° °

આજનું ઇ-પેપર
Sunday, 03 July, 2022


આ રોગની તપાસ કર

19 June, 2022 01:40 PM IST | Mumbai
Hiten Anandpara

અસ્પષ્ટતા બે પ્રકારની હોય. એક, જેમાં છાવરવાનું હોય અને બીજી, જેમાં સુધારવાનું હોય

પ્રતીકાત્મક તસવીર અર્ઝ કિયા હૈ

પ્રતીકાત્મક તસવીર

અસ્પષ્ટતા બે પ્રકારની હોય. એક, જેમાં છાવરવાનું હોય અને બીજી, જેમાં સુધારવાનું હોય. પહેલા કિસ્સામાં ઈડી દ્વારા રાહુલ ગાંધીની પૂછપરછ થઈ રહી છે એ લઈ શકાય. બીજા દાખલામાં શૈલેશ દવે કે કાન્તિ મડિયા જેવા દિગ્દર્શકો લઈ શકાય જે નાટકનો શુભારંભ થઈ ગયા પછી પણ અમુક પ્રયોગ સુધી ઇમ્પ્રોવાઇઝેશનની સર્જકીય મથામણ કરતા. આ બે છેડા વચ્ચે ડૉ. અપૂર્વ શાહના શેરથી આપણી તપાસ શરૂ કરીએ... 
જ્યાં નજર આવે મહોબ્બત ત્યાં મને તું શોધજે
પ્રેમની હો જ્યાં વિરાસત ત્યાં મને તું શોધજે
આશિયાનો આપણો પણ ક્યાંક તો બન્યો હશે
હો દીવાલો ચાર ને છત ત્યાં મને તું શોધજે
આજકાલ દર શુક્રવારે મોહબ્બત વ્યક્ત થઈ રહી છે. હાથ મોહબ્બતના પૈગામને બદલે પથ્થરોથી ઊભરાય છે. નિમ્ન શબ્દપ્રયોગો ને આક્ષેપબાજીની આતશબાજી ખેલાય છે. ધર્મમાંથી મર્મ શોધવાને બદલે શર્મ આવે એવાં પ્રયોજનો શેરીઓમાં પ્રાયોજાય છે. અલ્પા વસા નમ્ર સવાલ પૂછે છે...
શું તમે ધાર્યું છે કે ભગવાન જાણીયે શકાય?
હોય રટ ૐકાર મનમાં, નક્કી પામીયે શકાય
વેદના, ડર, આંસુ, પીડા ક્યાં છુપાવી છે બધી?
દિલની શિરાઓ ને ધમનીઓ તપાસીયે શકાય
વેદના અને ડરની વીકલી વન્ડે મૅચ રમાઈ રહી છે. માંડ કોવિડના મારમાંથી બેઠા થયેલા દેશને આ પ્રકારની દુર્ગતિવિધિઓ પોસાય નહીં. રાંચીના તોફાન સંદર્ભે ઝારખંડની સોરેન સરકારે `ગલતી હો જાતી હૈ’ ટાઇપનું બયાન આપ્યું. ઉપદ્રવીઓની તસવીરો હેમખેમ ઊતરાવી લીધી. સંજય રાવ અકળાવનારી રાવ વહેતી મૂકે છે...
ચોતરફ જૂઠની કેવી ભરમાર છે
સત્યનાં વસ્ત્ર સૌ કોઈ હરનાર છે
છો તપાસો થતી કે પછી પૂછતાછ
ચીભડાં વાડ પોતે જ ગળનાર છે
અચૂક જોવા મળ્યું છે કે મોટા માથાને કંઈ થતું નથી. જો થાય તો વિલંબિત  થાય ને સજાની તીવ્રતા પણ ઓછી હોય. ગમે એટલું મોટું માથું હોય એ ગુનો કરે તો ખાંડણિયામાં મુકાવું જોઈએ. પદ અને જ્ઞાતિના પ્રભાવથી દેશ મુક્ત ક્યારે થશે? દિવ્યા સોજીત્રા કહે છે એ તારણ અનેક સંદર્ભે જોવા મળશે...
આયખાનો પ્રવાસ જારી છે
સાવ જુઠ્ઠી તલાશ જારી છે
બર્ફ થીજયો ને ઓગળી પણ ગ્યો
સ્પર્શની તો તપાસ જારી છે
બહુ વિરોધ થાય તો દેખાદેખી ખાતર થોડી તપાસ થાય. પછી ચા-પાણી કરીને છુટ્ટા. વાણીસ્વાતંત્ર્યની પણ બે બાજુ ખુલ્લી પડી ગઈ છે. બંગાળમાં સોળ વર્ષની છોકરીએ કહ્યું કે જેને ન ફાવે તે દેશ છોડી ચાલ્યા જાય. એને જેલમાં ધકેલવામાં આવી. બીજી તરફ કેટલાયે મૌલવીઓ, ઓવૈસી વગેરે માન્યવરોના બેફામ બફાટ સામે કોઈ પગલાં લેવાતાં નથી. કમલેશ શુક્લ આ વિવશતા નિરૂપે છે...   
સતત ખરે છે પાન શાને? એ જરી તપાસ કર
મરે અહીં ઘણા બધે, આ રોગની તપાસ કર
સમજ કશી પડે નહીં,  કર્યા કયા ગુના અમે?
ખુદા જરા જો થૈ શકે તો આખરી તપાસ કર
પ્રજાજનનો ગુનો એ છે કે એ આમ આદમી છે. તેની પાસે તોફાન કરનારા ઉપદ્રવીઓ જેવો સમય અને કટ્ટરતા નથી. એના ભાગે બે ટંકના રોટલાની લડાઈ લડવાની છે. જોરુકા સંજોગો સામે ઝીંક ઝીલવાની છે. પરિસ્થિતિના તમાચા ખાવાના છે. બિલ્લોરી કાચથી આશ્વાસનોના ટુકડા શોધવાના છે. જિજ્ઞેશ ક્રિસ્ટી સ્વીકારભાવ બયાં કરે છે...
તબીબો પણ ગયા થાકી હવે જોને તપાસીને
કરી શકતા નથી એ દૂર મારી આ ઉદાસીને
ભલે જીવન ગમે તેવું હો તારે જીવવું પડશે
અહીંથી આ બધું છોડીને ક્યાં જાશે તું નાસીને
ક્યા બાત હૈ
આવ લઈને પ્રશ્ન તું, તું મારી સાથે વાત કર
સોય શંકાની લઈ, તું મારી ના તપાસ કર, 
હોય મનના ભેદ, દૂરી કે વિવાદો હો ઘણા, 
તું તલાશી લે બધી, ને તે પછી વિશ્વાસ કર
ડૉ. ભૂમા વશી

ન શોધ તું બીજે બધે ભીતર તલાશ કર
મૂકી ધરા-ગગન પ્રથમ તું ઘર તલાશ કર
ભલે યુગો વીતી જતાં જન્મો જતાં ભલે
ફગાવી વારતા બધી, અક્ષર તલાશ કર
ગુરુદત્ત ઠક્કર 

ચીંધે છે આંગળી તું સદા, અન્યની તરફ
તું પહેલાં તારી જાતની ઊલટતપાસ કર
કમીઓ તો બધામાં જ હોય, સત્ય એ જ છે
તારામાં કમી કેટલી, તું ખુદ તલાશ કર
કિરીટ શાહ  

નિશાઓમાં જે પજવે, એ વિચારોને તપાસી લે
દિવસભર જે નિચોવે, એ સવાલોને તપાસી લે
સ્મરણ પજવે વધુ કે આ સ્વપ્નના છે ઉધમ ઝાઝા?
છે સંશોધનનો એ વિષય, તું શ્વાસોને તપાસી લે
મેધાવિની રાવલ ‘હેલી’ 

19 June, 2022 01:40 PM IST | Mumbai | Hiten Anandpara

અન્ય લેખો

સરકારે નિયમ બનાવ્યો છે, પણ એનું કડક પાલન થાય એ શિસ્તતા આપણે દાખવવાની છે

મૉરલી પણ આપણે નક્કી કરવું પડશે, આપણે શિસ્ત દાખવવી પડશે કે આપણે એ પ્રોડક્ટ નહીં વાપરીએ.

03 July, 2022 10:11 IST | Mumbai | Manoj Joshi

ધારો કે આ દિવસ પહેલી વાર મળ્યો છે તો...

...તો એને જીવવાનું એક્સાઇટમેન્ટ ચોક્કસપણે બદલાઈ જાય. એક્સાઇટમેન્ટ પણ બદલાઈ જાય અને એ દિવસ સામે જોવાની આપણી મેન્ટાલિટી પણ ચેન્જ થઈ જાય. એક્સાઇટમેન્ટ પણ બદલાય, મેન્ટાલિટી પણ બદલાય અને એ બન્નેની સાથે આપણી રિલેશનશિપમાં પણ એટલો જ પૉઝિટિવ ચેન્જ જોવા મળે

03 July, 2022 09:53 IST | Mumbai | Bhavya Gandhi

રાજ કપૂરની ફિલ્મોમાં પ્રેમની અભિવ્યક્તિ સંવાદોમાં સંયમ, અભિનયમાં આવેશ દ્વારા થતી

રાજ કપૂરની ફિલ્મોનાં પ્રણયદૃશ્યોનું અસરકારક ફિલ્માંકન થયું એ માટે અભિનેતા રાજ કપૂર કરતાં દિગ્દર્શક રાજ કપૂરનું મોટું યોગદાન રહ્યું છે.

03 July, 2022 09:30 IST | Mumbai | Rajani Mehta

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK