Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > હદ તો હોવી જોઈએ

હદ તો હોવી જોઈએ

17 October, 2021 11:49 AM IST | Mumbai
Hiten Anandpara

મરીઝ એવી સોનેરી સલાહ આપે છે જે તોતિંગ પગારો ધરાવતા સચિવો કે વ્યાવસાયિક સલાહકારો પાસેથી પણ ન મળે...

હદ તો હોવી જોઈએ

હદ તો હોવી જોઈએ


કેટલાક લોકો હદ વટાવીને અનહદના પવિત્ર રસ્તે પ્રયાણ કરે તો કેટલાક લોકો અનબનહદ નિર્માણ કરે. તેમનું લક્ષ્ય જોડવા કરતાં તોડવાનું વિશેષ હોય. ચીન અને પાકિસ્તાન એવી કૅટેગરીમાં આવે કે દર અઠવાડિયે એક વાર તો તમારે બોલવું પડે કે હવે તો હદ થાય છે. ભારતની અમુક રાજ્ય સરકારો પણ આ કૅટેગરીમાં અગ્રસ્થાને આવે. સ્તર રાજ્યનું હોય પણ સાફો દેશનો હોય. કયું રાજ્ય કઈ કૅટેગરીમાં આવે એ સુજ્ઞ વાચકોને સમજાવવાની જરૂર નથી. મરીઝ એવી સોનેરી સલાહ આપે છે જે તોતિંગ પગારો ધરાવતા સચિવો કે વ્યાવસાયિક સલાહકારો પાસેથી પણ ન મળે...
હદથી વધી જઈશ તો તરત જ મટી જઈશ
બિંદુની મધ્યમાં છું હું તેથી અનંત છું
બન્ને દશામાં શોભું છું ઝુલ્ફોની જેમ હું
વીખરાયેલો કદી છું કદી તંતોતંત છું
માયૂસી આપણી બહેનપણી બનીને રહેવા ટેવાયેલી છે. એમાં વાંક આપણો જ છે. આપણી ચામડી જાડી નથી. આપણે તો હોમ લોનનો એક હપ્તો ભરવામાં મોડું થયું હોય તોય છાતીમાં પાંચ ઇંચ જેટલું પિંચ થયા કરે. બીજી તરફ વસૂલીપ્રધાનો પાંચ ઇંચની ખીલી ભોંકાય તોય દર્દ ન થાય એવું શુગરકોટેડ કૉટન બખ્તર પહેરીને બેઠા હોય. કૌભાંડીઓ રાજગાદીએ બેસીને બધું એન્કૅશ કરે અને નાગરિકો તારાજગાદીએ બેસીને ક્રૅશ થયા કરે. પાર્થ પ્રજાપતિનો આ આર્તનાદ અમથો નથી...
કઈ હદે મેં એને આરાધી હશે?
હું પીડાદેવીનો ભૂવો થઈ ગયો
નીકળ્યો’તો વાંસળીને વેચવા
સાંજ પડતાં એય ડૂમો થઈ ગયો
તમે વાંસળીના સૂર સાંભળવા ઇચ્છતા હો અને તમને લાકડીના ઠપકારા સાંભળવા મળે. મુંબઈ બંધ કરાવનારા શાસકોને જોઈને લાચાર સ્મિત વેરવું કે માથે ઢીમચું થઈ આવે એ હદે આપણો જ હાથ પછાડવો એ નિર્ણય વિકટતમ પુરવાર થશે. પોતાની લીટી મોટી કરવાને બદલે સામેવાળાની લીટી નાની કરવાની માનસિકતા ગમે એટલી અસ્મિતાધારી હોય, અંતે એ અભણ જ કહેવાય. સ્નેહા પટેલ દર્શાવે છે એવી આશા રાખવી વ્યર્થ લાગશે...
તમે મારી ભીતર પધારી જુઓ
વિચારું છું હું એ વિચારી જુઓ 
પ્રવેશ્યા વગર કોઈના ક્ષેત્રમાં
તમારી જ હદને વધારી જુઓ 
હદ વધારવાની ભૂખમાં ચીન સર્વોપરી છે. એનું ચાલે તો ચંદ્ર ઉપર પણ પોતાનાં લશ્કરી મથકો સ્થાપીને અન્ય દેશોમાં ચાંદની પ્રસરતાં અટકાવી દે. જેના લક્ષ્યમાં જ ઇન-બિલ્ટ લાક્ષાગૃહ હોય એવા લોકો અને શાસકોથી છેટા રહેવું સારું. પ્રત્યેક કાળમુખી ઘટના પછી સંભવામિ યુગે યુગે શ્લોક યાદ કરી-કરીને હવે જીભ પણ કંટાળી ગઈ છે. સુનીલ રાયાણી અંતર કહે છે એ ખુમારી સૈનિકો પૂરતી સીમિત રહી છે એવું લાગ્યા કરે... 
જે વિતાવી રાત એની કલ્પના પણ થરથરે
હદ વટી સૌ વાતની તો, જાવ થરથરતો નથી
છે ધનંજય નામ મારું, મોહમાં અટકું છતાં
સારથિ શ્રીકૃષ્ણ મારા, હું પરત ફરતો નથી
આતંકવાદીઓને ઠાર મારવા ગયેલા આપણા પાંચ સૈનિકો કાશ્મીરમાં શહીદ થઈ ગયા. એ પહેલાં લઘુમતી સમાજના કેટલાક નિર્દોષ લોકોને આતંકવાદીઓએ વીણી-વીણીને ગોળીએ દીધા. પાકિસ્તાનનું પ્રૉક્સી-વૉર આપણને જાન અને માલ એમ બંને દૃષ્ટિએ મોંઘું પડી રહ્યું છે. પાકિસ્તાનની પૂંછડી એવી છે કે જમીનમાં દટાતી નથી. એ પૂંછડીએ ઘાસતેલમાં ઝબોળેલું કપડું બાંધી સળગાવી એની પોક સાંભળવા મળે તો કાશ્મીરની વાદીઓને શાતા વળે. શીતલ જોશી કારણ અને તારણ બંને આપે છે...
પ્રતીક્ષાની હદ તો જુઓ
ઊભો છું હું ખાંભી ખોડી
ઇચ્છાઓના સ્ટેશન ઉપર
ટ્રેન પડે છે કાયમ મોડી
ટ્રેન મોડી આવે છતાં રાહ જોયા વગર છૂટકો નથી. વીતેલા સમયને રિવાઇન્ડ કરી શકાય, ભાવિ સમયને ફાસ્ટ ફૉર્વર્ડ કરી શકાતો નથી. સુધીર પટેલ પરિણામનો નિર્દેશ કરે છે... 
હદ વગરનું પ્રથમ દરદ આપે
બાદ મીરાં સરીખું પદ આપે
કોઈ ઉધારી એ ચલાવે નહીં
એ સમય છે, બધું નગદ આપે
ક્યા બાત હૈ
કોઈ પર મરવાની કોઈ હદ તો હોવી જોઈએ
યાદ પણ કરવાની કોઈ હદ તો હોવી જોઈએ

સ્પર્શ એના હાથનો પામી અમે પીગળી ગયા
આગમાં ઠરવાની કોઈ હદ તો હોવી જોઈએ



હદ કરી નાખી છે એણે ના બધાને પાડીને
પ્રેમથી ડરવાની કોઈ હદ તો હોવી જોઈએ


તાપ વેઠી સાંજે ઉજાગર કર્યું છે આભને
જાત પણ ધરવાની કોઈ હદ તો હોવી જોઈએ

એ કદી સ્વીકાર એના પ્રેમનો કરતો નથી
ખુશ્બૂ સંઘરવાની કોઈ હદ તો હોવી જોઈએ
- અંજના ગોસ્વામી અંજુમ આનંદ


Whatsapp-channel Whatsapp-channel

17 October, 2021 11:49 AM IST | Mumbai | Hiten Anandpara

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK