Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જનતાના જસ્ટિસની વિદાય : કથની અને કરણી

જનતાના જસ્ટિસની વિદાય : કથની અને કરણી

28 August, 2022 01:17 PM IST | Mumbai
Raj Goswami

૧૬ મહિનાના કાર્યકાળમાં કાનૂનના રાજ અને બંધારણની રક્ષા કરવા માટે શું કરવું જોઈએ એ માટે જસ્ટિસ રમણે ૨૯ ભાષણો આપ્યાં હતાં, પરંતુ તેમના નાક નીચે રાષ્ટ્ર માટે મહત્ત્વના છ કેસોમાં કોઈ જ પ્રગતિ થઈ નહોતી અને ૫૩ કેસો અગાઉના મુખ્ય ન્યાયમૂર્તિઓની માફક જ પડતર રા

જનતાના જસ્ટિસની વિદાય : કથની અને કરણી ક્રૉસ લાઈન

જનતાના જસ્ટિસની વિદાય : કથની અને કરણી


૧૬ મહિનાના કાર્યકાળમાં કાનૂનના રાજ અને બંધારણની રક્ષા કરવા માટે શું કરવું જોઈએ એ માટે જસ્ટિસ રમણે ૨૯ ભાષણો આપ્યાં હતાં, પરંતુ તેમના નાક નીચે રાષ્ટ્ર માટે મહત્ત્વના છ કેસોમાં કોઈ જ પ્રગતિ થઈ નહોતી અને ૫૩ કેસો અગાઉના મુખ્ય ન્યાયમૂર્તિઓની માફક જ પડતર રાખવામાં આવ્યા હતા.

ભારતના ૪૮મા મુખ્ય ન્યાયમૂર્તિ નૂતલપાટિ વેંકટરમણ ૨૬મી તારીખે નિવૃત્ત થયા છે. તેમની વિદાયના બે દિવસ પહેલાં, રાજકીય પક્ષો દ્વારા મફત સેવા-સુવિધાઓ આપવા સંબંધી મામલાની સુનાવણી કરતી વખતે તેમણે એક ટિપ્પણી કરી હતી કે એક વ્યક્તિ જે સેવાનિવૃત્ત થઈ ગઈ છે અથવા સેવાનિવૃત્ત થઈ રહી હોય, તેનું દેશમાં કોઈ મૂલ્ય નથી. આમ તો ટિપ્પણીનો સંદર્ભ સુનાવણી વેળા એક વકીલે આ મામલામાં નિવૃત્ત જસ્ટિસ આર. એમ. લોઢા જેવી સમિતિની રચના કરવાનું સૂચન કર્યું એ હતું, પરંતુ પોતાની જ નિવૃત્તિના બે દિવસ પહેલાં તે આવું 
બોલ્યા એ સૂચક છે. ખાસ તો એટલા માટે કે દેશની લોકતાંત્રિક વ્યવસ્થાને પ્રભાવિત કરે એવા અનેક નિર્ણાયક મામલાઓ તેમના કાર્યકાળ દરમ્યાન સુપ્રીમ કોર્ટ સમક્ષ 
આવ્યા હતા.



સેવાનિવૃત્તિ પછી જસ્ટિસ રમણનું પોતાનું મૂલ્ય થાય છે કે નહીં એ તો ખબર નથી, પરંતુ તેમના કાર્યકાળનું મૂલ્યાંકન જરૂરથી થવાનું છે. પોતાના જીવનનો ચાર દાયકા જેટલો સમય ન્યાયતંત્રને આપનારા જસ્ટિસ રમણે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ તરીકે ઘણા મહત્ત્વના ચુકાદાઓ આપ્યા છે, પરંતુ તેમની કથની અને કરણીમાં બહુ અંતર રહ્યું છે અને એટલા માટે તેમને યાદ રાખવામાં આવશે. 


દેશની ન્યાયવ્યવસ્થાની નિષ્ફળતાઓ અને અધૂરપો પર ગહન અને અભ્યાસપૂર્ણ લેખો માટે જાણીતા ઑનલાઇન સામયિક ‘આર્ટિકલ-૧૪’નું એક વિશ્લેષણ કહે છે કે ૧૬ મહિનાના તેમના કાર્યકાળમાં, કાનૂનના રાજ અને બંધારણની રક્ષા કરવા માટે શું કરવું જોઈએ એ માટે જસ્ટિસ રમણે 29 ભાષણો આપ્યાં હતાં, પરંતુ તેમના નાક નીચે રાષ્ટ્ર માટે મહત્ત્વના છ કેસોમાં કોઈ જ પ્રગતિ થઈ નહોતી, અને જેની બંધારણીય બેન્ચ સમક્ષ વ્યાપક સમીક્ષા કરવાની અવશ્યકતા હતી એવા ૫૩ કેસો, અગાઉના મુખ્ય ન્યાયમૂર્તિઓની માફક જ, પડતર રાખવામાં આવ્યા હતા. સૌરવ દાસ નામના આ વિશ્લેષણના લેખકે અલગ-અલગ અરજીકર્તાઓ સાથે વાત કરીને તેમના કેસો અને જસ્ટિસ રમણના કામકાજને લઈને તેમના મત જાણવાની કોશિશ કરી હતી. ‘નિરાશા અને હતાશા’ એવા બે ભાવ આ વાતચીતમાં બહાર આવ્યા હતા. 

‘વૈધાનિક અને શાસકીય કાર્યવાહીની ન્યાયિક સમીક્ષા કરવી એ બંધારણીય યોજનાનો અવિભાજ્ય હિસ્સો છે. હું તો ત્યાં સુધી કહીશ કે એ તો ભારતીય બંધારણનો આત્મા છે. મારા નમ્ર મતે, ન્યાયિક સમીક્ષાના અભાવમાં, બંધારણમાં લોકોનો વિશ્વાસ ઓછો થયો છે,’ એવું જસ્ટિસ રમણે એક ભાષણમાં કહ્યું હતું. તેમ છતાં, તેમણે ૫૩ કેસોમાં ન્યાયિક સમીક્ષા કરવાનું મુનાસિબ માન્યું નહોતું. સૌરવ દાસે તેમાંથી છ મહત્ત્વના કેસ અલગ તારવ્યા છે:


- જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ની નાબૂદી (૧,૧૧૫ દિવસથી પેન્ડિંગ)
- ચૂંટણી બૉન્ડમાં પારદર્શિતાનો અભાવ અને સંદેહાસ્પદ રાજકીય ફંડિંગ (૧,૮૧૬ દિવસથી પેન્ડિંગ)
- સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં મુસ્લિમ વિદ્યાર્થીઓના હિજાબ પહેરવા પર કર્ણાટક સરકારનો પ્રતિબંધ (૧૫૯ દિવસથી પેન્ડિંગ)
- જાતિ નહીં, પણ માત્ર આર્થિક માપદંડના આધારે આરક્ષણની કેન્દ્ર સરકારની નીતિ (૧,૩૨૩ દિવસથી પેન્ડિંગ)
- વિરોધને દાબી દેવા માટે જેનો ઉપયોગ થાય છે એ અનલૉફુલ ઍક્ટિવિટી પ્રિવેન્શન ઍક્ટ (યુએપીએ) સામેનો કેસ (૧,૧૦૫ દિવસથી પેન્ડિંગ)
- બીજા દેશોના બિનમુસ્લિમોને ઝડપથી નાગરિકત્વ આપવા માટેનો સિટિઝન અમેન્ડમેન્ટ ઍક્ટ-૨૦૧૯ (૯૮૭ દિવસથી પેન્ડિંગ)

મુખ્ય ન્યાયમૂર્તિ સુપ્રીમ કોર્ટમાં ‘માસ્ટર ઑફ રોસ્ટર’ કહેવાય છે અને બેન્ચોની રચના કરવાની, તેમણે કયા કેસોની સુનાવણી કરવી અને ચોક્કસ કેસો ચોક્કસ બેન્ચોને આપવાની સત્તા તેમની હોય છે અને કેસો સુનાવણી માટે લિસ્ટિંગમાં હોય એના માટે પણ તેમની જવાબદારી બને છે. 

મહારાષ્ટ્રમાં શિવસેનાનું જે રીતે ધોળા દિવસે અપહરણ થયું અને એનાં બે (નકલી) ફાડિયાં થઈ ગયાં, એ પછી ઉદ્ધવ ઠાકરેનું જૂથ ન્યાય માગવા માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યું, ત્યારે આ કેસ એટલો સીધો ને સટ હતો કે એક જ સુનાવણીમાં એનો ફેંસલો આવી જાય એમ હતો, છતાં જસ્ટિસ રમણે એને પાંચ જજોની બંધારણીય બેન્ચને સુપરત કરવા નિર્ણય કર્યો છે. એ બેન્ચની રચના ક્યારે થશે અને ક્યારે એની સુનાવણી થશે એ તો કોઈને ખબર નથી. 

ઉપરના દાખલા, તેમની ‘જનતાના જસ્ટિસ’ તરીકેની છાપથી વિરુદ્ધ જાય છે. જાહેર સમારોહોમાંથી જસ્ટિસ રમણે જનહિતમાં ન્યાય તોળવાની કાયમ તરફદારી કરી હતી, પણ જેવા તે સુપ્રીમ કોર્ટના રૂમમાં આવતા હતા કે તેઓ વિવાદાસ્પદ મુદ્દાઓ અડવામાં સાવધાની રાખતા હતા, જેમ કે અંગ્રેજોએ તેમની સત્તા બચાવી રાખવા માટે ઘડેલા રાજદ્રોહના કાનૂનનો દેશમાં જે બેફામ ઉપયોગ થાય છે એને ઠેકાણે પાડવાનો અવસર આવ્યો, ત્યારે તેઓ કોઈ નક્કર પગલું ભરવાને બદલે ‘ચિંતા’ વ્યક્ત કરીને અટકી ગયા હતા. એ વખતે પણ તેમના શબ્દો તો રૂપાળા હતા :
‘આઝાદીનાં ૭૫ વર્ષ પછી પણ આ કાનૂનની જરૂર છે?’ જસ્ટિસ રમણે ધારદાર સવાલ પૂછ્યો હતો, પણ પછી તરત જ એની ધાર બુઠ્ઠી પણ કરી નાખી હતી, ‘અમારી ચિંતા કાનૂનના ગેરઉપયોગને લઈને અને વહીવટદારોની જવાબદારીનો અભાવ છે.’ તેમને આ કાનૂનની જરૂરિયાતને લઈને નિશ્ચિતપણે શંકા હશે, પણ એના માટે કશું કર્યું નહીં અને ખાલી ‘ચિંતા’ જ વ્યક્ત કરી હતી.

બની શકે કે તેમનો આત્મા સાચે જ ડંખતો હશે, પણ તેમને એક કાનૂની શિસ્તમાં રહીને વર્તવાની મજબૂરી હશે. બની શકે કે તો મુખ્ય ન્યાયમૂર્તિનો ઝબ્ભો ઉતારી દેશે પછી, જેમાં તે માહેર છે એમ, સાર્વજનિક મંચ પરથી આત્માની વાતો કરશે પણ ખરા, પરંતુ દેશની જનતાને એ વાતનો અફસોસ રહેશે કે તેઓ (એક વારના ધુઆંધાર મુખ્ય ચૂંટણી કમિશનર ટી. એન. શેષનની જેમ) સાહસિક ન બની શક્યા. 

થોડા દિવસ પહેલાં જ, કોર્ટની રજિસ્ટ્રીએ એક વિષયને કાઢી નાખ્યો, એ મુદ્દો વરિષ્ઠ ઍડવોકેટ દુષ્યંત દવેએ રજૂ કર્યો, ત્યારે જસ્ટિસ રમણે કહ્યું હતું, ‘એવા ઘણા બધા મુદ્દાઓ છે જેને લઈને ચિંતા છે, પણ હોદ્દો છોડતાં પહેલાં મારે કશું કહેવું નથી, પણ હું મારા વિદાય સમારોહમાં બોલીશ. તમે ત્યાં સુધી રાહ જુઓ.’

જસ્ટિસ રમણ તેમની સામેની ટીકાઓ પ્રત્યે સભાન હોવા જોઈએ, અને એટલે જ તેમણે તેમના કામના છેલ્લા દિવસે, એકસાથે પાંચ વિવાદાસ્પદ કેસોની સુનાવણી કરી નાખી હતી. એમાંય જોકે કોઈ નક્કર પ્રગતિ ન થઈ અને અમુક નિર્દેશો સાથે દિવસ પૂરો થયો.

- બિલ્કિસબાનો કેસમાં કોર્ટે ગુજરાત સરકારને નોટિસ જારી કરી અને ૧૧ આરોપીઓને પણ પાર્ટી બનાવ્યા
- પેગાસસ જાસૂસી કેસમાં સુપ્રીમ કોર્ટની ત્રણ સભ્યોની સમિતિએ કહ્યું કે એણે તપાસેલા ૨૯ મોબાઇલ ફોનમાંથી માત્ર પાંચમાં જ સ્પાયવેર મળ્યું હતું, જોકે એણે એ ખુલાસો ન કર્યો કે એ સ્પાયવેર પેગાસસનું હતું કે નહીં. બેન્ચે નોંધ્યું કે કેન્દ્ર સરકારે આ તપાસમાં સહકાર નથી આપ્યો.
- પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ (પીએમએલએ)ના અગાઉના સુપ્રીમ કોર્ટના ફેંસલાની રિવ્યુ પિટિશન પર ઓપન કોર્ટમાં સુનાવણી થઈ. કોર્ટે કહ્યું કે ફેંસલાનો હેતુ ઉદાર છે પણ એની અમુક બાબતો પર સમીક્ષા જરૂરી છે. કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી છે. 
- પીએમ મોદીના સુરક્ષાકવચમાં પંજાબમાં ચૂક થઈ હતી એ કેસમાં બેન્ચે કહ્યું કે એમાં પંજાબના પોલીસ-અધિકારી ફરજ નિભાવવામાં નિષ્ફળ નીવડ્યા છે અને સુરક્ષા મજબૂત કરવાના ઉપાયો સૂચવ્યા.
- ગોધરા તોફાનોના કેસમાં  ધરપકડ કરાયેલી સામાજિક કાર્યકર તીસ્તા સેતલવાડના કેસમાં જામીન અરજી પર કેન્દ્ર સરકારે જવાબ આપવા સમય માગ્યો એટલે હવે એની સુનાવણી ૩૦ ઑગસ્ટે થશે.

જસ્ટિસ રમણ તેમના કાર્યકાળને કેવી રીતે જુએ છે એ તેમની નિવૃત્તિ પછીની વાતોમાં જાણવાનું રસપ્રદ રહેશે, પણ તેઓ સુપ્રીમ કોર્ટને વધુ જનતાલક્ષી બનાવીને છોડી રહ્યા છે કે કેમ એ ચર્ચાનો મુદ્દો છે. તેમની વાત પરથી એવું લાગે છે કે તેમને સમય ઓછો પડ્યો છે. એપ્રિલ મહિનામાં એક વેબિનારમાં તેમણે સંકેત આપતાં કહ્યું હતું;

‘નિવૃત્ત થવા માટે ૬૫ વર્ષ વહેલાં કહેવાય. મારામાં ઘણી સારી ઊર્જા બચી છે. હું ખેડૂતનો દીકરો છું. ખેડવા માટે જમીન છે. હું આમ તો લોકોનો માણસ છું. મને લોકો વચ્ચે રહેવાનું ગમે છે. હું આશા રાખું છું કે લોકોના હિતમાં મારી ઊર્જા વાપરી શકવાનો મને ઉચિત અવસર મળે.’

મુખ્ય ન્યાયમૂર્તિ સુપ્રીમ કોર્ટમાં ‘માસ્ટર ઑફ રોસ્ટર’ કહેવાય છે અને બેન્ચોની રચના કરવાની, તેમણે કયા કેસોની સુનાવણી કરવી અને ચોક્કસ કેસો ચોક્કસ બેન્ચોને આપવાની સત્તા તેમની હોય છે અને કેસો સુનાવણી માટે લિસ્ટિંગમાં હોય એના માટે પણ તેમની જવાબદારી બને છે.

જસ્ટિસ રમણ તેમની સામેની ટીકાઓ પ્રત્યે સભાન હોવા જોઈએ અને એટલે જ તેમણે તેમના કામના છેલ્લા દિવસે એકસાથે પાંચ વિવાદાસ્પદ કેસોની સુનાવણી કરી નાખી હતી. એમાંય જોકે કોઈ નક્કર પ્રગતિ ન થઈ અને અમુક નિર્દેશો સાથે જ દિવસ પૂરો થયો.

લાસ્ટ લાઇન
‘મને જો લાગશે કે બંધારણનો ગેરઉપયોગ કરવામાં આવે છે, તો સૌથી પહેલાં તો હું જ એને સળગાવી દઈશ.’
ડો. ભીમરાવ આંબેડકર

Whatsapp-channel Whatsapp-channel

28 August, 2022 01:17 PM IST | Mumbai | Raj Goswami

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK