Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > એક સમય હતો જ્યારે રેડિયોની ગીતમાલાના ૧૬માંથી ૧૧ ગીતો તો સંગીતકાર રવિના વાગતા હોય

એક સમય હતો જ્યારે રેડિયોની ગીતમાલાના ૧૬માંથી ૧૧ ગીતો તો સંગીતકાર રવિના વાગતા હોય

21 March, 2021 11:30 AM IST | Mumbai
Rajani Mehta | rajnimehta45@gmail.com

સ્મૃતિઓનું ગાભું જીવનની કડવી સચ્ચાઈઓ સામે આપણને મીઠી હૂંફ આપતું હોય છે. સંગીતકાર રવિની નાની પુત્રી છાયા શર્મા અતીતની અટારી પરથી ફરી એક વાર એ સંસ્મરણોને જીવંત કરતાં કહે છે...

દિલીપ કુમાર, ઓમ પ્રકાશ, સુનીલ દત્ત અને સંગીતકાર રવિ.

દિલીપ કુમાર, ઓમ પ્રકાશ, સુનીલ દત્ત અને સંગીતકાર રવિ.


શૈશવની યાદોને વાગોળવી એ મનુષ્ય માત્રની ફેવરિટ હૉબી છે. ભૂતકાળ કંઈ પટારામાં પૂરી દીધેલી જણસ નથી કે એને માણવા માટે વધુ મહેનત કરવી પડે. એ સતત આપણા અસ્તિત્વ સાથે સંકળાયેલો હોય છે. જીવનના અંત સુધી એ આપણને ઘડતો રહે છે, પ્રેરણા આપતો રહે છે. સ્મૃતિઓનું ગાભું જીવનની કડવી સચ્ચાઈઓ સામે આપણને મીઠી હૂંફ આપતું હોય છે. 
સંગીતકાર રવિની નાની પુત્રી છાયા શર્મા અતીતની અટારી પરથી ફરી એક વાર એ સંસ્મરણોને જીવંત કરતાં કહે છે...
 ‘એ દિવસોમાં અમારા બંગલામાં રોજ મેળો ભરાયો હોય એવું વાતાવરણ રહેતું. રાઇટર્સ, સિન્ગર્સ, કોરસ સિન્ગર્સ અને બીજા લોકોથી ઘર ભરાઈ જાય. ગીતકાર સાહિર લુધિયાન્વી, શકીલ બદાયુની, રાજેન્દ્ર કૃષ્ણ, અસદ ભોપાલી અમારે ત્યાં નિયમિત આવતા. રફીસા’બ તો ત્રણ-ચાર દિવસ થાય એટલે અચૂક અહીં આવે. અમારે ત્યાંની ચા તેમને ખૂબ પસંદ હતી. લતાજી, આશાજી તો કામ પતાવીને સીધા કિચનમાં ઘૂસી જાય.’ 
 ‘સાહિર અંકલ સાથે અમને બહુ મજા આવતી. નાના હતા ત્યારે તે નિતનવી વાર્તા કહેતા. તેમની પાસેથી અનેક ઇન્ટરેસ્ટિંગ કિસ્સા સાંભળ્યા છે. વર્ષો પહેલાંની વાત છે, તે દિલ્હીથી  મધ્ય પ્રદેશના શિવપુરી બાય રોડ જતા હતા. એ દિવસોમાં એ વિસ્તારમાં ડાકુઓનું જોર હતું.  ધોળે દિવસે આવતી-જતી ગાડીઓને રોકીને કીમતી માલસામાન લૂંટી લેવામાં આવતો.  કમનસીબે તેમની ગાડીને રસ્તામાં રોકવામાં આવી. તેમણે પેલા લોકોને કહ્યું કે હું વિખ્યાત શાયર છું. કોઈ તેમની આ વાત માને નહીં. તેમણે કહ્યું કે તમે કહો તો હું શાયરી સંભળાવું. ડાકુઓના લીડરને આ વાતની ખબર પડી. તે ફિલ્મોનો શોખીન હતો. આવતાવેંત તે સાહિરસા’બને ઓળખી ગયો અને ખુશ થઈ ગયો. સાથીઓને કહે, આ તો મોટા શાયર છે, આપણા મહેમાન છે. તેમને તકલીફ ન પડવી જોઈએ. તેમને ખવડાવ્યા-પીવડાવ્યા અને ભેટ આપી. કહે, અમે કલાકારોનું સન્માન કરી છીએ. અમને ખબર છે, રવિસા’બ અનેક વાર આ પ્રદેશમાંથી પસાર થાય છે. અમે કદી તેમને હેરાન નથી કર્યા.’
‘પિતાજીને પહેલેથી લૉન્ગ ડ્રાઇવનો શોખ હતો. દૂર-દૂર જવું હોય તો પણ ટ્રેનને બદલે ગાડી લઈને નીકળી પડે. ઘણા લોકોએ તેમને ચેતવણી આપી હતી કે આ તરફથી નીકળવા જેવું  નથી. તે એટલું જ કહે, ભગવાન પર ભરોસો છે, એ આપણો ખ્યાલ રાખશે. રસ્તાનો બહુ ખ્યાલ ન હોય એટલે પેટ્રોલ પંપ પર પૂછવું પડે. ઘણી વાર તે લોકો ખોટો રસ્તો બતાવે. મારા એક અંકલ ફૉરેસ્ટ-રેન્જર હતા. મોટે ભાગે અમે તેઓ સાથે હોય ત્યારે જ ટ્રાવેલ કરીએ. એક વખત એવું બન્યું કે રસ્તામાં અમુક લોકોએ અમને રોક્યા. તે સૌ એકસમયે લૂંટફાટ કરતા, પણ ત્યાર બાદ આત્મસમર્પણ કરીને ખેતીવાડી કરતા હતા. તેમણે બંદૂક અને પાઘડીથી અમારું સ્વાગત કર્યું. જાત-જાતના ફ્રૂટ્સ લઈને આવ્યાં. એ સમયે અહેસાસ થયો કે ફિલ્મસંગીતની કેટલી લોકપ્રિયતા છે.’  
 ‘નૌશાદસા’બ સાથે તેમને ખાસ દોસ્તી હતી. પવઈમાં તેમનો એક શેક હતો. ફુરસદના સમયે  ત્યાં પહોંચી જતા. તેમનો દીકરો રાજુ પિતાજીને ખૂબ માન આપે. ગમે ત્યારે કંઈ કામ હોય તો પિતાજી રાજુને યાદ કરે. નૌશાદસા’બ તેમને નાના ભાઈ સમાન પ્રેમ કરતા. એક વાર પિતાજીનો અમેરિકામાં શો નક્કી થયો. નૌશાદસા’બને ખબર પડી તો તેમણે ચેતવણી આપી કે આ ઑર્ગેનાઇઝરનું નામ ખરાબ છે. જો ઍડ્વાન્સ આપે તો જ શો કરવો. તેમની વાત સાચી હતી. પેમેન્ટની વાત આવી તો પેલો ગલ્લાંતલ્લાં કરવા માંડ્યો.’ 
 ‘જ્યારે પિતાજીની ઓપન હાર્ટ સર્જરી કરવાની હતી ત્યારે તે થોડા નર્વસ હતા. નૌશાદસા’બની સર્જરી થઈ ગઈ હતી. તેમને પૂછે કે સર્જરી કરવી જોઈએ? તકલીફ તો નહીં થાયને? શું કાળજી લેવી, કેટલો ફરક પડશે? બન્ને વચ્ચે નાની-મોટી અનેક બાબતોનું ડિસ્ક્શન થયાં કરે. નૌશાદસા’બે કહ્યું કે આ સર્જરી જરૂરી છે, તમે કરાવી લો. ચિંતા કરવાની કોઈ વાત નથી. તેમણે ધરપત આપી એટલે નિશ્ચિંતપણે સર્જરી કરાવી.’
 ‘જ્યારે હૉસ્પિટલમાં હતા ત્યારે ત્યાં કામ કરતી નર્સ તેમને ઓળખી જાય. મોટે ભાગે તે મલયાલમી હોય. પિતાજીએ અનેક મલયાલમ ફિલ્મોમાં મ્યુઝિક આપ્યું છે. તેમની સાથે હળીમળી જાય અને ફરમાઇશ પર ગીતની બે પંક્તિ ગાય એટલે સૌ ખુશ થઈ જાય.’ 
 ‘જે લોકો સાથે તેમણે પ્રોફેશનલી કામ કર્યું તે દરેક સાથે તેમના પર્સનલ રિલેશન હતા. રાજેન્દ્ર કૃષ્ણને ગીત લખવાનો મૂડ ન આવતો હોય તો કહેતા, ચલો, મહાબળેશ્વર ચલતે હૈ અને એમ કહેતાં બન્ને પરિવાર હૉલિડે મનાવવા નીકળી પડતા. સાઉથના વાસુ મેનન સાથે પણ એવી જ દોસ્તી હતી. બી. આર. ચોપડાના પરિવાર સાથે તો અનેક વાર મુંબઈમાં લંચ-ડિનર પર સાથે ગયા છીએ. આ દરેક પરિવારના સેકન્ડ જનરેશન સાથે અમારા આજે પણ એવા જ ઘનિસ્ટ સંબંધ છે.’ 
 ‘રાતે ડિનર માટે સાથે બેઠા હોઈએ ત્યારે દિવસભર શું થયું એની વાતો કરે. એક દિવસ કહે, ‘આજે એક ગમ્મત થઈ. આશાના ગીતનું રેકૉર્ડિંગ હતું. એક લેડી પિયાનો મ્યુઝિશ્યન અને આશા વાત કરતાં હતાં. હું ત્યાંથી પસાર થયો ત્યારે એમ સાંભળ્યું કે ડૉક્ટરે રીડ્યુસ કરવાનું કહ્યું છે. મને થોડી ચિંતા થઈ. આશા નજીક આવી એટલે ધીરેથી પૂછ્યું કે પેલીની તબિયતને શું થયું છે? આશા કહે, ના, તબિયત સારી છે. થોડી એકલતા લાગે છે. મેં કહ્યું કે મેં તો સાંભળ્યું વજન રીડ્યુસ કરવાનું છે એટલે ચિંતા થઈ. હસતાં-હસતાં આશા કહે, અરે, વો કહ રહી થી કી ડૉક્ટર કહેતે થે કી અકેલાપન મહેસૂસ હોતા હૈ તો રેડિયો સુના કર.’ આ સાંભળી અમે ખૂબ હસ્યા. 
છાયા શર્મા સાથે ફોન પર વાત કરતાં-કરતાં મને અમીન સાયાનીના પુત્ર રાજીલ સાયાનીએ કહેલો એક કિસ્સો યાદ આવ્યો. વાત એમ બની કે સંગીતકાર રવિની ગેરહાજરીમાં તેમના ઘરે આવેલો એક કાબેલ ઇલેક્ટ્રિશ્યન મુંઝાઈ ગયો કે આવું કામ કર્યું છે કોણે? એ કિસ્સાની પૂરી જાણકારી આપતાં છાયા શર્મા કહે છે...    
 ‘આ કમાલની વાત છે કે એક સફળ સંગીતકાર બન્યા પછી પણ એક ઇલેક્ટ્રિશ્યન તરીકે તેમને ઇલેક્ટ્રિકને લગતાં ઘરનાં નાનાં-મોટાં કામ કરવાની મજા આવતી. એનું મુખ્ય કારણ હતું તેમનું પૅશન. આ બંગલાનું પૂરેપૂરું ઇલેક્ટ્રિક કામ તેમની દેખરેખ નીચે કરવામાં આવ્યું છે.   અમારો એ સમયનો એક ઇલેક્ટ્રિશ્યન છે જેણે બંગલાનું કામ કર્યું છે. તે હંમેશાં કહેતો કે આટલું સુઘડ અને વ્યવસ્થિત વાયરિંગ તેણે આજ સુધી જોયું નથી. હવે તે ઉંમરલાયક થઈ ગયો છે. આજ સુધી અમારા કોઈ પણ ઇલેક્ટ્રિકલ પ્રૉબ્લેમ હોય તો તે જ આવે. બીજા કોઈ અહીં આવે તો ગૂંચવાઈ જાય. હમણાં તે ગામ ગયો છે. અમારું એ.સી. બગડી ગયું એટલે મેં ફોન કર્યો કે ક્યારે આવે છે? તો કહે, હજી સમય લાગશે. મેં કહ્યું તો બીજા કોઈને બોલાવવો પડશે. તો કહે, તે આવીને કામ ખરાબ કરી નાખશે અને પાછળથી મારી માથાઝીક વધી જશે.’ 
 ‘તે સ્વભાવના ખૂબ સરળ હતા. કદી અમારા પર ગુસ્સે ન થાય. સંગીતમાં જ હંમેશાં રચ્યાપચ્યા રહે. એક સમય હતો જ્યારે ગીતમાલામાં કુલ ૧૬ ગીતોમાંથી ૧૧ ગીતો તેમનાં  વાગતાં. આજે પણ એ ગીતો એટલાં જ તાજાં લાગે છે. એક દિવસ ઋષિ કપૂરનો ફોન આવ્યો. ફિલ્મ ‘તવાયફ’નાં ગીત તેમણે સાંભળ્યાં અને ખૂબ ગમ્યાં. ફોન પર કહે, બહોત દિનો કે બાદ દિલ કો છુંને વાલે ગાને સુને. ઋષિ કપૂરની એક વાત મને બહુ ગમે છે. તે વડીલોને ખૂબ જ માન  આપે અને તેની ઇજ્જત કરે. જ્યારે પણ તે અમને મળતા ત્યારે પિતાજીને ખૂબ યાદ કરતા.’               
 ‘My father was a complete family man. ૧૯૮૬માં મારાં માતાજીનો દેહાંત થયો. પિતાજી એકલા પડી ગયા. મોટી બહેન વીણા દિલ્હીમાં અને હું અમેરિકા હતી. જોકે સંગીત તેમની સાથે હતું એટલે એના સહારે તે ખુશહાલ હતા. સમય જતાં મારા ભાઈ સાથે પ્રૉપર્ટીનો વિવાદ શરૂ થયો. તેમની તબિયત પર અસર થઈ. મોટી બહેનની તબિયત નરમગરમ રહેતી  એટલે તેમની સંભાળ લેવા અમેરિકા છોડીને હું દીકરી સાથે અહીં આવી. પિતાજીના દેહાંત બાદ આજની તારીખમાં પણ હું અનેક કેસ લડી રહી છું. મને વિશ્વાસ છે કે સત્યની જીત થશે.’
છાયા શર્માના અવાજમાં રહેલી પીડા હું ફોન પર પણ અનુભવી શકતો હતો. ઘણી વાર સ્મરણો તમને જેટલી ઉષ્મા આપતાં હોય એના કરતાં પણ વધુ, દિલને ચીરીને પીડા આપતાં હોય છે, એ હકીકત છે. 
આમ પણ પિતાનું દર્દ પુત્રી સિવાય વધુ સારી રીતે કોણ અનુભવી શકે? ૨૦૧૧માં જ્યારે સંગીતકાર રવિ સાથે મારી પહેલી મુલાકાત ‘વચન’ બંગલોમાં થઈ ત્યારે મને એ વાતની ખબર નહોતી કે પિતા-પુત્ર વચ્ચે અણબનાવ છે. પછીનાં વર્ષોમાં એ વિશે અનાયાસે ઘણી વાતો જાણવા મળી ત્યારે દુઃખ થયું. આમ પણ કોઈના અંગત જીવનમાં ડોકિયું કરવાનો મારો સ્વભાવ નથી. અનેક કલાકારોને નજીકથી જોયા છે, જાણ્યા છે, પરંતુ તેમના કામને માણવા સિવાય બાકીની વાતોને મહત્ત્વ આપ્યું નથી. અનેક દિગ્ગજોએ પોતાની જીવનકિતાબનાં એવાં પાનાંઓ મારી સામે ખોલ્યાં છે જે ભાગ્યે જ કોઈની સમક્ષ ખુલ્યાં હોય, પરંતુ એ વિશે જાહેરમાં ઉલ્લેખ નથી કર્યો. આ કૉલમને કદી ગૉસિપ કૉલમ બનાવવી નથી. દુન્યવી દશામાં કલાકાર મારી-તમારી જેમ જ કડવી હકીકતનો સામનો કરતો હોય છે. કાલિદાસનું ‘શાકુંતલ’ વાંચીને જે આનંદ મળે એનો નશો કંઈ ઔર હોય છે. એ હૅન્ગઓવરને કાલિદાસની અંગત જીવની સાથે માણીએ તો મૂરખાઈ કહેવાય, કારણ કે એ તેની પોતાની અમાનત છે. 
પિતા-પુત્ર વચ્ચે અણબનાવ થાય એ નવી વાત નથી. પિતા માને છે કે પુત્ર પર મારો અધિકાર છે. પુત્ર હંમેશાં સ્વતંત્ર વિચારધારાથી જીવતો હોય છે. એકને હક જોઈએ છે તો બીજાને સ્વતંત્રતા. આ મતમતાંતર જ્યારે અહમની એરણે ચડે છે ત્યારે વાત વણસી જાય છે. એક સરસ ક્વૉટેશન વાંચ્યું હતું ‘The day I realized my father was right, my son told me daday, you are wrong.’ 
સંગીતકાર રવિના જીવનમાં જે કઈ બન્યું એ ‘બેફામ’ની ગઝલનો શૅર તાદશ રજૂ કરે છે... 
ઓ હૃદય તે પણ ભલા કેવો ફસાવ્યો છે મને 
જે નથી મારા બન્યા એનો બનાવ્યો છે મને. 
આમ તો હાલત અમારા બેઉની સરખી જ છે 
મેં ગુમાવ્યા એમ તેણે પણ ગુમાવ્યો છે મને.  
આવતા રવિવારે સંગીતકાર રવિની સુરીલી સંગીતસફરનો આખરી પડાવ.


Whatsapp-channel Whatsapp-channel

21 March, 2021 11:30 AM IST | Mumbai | Rajani Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK