° °

આજનું ઇ-પેપર
Friday, 01 July, 2022


જે દૂરી દેશનો ગરીબ દરદમાં ફશે, તે મુંબઈમાં હર જોશી પાસે જશે

18 June, 2022 01:49 PM IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

મુંબઈ ઇલાકામાં એક પણ ‘દેશી’ ડૉક્ટર નહોતો. હા, હૉસ્પિટલમાં ડૉક્ટરો હતા પણ બધા અંગ્રેજ. ત્યાંની સારવાર પોસાય કાં અંગ્રેજ અમલદારોને કાં બહુ તવંગર ‘દેશી’ઓને. એટલે એ વખતે માંદા પડે ત્યારે લોકો જતા વૈદરાજ પાસે. આ વૈદરાજ જોશી તરીકે પણ ઓળખાતા

ગ્રાન્ટ મેડિકલ કૉલેજનું અસલ મકાન. ચલ મન મુંબઈ નગરી

ગ્રાન્ટ મેડિકલ કૉલેજનું અસલ મકાન.

કુટુંબ, કબીલો, ખાનદાન, વંશ, ઘરાણું, અંગ્રેજીમાં કહે ‘ફૅમિલી.’ કટુંબની પરંપરા, એની જાળવણી એક જમાનામાં ખૂબ મહત્ત્વની મનાતી. એ જાળવવા માટે માણસો ખુવાર થઈ જતા, પણ ખચકાતા નહીં. હવે વાત માંડવી છે મુંબઈનાં આવાં કેટલાંક ખાનદાનની. ભલે આજે તેમાંનાં ઘણાંનાં નામ ભુલાઈ ગયાં હોય પણ મુંબઈના જીવનને ઘડવામાં, મુંબઈના લોકોને નાની-મોટી સગવડ પૂરી પાડવામાં, પોતાની જમાતના જ નહીં; સૌકોઈ માટે મોટી-મોટી સખાવતો કરનારાં કેટલાંક કુટુંબોની કથા માંડીએ હવે. 
૧૮૪૫ના નવેમ્બરની પહેલી તારીખથી શિક્ષણ આપવાનું શરૂ કરનાર ગ્રાન્ટ મેડિકલ કૉલેજ એ માત્ર મુંબઈ ઇલાકાની જ નહીં, આખા દેશની પહેલવહેલી મેડિકલ કૉલેજ. એટલે એ પહેલાં મુંબઈ ઇલાકામાં એક પણ ‘દેશી’ ડૉક્ટર નહોતો. હા, હૉસ્પિટલ હતી, એમાં ડૉક્ટરો હતા પણ બધા અંગ્રેજ. અને ત્યાંની સારવાર પોસાય કાં અંગ્રેજ અમલદારોને કાં બહુ તવંગર ‘દેશી’ઓને. તો એ વખતે માંદા પડે ત્યારે લોકો શું કરતા? કોની પાસે જતા? વૈદરાજ પાસે. આ વૈદરાજ જોશી તરીકે પણ ઓળખાતા. આવા એક બહુ જાણીતા વૈદરાજ હતા કરસન જોશી કે કરશણા જોશી. મુંબઈથી લગભગ ૮૦ કિલોમીટર દૂર આવેલા કેળવે-માહિમના વતની. ઈ.સ. ૧૬૯૧ના અરસામાં પોતાના કુટુંબ-કબીલા સાથે મુંબઈ આવ્યા અને વૈદનો વ્યવસાય શરૂ કર્યો. ઝાઝી મૂડી તો હતી નહીં તેમની પાસે. છતાં એક નિયમ રાખેલો : પામતા-પહોંચતા દરદી આવે તેની પાસેથી ફી લેવાની. ગરીબ-ગુરબા પાસેથી નહીં લેવાની એટલું જ નહીં, બહારગામથી આવેલા ગરીબ દરદીઓનો રહેવા-ખાવાનો ખરચ પોતે આપતા અને ઘરે પાછા જવા માટે વાટખરચી પણ આપતા! એટલે એમની નામના માત્ર મુંબઈમાં જ નહીં, એની આસપાસ પણ ફેલાઈ હતી. ઈ. સ. ૧૭૦૧માં જન્મેલો દીકરો ધરમ જોશી પણ બાપને પગલે ચાલ્યો. ધરમ જોશીને ત્રણ દીકરા. નાનો ગોવિંદ પોતાને વતન જઈને રહ્યો એટલે તેના વિશે ઝાઝું જાણવા મળતું નથી. પણ હર જોશી અને સદાશિવ જોશીએ કુટુંબનો વ્યવસાય ચાલુ રાખ્યો. બન્નેની નામના પણ પુષ્કળ થઈ. તે એટલે સુધી કે એક અજ્ઞાત કવિએ તો કવિત પણ જોડી કાઢેલું:
જે દૂરી દેશનો ગરીબ દરદમાં ફશે, તે મુંબઈમાં હર જોશી પાસે જશે માવજત જેની જ્યાં પિતા પેરે થાય, રોડે ત્યાં સુધી તે મફતનું ખાય ઘણાઓએ તેવણનો આશરો લીધો, વતન જાયે ત્યારે તો સામણ સીધો આજનો કાલબાદેવી રોડ એક જમાનામાં ઉજ્જડ વેરાન હતો. એ વિસ્તારમાં કાલબાદેવીનું મંદિર બંધાયું એ પહેલાં આ રસ્તા પર આ જોશી કુટુંબે પોતાની વિશાળ હવેલી બંધાવી હતી. અને એટલે એ રસ્તો ‘હર જોશી રોડ’ તરીકે ઓળખાતો હતો. પણ કહે છેને કે ‘ચડે તે પડવા માટે.’ હર જોશીના વંશજો ખાનદાની વ્યવસાયને જાળવી શક્યા નહીં. વળી હવે મુંબઈમાં બીજા વૈદો પણ આવી વસ્યા હતા. એટલે લોકો હર જોશીના વંશજો પાસે જવા કરતાં વિઠોબા, ભવાનીશંકર, જગન્નાથ જેવા બીજા વૈદો પાસે જવા લાગ્યા. હર જોશીના કેટલાક વારસોએ નાની-મોટી નોકરી શોધી લીધી. 
અહીં એક વાત નોંધવા જેવી છે. ૧૯મી સદીના પૂર્વાર્ધ સુધી જે-જે લોકો ગુજરાત કે મહારાષ્ટ્રમાંથી મુંબઈ આવી વસ્યા તે બધા દરિયાઈ માર્ગે મુંબઈ આવ્યા હતા, કારણ કે એક તો મુંબઈના સાત ટાપુઓ જ એકબીજા સાથે જોડાયા નહોતા એટલે જમીન રસ્તા જેવું ભાગ્યે જ કશું હતું. અને ખાસ કરીને ગુજરાત અને મુંબઈ વચ્ચે તો રસ્તા હતા જ નહીં. બીબીસીઆઇની મુંબઈ-અમદાવાદ વચ્ચેની ટ્રેન તો છેક ૧૮૭૦માં શરૂ થઈ. એટલે જે ગુજરાતીઓ અહીં આવ્યા તે સુરત, ભરૂચ, ઘોઘા, દીવ જેવાં બંદરોએથી દરિયાઈ રસ્તે મુંબઈ આવેલા. 
આ રીતે આવેલા એક ગુજરાતી તે રૂપજી ધનજી. વતન ભાવનગર પાસેનું ઘોઘા ગામ. અને મુંબઈ આવવા વહાણે ચડ્યા પોર્ટુગીઝ હકુમત હેઠલના દીવ બંદરેથી. રહેતા પણ દીવ અને પોર્ટુગીઝ સરકારને જરૂરી માલસામાન મેળવી આપવામાં આડતિયા તરીકે કામ કરતા. શું થયું એ તો રામજી જાણે, પણ ૧૬૯૨માં દીવ છોડી રૂપજી ધનજી દરિયા વાટે મુંબઈ આવ્યા. એ પહેલાં ૧૬૬૯ના જુલાઈની ૧૪મી તારીખથી મુંબઈ પરથી પોર્ટુગીઝ શાસનનો અંત આવ્યો અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની રાજવટ શરૂ થઈ. મુંબઈ આવીને રૂપજી શેઠે કામ તો દીવમાં કરતા હતા એ જ કર્યું પણ અહીં તેઓ પોર્ટુગીઝ સરકારને બદલે બ્રિટિશ સરકારને જરૂરી માલ-સામાન પૂરો પાડવા લાગ્યા. તેમના દીકરા મનોરદાસે બાપીકો ધંધો તો ચાલુ રાખ્યો પણ સાથોસાથ શરાફીનો ધંધો પણ શરૂ કર્યો એટલું જ નહીં, મુંબઈના નગરશેઠ બન્યા. મનોરદાસને પાંચ દીકરા. નાના નાગરદાસ નાનપણથી જ અપંગ અને વહેલા ગુજરી ગયા. પણ બીજા ભાઈઓ અને ભત્રીજાઓએ શેઠ કેશુરદાસ રણછોડદાસને નામે સરાફી ધંધો ખૂબ વિકસાવ્યો અને હિન્દુસ્તાનના બીજા પ્રાંતો સાથે વેપારી સંબંધો વિકસાવી આડતિયાના ધંધામાં લાખો રૂપિયા કમાયા. શેઠ રામદાસ અને તેમના ભત્રીજા શેઠ દેવીદાસે પોતાની અલગ પેઢી રામદાસ હરજીવનદાસના નામે કાઢી હતી.
ઈ. સ. ૧૮૦૭ના અરસામાં રામદાસ શેઠ ગુજરી ગયા ત્યારે પોતાની પાછળ વિધવા બાઈ રામકોરબાઈ અને બે દીકરાઓ મૂકતા ગયા હતા. તેમાંના નથુભાઈની ઉંમર હતી સાડાછ વરસ અને વિઠ્ઠલદાસની ઉંમર હતી ત્રણ વરસ. દીકરાઓ નાના હોવાથી રામદાસ શેઠે પોતાની મિલકતના ઍડ્મિનિસ્ટ્રેટર તરીકે બે ભત્રીજાઓને નીમ્યા હતા. પણ નથુભાઈ અને વિઠ્ઠલદાસ બન્ને નાની ઉંમરના હતા એનો ગેરલાભ લઈને પેલા બે ભત્રીજાઓ મોટા ભાગની મિલકત હડપ કરી ગયા. પુખ્ત વયના થયા પછી એ મિલકત પાછી મેળવવા માટે કોર્ટ-કચેરીનાં પગથિયાં ચડવામાં જ નથુભાઈનાં ઘણાં વરસ ગયાં. છેવટે સારીએવી મિલકત તેઓ પાછી મેળવી શક્યા હતા. ત્યાર બાદ વાલકેશ્વર ખાતે એક ધરમશાળા અને શિવાલય બંધાવવાનું તેમણે શરૂ કર્યું, પણ એ પૂરું થાય એ પહેલાં જ ૪૧ વરસની ઉંમરે તેમનું અવસાન થયું.
મંગળદાસ નથુભાઈનો જન્મ મુંબઈમાં ૧૮૩૨ના ઑક્ટોબરની ૧૫મી તારીખે. જ્ઞાતિ કપોળ વાણિયા. નથુભાઈ શેઠ ગુજરી ગયા ત્યારે દીકરા મંગળદાસની ઉંમર અગિયાર વરસ. ફરી એ જ વાત. પિતાએ નીમેલા વકીલો મિલકત હડપ કરવા માગે છે એ વાતનો ખ્યાલ મંગળદાસને આવી ગયો. મુંબઈની મેઇન વોરિંગની અંગ્રેજી સ્કૂલમાં ભણતા હતા એ છોડીને મિલકત બચાવવા પાછળ મંડી પડ્યા. સોળ વરસની ઉંમરે ૧૮૪૮માં રુખમણીબાઈ સાથે ભારે ધામધૂમથી લગ્ન કર્યાં ત્યારે ત્રીસ હજાર રૂપિયાનો ખરચ કીધેલો, જે એ વખતે ઘણી મોટી રકમ ગણાય. સોળ વરસના લગ્નજીવનમાં તેમને ઘરે ત્રણ દીકરા અને બે દીકરીનો જન્મ થયો હતો. મંગળદાસની ૩૨ વરસની ઉંમરે ૧૮૬૪માં પત્નીનું અવસાન થયું. એ જમાનામાં પુરુષ એક પછી એક બે-ત્રણ-ચાર લગ્ન કરે એ સ્વાભાવિક ગણાતું પણ મંગળદાસે બીજાં લગ્ન કર્યાં નહીં. એટલું જ નહીં, સદ્ગત પત્નીની યાદમાં પચાસ હજાર રૂપિયાના ખર્ચે કલ્યાણમાં હૉસ્પિટલ શરૂ કરી હતી. પોતાના વસિયતનામામાં તેઓ યુનિવર્સિટી ઑફ બૉમ્બેને સાડાત્રણ લાખ રૂપિયાનું દાન આપી ગયા હતા. આજે પણ આ યુનિવર્સિટી તરફથી દર વરસે ‘સર મંગળદાસ નથુભાઈ ટ્રાવેલિંગ સ્કૉલરશિપ અને બીજી બે સ્કૉલરશિપ ઉચ્ચ અભ્યાસ અને સંશોધન માટે અપાય છે.
મંગળદાસ શેઠનું એકંદર વલણ સુધારાવાદીઓ તરફી હતું. એ વખતે હોળી ટાણે જે અશ્લીલ ગીતો જાહેરમાં ગવાતાં અને આવતી-જતી છોકરીઓ અને સ્ત્રીઓની જે છેડતી થતી એના પર તેમણે મુંબઈ પોલીસમાં અરજી કરીને પ્રતિબંધ મુકાવ્યો. પરિણામે એ બદી નાબૂદ તો ન થઈ પણ એનું પ્રમાણ ઘણું ઘટી ગયું. 
મંગળદાસશેઠનું વલણ ઘણે અંશે સમાજ સુધારાની તરફેણ કરનારું હતું. સ્ટુડન્ટ્સ સાયન્ટિફિક ઍન્ડ લિટરરી સોસાયટીએ બહારકોટમાં છોકરાઓ માટે સ્કૂલ શરૂ કરી ત્યારે એને મંગળદાસે ઘણી આર્થિક મદદ કરી હતી. આ જ સોસાયટીએ છોડીઓ માટેની પાંચ નિશાળ શરૂ કરી ત્યારે  એ નિશાળોને પણ તેમણે છુટ્ટે હાથે દાન કર્યું. નામદાર જગન્નાથ શંકરશેટે પોતાની માલિકીની જમીન દાનમાં આપીને એના પર હિન્દુ સ્મશાનભૂમિ ઊભી કરવાની દરખાસ્ત રજૂ કરી ત્યારે કેટલાક સનાતનીઓએ એનો વિરોધ કર્યો હતો. પણ મંગળદાસે આ દરખાસ્તને ટેકો આપ્યો હતો. તો સાથોસાથ તેઓ ઉદારમતવાદી પણ હતા. સુરતથી મુંબઈ આવીને ઇચ્છારામ સૂર્યરામ દેસાઈએ ૧૮૮૦ના જૂનની છઠ્ઠી તારીખથી ‘ગુજરાતી’ નામનું સાપ્તાહિક શરૂ કર્યું એ માટેની બધી મૂડી શેઠ મંગળદાસ નથુભાઈએ રોકેલી. પછીથી ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ શરૂ થયું એ પણ મંગળદસ શેઠની મૂડીથી. છતાં ‘ગુજરાતી’ સાપ્તાહિકના તંત્રી ઇચ્છારામ સૂર્યરામ દેસાઈએ સોનાપુરની દરખાસ્તનો વિરોધ કર્યો ત્યારે મંગળદાસે તેમના વિચારસ્વાતંત્ર્યનો આદર કર્યો. 
દેશમાંથી કંપની સરકારનું રાજ ગયું અને રાણીનું રાજ આવ્યું તે પછી મુંબઈ ઇલાકાના વહીવટ વિશે સલાહ-સૂચન કરવા નિમાયેલી કાઉન્સિલના મંગળદાસ સભ્ય નિમાયા હતા – એક વાર નહીં, ચાર વાર. કાઉન્સિલમાંની તેમની ઉમદા કામગીરીને ધ્યાનમાં રાખીને સરકારે સી.એસ.આઇ.ના ઇલકાબથી નવાજ્યા હતા અને ત્યારથી તેઓ ‘ધ ઓનરેબલ મંગળદાસ નથુભાઈ’ બન્યા હતા. તો મુંબઈ ઇલાકાના હિન્દુઓમાં ‘સર’નો ઇલકાબ મેળવનારા મંગળદાસ સૌથી પહેલા હતા. ૧૮૭૫માં રાણી વિક્ટોરિયાએ તેમને સર નાઇટનો ખિતાબ આપ્યો હતો. ૧૮૭૭માં પ્રિન્સ ઑફ વેલ્સ મુંબઈ આવ્યા ત્યારે તેમણે મંગળદસ શેઠને રૂપાનો ચાંદ આપેલો એટલું જ નહીં, મંગળદાસના દીકરાઓનાં લગ્નમાં જાતે હાજર રહ્યા હતા. ૧૮૯૦ના માર્ચમાં મંગળદાસનું અવસાન થયું. 
ઘણા વખતથી વણઊકલ્યો એક કોયડો સર મંગળદાસ નથુભાઈ વિશે ખાંખાંખોળાં કરતાં આપોઆપ ખૂલી ગયો. એ કોયડો તે કિયો અને એ ઉકલ્યો તે કઈ પેરે એની વાત હવે પછી.

 મંગળદાસ શેઠનું વલણ સુધારાવાદીઓ તરફી હતું. એ વખતે હોળી ટાણે જે અશ્લીલ ગીતો ગવાતાં અને આવતી-જતી છોકરીઓ અને સ્ત્રીઓની જે છેડતી થતી એના પર તેમણે મુંબઈ પોલીસમાં અરજી કરીને પ્રતિબંધ મુકાવ્યો.

18 June, 2022 01:49 PM IST | Mumbai | Deepak Mehta

અન્ય લેખો

પોતાની હિરોઇનના પ્રેમમાં પડવાની રાજ કપૂરની આદત ફિલ્મોની સફળતા માટે ફાયદાકારક હતી

બૅન્ગલોરના ‘સંગમ’ના પ્રીમિયર સમયે કૃષ્ણા કપૂર હાજર હતાં. પડદા પર જે પ્રણયત્રિકોણ ભજવાતો હતો એ પ્રેક્ષકો માટે મનોરંજન હતું. અહીં અસલી જીવનનાં ત્રણ પાત્રો એકમેકની સામસામે હતાં.

26 June, 2022 01:21 IST | Mumbai | Rajani Mehta

ગાંધીજી અને મહંમદઅલી ઝીણા પહેલી વાર મળેલા સર મંગળદાસ નથુભાઈના બંગલોમાં

૧૯૧૫ના જાન્યુઆરીની ૧૪મી તારીખે આ હાઉસના ગાર્ડનમાં ‘ગુજરાત સભા’ તરફથી યોજાઈ હતી જેમાં બન્નેની પહેલી મુલાકાત થઈ હતી

25 June, 2022 01:45 IST | Mumbai | Deepak Mehta

હિરોઇનને પહેલાં ‘હર્ટ’ કરીને પછીથી તેનું ‘હાર્ટ’ પટાવવાની કળામાં રાજ કપૂર માહેર

‘સંગમ’ ફિલ્મની રજૂઆત પહેલાં જ લોકોને ફિલ્મમાં ખૂબ રસ પડવા લાગ્યો હતો

19 June, 2022 01:49 IST | Mumbai | Rajani Mehta

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK