Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પત્નીનાં ઘરેણાં અને ઘરનું ફર્નિચર વેચીને આ ભાઈ લાગ્યા છે ઍનિમલ્સની સેવામાં

પત્નીનાં ઘરેણાં અને ઘરનું ફર્નિચર વેચીને આ ભાઈ લાગ્યા છે ઍનિમલ્સની સેવામાં

02 August, 2021 12:16 PM IST | Mumbai
Sejal Patel | sejal@mid-day.com

ડૉગીઝ, કૅટ્સ, હૉર્સ, ગાય, ડૉન્કીઝ અને કેટલાંક પંખીઓ એમ ૭૫ પશુપંખીઓ રહે છે. તેમનો પ્રાણીપ્રેમ એવો છે કે જ્યારે શેલ્ટરમાં પાણી ભરાઈ ગયાં તો મસમોટાં ગાય અને ઘોડાને પણ ઊંચકીને તેઓ પોતાના ઘરમાં લઈ આવેલા 

બાવીસમી જુલાઈએ બહાર દસ-બાર ફૂટ પાણી ભરાઈ ગયાં તો બધાં જ પ્રાણીઓને ઘરમાં લઈ આવ્યા હતા ગણરાજ જૈન.

બાવીસમી જુલાઈએ બહાર દસ-બાર ફૂટ પાણી ભરાઈ ગયાં તો બધાં જ પ્રાણીઓને ઘરમાં લઈ આવ્યા હતા ગણરાજ જૈન.


બદલાપુરમાં રહેતા ગણરાજ જૈને આઠ વર્ષથી હૅન્ડિકૅપ્ડ ઍનિમલ્સ માટે અનાથાશ્રમ શરૂ કર્યો છે જેમાં ડૉગીઝ, કૅટ્સ, હૉર્સ, ગાય, ડૉન્કીઝ અને કેટલાંક પંખીઓ એમ ૭૫ પશુપંખીઓ રહે છે. તેમનો પ્રાણીપ્રેમ એવો છે કે જ્યારે શેલ્ટરમાં પાણી ભરાઈ ગયાં તો મસમોટાં ગાય અને ઘોડાને પણ ઊંચકીને તેઓ પોતાના ઘરમાં લઈ આવેલા 

૨૦૧૩ના સપ્ટેમ્બર મહિનામાં કૉબ્રા કરડવાને કારણે લગભગ સાત દિવસ સુધી કોમામાં રહીને નવજીવન પામેલા બદલાપુરના મારવાડી પરિવારના ગણરાજ જૈને એ દિવસે જ નક્કી કરી લીધેલું કે હવે પછીનું જીવન પ્રાણીઓ માટે જ જીવવું છે. તેમની પત્ની ડૉ. અર્ચના જૈને પણ તેમને એમાં પૂરો સાથ આપ્યો છે. આપણે કલ્પી પણ ન હોય એવી અનેક મુશ્કેલીઓનો સામનો કરીને તેમણે બદલાપુરમાં ખાસ હૅન્ડિકૅપ્ડ પ્રાણીઓ માટે શેલ્ટર ખોલ્યું છે જેમાં અત્યારે લગભગ ૭૫ જેટલાં પ્રાણીઓ રહે છે. અલબત્ત, પ્રાણીબચાવની આ કામગીરી તેમણે બહુ યંગ એજથી જ શરૂ કરી દીધેલી. કઈ રીતે તેમની આ પ્રવૃત્તિ શરૂ થયેલી એની વાત કરતાં ગણરાજ જૈન કહે છે, ‘૨૦૦૫ની ૨૬ જુલાઈએ મુંબઈ દરિયામાં તબદિલ થઈ ગયેલું અને એ વખતે હું મહાડમાં રહેતો. બાર-પંદર ફુટ પાણીની વચ્ચે બધા જ બચાવદળના લોકો માણસોને બચાવવા દોડી રહ્યા હતા. એ સ્વાભાદવિક પણ હતું. જોકે મૂંગાં પ્રાણીઓ પાણીમાં તણાઈ રહ્યાં હતાં એ મારાથી જોવાતું નહોતું. હું સારો તરવૈયો છું એટલે પ્રાણીઓને બચાવવા ૧૨થી ૧૫ ફુટ ભરાયેલા પાણીમાં કૂદી પડ્યો અને લગભગ વીસેક પશુઓને પાણીમાંથી પકડીને ઘરની અગાસીમાં લઈ આવ્યો. એમાં શ્વાન, બિલાડી, ઉંદર અને સાપ સુધ્ધાંને રેસ્ક્યુ કરેલાં.’
એ વખતે તેમની ઉંમર હશે જસ્ટ વીસેક વર્ષની. પૂર વખતે પ્રાણીઓની થયેલી હાલત પછી તેમને મૂંગાં પ્રાણીઓ માટે કંઈક કરવાની ભાવના તીવ્ર થઈ. ગણરાજ કહે છે, ‘મને પ્રાણીઓ પહેલેથી બહુ ગમતાં. જોકે પેટ્સ તરીકે સજાવીધજાવીને રાખેલાં હોય એવાં પ્રાણીઓ નહીં પણ શેરીમાં રખડતાં, માંદા અને જેની કોઈ દરકાર ન કરતું હોય એવાં પ્રાણીઓને હું સાફ કરતો. રસ્તા પર ક્યાંય પણ ઍક્સિડન્ટમાં ઘાયલ પશુપંખીને જોઉં કે તરત જ એને ઉપાડી લાવું અને સાજું ન થાય ત્યાં સુધી એને છોડું નહીં. ૨૦૦૫ના પૂર પછી પ્રા ણીઓના બચાવ માટેનું કાર્ય વધુ સઘન બન્યું. એમાં પાછું મારી પત્ની અર્ચના પણ પ્રાણીપ્રેમી છે એટલે તેનો પણ સાથ મળ્યો.’
અત્યાર સુધીમાં ૫૦૦૦થી વધુ ઇન્જર્ડ પશુઓની તેમણે સારવાર કરાવી છે અને ૪૫૦૦થી વધુ સાપ રેસ્ક્યુ કર્યા છે. જોકે સાપ રેસ્ક્યુ કરવાનું કામ તેમના માટે જબરદસ્ત ટર્નિંગ પૉઇન્ટ બની ગયું. કૉબ્રા કરડવાથી સાત દિવસ કોમામાં રહ્યા પછી જ્યારે કોઈ જ આશા બચી નહોતી એ પછી નવજીવન પામ્યા બાદ ગણરાજ અને પત્ની અર્ચનાએ પ્રાણીઓ માટે જ જીવવાનું નક્કી કરી લીધું. પહેલાં સફર નામે સ્વૈચ્છિક સંસ્થા શરૂ કરી, જેના થકી ક્યાંયથી પણ ઇન્જર્ડ અને ઍમ્પ્યુટેડ પ્રાણીઓની સારવારનું કામ શરૂ કર્યું. અત્યારે ફુલટાઇમ માત્ર આ જ કામમાં ગાળનારા ગણરાજ કહે છે, ‘પ્રાણીઓની સારવાર અને સંભાળ માટે મોટા ભાગે મેં ગાંઠના પૈસા ખર્ચીને કામ કર્યું છે. મારી વાઇફ આયુર્વેદિક ડૉક્ટર છે અને તેના ઓપીડીમાંથી જે આવક થાય એમાંથી અમારું જીવન ગુજરે છે. જ્યારે પૈસા ખૂટ્યા છે ત્યારે પત્નીનું મંગળસૂત્ર વેચીને કે ઘરનું ફર્નિચર વેચીને પણ પ્રાણીઓની સારવાર કરાવી છે. બહુ જ ભાગ્યવાન છું કે મને જીવનસાથી ખૂબ લાઇક માઇન્ડેડ મળી છે.’
૨૦૧૬માં ગણરાજે બદલાપુર પાસે લગભગ ૪૦ ગુંઠા જેટલી ઍગ્રિકલ્ચરલ લૅન્ડ ખરીદીને એમાં માત્ર હૅન્ડિકૅપ્ડ પ્રાણીઓ માટેનું અનાથાલય બનાવ્યું છે. નામ આપ્યું છે પાનવથા અનાથાલય. આ શેલ્ટર હોમ નહીં, અનાથાલય છે એવું ભારપૂર્વક જણાવતાં ગણરાજ કહે છે, ‘જે પ્રાણીઓને કોઈ રાખવા તૈયાર નથી હોતું એમના માટેનું આ આશ્રયસ્થાન છે. મોટા ભાગે અહીં કોઈકના એક-બે કે ત્રણ હાથ-પગ કપાયેલા હોય, જોઈ ન શકતું હોય કે સાંભળી ન શકતું હોય એવાં પ્રાણીઓ આવે છે. આ પ્રાણીઓની જરૂરિયાત પણ ખાસ હોય છે. એમને ફરવાની મોકળાશ પણ આપવી પડે અને સેફ્ટી માટે એમને પાંજરામાં પણ રાખવાં પડે.’
પ્રાણીઓને ઘરમાં લઈ આવ્યા 
તાજેતરમાં પાનવથા અનાથાલય જબરદસ્ત ક્રાઇસિસમાંથી પસાર થયું. બાવીસમી જુલાઈએ જ્યારે મહારાષ્ટ્રમાં ઠેર-ઠેર પાણી ભરાયાં એમાં આ અનાથાલય પણ બાકાત રહી શક્યું નહોતું. જોકે પ્રાણીઓને બચાવવા માટે આખી રાત અને દિવસ તેમની શું હાલત થયેલી એ વિશે ગણરાજ કહે છે, ‘આ વિસ્તારમાં ક્યારેય પાણી ભરાયાં નહોતાં, પણ ૨૦૧૯માં ચોમાસામાં અચાનક પાણીનું પૂર આવ્યું અને એમાં મારાં લગભગ બાવીસેક બચ્ચાંને મેં ખોયાં. એ અનુભવમાંથી શીખીને મેં પ્રાણીઓને રાખવાની જગ્યા ત્રણથી ચાર ફુટ ઊંચી કરાવી લીધી હતી. એમ છતાં આ વર્ષે પાણી ભરાયાં. રાતે અઢી વાગ્યે અચાનક ખબર પડી કે પાણીનું લેવલ બેહદ વધી રહ્યું છે ત્યારે અમે નાનાંમોટાં બધાં જ પશુઓને ઊંચકીને ઘરમાં બીજા માળે આવેલા મારા ઘરમાં ચડાવ્યાં. છેક બીજા દિવસે બપોરે પાણી ઓસર્યાં ત્યારે અમે રાહતનો દમ લીધો.’



આ ગુજરાતી યુવતી જોડાઈ ગઈ છે ફુલટાઇમ સેવામાં 


મૂળ કાંદિવલીના ચારકોપમાં રહેતી અને એમબીએ ભણેલી હેમશ્વેતા પંચાલ છેલ્લાં ચાર વર્ષથી સ્વૈચ્છિક રીતે આ જૈન યુગલના કામમાં જોડાઈ ગઈ છે. હવે બદલાપુર જ શિફ્ટ થઈ ગયેલી અને આખો દિવસ પ્રાણીઓની સારસંભાળમાં રહેતી હેમશ્વેતા કહે છે, ‘હું પહેલાં એક એનજીઓમાં કામ કરતી હતી અને ચારેક વર્ષ પહેલાં મને આ જૈન કપલ વિશે જાણવા મળ્યું. હું અહીં આવી અને મેં પણ તેમની સાથે જ જોડાઈ જવાનું મન બનાવી લીધું. પહેલાં હું જૉબ કરતી હતી. હવે જૉબ છોડીને ફ્રીલાન્સિંગ કરું છું, પણ દિવસનો મોટા ભાગનો સમય આ પ્રાણીઓની સર્વિસમાં જ હોઉં છું. આ પ્રાણીઓ હૅન્ડિકેપ્ડ હોવાથી એમને ચલાવવા, પૉટી સાફ કરવી, સાફસૂથરાં રાખવાં, દરેકને સમયસર દવાઓ આપવી જેવાં તમામ કામો અમે જાતે જ કરીએ છીએ.’

ગણરાજ જૈન એવાં જ પ્રાણીઓને રાખે છે જેમને કોઈ રાખવા તૈયાર નથી. તેમનું કહેવું છે કે ખાસ બ્રીડનાં પ્રાણીઓ પાળવાને બદલે જેને કોઈ રાખવા તૈયાર નથી એવાં સ્ટ્રીટમાં ભટકતા પ્રાણીઓને અડૉપ્ટ કરો. 


Whatsapp-channel Whatsapp-channel

02 August, 2021 12:16 PM IST | Mumbai | Sejal Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK