તમે અવેલેબલ કે પછી ફ્રેશ કલાકારો લો તો તેઓ તમને બમણા ઉત્સાહમાં અને ઓછા ખર્ચમાં બેસ્ટ કામ આપે અને જો નાટક સારું બન્યું હોય તો એ ચાલે જ ચાલે. નાટકમાં કોણ છે એ વાત પછી ગૌણ બની જાય છે

હું એટલે કે કાકાજી અને ‘છેલછબીલો ગુજરાતી’ના મારા અન્ય સાથી કલાકારો.
મારા આજ સુધીના અનુભવ પરથી હું કહીશ કે કલાકારો તમારી સામે ટર્મ્સ ડિક્ટેટ કરે તો એનું નુકસાન નાટકે સહન કરવું પડે. એના કરતાં જો તમે અવેલેબલ કે પછી ફ્રેશ કલાકારો લો તો તેઓ તમને બમણા ઉત્સાહમાં અને ઓછા ખર્ચમાં બેસ્ટ કામ આપે અને જો નાટક સારું બન્યું હોય તો એ ચાલે જ ચાલે. નાટકમાં કોણ છે એ વાત પછી ગૌણ બની જાય છે
૨૦૦૭ની ચોથી ફેબ્રુઆરી અને સમય સાંજે પોણાઆઠ વાગ્યે.
મારા પ્રોડક્શનનું ચાલીસમું નાટક ‘છેલછબીલો ગુજરાતી’ ચવાણ ઑડિટોરિયમમાં ઓપન થયું. નાટક સુપરહિટ ગયું અને મને સૌથી મોટો હાશકારો થયો. મારી પર્સનાલિટીથી સાવ વિપરીત રોલ જે મારા માટે એક જવાબદારી સમાન હતો. નાટકમાં મારો અલગ જ પ્રકારનો રોલ, અલગ જ પ્રકારનો લુક અને મારે એ પ્રૂવ કરવું ખૂબ જરૂરી હતું કે એક ઍક્ટર તરીકે હું કોઈ પણ રોલ કરી શકું છું. જો એ પુરવાર ન થયું હોત અને ‘છેલછબીલો ગુજરાતી’ ફ્લૉપ ગયું હોત તો હું સૌથી મોટો હાંસીપાત્ર બન્યો હોત. જોકે મહેનત રંગ લાવી અને નાટક પ્રેક્ષકોને ખૂબ ગમ્યું. અમે આ નાટકના ૧૭૭ શો કર્યા. અમેરિકા અને લંડનની ટૂર પણ કરી. આ નાટક પણ અમે ત્રણ કૅમેરા સેટ-અપ સાથે શૂટ કર્યું. નાટક યુટ્યુબ પર છે. જોજો તમે. એની મેકિંગની સ્ટોરી વાંચ્યા પછી હવે તમને વધારે મજા આવશે એની ગૅરન્ટી આપું છું.
યુટ્યુબની વાત નીકળી છે એટલે મને આ જ નાટક સાથે જોડાયેલી બીજી પણ કેટલીક વાતો યાદ આવે છે. ‘છેલછબીલો ગુજરાતી’ નાટકમાં અમે મરાઠી ઍક્ટર જિતેન્દ્ર જોષીને લીધો ત્યાં સુધી તેની પાસે એટલું કામ નહોતું, પણ આ નાટકે તેના નસીબ આડેનું પાંદડું દૂર કરી દીધું એમ કહું તો ચાલે. આ નાટક પછી તેને મરાઠી થિયેટર અને ફિલ્મોમાંથી અઢળક ઑફર આવવા માંડી. આજે તો જિતુ હિન્દી વેબ-સિરીઝમાં પણ જોવા મળે છે. ‘સૅક્રેડ ગેમ્સ’માં તેણે હવાલદારનો મસ્ત રોલ કર્યો તો હમણાં રિલીઝ થયેલી ‘બ્લડી બ્રધર્સ’માં પણ તેણે ખૂબ સરસ કામ કર્યું છે. મરાઠીમાં તો અનેક ફિલ્મોમાં તેણે લીડ રોલ કર્યો છે. અમારા નાટક પછી જિતુ બિઝી રહેવા માંડ્યો અને એ દરમ્યાન જ અમારી લંડનની ટૂર આવી. લંડનની ટૂર સમયે તેની ફિલ્મનું શૂટ હતું એટલે તે આવ્યો નહીં અને હું તેની જગ્યાએ સૂરજ વ્યાસને લઈ ગયો. સૂરજે બહુ સરસ કામ કર્યું એ તો ખરું, પણ આ જ ટૂર દરમ્યાન મને લાગ્યું કે જિતુવાળો રોલ મારે ભાસ્કર ભોજક પાસે કરાવવાની જરૂર હતી. ભાસ્કર નાટકમાં બૅકસ્ટેજ કરતો અને નોકરનું કૅરૅક્ટર પણ કરતો. મને મનોમન અફસોસ થયો કે મેં તક હાથમાંથી ગુમાવી, પણ મને આ તક ફરી મળી ગઈ.
બન્યું એવું કે અમેરિકાની ટૂરનું આયોજન થયું અને અમેરિકાના અમારા નૅશનલ પ્રમોટર હેમંત બ્રહ્મભટ્ટ હતા. હેમંતની બીજી એક ઓળખાણ આપી દઉં. છેલ્લાં પાંચ વર્ષથી તે ફાલ્ગુની પાઠકના દાંડિયાના શો અમેરિકામાં કરે છે જે બહુ પૉપ્યુલર થયા છે. હેમંતે મને કહ્યું કે ચાલો આપણે અમેરિકામાં ‘છેલછબીલો ગુજરાતી’ કરીએ. અમેરિકાની ટૂરમાં શું બન્યું એની વાત કરતાં પહેલાં હું તમને ફૉરેન ટૂરની થોડી વાત કહું.
સામાન્ય રીતે ફૉરેન ટૂર દરમ્યાન ઍક્ટરને ડબલ પેમેન્ટ મળે. ઇન્ડિયામાં જે પૈસા મળે એના કરતાં ડબલ હોય. આવું શું કામ તો એના જવાબમાં ઘણાં કારણો છે જેના વિશે ફરી ક્યારેક વાત કરીશું. અત્યારે વાત કરીએ અમેરિકાની ટૂરની.
મને જે દિવસે અમેરિકાની ઑફર આવી એ શનિવારનો દિવસ હતો અને એ રાત્રે અમારો તેજપાલમાં શો હતો. શો દરમ્યાન મેં બધાને કહ્યું કે આપણી અમેરિકાની ટૂર ફાઇનલ થાય છે, પણ એ સમયે જિતુએ ના પાડી કે હું એટલા ઓછા પૈસામાં (એટલે કે ડબલ પૈસામાં) કામ નહીં કરું. અમારે બન્નેને બહુ સરસ બને. એકદમ મસ્ત ભાઈબંધી એટલે જિતુ મારી સામે રિસાયો કે હું અમેરિકાની ટૂર નહીં કરું અને મેં પણ તેને કહ્યું કે તું માગે છે એટલા પૈસા નહીં આપું અને જો એ પછી પણ તું માનશે નહીં તો તને હું રિપ્લેસ કરી નાખીશ. જિતુએ પણ કહી દીધું કે કરો મને રિપ્લેસ. મેં તો તરત બોલાવ્યો ભાસ્કર ભોજકને અને તેને કહ્યું કે જિતુના બધા ડાયલૉગ પાકા કરી નાખ, અમેરિકામાં જિતુવાળો રોલ તું કરશે. મિત્રો, મને અને જિતુને ખબર હતી કે વાત ભલે અમે બન્ને પૈસાની કરીએ, પણ હકીકત એ હતી કે જિતુ પાસે એ સમયે એટલું કામ હતું કે કોઈ કાળે તે બે મહિના મુંબઈ છોડીને ક્યાંય જઈ શકે એમ નહોતો અને અમારે તો છેક અમેરિકા જવાનું હતું. આખી વાત પૂરી થયા પછી અમે બન્ને હસ્યા પણ હતા, પણ ભાસ્કર ભોજકને એ કૅરૅક્ટર આપવાની બીજી તક મને એ દિવસે મળી ગઈ અને ભાસ્કરે અમેરિકાના બધા શો ખૂબ સરસ રીતે કર્યા.
‘છેલછબીલો ગુજરાતી’નું એ પછીનું રિપ્લેસમેન્ટ આવ્યું ક્રિષ્ના ગોકાણીનું. ક્રિષ્નાને પણ ટીવી-સિરિયલોની ઘણી ઑફર આવવા માંડી એટલે તેણે પણ ડેટ આપવામાં આનાકાની શરૂ કરી એટલે મારી પાસે ક્રિષ્નાને પણ રિપ્લેસ કરવા સિવાય કોઈ આરો નહોતો. ક્રિષ્નાની જગ્યાએ હું દીપાલી ભૂતાને લઈ આવ્યો. દીપાલી ભુતા આજે સંજય ગોરડિયા પ્રોડક્શન હાઉસનું અભિન્ન અંગ છે એવું કહું તો પણ ચાલે. તમે માનશો નહીં પણ દીપાલીએ આજ સુધી મારા સિવાય બહારના પ્રોડક્શનમાં કોઈ જ નાટક કર્યું નથી. આટલું ઓછું હતું એમ થોડા સમયમાં અભય ચંદારાણાનાં પણ ડેટ માટેનાં નાટકો ચાલુ થયાં એટલે અમે અભયને બદલે લિનેશ ફણસેને લીધો. લિનેશ હવે નાટકોમાં લીડ ઍક્ટર થઈ ગયો છે, પણ એ સમયે તેની કરીઅરની શરૂઆત હતી.
ઍનીવે, હવે ફરી યુટ્યુબની વાત પર આવીએ. આ નાટક જ્યારે શૂટ કરવાની વાત આવી ત્યારે મને જિતુ જોશીનો ફોન આવ્યો કે તમે આ નાટક થ્રી કૅમેરા સેટ-અપમાં શૂટ કરતા હો તો મારે એ રોલ કરવો છે. જિતુએ કહ્યું કે આ મારી લાઇફનું પહેલું અને કદાચ છેલ્લું ગુજરાતી નાટક છે તો મારી મેમરી માટે પણ મારે એ રોલ કરવો છે અને મેં પણ એવું જ કર્યું. જિતુને ફરી એના રોલમાં લઈ લીધો, ભાસ્કર ફરી નોકરના કૅરૅક્ટરમાં આવી ગયો, અભયના રોલમાં લિનેશ હતો જ અને ક્રિષ્નાવાળા રોલમાં દીપાલી. આમ યુટ્યુબના નાટકમાં તમને જિતુ ફરીથી જોવા મળશે તો ભાસ્કર પોતાના મૂળ રોલમાં જોવા મળશે.
‘છેલછબીલો ગુજરાતી’ની વાત ચાલે છે ત્યારે મારે તમને એ વાત પણ કહેવી છે જેને લીધે હું અત્યાર સુધીમાં ૧૦૧ નાટક પ્રોડ્યુસ કરી શક્યો છું.
મેં ક્યારેય કલાકારો પર કોઈ પ્રકારનું અવલંબન રાખ્યું નથી. મારો, કૌસ્તુભ ત્રિવેદી અને વિપુલ મહેતા અમારા ત્રણેયનો નિયમ રહ્યો છે કે જે કલાકાર પહેલો મળે તેના ગળામાં એ રોલનો હાર પહેરાવી દેવાનો. ૧૦૧ નાટકની આવડી મોટી કરીઅરમાં બે-ત્રણ અપવાદને બાદ કરતાં અમે ક્યારેય કલાકાર માટે નાટક પાછળ ઠેલ્યું નથી. એનું કારણ સમજવાની જરૂર છે. જો તમે વ્યક્તિ પર અવલંબિત થઈ જાઓ તો ક્યારેય તમારી ઇચ્છા હોય એ સમયે કામ કરી શકો નહીં. નાટકને પણ આ જ વાત લાગુ પડે અને બીજાં સર્જનોમાં પણ આ જ વાત લાગુ પડે. મારા આજ સુધીના અનુભવ પરથી હું કહીશ કે કલાકારો તમારી સામે ટર્મ્સ ડિક્ટેટ કરે તો એનું નુકસાન નાટકે સહન કરવું પડે. એના કરતાં જો અવેલેબલ કે પછી ફ્રેશ કલાકારો લો તો તેઓ તમને બમણા ઉત્સાહ અને ઓછા ખર્ચમાં બેસ્ટ કામ આપે અને જો નાટક સારું બન્યું હોય તો એ ચાલે જ ચાલે. નાટકમાં કોણ છે એ વાત પછી ગૌણ બની જાય. આ સિદ્ધાંતના આધારે જ હું આજ સુધીમાં ૧૦૧ નાટક પ્રોડ્યુસ કરી શક્યો છું. બાકી હું પણ હજી પચ્ચીસ-ત્રીસ નાટકો પર ફરતો હોત. ઍનીવે, સ્થળ-સંકોચના કારણે આ વિષય અને મારા નવા નાટકની વાતો આવતા સોમવારે આગળ ધપાવીશું.