Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ‘બા’ શબ્દ ત્રીજી વાર અમારા નાટકના ટાઇટલમાં આવ્યો

‘બા’ શબ્દ ત્રીજી વાર અમારા નાટકના ટાઇટલમાં આવ્યો

11 July, 2022 02:18 PM IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

અગાઉનાં બન્ને ટાઇટલ હિટ થયાં હતાં, પણ એવો કરિશ્મા આ ત્રીજા નાટકના ટાઇટલમાં જોવા મળ્યો નહીં અને ‘બાને ઘેર બાબો આવ્યો’ નાટક બૉક્સ-ઑફિસ પર ઍવરેજ રહ્યું

અમે બધા આ ટાઇટલથી ખાસ સંતુષ્ટ નહોતા, પણ રિલીઝ-ડેટ નજીક આવી ગઈ હતી અને સ્ટોરી સાથે આ ટાઇટલ જસ્ટિફાય થતું હતું. જે જીવ્યું એ લખ્યું

અમે બધા આ ટાઇટલથી ખાસ સંતુષ્ટ નહોતા, પણ રિલીઝ-ડેટ નજીક આવી ગઈ હતી અને સ્ટોરી સાથે આ ટાઇટલ જસ્ટિફાય થતું હતું.


આઇવીએફથી માતૃત્વ મેળવવાની વાત પર અમે જે નાટક કરવા માગતા હતા એ નાટકની આપણી ચર્ચા ચાલુ હતી. અમે નાટક લખવાનું કામ અંકિત ત્રિવેદીને સોંપ્યું અને પછી લાગ્યા નાટકના કાસ્ટિંગમાં. એમાં અમે લીડ કાસ્ટમાં પલ્લવી પ્રધાન અને પ્રતાપ સચદેવને કાસ્ટ કર્યાં; તો સાથે લીના શાહ, પરેશ ભટ્ટ અને અમિષ તન્નાને કાસ્ટ કર્યાં. હવે બાકી રહેતું હતું એક કૅરૅક્ટર જે પ્રતાપ સચદેવનો ભાઈબંધ હતો. એ ભાઈબંધ આખો દિવસ સાથે ને સાથે જ હોય અને તેની મજાક-મસ્તી, કૉમેડી સતત ચાલુ જ હોય. એ ભાઈબંધના રોલ માટે બહુ નજર દોડાવી, પણ કોઈ મળ્યું નહીં એટલે ફાઇનલી વિપુલે મને કહ્યું કે આ રોલ સંજયભાઈ તમે જ કરી લો. અગાઉનાં બધાં નાટકોમાં હું લીડ રોલ જ કરતો આવ્યો હતો, પણ ખબર નહીં કેમ વિપુલે મનમાં એવું ઠસાવી લીધું કે સંજય ક્યારેય મુખ્ય ભૂમિકામાં ન ચાલે.
વિપુલના મનમાં આ વાત ઠસાવવામાં વિનય પરબનો ફાળો બહુ મોટો. વિનય એટલે મારો મિત્ર, મારો પાર્ટનર અને ભાઈદાસ ઑડિટોરિયમનો મૅનેજર. વિનયે જ વિપુલને કહ્યું કે સંજયને સાઇડ રોલ આપો, તે બહુ સરસ કરશે. જોકે હું એ વાત સાથે અસહમત હતો; પણ મેં રોલ કરવા માટે હામી ભણી દીધી, કારણ કે આ રોલ માટે અમે બહુબધા ઍક્ટરોને પૂછ્યું હતું, પણ કોઈ તૈયાર થતું નહોતું અને અમારો સમય નીકળતો જતો હતો. વધારે સમય જાય નહીં અને નાટકની ઓપનિંગ ડેટ બરાબર સચવાઈ જાય એવા હેતુથી મેં એ રોલ કરવાની હા પાડી દીધી. મિત્રો, મેં તમને અગાઉ પણ કહ્યું છે અને આજે ફરીથી કહું છું કે જો મારી અંદરનો નિર્માતા જીવતો રહેશે તો જ મારી અંદરનો ઍક્ટર આપોઆપ ઊગી નીકળશે. એવું મને ત્યારે પણ લાગ્યું હતું અને આજે પણ એ જ લાગે છે. એ સમયે મારે મારામાં રહેલા નિર્માતાને જીવતો રાખવાનો હતો એટલે મેં રોલ માટે હા પાડી દીધી અને આમ અમારી ૬ ઍક્ટરની ટીમ તૈયાર થઈ ગઈ. 
નાટકની વાત આગળ વધારતાં પહેલાં મારે એક આડવાત કહેવી છે.
‘જે જીવ્યું એ લખ્યું’ અર્થાત્ મારી આ કૉલમ આત્મકથા બનીને રહી જાય એના કરતાં એ મારી કારકિર્દી-કથા બને એવું હું પહેલેથી ઇચ્છતો રહ્યો છું, પણ સમય જતાં મને એવું પણ લાગ્યું કે આ કૉલમ ગુજરાતી રંગભૂમિના ઇતિહાસની પણ કથા આગળ વધારે છે. આ સ્પષ્ટતા પાછળનું મારું તાત્પર્ય એ કે રંગભૂમિના ચાહકો અને રંગભૂમિમાં આવતા નવા કલાકારો ભવિષ્યમાં આ બધું વાંચે ત્યારે તેમને આજની રંગભૂમિ વિશે જાણકારી મળી રહે. આ હેતુ હોવાને કારણે જ હું અહીં, આ કૉલમમાં મારી અંગત લાઇફને બહુ સ્થાન નથી આપતો, સિવાય કે કોઈ અગત્યની ઘટના હોય. 
આવી ઘટના થોડા સમય પહેલાં ગઈ ત્યારે તમને મેં એની વાત કરી હતી. નાટક ‘બા રિટાયર થાય છે’ વખતે મેં મારું લોખંડવાલાનું ઘર લીધું, જેમાં અમે આજે પણ રહીએ છીએ. એ ઘર મને ખૂબ વહાલું છે. બધાં માબાપની જેમ મને પણ ઇચ્છા હતી કે મારો દીકરો અમાત્ય વિદેશ જઈને ભણે. અમાત્ય જુનિયર કૉલેજના બીજા વર્ષમાં એટલે કે ટ્વેલ્થમાં હતો ત્યારે હું ઇચ્છતો હતો કે કૉલેજ માટે તે લંડન કે અમેરિકા જાય. એ માટે મેં એ દિશામાં ગતિવિધિ પણ શરૂ કરી હતી. ફૉરેન એજ્યુકેશન માટે પૈસા બચાવવાનું પણ મેં આ જ પિરિયડમાં શરૂ કરી દીધું હતું. એ પછી અમાત્ય ફૉરેનમાં કયા દેશમાં ભણવા ગયો, કેવી રીતે ગયો અને ત્યાંથી કેવી રીતે પાછો આવ્યો એની બહુ રસપ્રદ કથા છે જે હું સમય આવ્યે કહીશ; પણ અમાત્ય અહીં હતો એ દરમ્યાન તેણે ઇન્ટરકૉલેજિયેટ ડ્રામા કૉમ્પિટિશનમાં ખૂબબધાં નાટકો કર્યાં અને અઢળક પારિતોષિક, સર્ટિફિકેટ્સ મેળવ્યાં. લોકોને તેનો અભિનય ગમતો હતો અને છતાં આગળ જતાં તે અભિનેતા બનવાનો નહોતો. તેના નસીબમાં તો બીજું જ બનવાનું નિર્ધારિત હતું, પણ શું? એની ચર્ચા આપણે આગળ કરીશું. અત્યારે અહીંથી આપણે વાત શરૂ કરીએ અમારા નવા નાટકની.
કાસ્ટિંગ પૂરું થયું અને ૬ ઍક્ટરની ટીમ બની ગઈ એટલે રિહર્સલ્સ શરૂ થયાં. રિહર્સલ્સ દરમ્યાન અમારા ડિરેક્ટર-રાઇટર વિપુલ મહેતા અને અંકિત ત્રિવેદી વચ્ચે નાના-મોટા મીઠા ઝઘડા પણ શરૂ થયા. કોઈ એકલદોકલની વાત નથી, ઇન્ડિયાના મોટા ભાગના રાઇટરોને આ લાગુ પડે છે. લેખક તમને ક્યારેય નિશ્ચિત સમયે સીન આપે જ નહીં. જ્યારે તમને પ્રૉમિસ કર્યું હોય ત્યારે સીન મળે જ નહીં. આ હું મારા જાતઅનુભવના આધારે કહું છું. સીન સમયસર મળે જ નહીં અને સીન સમયસર મળે નહીં એટલે ડિરેક્ટર ફ્રસ્ટ્રેટ થાય.
અંકિતભાઈ મૂળ અમદાવાદના. પહેલી વાર નાટક લખે એટલે અમે આગ્રહ એવો રાખ્યો હતો કે તેઓ મુંબઈ આવીને નાટક લખે. જોકે મુંબઈમાં કોઈ ઘર નહીં એટલે અંકિતભાઈ વિપુલ મહેતાના ઘરે રહે. સવારે વિપુલ તેને લખવા માટે બેસાડે. લેખક જ નહીં, નાટક સાથે જોડાયેલા મોટા ભાગના લોકો માટે ડિરેક્ટર વિપુલનો સ્વભાવ બહુ આકરો. એ સામેવાળા પાસેથી પૂરેપૂરા ડેડિકેશનની અપેક્ષા રાખે. 
સવાર પડે એટલે વિપુલ અંકિતને સીન લખવા બેસાડી દે અને અંકિતને કલાકો સુધી સૂઝે નહીં એટલે તેને પણ ફ્રસ્ટ્રેશન આવે. આમ પણ અંકિતભાઈ જન્મજાત નાટ્ય-લેખક નહીં, તે તો કવિ-જીવ. તમે બે શબ્દ આપી તેને કવિતા લખવાનું કહો તો પાંચ મિનિટમાં અફલાતૂન કવિતા લખી આપે, પણ નાટક લખવાની જે પ્રોસેસ છે એની બહુ ફાવટ નહીં. અહીં મારે એક વાત ખાસ કહેવી છે કે નાટક લખવાનો જે કસબ છે એ અંકિત ત્રિવેદીને વિપુલ મહેતાએ શીખવાડ્યો છે. કૅરૅક્ટરના ગ્રાફથી માંડીને સ્ટોરીનો ગ્રાફ, સીનનું બંધારણ, સીનમાં આવતા ઉતાર-ચડાવ જેવી નાનામાં નાની વાત વિપુલે તેને શીખવી, અંકિત ત્રિવેદી પાસે નાટક લખાવ્યું અને ધીમે-ધીમે અમારો સંઘ રિલીઝની નજીક પહોંચવા માંડ્યો, પણ ખાટલે મોટી ખોડ, દર વખતની જેમ નાટકનું ટાઇટલ અમને સૂઝે નહીં. ટાઇટલ માટે અમારા બધાની મથામણ શરૂ થઈ. અનેક ટાઇટલ પર ચર્ચાઓ થઈ, પણ બધાં ટાઇટલ રિજેક્ટ થાય અને લાંબી કડાકૂટ પછી એક ટાઇટલ એવું આવ્યું જેને માટે અમુક અંશે અમે બધા તૈયાર થયા. 
‘બાને ઘેર બાબો આવ્યો’. 
એ સમયે તો અમે બધા આ ટાઇટલથી પણ ખાસ સંતુષ્ટ નહોતા, પણ અમારી પાસે બીજો કોઈ છૂટકો પણ નહોતો, કારણ કે રિલીઝ-ડેટ નજીક આવી ગઈ હતી અને સ્ટોરી સાથે આ ટાઇટલ જસ્ટિફાય થતું હતું. બા એટલે પલ્લવી પ્રધાન, જે આધેડ ઉંમરની, ૫૦ વર્ષની આસપાસની ઉંમર, પણ અમે અહીં તેને બા કહી માટે બાને ઘેર બાબો આવ્યો. 
અમે ટાઇટલ ફાઇનલ કર્યું, પણ લોકોને ટાઇટલ બહુ ગમ્યું નહીં. એનું કારણ પણ હતું. ‘બા’ શબ્દ અમે અગાઉ બે નાટકનાં ટાઇટલમાં વાપર્યા હતા. ‘બા રિટાયર થાય છે’ અને ‘બાએ મારી બાઉન્ડરી’, જે ભારોભાર કૉમેડી હતાં એટલે આ ટાઇટલમાં કૉમેડી નાટક હશે એવું લોકોને લાગ્યું, પણ એવું હતું નહીં. હા, નાટકમાં કૉમેડી ભરપૂર હતી, પણ મૂળ એ સિરિયસ નાટક હતું. બાળક ન થવાથી સ્ત્રીનો સ્વભાવ રુક્ષ થઈ ગયો છે તો અગાઉ ભાઈએ પણ દગો આપ્યો છે અને એ જ ભાઈની દીકરી આફ્રિકાથી ઘરે આવી છે એટલે તે એ દીકરી પર ગુસ્સે છે અને હવે દીકરી પર જાતજાતના પ્રતિબંધ લગાવે છે. એ બધા વચ્ચે મારી અને પ્રતાપ સચદેવની વચ્ચે કૉમેડી ચાલતી રહેતી, પણ એમ છતાં નાટકનો બેઝ થોડો સિરિયસ કહેવાય એવો તો ખરો જ. અંકિત ત્રિવેદીએ ખરેખર સરસ નાટક લખ્યું હતું. નાટક ઑનલાઇન અવેલેબલ છે, તમારે એ જોવું જોઈએ. આ નાટકના ટાઇટલને ટિકિટબારી પર બહુ સારો પ્રતિસાદ મળ્યો નહીં, પણ અમને સોલ્ડ-આઉટ બહુ સારો રિસ્પૉન્સ મળ્યો એનું કારણ પણ હતું.
મારા પાર્ટનર કૌસ્તુભ ત્રિવેદીની સોલ્ડ-આઉટ શોમાં બહુ સારી શાખ, તો ચૅરિટી શોના ઑર્ગેનાઇઝરોને વિપુલ મહેતા અને સંજય ગોરડિયા પર પૂરો ભરોસો. નાટકના ઓપનિંગ અને અન્ય નાટકની વાત કરીશું હવે આપણે આવતા સોમવારે.


Whatsapp-channel Whatsapp-channel

11 July, 2022 02:18 PM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK