નરેન્દ્ર મોદીની દરેક વ્યૂહરચનામાં ક્યાંક ને ક્યાંક વિરોધ પક્ષને શૂન્યસ્તરે મૂકવાનું પ્લાનિંગ હોય છે અને વ્યૂહરચના એવી જ હોવી જોઈએ
મેરે દિલ મેં આજ ક્યા હૈ?
ફાઇલ તસવીર
આ વાત સાથે તમે સહમત ન થાઓ તો ચાલે, આ વાતનો તમે વિરોધ કરો તો પણ ચાલે અને આ વાત વાંચીને તમે મને મોદીભક્ત કહો તો પણ મને ગમે. કારણ કે તમે કોના ભક્ત છો એ જીવનમાં બહુ અગત્યનું છે અને જો એ અગત્ય તમને વહેલી સમજાઈ જાય તો તમારા જેટલું સુખી બીજું કોઈ નહીં. ઍનીવેઝ, આપણા વિષયની વાત જરા જુદી છે, પણ હા, એ વાતના કેન્દ્રમાં નરેન્દ્ર મોદી છે એ સાવ સાચું છે.
નરેન્દ્ર મોદીની દરેક વ્યૂહરચનામાં ક્યાંક ને ક્યાંક વિરોધ પક્ષને શૂન્યસ્તરે મૂકવાનું પ્લાનિંગ હોય છે અને વ્યૂહરચના એવી જ હોવી જોઈએ. દુશ્મન ક્યારેય ટકવો ન જોઈએ અને એવું ધારે એ જ તો દુશ્મનીની પહેલી શરત છે. ચાણક્યએ કહ્યું છે કે જ્યારે પણ જે વ્યક્તિ દુશ્મનીમાં લાગણીઓનો સમાવેશ કરે છે એ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક પોતાના પરિવાર, પોતાના રાજ્ય કે પછી પોતાના રાષ્ટ્ર સાથે ગદ્દારી કરે છે. જો તમે ઇચ્છતા હો કે તમારે પણ એવી ગદ્દારી નથી કરવી તો તમારી દુશ્મનીની ધાર અકબંધ રાખજો, પણ એ ધારની સાથોસાથ તમારી વ્યૂહરચનામાં પણ એ જબ્બર અનુસંધાન ગોઠવજો જેની હારમાળા લાંબી હોય.
ADVERTISEMENT
ભારત અને ઇન્ડિયા. આ બે નામ પર જે સ્તરે વાતો શરૂ થઈ છે એ જુઓ અને જુઓ કે G20ના ડાયસ પર નરેન્દ્ર મોદીના નામની આગળ મૂકવામાં આવેલી પ્લેટ પર શું લખ્યું હતું?
‘ભારત’.
એ પ્લેટ પર ‘ઇન્ડિયા’ લખ્યું હોય અને બે કોડીના વિરોધ પક્ષના સંગઠન માટે એ ફોટો હાસ્યાસ્પદ બને એવું કરવાનું જ ન હોય અને આને જ માસ્ટર સ્ટ્રોક કહેવાય. રાષ્ટ્રપતિના આમંત્રણમાં પણ ભારત શબ્દને સ્થાન મળી ગયું અને વડા પ્રધાનની આગળ પ્રતિનિધિત્વ કરતી જે પ્લેટ હતી એના સહિત અનેકાનેક જગ્યાએ ઇન્ડિયાને બદલે ભારતનો ઉલ્લેખ આવી ગયો. આ જે ઉલ્લેખ છે એ ઉલ્લેખ પછી વિરોધ શરૂ થયો. ટ્વિટર પર વિરોધ પક્ષોએ અને એના મળતિયાઓએ છાજિયા લીધા અને રુદાલીની ભૂમિકા ભજવી, પણ સાહેબ, વારંવાર કહું છું, એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ ઍન્ડ વૉર અને અહીં પ્રેમને તો કોઈ સ્થાન છે જ નહીં. ક્યાંય કોઈ જગ્યાએ લાગણીઓ પણ એકમેક પ્રત્યે નથી અને નામ પૂરતી સંવેદનાઓ પણ પરસ્પરના સંબંધોમાં ઝળકતી નથી. જો આ જ નર્યું સત્ય હોય તો એ તમારી સ્ટ્રૅટેજીમાં દેખાવું જોઈએ.
જ્યારે પણ, જેણે પણ આવા કપરા સમયમાં આકરાં પગલાં નથી લીધાં અને એ પછી લાગણીઓનો ઓછાયો ઓઢ્યો છે એ બધાને એટલું જ કહેવાનું કે તમે ખોટાબોલા છો! તમારી પાસે વ્યૂહરચના નહોતી, તમારી પાસે પ્લાનિંગ નહોતું એટલે હવે તમે સિદ્ધાંત અને સંવેદનાની વાતો કરીને તમારી એ નબળાઈને છુપાવી રહ્યા છો. નહીં છુપાવો એ સત્ય હકીકત, જો એ આડશ નહીં રાખો તો અને તો જ તમે તમારી આગલી લડાઈ માટે તૈયાર થશો અને હું જ નહીં, અડધી દુનિયા ઇચ્છે છે કે તમે સામે આવો, જેથી અમને બધાને પણ એ જોવા મળે જે જોવાની ભાવના રાખીને અમે દસકાઓ સુધી જીવ્યા છીએ.
અનીતિનો સર્વનાશ.