Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > અસાધારણ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટેની પહેલી શરત એ છે કે તમારો વ્યવહાર સાધારણ હોય

અસાધારણ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટેની પહેલી શરત એ છે કે તમારો વ્યવહાર સાધારણ હોય

13 August, 2022 12:07 PM IST | Mumbai
Rajani Mehta | rajnimehta45@gmail.com

અસાધારણ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટેની પહેલી શરત એ છે કે તમારો વ્યવહાર સાધારણ હોય. એક ઉત્તમ કલાકાર કેવળ તેણે સર કરેલી ઊંચાઈઓ માટે જ  નહીં, તેના સરળ સ્વભાવ અને વર્તનને કારણે યાદ રહી જાય  છે. 

રાજ કપૂરને જન્મદિવસની વધાઈ આપતાં પૃથ્વીરાજ કપૂર અને કૃષ્ણા કપૂર.  વો જબ યાદ આએ

રાજ કપૂરને જન્મદિવસની વધાઈ આપતાં પૃથ્વીરાજ કપૂર અને કૃષ્ણા કપૂર. 


To be successful, Express yourself like common people but think like a wise one.
— Aristotle
સફળ થવા માટે તમારી વિચારસરણી ઉચ્ચ કક્ષાની હોવી જોઈએ પરંતુ તમારાં વાણી-વર્તન સામાન્ય વ્યક્તિ જેવાં સહજ હોવાં જોઈએ. અસાધારણ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટેની પહેલી શરત એ છે કે તમારો વ્યવહાર સાધારણ હોય. એક ઉત્તમ કલાકાર કેવળ તેણે સર કરેલી ઊંચાઈઓ માટે જ  નહીં, તેના સરળ સ્વભાવ અને વર્તનને કારણે યાદ રહી જાય  છે. 
ક્યાંક વાંચ્યું હતું કે ‘Greatness is nothing but unusual quantity of usual quality. તમારામાં ‘કૉમન મૅન’ સાથે સહજ થવાની આવડત હાથવગી હોય તો પછી સફળતા તમારાથી દૂર નહીં હોય. અબ્રાહમ લિંકન કહેતા, ‘ઈશ્વર ચોક્કસ ‘કૉમન મૅન’ને ચાહતો હોવો જઈએ. એ વિના આટલી મોટી સંખ્યામાં એનું સર્જન ન કરે.’     
રાજ કપૂરમાં સહજ થવાની કળા હાથવગી હતી. તેમની  સર્જનયાત્રાનાં લેખાંજોખાંને  થોડા સમય  માટે વિરામ આપીને આજે તેમના વ્યક્તિત્વના બહુ ઓછા જાણીતા પાસાની વાતો શૅર કરવી છે. એક મહાન કલાકાર અને વિખ્યાત ‘શોમૅન’નો નકાબ ઉતારીને રાજ કપૂર સામાન્ય વ્યક્તિની જેમ કેવી રીતે 
જીવતા, તેમની રહેણીકરણી અને આદતો કેવી હતી, રોજબરોજની જિંદગીમાં સામાન્ય વ્યક્તિઓ પ્રત્યેનો તેમનો વ્યવહાર કેવો હતો; આ તમામ વાતો એટલી જ મજેદાર છે.
રાજ કપૂર માટે ફિલ્મ બનાવવી એ કેવળ વ્યવસાય નહોતો, જીવનની મકસદ હતી. જીવન એમના માટે એક એવો ઉત્સવ હતો જેની એક-એક ક્ષણને એ મન ભરીને માણી લેવાના મતના હતા. તે હંમેશાં ‘રૉયલ સ્ટાઇલ’થી જીવન જીવતા. ફિલ્મમેકર તરીકે તેમણે ઇન્ડસ્ટ્રીમાં એવું સ્થાન પ્રાપ્ત કર્યું હતું કે તેમના ચાહકો ‍માટે આર. કે. સ્ટુડિયો એક તીર્થધામ હતો. વિદેશથી આવતા ફિલ્મ અને કલ્ચરલ ડેલિગેશન અચૂક આર. કે. સ્ટુડિયોની મુલાકાત લેતા એટલું જ નહીં, વિદેશથી  આવતા રાજકીય મહેમાનો માટે ભારતીય સરકાર આર. કે. સ્ટુડિયોની મુલાકાત ભૂલ્યા વિના નક્કી કરતી. આર. કે. સ્ટુડિયો એના કામદારોના સ્ટુડિયો તરીકે ઓળખાતો. રાજ કપૂરનો જન્મદિવસ (૧૪ ડિસેમ્બર’ હંમેશાં ‘વર્કર્સ ડે’ તરીકે ઊજવાતો. 
એ દિવસે પાપાજી પોતાના હસ્તે કામદારોને અને સ્ટાફના સભ્યોને બોનસ આપતા. પૂરો દિવસ સ્ટુડિયોમાં હસીખુશીનો માહોલ રહેતો. રમતગમતની હરીફાઈઓ થતી. વિજેતાઓને મોંઘી  ઘડિયાળ, ટ્રાન્ઝિસ્ટર રેડિયો અને બાઇસિકલ ભેટ અપાતી. કામદારો અને ઑફિસ સ્ટાફ પોતાના પૂરા પરિવાર સાથે આ પ્રસંગે હાજર રહેતો. સાંજે સ્ટુડિયોની નજીક રાજ કપૂરના બંગલાની  વિશાળ લૉન પર મોટી ડિનર પાર્ટીનું આયોજન થતું, જેમાં ઇન્ડસ્ટ્રીના કલાકારો હાજર રહેતા. 
જ્યારે પણ નવી ફિલ્મનું મુરત કરવાનું હોય ત્યારે આ દિવસ પસંદ કરવામાં આવતો. ફિલ્મનો પહેલો ‘શૉટ’ પૂજા કરતા પાપાજી પર લેવામાં આવતો. પરંપરાઓનું પૂરતું જતન કરવું એ રાજ કપૂરની ‘શોમૅનશિપ’નું મહત્ત્વનું પાસું હતું. ધુળેટીના દિવસે અબીલ ગુલાલ અને પિચકારીઓ સાથે રંગીન પાણી ભરેલા કુંડમાં મહેમાનોને ડૂબકી મરાવવી એ આર. કે.ની પરંપરા આજ સુધી કોઈ ભૂલ્યું નથી. એ દિવસે સમગ્ર ઇન્ડસ્ટ્રી મન  મૂકીને, નાચતા-ગાતા ખાતા-પીતા કુંડમાં ડૂબકી મારવાનું સૌભાગ્ય પોતાને મળે એની રાહ જોતી. ત્યારે આર. કે. સ્ટુડિયો એક ઓપન હાઉસ બની જતું. અનેક વણનોતર્યા મહેમાનો પણ આ જલસાની રંગત માણવા સ્ટુડિયો પહોંચી જતા. 
મોટા હોય કે નાના, સ્ટુડિયોમાં કામ કરતી દરેક વ્યક્તિનો તે ખાસ ખ્યાલ રાખતા. એ સૌ તેમના અસ્તિતત્વનો હિસ્સો ‍બની ગયા હતા. રાજ કપૂરના કામ અને જીવન સાથે એ લોકો એવા સંકળાઈ ગયા હતા કે તેમના વિના રાજ કપૂર પોતાને પાંગળા અનુભવતા. જૉન (પર્સનલ કુક), રેવતી (કામવાળી બાઈ), ગોપાલ (ડ્રાઇવર), દ્વારકા (નોકર) (જેણે ‘આગ’ના શૂટિંગ દરમ્યાન પોતાના ખિસ્સામાંથી યુનિટના માણસોને ચાપાણી-નાસ્તો કરાવ્યા હતા) આ દરેકને રાજ કપૂરે પરિવારના સભ્ય ગણીને અંતિમ દિવસ સુધી મદદ કરી. 
રાજ કપૂરને મોડી રાત સુધી જાગતા રહેવાની આદત હતી. તેમની સવાર બપોરે ૧-૨ વા્યે પડતી. મસ્તીથી એક કલાક મસાજ કરાવી, નાહીધોઈને તે ૩ વાગે સ્ટુડિયો પહોંચતા. ‘કૉટેજ’માં જમીન પર પલાંઠી મારીને બેસીને તેમની કામ કરવાની આદત હતી. બિઝનેસ મીટિંગ હોય કે પછી શૂટિંગને લગતી બાબત હોય, તે આ રીતે જ રજવાડી ઠાઠમાં કામ કરતા. 
આર. કે. સ્ટુડિયોનું ‘કૉટેજ’ તેમના જીવનનો એક મહત્ત્વનો હિસ્સો હતું. તેમની મોટા ભાગની સર્જનાત્મક પ્રવૃત્તિઓ અહીં થતી. દીવાલ પર પૃથ્વીરાજ કપૂરના જુવાનીના દિવસોનો મોટો ફોટો લગાડેલો હતો. એ ઉપરાંત નર્ગિસ, પદ્મિની અને વૈજયંતીમાલાના ફોટોઝ પણ દીવાલો પર લટકતા હતા. સ્ટુડિયોની દીવાલો પર આ જ કલાકારોના આર્ટ ડિરેક્ટર એમ. આર. આચરેકર દ્વારા પેઇન્ટ કરેલા સુંદર પોર્ટ્રેટ લગાડવામાં આવ્યાં હતાં. 
રાજ કપૂરના ભવ્ય ભૂતકાળનો  ચિતાર આપતી આ કલાકૃતિઓ તેમની અંગત વિરાસતનો  હિસ્સો હતી. તેમની એક ખાસિયત હતી. જ્યાં સુધી ચહેરા પર ‘મેકઅપ’ હોય ત્યાં સુધી તે શરાબને હાથ ન લગાડે. તેમની પાસે એક ફ્રેન્ચ પરફ્યુમ હતું ‘Je Ravines’, જેનો અર્થ થાય ‘હું પાછો આવીશ’. દિવસનું કામ પતાવીને, નાહીધોઈને ફ્રેશ થઈને રાજ કપૂર ‘કૉટેજ’માં આવતા ત્યારે પહેલું કામ ધૂપસળી પેટાવીને ઈશ્વરની પ્રાર્થના કરવાનું કરતા. એક દીવાલ પર દેવી-દેવતાઓના  ફોટોઝ અને શેલ્ફ પરની મૂર્તિઓ વાતાવરણને પવિત્ર બનાવી દેતી. પલંગ પર સૂવાની તેમને  આદત નહોતી. જીવનભર તેઓ ‘કૉટેજ’માં ગાદલા પર સૂતા. એક ઇન્ટરવ્યુમાં 
તેમણે કહ્યું હતું, ‘ન્યુ યૉર્કની વૈભવી હોટેલમાં પણ પલંગ પરથી ગાદલું જમીન પર મૂકીને હું સૂતો ત્યાર પછી જ મને ઊંઘ આવી.’
એક વિરોધાભાસ સમજાતો નથી. રાજ કપૂરની રાતની શરૂઆત ત્યારે થતી 
જ્યારે વહેલી સવારે દૂધવાળો, છાપાવાળો અને બસ-ડ્રાઇવરો પોતાની સવારની શરૂઆત કરતા. આ એ જ સામાન્ય લોકો હતા જેમની ઉપર સીધાસાદા રાજ 
કપૂરની ‘કૉમન મૅન ઇમેજ’ની સૌથી વધારે અસર હતી. 
બપોરે બે વાગે શરૂ થતો રાજ કપૂરનો દિવસ ૨૪ કલાક સુધી સીમિત નહોતો. ઘણી વાર એવું બનતું કે શૂટિંગ, રેકૉર્ડિંગ અને એડિટિંગ કરતાં એ દિવસ ૩૬ કલાક સુધી લંબાઈ જતો. કામ કરતી વખતે તેમનામાં ગજબની એનર્જી આવી જતી. ત્યારે ‘કંટાળો’ કે ‘થાક’ નામના શબ્દો તેમના શબ્દકોશમાંથી ગાયબ થઈ જતા. તેમના ‘પૅશન’ની બરોબરી કરવી કોઈના પણ માટે મુશ્કેલ કામ હતું. તેમના માટે કોઈ દિવસ સામાન્ય નહોતો. તે માનતા કે દરેક દિવસ જીવનનો અંતિમ દિવસ છે, એને મન ભરીને માણવો જોઈએ.   
આર. કે. સ્ટુડિયોમાં મુલાકાતીઓની વણઝાર રહેતી. એમાં સામાન્ય માણસો પણ હોય અને અગત્યના કામે આવતા ઇન્ડસ્ટ્રીના માણસો પણ હોય. દરેક માટે ‘કૉટેજ’ના દરવાજા ખુલ્લા રહેતા. રાજ કપૂર સૌને એકસરખો આવકાર આપતા. વિશ્વ વિખ્યાત મ્યુઝિક કન્ડક્ટર ઝુબિન મહેતા કપૂરપરિવારના મિત્ર હતા. જ્યારે તે મુંબઈ આવતા ત્યારે પત્ની સાથે અચૂક કપૂરપરિવારને મળવા આવતા. એ દિવસે રાજ કપૂર પોતાની દરેક અપૉઇન્ટમેન્ટ કૅન્સલ કરીને તેમની સાથે પોતાના બંગલે નિરાંતે સમય ગાળતા. 
ખાનપાનના શોખીન રાજ કપૂર મહેમાનગતિ માટે જાણીતા હતા. તેમના દિલદાર સ્વભાવની વાત કરતાં અભિનેતા સંજય ખાન એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘અમે મૉસ્કો ફિલ્મ ફેસ્ટિવલમાં ગયા હતા. રાજ કપૂર અમારા લીડર હતા. એક રેસ્ટોરન્ટમાં અમે સૌ ડિનર લેતા હતા. મેં જોયું કે રાજ સાબ ખિસ્સાં ખંખોળતા હતા. હું વિચારમાં પડ્યો. અહીં તો જાહેરમાં શરાબ માટે કોઈ પાબંદી નથી તો પછી તેઓ શું શોધી રહ્યા છે? થોડી જ ક્ષણમાં રહસ્ય ખૂલ્યું. છાનામાના તેમણે અંદરના કોટના  ખિસ્સામાંથી ટબૅસ્કો ચિલી સૉસની બૉટલ કાઢી અને પોતાની ડિશમાં ઉપરથી ભભરાવીને એ બૉટલ ડબ્બુને આપી. ડબ્બુએ પણ એમ જ કર્યું. તેણે જોયું કે હું આ જોઈ રહ્યો હતો એટલે એ બૉટલ મને આપી. 
રાજસા’બ અને ડબ્બુ અમારાથી વહેલા નીકળીને લંડન ગયા. તેમના ગયા પછી આપણી  એમ્બેસીના એક માણસે (જે અમારી સારસંભાળ રાખતો હતો) મારા હાથમાં એક નાનું પૅકેટ આપતાં કહ્યું, ‘રાજસા’બે તમને આપવાનું કહ્યું છે.’ મેં પૅકેટ ખોલીને જોયું તો ચિલી સૉસની અડધી ખાલી બૉટલ સાથે એક ચિઠ્ઠીમાં લખ્યું હતું, ‘મારા કરતાં તને આની વધારે જરૂર છે.’ રાજસા’બના હાથે લખાયેલી એ ચિઠ્ઠી અને બૉટલ મારા જીવનનું યાદગાર સંભારણું છે.’


Whatsapp-channel Whatsapp-channel

13 August, 2022 12:07 PM IST | Mumbai | Rajani Mehta

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK