પોતાનાં ગ્રૅન્ડ ચિલ્ડરન્સને દાદી શર્મિલાએ મૂવીઝ જોવા નથી દીધી એવું જાહેરમાં કબૂલ્યું છે ત્યારે અહીં એ સમજવાનું છે કે ફિલ્મી દુનિયાના લોકો પણ જો પોતાનાં ભૂલકાંઓને ફિલ્મો ન બતાવતા હોય તો આપણે આપણાં બાળકોને આ બાબતે ક્યારે રોકીશું?

તૈમુરની જેમ આ બાળકોને ફિલ્મ જોવાનું અલાઉડ નથી
પોતાનાં ગ્રૅન્ડ ચિલ્ડરન્સને દાદી શર્મિલાએ મૂવીઝ જોવા નથી દીધી એવું જાહેરમાં કબૂલ્યું છે ત્યારે અહીં એ સમજવાનું છે કે ફિલ્મી દુનિયાના લોકો પણ જો પોતાનાં ભૂલકાંઓને ફિલ્મો ન બતાવતા હોય તો આપણે આપણાં બાળકોને આ બાબતે ક્યારે રોકીશું? ચાલો પ્રેરણા મેળવીએ કેટલાક જાગરૂક પેરન્ટ્સ પાસેથી જેમણે આ કરી બતાવ્યું છે
હાલમાં શર્મિલા ટાગોરના કમબૅકના ન્યુઝ આવ્યા. તેઓ વર્ષો પછી ‘ગુલમોહર’ નામની ફિલ્મ સાથે સિલ્વર સ્ક્રીન પર પાછાં ફરી રહ્યાં છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું હતું કે તમારા પૌત્રો આ ફિલ્મ જોશે ત્યારે તમને કેવું લાગશે ત્યારે તેમણે કહ્યું હતું કે તૈમુર અને જેહને ફિલ્મો જોવાનું અલાઉડ નથી (એટલે કે એ બન્ને એટલા નાના છે કે અમે તેમને ફિલ્મો દેખાડતા નથી). હા, ભવિષ્યમાં એ લોકો જ્યારે મને મોટા પરદા પર જોશે ત્યારે ઘણું જુદું લાગશે. જેનો આખો પરિવાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે એવા ફિલ્મી જગત સાથે સંકળાયેલા લોકો પણ એમનાં બાળકોને નાનપણમાં ફિલ્મોથી દૂર રાખવા માગે છે આ વાત પોતાનામાં ઘણુંબધું કહી જાય છે. જ્યારે માર્ક ઝકરબર્ગ અને બિલ ગેટ્સે કહ્યું હતું કે અમે અમારાં બાળકોને ટેક્નૉલૉજીથી દૂર રાખીએ છીએ એ સ્ટેટમેન્ટ પેરન્ટિંગના પાઠ તરીકે જેટલા મહત્ત્વના છે એમલ જ શર્મિલા ટાગોરે કહેલું આ વાક્ય પણ દરેક માતા-પિતા માટે આઇ-ઓપનર કહી શકાય એવું છે.
આદત
એક સમય હતો જ્યારે ટીવી, સિનેમા અને એન્ટરટેઇનમેન્ટને બાળકોથી જેટલાં દૂર રાખી શકાતાં એટલાં રાખવામાં આવતાં. બાળકો ભણે અને માર્ગ ભટકે નહીં, એમનામાં સંસ્કાર સારા આવે એ બાબતોને ધ્યાનમાં રાખીને ઘણાં ઘરોમાં વર્ષો સુધી ટીવી જ લાવતા નથી. ટીવી હોય તો કેબલ લગાડતા નહીં. ફિલ્મ પણ વરસમાં બેચાર માંડ જોવા જવાય. આજે એનાથી વિપરીત દરેક બાળક સ્ક્રીન સાથે ચોંટેલું જ દેખાય છે. ઇન્ટરનેટના જમાનામાં માતા-પિતા બાળકને ટીવી તો શું, મોબાઇલ હાથમાં પકડાવી દે છે. હજી બેસતાં કે બોલતાં આવડે એ પહેલાં જ આજનાં બાળકો સ્ક્રીન ઍડિક્ટ બની જતાં હોય છે. આજે આપણી પાસે બાળકો માટે સ્પેશ્યલ ચૅનલ્સ, ફિલ્મો, યુટ્યુબ કિડ્સ જેવાં પ્લૅટફૉર્મ છે જેમાં ક્યારેય ખતમ ન થાય એટલી કન્ટેન્ટ પડી છે એક્સપ્લોર કરવા માટે. આજનાં બાળકો ફ્રી પડે એટલે તરત તેને એક જ ઑપ્શન સૂઝે છે સ્ક્રીન પકડીને બેસી જાઓ. એવું જરાય નથી કે પેરન્ટ્સને ચિંતા નથી કે એમને ખબર નથી પડતી કે આવું કરવાથી બાળકને કેટલું નુકસાન છે. મોટા ભાગનાં બધાં જ માતા-પિતા એવાં છે જે બાળકને રોક લગાવે છે, પરંતુ દરેક એટલા કડક નિયમો બનાવી શકતા નથી અને બનાવે છે તો પણ સફળ થઈ શકતા નથી. તમામ માતા-પિતા બાળકને આ એક્સપોઝરથી બચાવવા માગે છે પરંતુ બધાના પ્રયત્નો પૂરા પડે જ એવું હોતું નથી. આજે મળીએ કેટલાક એવા પેરન્ટ્સને જે ઘણા જાગૃત છે અને જેમના પ્રયત્નો એટલા મજબૂત છે કે એને કારણે એમનાં બાળકો ટીવી, સિનેમાના બંધાણી બન્યા વગર નૉર્મલ બાળપણ માણી શકવાનું સૌભાગ્ય ધરાવે છે.
પહેલેથી જ નક્કી
નવ વર્ષની ટિયા અને પાંચ વર્ષના વીરની મમ્મી નેહા ઠાકર અને પિતા નિર્ભય ઠાકર અંધેરીમાં રહે છે અને એમણે સમજી-વિચારીને જ ઘરમાં ટીવી તો રાખ્યું છે પણ કોઈ કેબલ કનેક્શન નથી એટલે ટીવી ઘરમાં ચાલુ જ થતું નથી. તેમની દીકરી ટિયાએ હાલમાં એટલે કે ૯ વર્ષની થઈ પછી પહેલું ડિઝની મૂવી જોયું છે. વીરે તો હજી સુધી કોઈ મૂવી કે કાર્ટૂન જોયું જ નથી. આવું આ જમાનામાં કઈ રીતે શક્ય છે? આ પ્રશ્નનો જવાબ આપતાં પિતા નિર્ભય ઠાકર કહે છે, ‘અમે અમારા છોકરાઓના હાથમાં ક્યારેય કોઈ ગૅજેટ આપ્યું જ નથી. હું અને મારી પત્ની બન્ને એ લોકો સૂઈ જાય પછી જ ગૅજેટ્સ વાપરીએ છીએ. દિવસભરમાં ફક્ત કામના ફોન અને મેસેજ માટે જ ફોન હાથમાં લઈએ છીએ, કારણ કે અમે પેરન્ટ્સ બન્યા એ પહેલેથી એ વસ્તુ તો ક્લિયર જ હતી કે અમારાં બાળકોને અમે ગૅજેટ્સની દુનિયામાં બંધાવા નહીં દઈએ.’
કઈ રીતે શક્ય?
નેહાનાં બાળકો સવારે ૭ વાગ્યે ઊઠી જાય છે. હાલમાં વેકેશન છે તો એ લોકો નેહા સાથે સાઇક્લિંગ કરવા જાય. દરરોજ મમ્મીને ઘરકામ કરવામાં મદદ પણ કરે. ઝાડુ, ડસ્ટિંગ, છોડને પાણી આપવાનું, ચૉપિંગ-કટિંગ જેવાં કામો બાળકો હોંશે-હોંશે કરે. આજનાં બાળકો ઘરકામ સોંપો તો મોઢું ચડાવે એની જગ્યાએ નેહાનાં બાળકો આ કામ કેમ મજેથી કરે છે? આ પ્રશ્નનો જવાબ આપતાં નેહા કહે છે, ‘બાળકોને સ્ક્રીનથી દૂર રાખવાં સરળ તો નથી. મોટા ભાગે થાય એવું કે બાળક ફ્રી પડે એટલે કંટાળે અને સ્ક્રીન સામે ગોઠવાઈ જાય. મારા ઘરમાં પેટ્સ છે. કૂતરો અને બિલાડી, જેમની સાથે બાળકો ખૂબ મજા કરે છે અને જરાય કંટાળતાં નથી. બીજું એ કે ઘરમાં જો ટીવી આખો દિવસ ચાલુ હોય તો પણ બાળકોને હરતાં-ફરતાં એની આદત પડી જાય. મારાં સાસુને કિડની પ્રૉબ્લેમ હતો એટલે સતત ચાર વર્ષ તેઓ ઘણાં બીમાર રહ્યાં અને બીમાર વ્યક્તિ પોતાનું મન ઠીક કરવા ટીવી ચાલુ રાખે એ સહજ છે. તો ૪ વર્ષ અમારા ઘરમાં ટીવી ચાલુ જ રહેતું. બાળકો ખૂબ નાનાં હતાં ત્યારે. આ પરિસ્થિતિમાં એમને ટીવીથી બચાવવા હું ઍક્ટિવ બની હતી. સવારે વહેલી ઊઠીને ઘરનાં કામ પતાવી લઉં. બાળકો ઊઠે ત્યાં સુધીમાં ફ્રી થઈ જાઉં અને પછી એમની સાથે બેત્રણ કલાક વિતાવું. પછી એમને મારી સાથે રસોડામાં જ રાખું. સાથે-સાથે કામ કરતાં શીખવું. એટલે નાનપણથી જ એમને આ આદતો છે. બાળકોને જો પૂરતો તમારો સમય મળે તો એમને સ્ક્રીનની જરૂર રહેતી નથી એ મારો ખુદનો અનુભવ છે. મારાં બાળકો બીજે ક્યાંય પણ સ્ક્રીન જુએ તો એ છોડીને રમવાનું પસંદ કરે છે એ જોઈને મને સંતોષ છે કે મારા પ્રયત્નો લેખે લાગ્યા.’
શા માટે જરૂરી?
મુલુંડમાં રહેતાં લીના માકાણીના ૮ વર્ષના દીકરા કુંશને પણ ટીવી, સિનેમા અને યુટ્યુબથી દૂર જ રાખવાનો નિર્ણય લીનાએ તેના જન્મથી લીધેલો. એટલે તેમના ઘરમાં ટીવી છે પણ કેબલ નથી. બાળકને અ બધાથી દૂર રાખવાની ખૂબ જરૂર છે એવું સમજાવતાં લીના કહે છે, ‘હિંસા, અપશબ્દો, મારધાડ, ઍડલ્ટ કન્ટેન્ટ જેવા મોટા પ્રૉબ્લેમ્સ તો એની જગ્યાએ છે જ પરંતુ જો તમે સારી કન્ટેન્ટ પણ બતાવવા જાઓ તો ઉંમરલાયક કન્ટેન્ટ સ્પેસિફિક નથી હોતી. પાંચ વર્ષના બાળકે શું જોવું જોઈએ અને ૧૦ વર્ષના બાળકે શું જોવું જોઈએ એમાં ફરક છે. કાર્ટૂન્સ જ આપણે બતાવીએ તો એમાં પણ કન્ટેન્ટ સેફ છે એવું નથી. કાર્ટૂન્સ જોઈને પણ બાળકો ઘણું ભળતું શીખી જતાં હોય છે. આમાં તમે કેટલી વસ્તુઓ ચેક કરી-કરીને એને બતાવશો? મારે મારા બાળકને સમય પહેલાં મોટું નહોતું કરી દેવું, કારણ કે મને ખબર છે કે સ્ક્રીન સાથે ચોંટેલાં બાળકો ખૂબ જલદી મૅચ્યોર બની જતાં હોય છે. મારે તેની પાસેથી તેનું બાળપણ નહોતું છીનવી લેવું. લૉકડાઉનમાં પણ એવું નહોતું કે અમે સ્ક્રીન સામે ગોઠવાઈ ગયા હોઈએ. ઘરમાં જ એવો માહોલ રાખ્યો છે કે બાળકમાં એ આદત આવે જ નહીં.’
શું ધ્યાનમાં રાખવું?
કોન્શિયસ પેરન્ટિંગ કોચ દીપ્તિ સાવલા ગાલા પાસેથી જાણીએ કે બાળકો પર ટીવી, સિનેમા કે ઇન્ટરનેટના એક્સપોઝરની ખરાબ અસર ન પડે એ માટે શું કરવું.
• પહેલાં તો માતા-પિતાએ ખુદ જ એના ઍડિક્શનથી મુક્ત થવું જોઈએ, કારણ કે બાળકો બધું જોઈને વધુ શીખે છે.
• બાળકને સદંતર એનાથી દૂર રાખી શકાય તો એનાથી રૂડું કશું છે જ નહીં. ખાસ કરીને પાંચ વર્ષની ઉંમર સુધી ખાસ.
• હિટલર શાસન જેવા કડક નિયમો સાથે આ પાબંદી ન હોવી જોઈએ. ઊલટું એ એટલું સહજ રીતે વણાઈ જવું જોઈએ કે પાછળથી જ્યારે એક્સપોઝર મળે ત્યારે પણ બાળકો પર એની ગંભીર અસર ન થાય.
• જો બાળક ગૅજેટ વાપરતું જ હોય અને હવે સાવ છોડાવવું શક્ય નથી તો સમય પર પાબંદી જરૂરી છે. અડધાથી એક કલાક જ એને ગૅજેટ આપવું, બાકી નહીં. સારી કન્ટેન્ટ પણ વધારે દેખાડવી યોગ્ય નથી.
• બાળક શું જુએ છે એ ખૂબ જરૂરી છે. એટલે પહેલાં ખુદ જુઓ, ચકાસો અને તમને ઠીક લાગે એ પછી જ એને દેખાડો.