Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સંતાનોની પ્લે સ્કૂલમાં મળેલી આ સહેલીઓની દોસ્તી છે ભારે અનોખી

સંતાનોની પ્લે સ્કૂલમાં મળેલી આ સહેલીઓની દોસ્તી છે ભારે અનોખી

02 August, 2022 01:37 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

ફરવાની શોખીન અને એકબીજા માટે ઑક્સિજનની ગરજ સારતી કાંદિવલીની ચાર બહેનપણીઓ હવે દર વર્ષેે એકાદ વાર મજાની ગર્લ્સ ટ્રિપ પર  પણ ઊપડી જાય છે 

એકલાં લોનાવલા સુધી નહોતી ગયેલી એ બહેનપણીઓ એકલી દુબઈ ફરી આવી પછી તો હિંમત ખૂલી ગઈ.

એકલાં લોનાવલા સુધી નહોતી ગયેલી એ બહેનપણીઓ એકલી દુબઈ ફરી આવી પછી તો હિંમત ખૂલી ગઈ.


૨૩ વર્ષ પહેલાં પ્લેગ્રુપમાં ભણતાં બાળકોની મમ્મીઓ એવી દોસ્ત બની ગઈ કે તેમનાં બાળકો સેટલ થઈ ગયાં, પણ મમ્મીઓની દોસ્તી અકબંધ રહી. ફરવાની શોખીન અને એકબીજા માટે ઑક્સિજનની ગરજ સારતી કાંદિવલીની ચાર બહેનપણીઓ હવે દર વર્ષેે એકાદ વાર મજાની ગર્લ્સ ટ્રિપ પર  પણ ઊપડી જાય છે 

બે દાયકા જૂની દોસ્તી હોવા છતાં પોતાના એરિયાની બહાર એકલાં ફરવા જવાની હિંમત ન કરનારી કાંદિવલીની ત્રણ બહેનપણીઓ મુંબઈના ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર દુબઈ જતી ફ્લાઇટની રાહ જોતી હતી. કોઇને અજાણ્યા દેશમાં કઈ રીતે ફરીશું એની ચિંતા સતાવતી હતી તો એક હરખઘેલી ફોટા પાડવામાં મશગૂલ હતી. વળી બીજી કાન દઈને અનાઉન્સમેન્ટ સાંભળતી હતી. ૨૦૧૭માં પહેલવહેલી વાર ગર્લ્સ ટ્રિપ પ્લાન કરનારી આ ગૅન્ગે દુબઈમાં ધમાલમસ્તી કર્યા બાદ નક્કી કરી લીધું કે ઘરમાં રહીને પૉટ પાર્ટીઓ બહુ કરી લીધી, હવે બિસ્તરા-પોટલાં બાંધીને નીકળી પડવું છે. ધીમે-ધીમે પરવાન ચડેલી તેમની દોસ્તી ઑક્સિજનની ગરજ સારે એટલી મજબૂત કઈ રીતે બની એ જાણવાની તેમ જ તેમના પ્રવાસના અનુભવો માણવાની બધી મહિલાઓને મજા પડશે. 
ક્યાં ફરી આવ્યાં?
લોનાવલા સુધી નહોતાં ગયાં ને ફર્સ્ટ ટ્રિપ ડાયરેક્ટ ઇન્ટરનૅશનલ કરી એનું કારણ જણાવતાં ગ્રુપ મેમ્બર ભક્તિ શાહ કહે છે, ‘આ પ્રશ્ન ઘણાને થયો હતો. અમે ચાર ફ્રેન્ડ્સ છીએ. હું, રેણુકા વોરા, જિજ્ઞા ધાબલિયા અને સ્નેહા પંડ્યા. સ્નેહાની ફૅમિલી દુબઈ શિફ્ટ થઈ જતાં  મુંબઈમાં તેની ખોટ સાલવા લાગી. ત્યાં તે પણ અમને મળવા અધીરી હતી. સ્નેહાએ કહ્યું, તમે બધાં મારા ઘરે આવો. દુબઈ? એકલાં? અમે વિચારમાં પડી ગયાં. જોકે, હસબન્ડ અને કિડ્સે મોટિવેટ કર્યાં. આમ ઇન્ટરનૅશનલ ટ્રિપ પ્લાન થઈ. સ્નેહાનું ઘર હતું એટલે ચિંતા નહોતી. સાથે ખૂબ ફર્યાં અને જબરું શૉપિંગ કર્યું. દુબઈની ટ્રિપ પછી એકલાં ફરવાની હિંમત વધી ગઈ. કોરોનાકાળને કાઢી નાખીએ તોય ખૂબ જ ટૂંકા ગાળામાં ડેલહાઉસી, પુડુચેરી, અમૃતસર, ચેન્નઈ, દેવલાલી, ખપોલી, મહાબલીપુરમ્ એક્સપ્લોર કર્યાં છે.’
અનુભવ કેવો રહ્યો?
ગર્લ્સ ગૅન્ગ સાથે ફરવાની અલગ જ મજા છે એવું ઉત્સાહ સાથે જણાવતાં રેણુકા કહે છે, ‘પ્લાનિંગ અને બુકિંગ કરીને જઈએ તેથી તકલીફ ક્યારેય પડી નથી, પરંતુ મજાના કિસ્સા બન્યા છે. ચેન્નઈમાં મરીના બીચ ફરવા જવાનું હતું એ દિવસે દરિયામાં વાવાઝોડાની આગાહી હતી. અહીં સુધી આવ્યાં હોઈએ અને દરિયો જોયા વગર પાછાં ફરવું પડશે જાણી હતાશ થઈ ગયાં. બહાર જોરજોરથી પવન ફૂંકાતો હતો. હાયર કરેલી કારના ડ્રાઇવરને બીચ સુધી લઈ જવા વિનંતી કરી. જોકે, દરિયાકિનારે પબ્લિકને જવાની મનાઈ હોવાથી રોડ પરથી પસાર થતાં મરીના બીચ જોઈને હોટેલ ભેગાં થવું પડ્યું. પુડુચેરીમાં કોઈકે અમને પેપર ફૅક્ટરીની વિઝિટ કરવાની ભલામણ કરી. વરસતાં વરસાદમાં પલળીને અમે ત્યાં પહોંચ્યાં જોઈને ફૅક્ટરીનો સ્ટાફ હસવા લાગ્યો. અમૃતસર-ડેલહાઉસી ટ્રિપ પણ મેમોરેબલ છે. અમે મુંબઈથી પહોંચી ગયાં અને સ્નેહાની દુબઈ-અમૃતસર ફ્લાઇટ કૅન્સલ થતાં તે ઍરપોર્ટ પર ફસાઈ ગઈ. ઑન ધ સ્પૉટ બીજી ફ્લાઇટની ટિકિટ લઈને પહોંચી હતી.’
પ્રવાસની મજા વિશે વધુ વાત કરતાં ભક્તિ કહે છે, ‘જિજ્ઞા અમારા ગ્રુપની ટિકટૉક ગર્લ છે. ઢગલાબંધ ફોટા પડાવે. એના માટે બધાંએ ફોટોગ્રાફરની ભૂમિકા અદા કરવાની. તાબડતોબ ફોટા વૉટ્સઍપ ગ્રુપમાં શૅર પણ કરી દેવાના. ઉતાવળી એટલી કે ડેસ્ટિનેશન પરથી હોટેલની રૂમ સુધી પહોંચીએ એટલી વારમાં તો કૅપ્શન સાથે ફેસબુક પર પોસ્ટ કરી નાખે. મૅનેજમેન્ટમાં અને સમસ્યાનો તોડ કાઢવામાં રેણુકાની માસ્ટરી છે. પ્રવાસમાં વાતો અમારી ખૂટે નહીં ને શૉપિંગ પૂરું ન થાય. દરેક ડેસ્ટિનેશન પરથી ધૂમ શૉપિંગ કરીએ એમાં ઍરપોર્ટ પર વજન વધી જાય. ઍક્સ્ટ્રા પૈસા ચૂકવવા ન પડે એ માટે જાત-જાતના અખતરા કરીએ. ટી-શર્ટની ઉપર જૅકેટ પહેરી લઈએ, હૅન્ડબૅગમાં બ્યુટી પ્રોડક્ટ્સ ઠાંસીને ભરીએ. શૉર્ટ ટ્રિપમાં સ્નેહા આવી નથી શકતી એવું બને ખરું, પણ એનાથી બૉન્ડિંગ ઓછું થતું નથી.’ 
ઑક્સિજન ગ્રુપની તમામ લેડીઝ હોમમેકર્સ હોવાની સાથે નાનો-મોટો બિઝનેસ પણ કરે છે. સંતાનોની પારિવારિક જવાબદારીઓ ઓછી થઈ જતાં સમયાંતરે અલીબાગ, લોનાવલા જેવાં મુંબઈની નજીકનાં સ્થળોએ ફરવા નીકળી પડે છે. ૨૦૧૭ શરૂ કરેલા પ્રવાસનો સિલસિલો ચાલુ રાખી જિંદગીને ભરપૂર માણવાનું તેમણે એકબીજાને પ્રૉ​મિસ કર્યું છે.



એકલાં લોનાવલા સુધી નહોતી ગયેલી એ બહેનપણીઓ એકલી દુબઈ ફરી આવી પછી તો હિંમત ખૂલી ગઈ.


બહેનપણીઓ બની ઑક્સિજન

ફ્રેન્ડશિપ ડેવલપ થઈ એની કહાણી પણ ઇન્ટરેસ્ટિંગ છે એવી વાત કરતાં ભક્તિ કહે છે, ‘અમને નજીક લાવવાનું શ્રેય સંતાનોને જાય છે. ત્રેવીસ વર્ષ પહેલાં અમારાં સંતાનો સેમ પ્લે ગ્રુપમાં સાથે ભણતાં હતા. એ વખતે વાતચીત થતી. થોડા જ સમયમાં એકબીજાનો સંગાથ ગમવા લાગ્યો. ટ્યુશન અને એક્સ્ટ્રા કરિક્યુલર ક્લાસિસ એકાદ કલાકના જ હોય. ઘરેથી આવ-જા કરવામાં સમય પૂરો થઈ જાય તેથી બાળકો છૂટે ત્યાં સુધી બહાર બેસીને વાતો કરતાં. એ સમયે સંયુક્ત કુટુંબની જવાબદારીમાંથી માંડ છૂટ્યા એવી ફીલિંગ થતી. મજાકમાં કહેતાં કે હાશ, ઑક્સિજન મળ્યો. વૉટ્સઍપ આવ્યું પછી અમારા ગ્રુપનું ઑફિશિયલ નામ ઑક્સિજન રાખી લીધું. સ્ટડીના કારણે બાળકો જુદી જુદી દિશામાં ફંટાઈ ગયાં, પણ અમારી ફ્રેન્ડશિપ વધુ મજબૂત બની. વાર-તહેવારે, પ્રસંગે મળવાનું ચાલુ રાખ્યું. ફૅમિલી સાથે ડિનર પર જતાં. વાતોનું મન થાય ત્યારે ઘરે પૉટ પાર્ટી કરીએ. દુબઈની ટ્રિપ પહેલાં હસબન્ડ વિના કાંદિવલીની બહારનો પ્રોગ્રામ ક્યારેય બનાવ્યો નહોતો.’


Whatsapp-channel Whatsapp-channel

02 August, 2022 01:37 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK