નહોતો પડી રહ્યો એનાથી બોરીવલીના હાર્દિક શાહને. તેમને ફરક પડ્યો ત્યારે જ્યારે હેવી વેઇટ ધરાવતા તેમના ખાસ મિત્રને સ્ટ્રોક આવ્યો. એ પછી સ્ટ્રૉન્ગ વિલપાવરનો ઉપયોગ કરીને તેમણે કેવો ચમત્કાર સર્જ્યો એ વિશે જાણીએ‍‍

જીવનમાં જ્યારે પણ સંકટ આવે ત્યારે માણસની અંદર રહેલી કેટલીક છૂપી શક્તિઓ બહાર આવતી હોય છે. 
કન્સ્ટ્રક્શનનું કામ કરતા બોરીવલીના હાર્દિક હર્ષદ શાહને આ અનુભવ થયો છે. એક જોરદાર અકસ્માત થયો. પગ પરથી બમ્પર પસાર થઈ ગયું. હાલત એવી હતી કે પગનાં ઘૂંટણ અને એડી જાણે લટકતાં હતાં. જૅપનીઝ ટેક્નૉલૉજીના એક એક્સપર્ટ ડૉક્ટરની મદદથી તેમની સર્જરી થઈ. ડૉક્ટરનું કહેવું હતું કે દોઢથી બે વર્ષ સુધી તેઓ ઊભા નહીં થઈ શકે. જોકે છ મહિનાના બેડ-રેસ્ટ પછી તેઓ ચાલવા માંડેલા. વિલપાવર શું કરી શકે એનો આ અનુભવ આજ સુધી જીવનના દરેક ટાસ્કને પૂરા કરવામાં તેમને કામ લાગી રહ્યો છે. ૩૮ વર્ષની ઉંમરે ૧૧૮ કિલો વજન સાથે પણ તેમનું જીવન મજાનું પસાર થઈ રહ્યું હતું પરંતુ એમાં બ્રેક ક્યારે લાગી અને કઈ રીતે ફરી એક વાર તેમણે જીવનને ટ્રાન્સફૉર્મ કરવાની જર્ની શરૂ કરી એની રસપ્રદ વાતો જાણીએ. 
વેકઅપ કૉલ
બન્યું એવું કે હાર્દિકભાઈના એક ખાસ મિત્રને અચાનક સ્ટ્રોક આવ્યો. હાર્દિક કહે છે, ‘અમે બહુ જ ક્લોઝ ફ્રેન્ડ. તેનું વજન પણ સારુંએવું. જોકે તેની હેલ્થને અચાનક થયેલા ડૅમેજે મને વિચાર કરતો મૂકી દીધો. મિત્રની મદદે તો પહોંચ્યો પણ તેની અવસ્થાએ મને મારી જાતને પણ મદદ કરવાની જરૂર છે એ વાત સમજાવી દીધી. એમાં જ શરૂ થઈ વેઇટલૉસની યાત્રા. ખાવાનો હું ગજબ શોખીન છું. વરાઇટી પણ ખૂબ અલગ-અલગ ટ્રાય કરું અને ક્વૉન્ટિટી પણ સારીએવી હોય મારા મીલમાં. હું ખાવા પર કન્ટ્રોલ કરી શકું એવું એકેય મારા મિત્ર સ્વીકારી ન શકે. મારું નામ મારા મિત્રોએ ફૂડ પાન્ડા રાખ્યું છે. આખા મુંબઈમાં ક્યાં શું સારું ખાવાનું મળશે એના માટે લોકો મને ફોન કરી-કરીને પૂછતા હોય છે. જોકે હેલ્થનો સવાલ હતો અને ખાવા પર કન્ટ્રોલ મૂકવો જરૂરી હતો એટલે એક ડાયટિશ્યનની સહાયથી મારી વેઇટલૉસની જર્ની શરૂ થઈ.’ 
ટફ તો હોય જ
પહેલા બાવીસ દિવસ હાર્દિકના ડાયટિશ્યને તેમને રોજનું અલગ-અલગ મેનુ આપ્યું. તેઓ કહે છે, ‘મારી ડાયટની ખાસિયત એ હતી કે એક દિવસ માત્ર એક જ વસ્તુ ખાવાની. જેમ કે જો હું ટમેટાં લઉં તો એક દિવસ માત્ર ટમેટાં ખાવાનાં. એક દિવસ માત્ર દૂધ-કેળાં, એક દિવસ માત્ર બ્રાઉન રાઇસ, એક દિવસ ફ્રૂટ, એક દિવસ સ્પ્રાઉટ્સ. આમ બાવીસ દિવસ અલગ-અલગ બાવીસ વસ્તુઓને મારા ડાયટ ચાર્ટમાં સામેલ કરવામાં આવી હતી. સ્વાભાવિક રીતે જ પહેલા ત્રણ દિવસમાં મારી હવા નીકળી ગઈ હતી. મારાથી નહીં થાય એવું થોડીક ક્ષણ માટે લાગ્યું પણ હતું, કારણ કે બહુ જ ભૂખ લાગતી. અરે મને સવારે ઊઠીને ચા, પછી હેવી નાસ્તો, પછી બપોરે હેવી લંચ, પછી પાછો સાંજનો નાસ્તો, રાતે ડિનર અને એ પછીયે ભૂખ લાગે તો અડધી રાતે પણ ખાઈ લેવાની આદત હતી. આવી ડાયટમાંથી આખો દિવસ માત્ર ટમેટાં કે કાકડીની ડાયટમાં શિફ્ટ થઈએ તો તકલીફ તો થવાની જને! જોકે મનનો કન્ટ્રોલ અહીં જ કામ લાગ્યો.’
પરિણામ દેખાવાનું શરૂ થયું
ગયા ઑગસ્ટ મહિનામાં હાર્દિકે આ ડાયટને ફૉલો કરવાનું શરૂ કરેલું અને લગભગ એકાદ મહિનામાં જ પરિણામ દેખાવાનું શરૂ થઈ ગયું. તેઓ કહે છે, ‘હું તો કહીશ કે પહેલા બાવીસ જ દિવસમાં ટેરિફિક રિઝલ્ટ દેખાવા માંડ્યું. કોઈ પણ કહી શકે એ સ્તર પર વેઇટલૉસ અને ઇંચલૉસ દેખાઈ રહ્યા હતા. મને મળનારા લોકો કહેતા કે સા’બ, ઇતને પતલે કૈસે હો ગએ? મારા દોસ્તારોને તાજ્જુબ હતું. લગભગ ત્રણેક મહિના હું ડાયટ ચાર્ટ પ્રમાણે ચાલ્યો. જોકે એમાં મારે કસરત કરવાની હતી ડાયટિશ્યનની સલાહ મુજબ. પરંતુ એમાં મને ડેન્ગી થયો એટલે કસરત શક્ય ન બની. હા, એટલો ફરક ચોક્કસ પડ્યો કે આ ડાયટથી મારા શરીરની ફૂડ માટેની નીડ જાણે ઘટી ગઈ. પહેલાં હું દિવસમાં ચાર વખત તો કમ્પલ્સરી લેવલ પર ભરપેટ ખાતો. હવે એવું નથી રહ્યું. હવે હું થોડુંક ખાઉં છું કે મારું પેટ ભરાઈ જાય છે. મે બી, મારી હોજરી સંકોચાઈ ગઈ છે. ડાયટ છોડ્યા પછી પણ મારું વેઇટ ગેઇન નથી થયું. એનું પણ આ જ કારણ છે કે મારો ફૂડ ઇન્ટેક ઘટી ગયો છે. લગભગ વીસેક કિલો વજન ઓછું થયું છે પણ એનર્જી લેવલ પર, અલર્ટનેસની દૃષ્ટિએ મારી હેલ્થ એકદમ ઑલરાઇટ છે. આમ પણ મારા શરીરમાં રોગો તો એકેય હતા જ નહીં પરંતુ હવે ચપળતા વધી છે. લાંબો સમય કામ કરું તો પણ જલદી થાકતો નથી એ પરિવર્તનો દેખાયાં છે.’
મંઝિલ હજી આગળ
૧૧૮માંથી ૯૮ કિલો પર પહોંચેલા હાર્દિકને હજી દસેક કિલો વજન ઘટાડવાની ઇચ્છા છે. તે કહે છે, ‘પહેલેથી જ હું ૮૮ની આસપાસ હતો. બસ, એ ઓરિજિનલ બાંધા પર પહોંચવાની નેમ છે. હવે ડાયટની જરૂર નથી. મારી લાઇફસ્ટાઇલમાંથી જ કૅલેરી ઇન્ટેક ઓછો થઈ ગયો છે. શરૂઆતમાં ઘણી તકલીફો પડી. છોડી દેવાનું પણ પુષ્કળ મન થયું. હવે મને એ સમજાય છે કે મારું વજન વધ્યું એની પાછળનું કારણ પણ હું જ હતો. મને પડી જ નહોતી. અનહેલ્ધી ઈટિંગ હૅબિટ્સ, ટેન્શન અને બેઠાડુ જીવનને કારણે ૧૧૮ પર પહોંચ્યો હતો અને ન જાગ્યો હોત તો કદાચ પચાસ રોગ સાથે વજન ઓર વધ્યું પણ હોત. જોકે મન મજબૂત હોય તો તમે તમારા ગમેતેવા જીવનના ટાસ્કને ફુલફિલ કરી શકો છો એ હું મારા પોતાના જીવનમાંથી શીખ્યો છું. જ્યારે મારો અકસ્માત થયેલો ત્યારે પણ આ વાત મેં ઑબ્ઝર્વ કરી હતી. મારી દૃઢ ઇચ્છાશક્તિ જ હતી કે સર્જરીના છ મહિના બેડ-રેસ્ટ કર્યા પછી લાકડીના ટેકે-ટેકે ચાલતો હું ઑફિસ ગયો હતો. હેલ્થના મામલામાં હું માનું છું કે જાગ્યા ત્યારથી સવાર. દરેકે પોતપોતાની રીતે જાતને સ્વસ્થ રાખવાના પ્રયાસ કરવા જોઈએ. તમારી તંદુરસ્તીમાં તમારી લાઇફસ્ટાઇલનો બહુ જ મોટો ફાળો છે. બીજી એક વાત મેં એ પણ ઑબ્ઝર્વ કરી છે કે આપણી જ જૂની પરંપરાઓ છે જેને આજનું વિજ્ઞાન થપ્પો મારી રહ્યું છે. હું જૈન છું અને જન્મથી જ કાંદા-બટાટા નથી ખાધા. ચોમાસામાં ચૌવિહાર પણ કર્યા છે. આજના ડાયટિશ્યનો આપણા એ જ ચૌવિહારને ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કહે છે. ધર્મની રીતભાતો પણ ફૉલો કરીએ તો આપણે હેલ્ધી રહી શકીએ છીએ.

 આપણી ઇચ્છાશક્તિમાં જ આપણા જીવનનું રહસ્ય છુપાયેલું છે. તંદુરસ્ત રહેવાનો નિર્ણય જો દૃઢ હોય તો તમે નિશ્ચયપણે એને અનુરૂપ પગલાં લઈ શકશો. બીજું, ધર્મની અંદર જ આપણી તંદુરસ્તીના પાઠ છે. આજના ડાયટિશ્યનો આપણા એ જ ચૌવિહારને ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કહે છે
હાર્દિક શાહ

10 January, 2022 08:32 PM IST | Mumbai | Ruchita Shah

અન્ય લેખો

બાળકોને ફૉરેન્સિક સાયન્સ શીખવે છે આ બહેન

ક્રાઇમના ઇન્વેસ્ટિગેશનમાં વપરાતા આ વિજ્ઞાનની ટ્રેઇનિંગ કિલનિકલ રિચર્સર અલોકી દોશી બાળકોને આપે છે જે તેમની નિરીક્ષણશક્તિ અને ક્રિટિકલ થિન્કિંગમાં જોરદાર ઉપયોગી સાબિત થઈ શકે એમ છે

25 January, 2022 05:47 IST | Mumbai | Ruchita Shah

ભાવતું ખાવું હોય તો એ ડાઇજેસ્ટ કરવાની તૈયારી રાખવાની

મન ભાવે એ બધું કૌશિકી ખાય છે એટલે જ દિવસમાં મિનિમમ બેથી અઢી કલાક વર્કઆઉટ કરે છે

25 January, 2022 05:27 IST | Mumbai | Rashmin Shah

૨૦ પર્સન્ટ વર્કઆઉટ અને ૮૦ પર્સન્ટ ડાયટ

‘સીઆઇડી’થી માંડીને ‘હર યુગ મેં એક આએગા - અર્જુન’ ને ‘સાવધાન ઇન્ડિયા’ જેવી સિરિયલો તો ‘સેકન્ડ મૅરેજ ડૉટ કૉમ’ અને ‘ધી પ્રીસેજ’ જેવી ફિલ્મો કરી ચૂકેલો વિશાલ માને છે કે ડાયટને સુધારી લેવામાં આવશે તો આપોઆપ બૉડી ઓરિજિનલ રૂપમાં આવવાનું શરૂ થઈ જશે

24 January, 2022 12:42 IST | Mumbai | Rashmin Shah

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK