Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > હું અને મારી બાઇક હોઈએ બસ, પછી બીજું શું જોઈએ?

હું અને મારી બાઇક હોઈએ બસ, પછી બીજું શું જોઈએ?

19 October, 2021 04:11 PM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

બાઇકિંગ મહિલાઓ માટે સામાન્ય બનતું જાય છે ત્યારે બાઇક રસ્તા વચ્ચે બંધ પડે તો શું કરવું, બાઇક પડે તો કઈ ટેક્નિકથી ઉપાડવી જેવી ઝીણવટભરી વાતોની એક વર્કશૉપ તાજેતરમાં હૈદરાબાદમાં મહિલા બાઇકર્સ માટે યોજાઈ ગઈ

પૂજા સૌદાગર

પૂજા સૌદાગર


જો મોટરબાઇકિંગ શરૂ ન કર્યું હોત તો જીવનની મોટી થ્રિલથી અમે વંચિત રહ્યાં હોત. અમારી સાથે વાત કરનારી દરેક બાઇકર મહિલાએ આ વાત સ્વીકારી. બાઇકિંગ મહિલાઓ માટે સામાન્ય બનતું જાય છે ત્યારે બાઇક રસ્તા વચ્ચે બંધ પડે તો શું કરવું, બાઇક પડે તો કઈ ટેક્નિકથી ઉપાડવી જેવી ઝીણવટભરી વાતોની એક વર્કશૉપ તાજેતરમાં હૈદરાબાદમાં મહિલા બાઇકર્સ માટે યોજાઈ ગઈ

બૉર્ન ટુ રાઇડ હોય એટલા પૅશનથી મહિલાઓ હવે પોતાના વજનથી પાંચગણા વજનની બાઇક ચલાવતી જોવા મળે છે અને પૂરા આત્મવિશ્વાસ સાથે એને હૅન્ડલ પણ કરી લે છે. મહિલાઓની આ આવડતને વધુ શાર્પ બનાવવાના આશયથી એક અનોખી વર્કશૉપ થોડાક સમય પહેલાં હૈદરાબાદમાં યોજાઈ. લગભગ ૬૦થી વધુ મહિલાઓ આ વર્કશૉપમાં જોડાઈ હતી. ‘તમે બાઇક લઈને નીકળ્યા હો અને અધવચ્ચે બંધ પડી જાય તો શું કરશો? કોઈ પણ કારણસર બાઇક જમીન પર પડી જાય તો કેવી રીતે એને ઉઠાવશો? બાઇકના વિવિધ કૉમ્પોનન્ટમાં શું આવે અને ધારો કે તમારે જાતે મૅકેનિકની ગેરહાજરીમાં બાઇકને ટેમ્પરરી સરખી કરવાની આવે તો શું કરશો?’ આ પ્રકારની વર્કશૉપ દર્શાવે છે કે મહિલાઓ બાઇક ચલાવતી હતી એ વાત જૂની થઈ, નવું તો એ છે કે હવે તેઓ એમાં એક્સપર્ટ બની છે અને એટલે જ અવારનવાર લાંબી ટ્રિપ માટે બાઇક પર ગયેલી મહિલાઓ વિશેની વિગતો આવતી રહે છે. બાઇક સાથે જાણે અનોખો ઘરોબો થઈ ગયો હોય એમ આજે મુંબઈમાં રહેતી ઘણી મહિલાઓ છે જેમના માટે બાઇકિંગ ડાબા હાથનો ખેલ છે. કેટલીક મહિલાઓ સાથે ગુફ્તગો કરીએ તો આજે.



બેસ્ટ છીએ અમે


મહિલા ડ્રાઇવરો વિશે હંમેશાં રમૂજ થતી આવી છે. જોકે એ જમાનો ગયો હવે. એવું શું છે જે મહિલાઓ ન કરી શકે એમ જણાવીને ઘાટકોપરની પૂજા નિશિથ સૌદાગર કહે છે, ‘મારે બે બાળકો છે અને છતાં પણ ઘણી લાંબી-લાંબી બાઇક રાઇડ પર જઈ આવી છું. ટૂ-વ્હીલર તો વર્ષોથી ચલાવું છું પરંતુ હેવી સ્પોર્ટ્સ બાઇક ચલાવવાનું શરૂ કર્યું ૨૦૧૬થી. મને હંમેશાંથી જ હતું કે એવું કંઈ જ ન હોવું જોઈએ જે મહિલાઓ ન કરી શકે. પહેલેથી જ હું ખૂબ ઍક્ટિવ છું. મારા હસબન્ડ બાઇકના જબરા શોખીન હતા એટલે તેમની પાસે જ ૨૦૧૬માં હું બાઇક શીખી. સૌથી પહેલાં હું લોનાવલા બ્રેકફાસ્ટ રાઇડ માટે બાઇક પર ગઈ હતી. પહેલી વાર બુલેટ ચલાવી ત્યારે મારી ખુશી સાતમા આસમાન પર હતી. એ પછી તો પુણે, કર્જત જેવાં આજુબાજુનાં સ્થળે તો અમે બાઇક ટ્રિપ ઘણી કરી છે.’

પૂજા નેઇલ આર્ટિસ્ટ પણ છે અને ઘરનાં બધાં કામ જાતે કરે છે. તે અને તેના હસબન્ડ સ્પોર્ટ્સ બાઇકનાં લેટેસ્ટ મૉડલ રાખવાનાં શોખીન છે એટલે જેવું નવું મૉડલ આવે કે તેઓ પોતાની બાઇક અપગ્રેડ કરી લેતાં હોય છે. અત્યારે તેની પાસે કેટીએમ ઍડ્વેન્ચર ૩૯૦ બાઇક છે.  ઘર સાચવવાની સાથે શોખ માટે પણ સમય કાઢતી પૂજા કહે છે, ‘બાઇકિંગે મને ગજબની ફ્રીડમનું સુકૂન આપ્યું છે. જોકે પરિવારનો સપોર્ટ હોય તો મહિલાઓ બધું અશક્ય શક્ય કરીને દેખાડી શકે છે.’


સ્કાય ઇઝ ધ લિમિટ

સોલો મહિલાઓની જેમ જ હવે મહિલાઓનાં બાઇકિંગ ગ્રુપ્સ ઘણાં બન્યાં છે જેમાં ગ્રુપમાં તેઓ બાઇક પર બેસીને લૉન્ગ ટૂર પર જતી હોય છે. બુલેટ ચલાવવામાં એક્સપર્ટ દીપા કાતરોડિયા સીઝન્ડ રનર છે અને ઘણી લાંબી-લાંબી મૅરથૉન દોડી ચૂકી છે. જોકે હવે દીપાને બાઇકની લગની લાગી છે.

તે અને તેના હસબન્ડ આખું ભુતાન બાઇક સાથે ફર્યાં છે. એક મૅરથૉનમાં તે દોડવાની નહોતી એટલે તેણે માર્શલ રનર તરીકે રનર્સની આગળ બાઇક ચલાવવાની જવાબદારી લીધી. બસ, આ કારણથી તેની બાઇકિંગ જર્ની શરૂ થઈ. દીપા કહે છે, ‘મારા હસબન્ડના ફ્રેન્ડ પાસે જ હું પણ બુલેટ ચલાવતાં શીખી અને આજે સડસડાટ હાઇવે પર ચલાવું છું. લોકોને નવાઈ લાગે છે આજે પણ, કારણ કે હવે મહિલાઓ બાઇકિંગમાં આવી છે પણ માત્રા હજીયે તુલનાત્મક રીતે ઓછી છે. મુંબઈ નજીકના હિલ સ્ટેશન પર બાઇક રાઇડ કરી આવી છું. બાઇક તમને એક અનોખી ફ્રીડમ આપે છે. તમે ક્યાંય પણ જાઓ ત્યારે જાણે એ જગ્યાની આરપાર, એની રજેરજને મહેસૂસ કરતા હો છો. ત્યાંની માટી સાથેનો સંબંધ તમારો જોડાઈ જતો હોય છે જે ટ્રેન કે ફ્લાઇટ દ્વારા થતા ટ્રાવેલમાં નથી થતું. આજે તો મહિલાઓ બાઇક ચલાવે જ છે એવું નથી પણ એકબીજાને એન્કરેજ કરીને બધામાં આ પૅશનનો વિસ્તાર વધી રહ્યો છે. એવાં ગ્રુપ્સ પણ વધી રહ્યાં છે. મહિલાઓ ફલાણું જ કરે અને પુરુષો ઢીંકણું જ કરે જેવા માપદંડો હવે બદલાઈ ગયા છે.’

એ તો પડાય પણ ખરા

બાઇકનો સૌથી મોટો ભય એ હોય છે કે એ હેવી વેઇટ હોવાને કારણે પડ્યા તો ગયા. જોકે બાઇકિંગમાં એક્સપર્ટ એવી મહિલાઓ એક વાત સ્વીકારે છે કે બાઇક કંઈ તમારે માથા પર લઈને થોડી ચલાવવાની છે? જો બૅલૅન્સ કરતાં આવડી ગયું પછી વજનથી કોઈ ફરક નથી પડતો. હાઇટનો પણ પ્રશ્ન નથી અને જો બાઇક પડે તો એને ઉઠાવવાની પ્રૉપર ટેક્નિક આવડતી હોય તો એમાં પણ કોઈ વાંધો નથી આવતો. પડીએ તો પડીએ એમાં શું એ વાતનો કૉન્ફિડન્સ બોરીવલીની હિરલ હેમંત શાહને ગજબનો છે.

ટેન્થમાં હતી ત્યારથી ટૂ-વ્હીલર ચલાવતી હીરલ અત્યાર સુધીમાં પાંચેક વાર પોતાની એવેન્જર બાઇક પરથી પડી છે પણ એનાથી તેના બાઇક માટેના આત્મવિશ્વાસમાં કોઈ ફરક નથી પડ્યો. હિરલ કહે છે, ‘ઍક્ટિવા ચલાવો કે બાઇક, મૂળ મુદ્દો બૅલૅન્સનો છે. તેમ છતાં કોઈ બીજાની ભૂલને કારણે ક્યારેક અકસ્માત થઈ પણ જાય. જોકે આવી સિચુએશનમાં જાતને કેવી રીતે બચાવવી એની આવડત મારામાં છે. એટલે આટલી વાર પડ્યા પછી પણ સહેજ ખરોચ આવવા સિવાય કંઈ જ થયું નથી. બાઇક તમારામાં ગજબનો આત્મવિશ્વાસ લાવે છે અને આપણે સતત એમાંથી કંઈક શીખતા જ હોઈએ છીએ. મહિલાઓ બાઇક ન ચલાવે એ જમાનો ગયો.’

પુરુષો પણ આમની પાસે બાઇક શીખવા આવે છે!

દહિસર ઈસ્ટમાં રહેતાં રુચિ અતુલ વીઠાનો બાઇકિંગ શોખ હતો જે હવે પ્રોફેશનલ બની ગયો છે. નાનપણથી જ ટૂ-વ્હીલર પર હાથ અજમાવી ચૂકેલાં રુચિબહેન કહે છે, ‘ગાડી પરની મારી પકડ જબરી છે.

હું પોતે ઍક્ટિવા ચલાવતી જ હતી પણ લોકોને કેમ ચલાવવું એ પણ શીખવતી હતી. એક વાર એક ડૉક્ટર કપલે મને તમે બાઇક શીખવો છો એવું પૂછ્યું ત્યારે મને ગિયરવાળી બાઇક પણ આવડવી જોઈએ એવું લાગ્યું. બૅલૅન્સિંગ અને રોડ જજમેન્ટ તો મારાં સારાં જ હતાં એટલે લગભગ બે કે ત્રણ દિવસમાં હું બુલેટ ચલાવતી થઈ ગઈ. એ પછી તો માત્ર મહિલાઓ જ નહીં, પુરુષોને પણ બાઇકની ટ્રેઇનિંગ આપવાનું શરૂ કર્યું.’

મહિલાઓ બાઇક ચલાવે એ વાત જૂની થઈ ગઈ, હવે એક્સપર્ટ બની ગઈ છે અને બાઇક પર લાંબી ટ્રિપ પર જવા લાગી છે.

Whatsapp-channel Whatsapp-channel

19 October, 2021 04:11 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK