Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પૌત્રીના નાદે આ દાદી પણ બની ગયાં રુબિક્સ ક્યુબ ચૅમ્પિયન

પૌત્રીના નાદે આ દાદી પણ બની ગયાં રુબિક્સ ક્યુબ ચૅમ્પિયન

12 January, 2022 10:37 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

એશિયા બુક ઑફ રેકૉર્ડ્સ દ્વારા આયોજિત સ્પર્ધામાં ભાગ લેનારાં સૌથી મોટી ઉંમરનાં સ્પર્ધક બન્યાં અને ઇનામ પણ મળ્યું. હવે તેમના જીવનમાંથી નિરાશા છૂમંતર થઈ ગઈ છે

પૌત્રીના નાદે આ દાદી પણ બની ગયાં રુબિક્સ ક્યુબ ચૅમ્પિયન

પૌત્રીના નાદે આ દાદી પણ બની ગયાં રુબિક્સ ક્યુબ ચૅમ્પિયન


નિવૃત્તિ બાદ સમય પસાર કરવાના હેતુથી આ પઝલ ગેમ શીખેલાં ઘાટકોપરનાં ૬૯ વર્ષનાં સુશીલા વીરા થોડા સમય પહેલાં એશિયા બુક ઑફ રેકૉર્ડ્સ દ્વારા આયોજિત સ્પર્ધામાં ભાગ લેનારાં સૌથી મોટી ઉંમરનાં સ્પર્ધક બન્યાં અને ઇનામ પણ મળ્યું. હવે તેમના જીવનમાંથી નિરાશા છૂમંતર થઈ ગઈ છે

આપણે સૌએ ક્યારેક તો રુ​બિક્સ ક્યુબ સૉલ્વ કરવાનો પ્રયત્ન કર્યો જ હશે. રુબિક્સ ક્યુબ સૉલ્વ કરવા માટે અલગ-અલગ ઍલ્ગોરિધમ હોય છે. ઍલ્ગોરિધમમાં ભૂલ થાય તો ક્યુબ સૉલ્વ થતો નથી. આ પ્રક્રિયાને સમજવા માટે મગજ કસવું પડે. નિવૃત્તિની ઉંમરે જ્યારે યાદશક્તિ ઘટી રહી હોય ત્યારે બ્રેઇન ટેસ્ટિંગ ટૉય તરીકે ઓળખાતાં મેકૅનિકલ પઝલને શીખવું, સ્પર્ધાઓમાં ભાગ લેવો અને સર્ટિફિકેટ્સ મેળવવાં એ કોઈ નાનીસૂની વાત નથી. ઘાટકોપરનાં ૬૯ વર્ષનાં સુશીલા વીરાએ થોડા સમય પહેલાં એશિયા બુક ઑફ રેકૉર્ડ્સ દ્વારા આયોજિત આવી જ એક સ્પર્ધામાં ભાગ લઈ આયોજકો સહિત ઇવેન્ટમાં હાજર તમામ લોકોને આશ્ચર્યચક્તિ કરી દીધા હતા. આ ઉંમરે રુ​બિક્સ ક્યુબ સૉલ્વ કરવાનો શોખ કઈ રીતે જાગ્યો એ સંદર્ભે તેમની સાથે વાત કરીએ.
છોટી સી આશા | વર્ષોથી હું એક સામાન્ય ગૃહિણી તરીકે ખુશહાલ જીવન વિતાવતી હતી. પતિનો સંગાથ હોય તો જીવવાનો આનંદ આવે. તેમનો સાથ છૂટતાં જ નિરાશા છવાઈ ગઈ એમ જણાવતાં ચાર વર્ષ પહેલાંની વાત યાદ કરતાં સુશીલાબહેન કહે છે, ‘પતિના અવસાન બાદ બહાર જવાનું લગભગ બંધ કરી દીધું હતું. દીકરો-વહુ ઘણું કહેતાં પણ ક્યાંય મન લાગે એટલે નહીં ઘરમાં જ પડી રહેતી. ધીમે-ધીમે જીવન થાળે પડતું ગયું. પુત્રવધૂને રસોઈકામમાં મદદ કરતી. જોકે ટીવી અને મોબાઇલમાં મોટા ભાગનો સમય પસાર થઈ જતો. એક દિવસ મારી ૧૮ વર્ષની પૌત્રી તાન્યાએ કહ્યું, ‘શું દાદી આખો દિવસ ટીવી જોયાં કરો છો ને વૉટ્સઍપમાં પડ્યાં રહો છો? ચાલો તમને રુબિક્સ ક્યુબ સૉલ્વ કરતાં શીખવાડું.’ જોકે મને રુબિક્સ ક્યુબ સૉલ્વ કરવામાં ખાસ રસ નહોતો. પૌત્રીનું મન રાખવા પ્રયત્ન કરી જોયો. બ્રેઇન ઍક્ટિવેટ થતાં નિરાશા દૂર થઈ અને કંઈક કરવાની મનમાં આશા જાગી. આમ અનાયાસે નવી પ્રવૃત્તિમાં મન પરોવાયું.’
પૌત્રી બની ગુરુ | તાન્યા નાનપણથી રુબિક્સ ક્યુબ સૉલ્વ કરે છે. હું કોઈક વાર ટ્રાય કરતી હતી એ દરમિયાન તેને ટર્કીમાં આયોજિત સ્પર્ધા માટે જવાનું થયું. પૌત્રીને રિવિઝન કરાવતાં હું પણ રુબિક્સ ક્યુબ સૉલ્વ કરતાં શીખી ગઈ એમ ઉત્સાહ સાથે જણાવતાં તેઓ કહે છે, ‘સ્પર્ધા પહેલાં એને પ્રૅક્ટિસ કરાવવા ટાઇમર સેટ કરવાની જવાબદારી ઉપાડી લીધી. એને ફટાફટ રુબિક્સ ક્યુબ સૉલ્વ કરતાં જોઈ મારી રુચિ વધી. આટલી જલદી કઈ રીતે કરી શકાય એ જાણવાની ઉત્કંઠા જાગતાં પૌત્રીને ગુરુ બનાવી. તેણે મને જુદી-જુદી ફૉમ્યુર્લા શીખવાડી. પછી તો અમે બન્ને સાથે બેસીને સૉલ્વ કરતાં. દીકરા-વહુ અને પરણેલી દીકરીએ પણ ખૂબ પ્રોત્સાહિત કરી. છ મહિનામાં ૩ x ૩, ૨ x ૨ અને પિરામિડ એમ ત્રણ પ્રકારના રુ​બિક ક્યુબ્સ સૉલ્વ કરતાં આવડી ગયા.’
સ્પર્ધાઓમાં ભાગ લીધો | રુબિક્સ ક્યુબ સાથે સમય સારો નીકળતો હતો એવામાં મુંબઈની એક સ્કૂલે સ્પર્ધાનું આયોજન કર્યું હોવાની જાણ થતાં ભાગ લીધો એમ જણાવતાં સુશીલાબહેન આગળ કહે છે, ‘આ સ્પર્ધામાં મોટા ભાગનાં બાળકો હતાં. કેટલાક મધ્યમ વયના લોકોએ ભાગ લીધો હતો ખરો પણ એ લોકો પહેલેથી શીખેલા હતા અને ઘણી સ્પર્ધામાં ભાગ લેવાનો અનુભવ ધરાવતા હતા. તેમની વચ્ચે બેસીને રુબિક્સ ક્યુબ સૉલ્વ કરવામાં મને જરાય સંકોચ નહોતો થયો. મારી સ્પીડ ઓછી હતી, પરંતુ ક્યુબ સૉલ્વ કરીને બતાવતાં ઓલ્ડેસ્ટ વિનરનું ટાઇટલ મળ્યું. ત્યાર બાદ વધુ સારું કરી શકું એ માટે રોજ પ્રૅક્ટિસ કરતી થઈ ગઈ. થોડા સમય પહેલાં એશિયા બુક ઑફ રેકૉર્ડ્સના અધિકારીઓ દ્વારા રુબિક્સ ક્યુબ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ૪૫૦ લોકોએ ભાગ લીધો હતો. એમાં પણ મોટા ભાગે બાળકો જ હતાં. એશિયા બુક તરફથી પણ ઓલ્ડેસ્ટ પાર્ટિસિપન્ટનો મેડલ અને સર્ટિફિકેટ પ્રાપ્ત થયા. હવે ટીવી અને વૉટ્સઍપ કરતાં રુબિક્સમાં વધારે સમય વિતાવું છું. રુબિક્સ ક્યુબ સાથેની મારી યાત્રા રસપ્રદ બનતાં ખૂબ મજા આવે છે. મગજ પણ પહેલાં કરતાં વધુ કામ કરે છે અને ક્યારેય કંટાળો નથી આવતો. આ ફીલ્ડમાં નવું-નવું શીખવાની હોંશ છે. ભવિષ્યમાં રુબિક્સ પૉર્ટ્રેટ બનાવવાં છે તેમ જ ઘણીબધી સ્પર્ધાઓમાં ભાગ લેવો છે. મારા જેવા નિવૃત્ત લોકોને કહેવાનું કે બહાર ન જઈ શકો તો કંઈ નહીં, ઘરમાં બેસીને મનગમતી પ્રવૃત્તિ કરતા રહેજો.’



 હવે ટીવી અને વૉટ્સઍપ કરતાં રુબિક્સમાં વધારે સમય વિતાવું છું. રુબિક્સ ક્યુબ સાથેની મારી યાત્રા રસપ્રદ બનતાં ખૂબ મજા આવે છે. મગજ પણ પહેલાં કરતાં વધુ કામ કરે છે અને ક્યારેય કંટાળો નથી આવતો. ભવિષ્યમાં રુબિક્સ પૉર્ટ્રેટ બનાવવાં છે તેમ જ ઘણીબધી સ્પર્ધાઓમાં ભાગ લેવો છે.
સુશીલા વીરા 


Whatsapp-channel Whatsapp-channel

12 January, 2022 10:37 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK