Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > 3-G છે રેડી - એક જ મંત્ર, વેલ્થ ક્રીએશન

3-G છે રેડી - એક જ મંત્ર, વેલ્થ ક્રીએશન

04 September, 2022 08:06 AM IST | Mumbai
Deven Choksi

ભારતીય મૂડીબજારનાં સૌથી પ્રતિષ્ઠિત નામોમાંના એક દેવેન ચોકસી મુકેશભાઈના સક્સેશન પ્લાન પાછળના વિઝનનું સ્પેશ્યલી ‘મિડ-ડે’ માટે વિસ્તારપૂર્વક ઍનૅલિસિસ કરે છે

અંબાણી પરિવાર

ઍનલિસિસ

અંબાણી પરિવાર


મુકેશ અંબાણીએ તાજેતરમાં રિલાયન્સ ગ્રુપના સક્સેશન પ્લાનની કરેલી જાહેરાતે એક વાત તો સ્પષ્ટ કરી દીધી છે કે અંબાણી પરિવારની થર્ડ જનરેશન કે 3-G તૈયાર છે અંબાણીઓની જબરદસ્ત સફળ સફરને આગળ ધપાવવા માટે. ભારતીય મૂડીબજારનાં સૌથી પ્રતિષ્ઠિત નામોમાંના એક દેવેન ચોકસી મુકેશભાઈના સક્સેશન પ્લાન પાછળના વિઝનનું સ્પેશ્યલી ‘મિડ-ડે’ માટે વિસ્તારપૂર્વક ઍનૅલિસિસ કરે છે

મુકેશ અંબાણીએ તાજેતરમાં જાહેર કરેલા સક્સેશન પ્લાન પાછળનું વિઝન સંપત્તિ સર્જનનો રોડમૅપ છે : આગામી પેઢીને બિઝનેસનો કારભાર સોંપવા પહેલાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એજીએમમાં કંપનીના ચૅરમૅને જાહેર કરેલો સક્સેશન પ્લાન ખરેખર જાણવા, સમજવા અને અનુકરણ કરવા જેવો છે



ભારતીય ક્રિકેટમાં મહેન્દ્ર સિંહ ધોનીનું નામ ‘બેસ્ટ ગેમ ફિનિશર’ તરીકે જાણીતું છે એટલે કે પોતાની ટીમની તરફેણમાં રમતનો અંત લાવવામાં ધોની એક્કો મનાતો. હરીફ ટીમનો સ્કોર ચેઝ કરતી વખતે ૪૦ વાર તે નૉટઆઉટ રહ્યો છે અને આમાંની ૩૮ મૅચ ભારત જીત્યું છે. બાકીની બેમાંની એક મૅચ ટાઇ થઈ અને એક મૅચમાં ભારત હાર્યું. આથી જ ધોનીને કૅપ્ટન કૂલનો ઇલકાબ આપવામાં આવ્યો છે.
ભારતના કૉર્પોરેટજગતમાં મુકેશ અંબાણીને એક એવી વ્યક્તિ માનવામાં આવે છે જે મોટી કલ્પના કરીને ભવ્ય વિઝન સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (આરઆઇએલ) માટે વૈશ્વિક સ્તરના પ્રોજેક્ટ્સ ટૂંકામાં ટૂંકા, રેકૉર્ડ ટાઇમમાં શરૂ કરી દે છે. આથી જ તેમને મિસ્ટર ડિપેન્ડેબલનો ખિતાબ મળ્યો છે અને એટલે તેઓ હંમેશાં ભરોસાપાત્ર હોય છે.
ભારત અને આરઆઇએલ માટે કેટલાક વિશાળ પ્રોજેક્ટ્સ શરૂ કરવા માટેનો એક અનોખો રેકૉર્ડ તેઓ ધરાવે છે. છેલ્લાં ૪૦ વર્ષ દરમ્યાન તેમણે પોતાની કુનેહથી આટલી સિદ્ધિ મેળવી છે.
ઑઇલ ટુ કેમિકલ બિઝનેસ - પેટ્રોકેમિકલ્સ ટુ ઑઇલ રિફાઇનરીઝ અને ઑઇલ ઍન્ડ ગૅસ એક્સ્પ્લોરેશનનો બિઝનેસ ઊભો કરીને તેમણે એક સંપૂર્ણ વૅલ્યુ ચેઇન સ્થાપિત કરી છે. આ ઉદ્યોગને તેમણે પોતાના દંતકથાસમાન પિતા ધીરુભાઈ અંબાણીએ શરૂ કરેલા ટેક્સટાઇલ બિઝનેસ સાથે સાંકળવાનું કામ કર્યું. એટલું જ નહીં, આ ક્ષેત્રની પ્રોડક્ટ્સ માટે વૈશ્વિક સ્તરે માર્કેટ ઊભું કર્યું.
પિતાના અવસાન બાદ ૨૦૦૦માં તેમણે આરઆઇએલની ધુરા સંભાળી. કંપનીના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર બન્યા પછી તેમણે કમસે કમ ચાર મોટા ઉદ્યોગોને વ્યૂહાત્મક રીતે રિલાયન્સમાં સામેલ કર્યા.
ત્યાર બાદ તેમણે B2C એટલે કે બિઝનેસ ટુ કન્ઝ્યુમર સેગમેન્ટમાં રિલાયન્સ રીટેલ હેઠળ વૈશ્વિક સ્તરનો કન્ઝ્‍યુમર ફેસિંગ બિઝનેસ શરૂ કર્યો અને રિલાયન્સ જિયો પ્લૅટફૉર્મ્સ હેઠળ ડિજિટલ ક્ષેત્રમાં ઝુકાવ્યું. આ બન્ને ક્ષેત્રોમાં છેલ્લાં ૧૦ વર્ષ દરમ્યાન ૭ લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવામાં આવ્યું છે. આ નવાં સાહસોને કારણે કંપનીને ૩૮ અબજ ડૉલરની કમાણી થઈ છે. નાણાકીય વર્ષ ૨૦૨૨ દરમ્યાન સાત અબજ ડૉલર EBIDTA (અર્નિંગ્સ બિફોર ઇન્ટરેસ્ટ, ડેપ્રિસિયેશન, ટૅક્સ ઍન્ડ અમૉર્ટાઇઝેશન)ની કમાણી થઈ જે કંપનીની કુલ આવકનો ૪૫ ટકા હિસ્સો છે. તેમણે ગૂગલ, મેટા, માઇક્રોસૉફ્ટ, ક્વોલકૉમ જેવા વ્યૂહાત્મક રોકાણકારોને તેમ જ એડીઆઇએ જીઆઇસી, ટીપીજી અને ઇન્ટેલ કૅપિટલ જેવા નાણાકીય રોકાણકારોને ભારતમાં આકર્ષ્યા. આ કંપનીઓએ કુલ ૨૫ બિલ્યન ડૉલરનું રોકાણ કર્યું છે.
ત્યાં જ ન અટકતાં, તેમણે મીડિયા અને એન્ટરટેઇનમેન્ટ ક્ષેત્રમાં કંપનીઓ ઍક્વાયર કરીને નેટવર્ક-૧૮ અને ટીવી-૧૮ જેવી મોટી કંપનીઓ ઊભી કરી તેમ જ ફાઇનૅન્શિયલ માર્કેટનું પોર્ટલ મની કન્ટ્રોલ ડૉટકૉમ ઊભુ કર્યું. આ કંપનીઓ દ્વારા ૮૬ કરોડ ડૉલરની આવક થઈ તથા ૧૩.૬ કરોડ ડૉલરની EBIDTA ઊભી થઈ.
મુકેશભાઈએ B2B એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ સેગમેન્ટમાં એક જ સ્થળ પરનું સૌથી મોટું એવું રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ્સ કૉમ્પ્લેક્સ જામનગરમાં ઊભું કર્યું અને એ સાથે જ હઝીરા, પાતાલગંગા, વડોદરા જેવાં સ્થળો સાથે એને સાંકળી લેવામાં આવ્યું. અબજો ડૉલરના રોકાણ સાથેના આ પ્રોજેક્ટને લીધે કંપનીને ૬૩ અબજ ડૉલરની આવક થઈ અને સાત અબજ ડૉલરની EBIDTA ઊભી થઈ.
અને હવે રિલાયન્સે ન્યુ મટીરિયલ્સમાં ૭૫,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરીને વૈકલ્પિક ઈંધણ બનાવવાના ક્ષેત્રમાં ઝુકાવ્યું છે.
મુકેશ અંબાણીએ છેલ્લા બે દાયકામાં કંપનીને સૌથી વધુ કમાણી કરતી તેમ જ કરવેરા ભરતી કંપની બનાવી દીધી છે. કંપનીનું માર્કેટ કૅપિટલાઇઝેશન ૨૧૮ અબજ ડૉલર છે, સેલ્સ ૧૦૦ અબજ ડૉલર છે. કંપનીની EBIDTA ૧૪ અબજ ડૉલર છે અને શૅરહોલ્ડરોની મૂડીમાં ૨૧ ટકાના ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે વધારો થયો છે.
આરઆઇએલની માર્કેટ-વેલ્થ ૨૦૦૨માં ૨૫ બિલ્યન ડૉલર હતી, જે ૨૦૨૨માં વધીને ૨૧૮ બિલ્યન ડૉલર થઈ છે. આજની તારીખે કંપની ભારતની સૌથી મોટી માર્કેટકૅપ કંપની છે.
ટૂંકમાં, વાત જ્યારે વિઝનને મિશન બનાવવાની હોય, આઇડિયાનો અમલ કરવાની હોય, ચોકસાઈની હોય, પર્ફેક્ટ પ્લાનિંગની હોય, ઉત્કૃષ્ટ પર્ફોર્મન્સને પ્રૉફિટમાં બદલવાની હોય ત્યારે મુકેશ અંબાણીની તોલે આવવાનું સહેલું નથી. મુકેશ અંબાણી વધુ બોલતા નથી, પરંતુ તેમની મહત્ત્વાકાંક્ષાની કોઈ સીમા નથી. પાકી ગણતરી અને કુનેહ સાથે યોજનાને અમલમાં મૂકવાની તેમની કાબેલિયત બેમિસાલ છે. આથી જ તેઓ કંઈ બોલે કે ન બોલે, દુનિયા તેમની વાત સાંભળવા હંમેશાં ઉત્સુક હોય છે.
મુકેશભાઈ એક વિચારશીલ ઉદ્યોગપતિ છે અને તેઓ કૉર્પોરેટજગત માટેનાં ધોરણો સ્થાપિત કરીને સાથી ઉદ્યોગપતિઓ માટે પ્રેરણારૂપ બને છે. ૨૯ ઑગસ્ટે યોજાયેલી આરઆઇએલની ૪૫મી ઍન્યુઅલ જનરલ મીટિંગમાં ૬૫ વર્ષની ઉંમરે મુકેશભાઈએ પોતાના ઉત્તરાધિકારીઓને લગતો સક્સેશન પ્લાન જાહેર કર્યો હતો.
પોતાનાં ત્રણેય સંતાનો માટેની લીડરશિપને લગતી ભૂમિકા મુકેશભાઈએ નક્કી કરી છે. આકાશને જિયો પ્લૅટફૉર્મ્સની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે ઈશાને રિલાયન્સ રીટેલ્સ બિઝનેસની ધુરા સોંપવામાં આવી છે. અનંતને ન્યુ મટીરિયલ બિઝનેસ (ઑલ્ટરનેટ ફ્યુઅલ્સ ઍન્ડ એનર્જી સ્ટોરેજ) સોંપવામાં આવ્યો છે. પોતે ઊભા કરેલા અને વિકસાવેલા ઓટુસી એટલે કે ઑઇલ ટુ કેમિકલ્સનું કામકાજ મુકેશભાઈ પોતાના હાથમાં જ રાખશે; જ્યારે રિલાયન્સ ચૅરિટી, ફાઉન્ડેશન ઍન્ડ સ્પોર્ટ્સનું કામકાજ પત્ની નીતા અંબાણી સંભાળશે.
છેલ્લા ચાર દાયકા દરમ્યાન મુકેશભાઈએ અનેક વ્યૂહ તથા યુક્તિઓ અજમાવ્યાં છે અને એમાં શેને સફળતા મળે છે એની પૂરી જાણકારી તેમને છે. તેમના અનુભવો તથા તેમની કુનેહ ઉપરાંત પૂરતા રિસર્ચના આધારે મુકેશભાઈએ ઉત્તરાધિકારીઓને લગતો જે પ્લાન બનાવ્યો છે એ બહુ જ અસરકારક નીવડશે. એમાં અનેક બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. જેમ કે સંસ્થાનાં મૂલ્યોને જાળવી રાખવાં, કંપનીનો ગ્રોથ વધતો રાખવો અને રોકાણકારોને લાભ આપતા રહેવું. આ ઉપરાંત જે રીતે આરઆઇએલમાં આયોજનપૂર્વક લીડરશિપ વિકસાવવાનું નક્કી થયું એ પણ પ્રભાવિત કરનારું છે.
બજાજ ફૅમિલી 
રાહુલ બજાજની લીડરશિપ હેઠળ બજાજ ગ્રુપે સક્સેસર પ્લાનનો સફળતાપૂર્વક અમલ કર્યો હતો. ૨૦૦૬માં બજાજ ઑટો કંપનીને બે ભાગમાં વહેંચી દેવામાં આવી હતી. એક, બજાજ ઑટો અને બીજી, બજાજ ફિનસર્વ. આ રીતે રાજીવ બજાજ અને સંજીવ બજાજને પોતપોતાની રીતે ઑટો તેમ જ ફાઇનૅન્સ કંપનીઓ વિકસાવવાની તક આપવામાં આવી. કંપનીની માલિકી બજાજ હોલ્ડિંગ્સ લિમિટેડ હેઠળના ચાર ફૅમિલી યુનિટ્સ પાસે રાખવામાં આવી. આ રીતે બિઝનેસની માલિકી તથા એના બિઝનેસ મૅનેજમેન્ટને અલગ કરી દેવામાં આવ્યાં. રાહુલ બજાજની મેન્ટરશિપ હેઠળ લીડરશિપ ઊભી કરવામાં આવી. આ વિષયના નિષ્ણાત નાનુ પમનાણી ફિનસર્વને વિકસાવવામાં મદદરૂપ થયા. બે દાયકામાં હાઉસિંગ ફાઇનૅન્સ, બ્રોકરેજ, ઍસેટ મૅનેજમેન્ટ, હેલ્થ ઇન્શ્યૉરન્સ જેવાં ક્ષેત્રો વિકસાવાયાં.
બજાજ ગ્રુપની બંને કંપનીઓએ પ્રતિભાશાળી પ્રોફેશનલોને કંપનીમાં સામેલ કર્યા. બોર્ડ ઑફ ડિરેક્ટર્સ તરીકે પ્રોફેશનલોને રાખ્યા. રાહુલ બજાજ, નાનુ પમનાણી અને નરેશ ચંદ્ર જેવા બ્યુરોક્રેટ્સની દેખરેખ હેઠળ યુવા લીડર્સ માટેના મેન્ટરશિપ પ્રોગ્રામનો અમલ કરવામાં આવ્યો.
રાહુલ બજાજે એ વાતની તકેદારી રાખી કે સક્સેશન પ્લાનિંગનો યોગ્ય અમલ થાય અને જીવતેજીવ પોતાના બંને પુત્રોને મૂલ્યોનો વારસો સોંપી દેવામાં આવે. તેમણે જે પ્લાનનો અમલ કર્યો એનું પરિણામ આપણી સામે છે. તેમણે આ પ્લાનનો અમલ પોતાના સાઠના દાયકાના ઉત્તરાર્ધમાં કર્યો. આ રીતે તેમણે પોતાના બંને પુત્રોને ગ્રૂમિંગ માટે પૂરતો સમય આપ્યો. આજે રાજીવ અને સંજીવ બંનેએ વારસામાં મળેલાં મૂલ્યોને જાળવી રાખ્યાં છે અને બિઝનેસના મૅનેજમેન્ટમાં વધુ ઊંડાણ ખેડીને એવી સંસ્થા ઊભી કરી છે જેમાં લીડરો પાંગરે છે. આના પરથી એવું કહી શકાય કે સક્સેશન પ્લાનના સફળ અમલને લીધે કંપનીનાં મૂલ્યોની જાળવણી થઈ, વારસદારોના હાથમાં સરળતાથી જવાબદારી આવી અને શૅરહોલ્ડરોને પણ લાભ થયો. આજે બજાજ ગ્રુપની કિંમત ૯૧૩૩ બિલ્યન રૂપિયા છે. આ રીતે વેલ્થ જળવાઈ રહી. એટલું જ નહીં, છેલ્લા બે દાયકા દરમ્યાન એમાં ૧૯.૬ ટકાનો ચક્રવૃદ્ધિ દર સાથેનો વધારો પણ થયો.
તાતા ગ્રુપ
રતન તાતાને જેઆરડી તાતા તરફથી તાતા ગ્રુપની ચૅરમૅનશિપ ૧૯૯૧માં મળી અને ૨૦૧૨માં તેઓ ૭૫ વર્ષના થયા ત્યાં સુધી તેમના હાથમાં કંપનીની લગામ રહી. રતન તાતા પોતાની ત્રીસીમાં હતા ત્યારે કંપનીમાં જોડાયા હતા, પરંતુ તેમને કંપનીની પૂર્ણ જવાબદારી તેઓ વનમાં પ્રવેશ્યા એ પછી મળી. પોતાને મળેલા ઓછા સમયમાં તેઓ ગ્રુપને નવી ઊંચાઈઓ પર લઈ ગયા. તાતા ગ્રુપ પાસે દેશના કેટલાક શ્રેષ્ઠ મૅનેજરો છે જે બિઝનેસ ઑપરેશન્સ કાર્યક્ષમતાથી સંભાળી શકે છે.
રતન તાતાની આગેવાની હેઠળ તાતા ગ્રુપની આવકમાં અનેકગણો વધારો થયો. ૧૯૯૧માં ગ્રુપનું ટર્નઓવર ૧૦,૦૦૦ કરોડનું હતું, જે ૨૦૧૧-૧૨માં વધીને ૪,૭૫,૭૨૧ કરોડ રૂપિયા થઈ ગયું. રતન તાતાએ કેટલાંક મહત્ત્વપૂર્ણ ઍક્વિઝિશન્સ સફળતાપૂર્વક પાર પાડ્યાં હતાં, જેમાં ૨૦૦૦ની સાલમાં ટેટલી ૪૫ કરોડ ડૉલરમાં ખરીદી હતી. ત્યાર પછી ૨૦૦૭માં સ્ટીલ કંપની કોરસ ખરીદવામાં આવી. એ પછી ૨૦૦૮માં જૅગ્વાર લૅન્ડરોવર ઍક્વાયર કરવામાં આવી. તાતા ગ્રુપની કંપનીઓને જે આવક થાય છે એમાંની અડધા ભાગની આવક વિદેશોમાંથી થાય છે.
તાતા ગ્રુપમાં લીડરશિપના કોઈ સક્સેશન પ્લાનનો અમલ કરવામાં આવ્યો ન હોવાથી જવાબદારીની સોંપણી સરળતાથી ન થઈ. એટલું જ નહીં, કંપનીની વેલ્થ જાળવી રાખવામાં પણ તકલીફ પડી. ૨૦૧૨માં સાયરસ મિસ્ત્રીને રાજીનામું આપી દેવાનું કહેવામાં આવ્યું ત્યારે તાતા ગ્રુપના માર્કેટકૅપમાં ૧૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો.
એન. ચન્દ્રશેખરને ગ્રુપનો કારભાર સોંપવામાં આવ્યો એ પછી એની હાલત કંઈક સુધરી અને છ વર્ષ પછી ગ્રુપે ૨૧.૨ ટ્રિલ્યન રૂપિયાની માર્કેટવેલ્થ પ્રાપ્ત કરી.
એન. ચન્દ્રશેખરન એક બાહોશ પ્રોફેશનલ છે જેમણે તાતા ગ્રુપમાં લાંબા સમય સુધી સેવાઓ આપી છે. ટીસીએસમાં તેમણે શૅરહોલ્ડરોની મૂડી ૪૭૨૬ કરોડ રૂપિયાથી વધારીને ૧૨૦૪ બિલ્યન કરી હતી. એસ. રામદોરાઈ પાસેથી તેમણે ગ્રુપનો કારભાર હસ્તગત કર્યો ત્યારે કંપનીની રેવન્યુ ૪૮૯ બિલ્યન રૂપિયા અને નફો ૧૦૪ બિલ્યન રૂપિયા હતો, જે તેમણે વધારીને ૧૦૮૬ બિલ્યન રેવન્યુ અને ૨૪૩ બિલ્યન નફો કર્યો.


સક્સેશન પ્રોગ્રામ વિશે મુકેશ અંબાણી શું કહે છે? 
ઉત્તરાધિકારીની પ્રક્રિયા ચોકસાઈપૂર્વક નક્કી કરવામાં આવી છે અને એના દ્વારા આગામી પેઢી સરળ રીતે કારભાર પોતાના હાથમાં લેશે.
મૅનેજમેન્ટનું પણ એકદમ સરળતાથી હસ્તાંતર થશે. વ્યક્તિને બદલે પ્રક્રિયાને વધુ મહત્ત્વ આપવામાં આવશે અને સંસ્થાકીય અભિગમ પર ભાર મૂકવામાં આવશે.
દરેક બિઝનેસમાં લીડરશિપનું સાતત્ય જાળવી રાખવામાં આવશે અને સાથોસાથ બિઝનેસના ગ્રોથનું પણ ધ્યાન રાખવામાં આવશે.
૨૦ અને ૩૦ની ઉંમરની પેઢી પર વિશ્વાસ મૂકીને તેમને જવાબદારી સોંપવામાં આવી હોવાથી આગામી ૪૦થી ૫૦ વર્ષ સુધી તેમને પોતાની કંપનીને વિકસાવવાની તક મળશે.
યુવા પેઢીને મદદરૂપ થવાનું ચાલુ રહેશે, જેથી તેઓ સુરક્ષિતતા અનુભવે અને કંપનીમાં વૅલ્યુ સિસ્ટમ વિકસાવે.
શૅરહોલ્ડરોની વેલ્થ વધે એની તકેદારી રાખવામાં આવી છે.

મુકેશ અંબાણીની થ્રી પૉઇન્ટ ફૉર્મ્યુલા
 દરેક લીડર એક સલાહકારોની એક સક્ષમ ટીમ સાથે કામ કરશે અને એના પર મુકેશભાઈ પોતે દેખરેખ રાખશે.
 દરેક લીડરને પ્રોફેશનલ બોર્ડ ઑફ ડિરેક્ટર્સ સલાહ તેમ જ માર્ગદર્શન આપશે.
 ઉત્કૃષ્ટ પ્રતિભા ધરાવતા પ્રોફેશનલોની ટીમ રિલાયન્સે ઊભી કરી છે અને એ પ્રક્રિયા સતત ચાલુ રહેશે. આ ટીમ કંપનીનો રોજિંદો કારભાર ચલાવશે અને એનું મૅનેજમેન્ટ સંભાળશે.


છેલ્લા ચાર દાયકાના અનુભવો 
તથા કુનેહ ઉપરાંત પૂરતા રિસર્ચના આધારે મુકેશભાઈએ ઉત્તરાધિકારીઓને લગતો જે પ્લાન બનાવ્યો છે એ બહુ જ અસરકારક નીવડશે.

તાતા અને બજાજ ગ્રુપ વચ્ચે કમ્પૅરિઝન
બજાજ ગ્રુપમાં લીડરશિપની સોંપણીનું કામ સરળતાથી થયું અને સક્સેશન પ્લાનનો યોગ્ય અલમ થયો, જેને પગલે પરિવાર અખંડ રહ્યો.
વ્યક્તિગત રીતે ઉત્કૃષ્ટ કામગીરી દાખવનારા પ્રોફેશનલોને કારણે તાતા ગ્રુપને લાભ જરૂર થયો, પરંતુ જ્યારે એ પ્રોફેશનલો નિવૃત્ત થયા ત્યારે એક શૂન્યાવકાશ સર્જાયો અને કંપનીના ગ્રોથની ગતિ જાળવી ન શકાઈ. તાતા ગ્રુપમાં લીડરશિપના બદલાવ માટે કોઈ પ્લાનિંગ કરવામાં ન આવ્યું એના કારણે બિઝનેસ સંબંધિત નિર્ણયોના અમલમાં રુકાવટો આવી, ગ્રોથની બાબતે અનિશ્ચિતતા ઊભી થઈ અને શૅરહોલ્ડરોની આવકમાં પણ ઘસારો નોંધાયો.
ઍનૅલિસિસ દરમ્યાન મને એ પણ સમજાયું છે કે...
પરિવાર દ્વારા ચાલતા 
બિઝનસમાં આયોજનપૂર્વક સક્સેશન પ્લાનનો અમલ કરવામાં આવે છે ત્યારે તેમને ઘણી વધુ સફળતા મળે છે. એવા ઘણા કિસ્સા જોવા મળે છે જ્યારે પરિવાર દ્વારા ચાલતા બિઝનેસમાં ઉત્તરાધિકારી અકસ્માત્ અથવા અચાનક આવી જાય, એ નક્કી કરવામાં ઢીલ થાય અથવા બદઇરાદા સાથે એવી નિમણૂક થાય ત્યારે બિઝનેસનાં સ્થાપિત મૂલ્યોમાં મોટું નુકસાન થાય છે અને મિલકતનો પણ નાશ થાય છે.
લાર્સન ઍન્ડ ટુબ્રો, આઇટીસી અને ઇન્ફોસિસ જેવી પ્રોફેશનલ પદ્ધતિથી ચાલતી સફળ કંપનીઓમાં એવું જોવા મળ્યું કે લાંબા સમય સુધી પ્રવર્તેલી અનિશ્ચિતતાને કારણે કંપનીનાં પ્રસ્થાપિત મૂલ્યો આવનારી લીડરશિપને સોંપી ન શકાયાં. લાંબા સમય સુધી ચાલેલી અનિશ્ચિતતાને કારણે સંપત્તિની બરબાદી થઈ અને શૅરહોલ્ડરોની વેલ્થ ક્રીએશનની પ્રક્રિયામાં પણ રુકાવટ આવી.
જાહેર ક્ષેત્રની કંપનીઓમાં સંપત્તિને નુકસાન થતું હોવાના વધુમાં વધુ કિસ્સા જોવા મળે છે, કારણ કે સરકાર પાંચ વર્ષ કે એથી ઓછા સમય માટે જ હોય એટલે અનિશ્ચિતતા હંમેશાં રહે છે. એને લીધે કંપનીનાં સ્થાપિત મૂલ્યો જળવાતાં નથી અને વેલ્થ ક્રીએશન પર અવળી અસર હંમેશાં પડે છે.
આ બધા વચ્ચે આરઆઇએલના સક્સેશન પ્લાનિંગની આ ઘટના ભારતના કૉર્પોરેટજગતમાં એક નવો ચીલો શરૂ કરશે. અંબાણી, તાતા અને બજાજ પછી અદાણી કે પરિવાર દ્વારા ચાલતાં અનેક બિઝનેસગૃહો આગામી પેઢીને બિઝનેસનો કારભાર સોંપવાનું પ્લાનિંગ કરશે. આગામી પેઢીને સરળતાથી કંપનીનો કારભાર સોંપવાની પ્રક્રિયા સરળતાથી થશે તો વેલ્થ ક્રીએશનની પ્રક્રિયા વેગવાન બનશે અને રોકાણકારોના વિકાસમાં પણ સાતત્ય જળવાશે.
ભારતના કૉર્પોરેટજગતને પોતાનો દાખલો બેસાડીને નવો રાહ દેખાડવા બદલ મુકેશભાઈનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે.

મૂડીરોકાણ માટે ભારત એક મજબૂત અને શ્રેષ્ઠ દેશ છે. આ સદીમાં વેલ્થ ક્રીએશન માટે તમને મોટી તક મળી રહી છે. એનો લાભ લો અને એમાં મૂડીરોકાણ કરો.

આરઆઇએલના સક્સેશન પ્લાનિંગના કેટલાક નિષ્કર્ષ
મુકેશભાઈ એક ડાયનૅમિક વ્યક્તિ છે. તેઓ નિષ્ઠાવાન અને કૃતનિશ્ચય વ્યક્તિ છે. તેઓ હંમેશાં બહોળું ચિત્ર જોતા હોય છે. રહેઠાણ માટેનું મકાન હોય, બિઝનેસ માટેનું કે ચૅરિટી માટેનું મકાન હોય, તેઓ હંમેશાં બહોળા હિતને ધ્યાનમાં રાખે છે. તેઓ નૈતિક મૂલ્યોમાં માનતા એક કર્મયોગી છે. તેઓ ઠાલા શબ્દો કરતાં કાર્યને વધુ મહત્ત્વ આપે છે.
ન્યુ એનર્જી મટીરિયલ, રીટેલ અને ડિજિટલ એ ત્રણેય ક્ષેત્રો માટે તેઓ ત્રણ અલગ-અલગ લીડરશિપ ઊભી કરી રહ્યા છે.
અલગ પ્રકારની ત્રણ લીડરશિપ ઊભી કરવાની સાથોસાથ તેમણે ત્રણે યુવા ઉદ્યોગપતિઓને એકબીજા સાથે સ્પર્ધા કરીને પોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી દાખવવાની જોગવાઈ પણ કરી છે.
એક માતાપિતાનાં સંતાનો વચ્ચે લોહીની સગાઈ હોય છે એટલે તેઓ એકબીજા સાથે સંકળાયેલાં હોય છે, પરંતુ દરેકનું વ્યક્તિત્વ અલગ હોય છે અને એથી જ દરેકનો પ્રોફેશનલ અપ્રોચ અલગ-અલગ હોઈ શકે છે.
આરઆઇએલના મુખ્ય પ્રવાહમાંથી આ ત્રણેય નવાં બિઝનેસ ક્ષેત્રો પોતાની રીતે વિકસશે અને એ રીતે નવું વેલ્થ ક્રીએશન થશે. દરેકનું ફોકસ પોતાના ક્ષેત્રમાં હોવાથી ગ્રોથ માટેની ઉત્કૃષ્ટ તકો ઊભી થશે.

આ છે રિલાયન્સના લીડરશિપ બિલ્ડિંગના દસ કૅપિટલ સિદ્ધાંતો
પીપલ કૅપિટલ- માણસો કોઈ પણ સંસ્થાની સૌથી મોટી મૂડી હોય છે
ટેક્નૉલૉજી ઍન્ડ ઇનોવેશન કૅપિટલ
કૅપેબિલિટી કૅપિટલ
અચીવમેન્ટ કૅપિટલ
રિલેશનશિપ કૅપિટલ
ટ્રસ્ટ કૅપિટલ
કો-ઑપરેશન કૅપિટલ
એમ્પથી (સમજણ) કૅપિટલ
ઇન્ટિગ્રિટી (અખંડિતતા) કૅપિટલ 
 કમ્યુનિટી એન્ગેજમેન્ટ કૅપિટલ

નોંધ : અહીં રજૂ કરવામાં આવેલા વિચારો વ્યક્તિગત છે અને મૂડીરોકાણ સંબંધિત ઍનૅલિસિસ પર આધારિત છે.

Whatsapp-channel Whatsapp-channel

04 September, 2022 08:06 AM IST | Mumbai | Deven Choksi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK