પાણી અને શરીરને માફક આવે તો નારિયેળ પાણી અને ફળોનો રસ.
ભૂતપૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈ
આપણા ભૂતપૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈ ૧૦૦ વર્ષ સુધી તંદુરસ્ત જીવન જીવ્યા હતા. તેઓ વડા પ્રધાન તરીકે રાજીનામું આપ્યા પછી મુંબઈ નરીમાન પૉઇન્ટના નિવાસસ્થાને રહેતા હતા. એ સમય દરમ્યાન મારા પિતાશ્રી નંદલાલભાઈ ઠક્કરે (જેમણે અનુભવાનંદજીના ઉપનામથી ચાલીસેક પુસ્તકો લખ્યાં છે) તેમને પોસ્ટકાર્ડ લખીને તેમની મુલાકાત માગી અને લખ્યું કે ‘‘હું એંસી સુધી યુવાની’ નામનું પુસ્તક લખી રહ્યો છું, એ પુસ્તકમાં તંદુરસ્તી અને ઈશ્વર વિશેના આપના વિચારો જાણવા તમારી મુલાકાત લેવી છે તો આપને મળવા ક્યારે આવી શકું?’ આ પત્ર મળ્યો એના બીજા જ દિવસે તેમનો અમારા ઘરના લૅન્ડલાઇન નંબર પર ફોન આવ્યો, જે મેં ઉપાડ્યો. મારા આશ્ચર્ય વચ્ચે તેઓ પોતે જ ફોન પર હતા અને તેમણે મને જણાવ્યું કે નંદલાલભાઈને કહેજો કે આજે બપોરે ૧૧થી ૧ સુધી હું ફ્રી છું તો મળવા આવી શકે છે. પછી તો હું અને મારા પિતાશ્રી તેમના નિવાસસ્થાને પહોંચી ગયા. તેમની સાથે જે પ્રશ્નોત્તરી થઈ એનો વાચકો માટે સાર રજૂ કરી રહ્યો છું. મુલાકાત તો પુસ્તકનાં ૧૦ પાનાં જેટલી છે.
પ્રશ્ન : ૮૦ વર્ષની ઉંમર વટાવી આપ ચોર્યાસીમા વર્ષમાં પ્રવેશ્યા છો (૧૯૭૯માં ૮૪ વર્ષના થયા હતા) છતાં પણ યુવાન પુરુષના જોમ કરતાં પણ વધુ ધગશથી તમે શરીર પાસેથી કામ લઈ શકો છો એનું રહસ્ય?
ADVERTISEMENT
મોરારજીભાઈનો ઉત્તર : મુખ્ય રહસ્ય શ્રદ્ધા છે. મનનું કારણ છે. ઈશ્વર જે આપે એ આનંદથી ભોગવવું. વડા પ્રધાન તરીકે હોઉં કે જેલમાં કેદી તરીકે હોઉં, અત્યારે છું તેમ હોઉં, ઈશ્વર જે સંજોગોમાં મૂકે કે જે કંઈ આપે એ એટલા જ આનંદથી ભોગવવું. સંપૂર્ણ શરણાગતિ ન હોય ત્યાં સુધી આવો ભાવ ન આવી શકે.
પ્રશ્ન : માંસાહાર, અન્નાહાર, શાકાહાર, ફળાહાર - આ ચાર આહારમાંથી દીર્ઘ આયુ માટે કયો આહાર વધુ મદદગાર બને?
ઉત્તર: આપણું શરીર શાકાહારને વધુ અનુકૂળ છે. મનુષ્યને ઈશ્વરે બક્ષેલા દાંત માટે માંસાહાર અનુકૂળ નથી. આર્યો માંસાહાર કરતા હતા એવું અમુક ગ્રંથમાં લખ્યું છે તેથી માસાંહાર સારો ઠરતોનથી. આજે વર્ષોથી પાપ થતું આવે છે તેથી પાપ કંઈ પુણ્ય ઠરતું નથી.
પ્રશ્ન : પાણી, દૂધ ઉપરાંત બીજા કયા પેય પદાર્થ પીણા તરીકે તમે ઉપયોગમાં લો છો?
ઉત્તર : પાણી અને શરીરને માફક આવે તો નારિયેળ પાણી અને ફળોનો રસ.
પ્રશ્ન : સ્વમૂત્ર ચિકિત્સા પ્રત્યેની લોકોની સૂગ દૂર કરવા શું કરવું જોઈએ?
ઉત્તર : અનેક પ્રકારની બેસ્વાદ અને દુર્ગંધ મારતી દવાઓ લોકો પીતા જ હોય છે. એટલે દરદીએ જ પેશાબની ગંધની સૂગ દૂર કરવાની રહે છે. સ્વમૂત્રથી ઘણાને ફાયદો થયો છે, પરંતુ પોતે મૂત્રનું પાન કરે છે એમ કહેતાં સંકોચાતા હોય છે.

