° °

આજનું ઇ-પેપર
Monday, 29 November, 2021


‘મી ટાઇમ’ માટે ‘મી વેકેશન’

28 October, 2021 07:18 PM IST | Mumbai | Bhavini Lodaya

ફિટનેસ માટે ઝુમ્બા ડાન્સ જૉઇન કરતાં મળેલા આત્મવિશ્વાસે ટ્રેકિંગનો એવો શોખ જન્માવ્યો કે મુલુંડમાં રહેતાં ૪૧ વર્ષનાં ફાલ્ગુની છેડાએ કપરા કહેવાય એવા લેહના કંગ યસ્તે ટૂ અને એવરેસ્ટ બેઝ કૅમ્પ સુધીની સફર ખેડી નાખી

‘મી ટાઇમ’ માટે ‘મી વેકેશન’

‘મી ટાઇમ’ માટે ‘મી વેકેશન’

કમ્ફર્ટ ઝોનમાં જ સુખ છે એવી માન્યતા સામાન્ય રીતે લોકોના મનમાં હોય છે જેને લીધે થોડું પણ વધારે ચાલવું પડે અને ક્યાંક જવું પડે તો થાકીને લોથપોથ થઈ જાઈએ છીએ. રૂટીન લાઇફથી ટેવાયેલા આપણે રૂટીનમાંથી બહાર નીકળીને સાહસ કરતાં ગભરાતા હોઈએ છીએ, પણ જો એ ઘરેડમાંથી બહાર આવીએ તો મસ્ત કુદરતી સુંદરતા માણવા મળે જે તન-મન અને જીવનને તરબતર કરી નાખે. આવું જ માનવું છે મુલુંડમાં રહેતાં ૪૧ વર્ષનાં ફાલ્ગુની છેડાનું. તેમણે છેક જીવનના ૩૫મા વર્ષે પોતાની અંદર રહેલા ટ્રેકરને ઓળખ્યો અને એ શોખને તેમણે પોષવાનું શરૂ કર્યું. બસ, પછી તો છ વર્ષના ગાળામાં તેમણે પોતાની રૂટીન લાઇફમાં પરિવર્તન લાવીને જીવનમાં સાહસનો ઉમેરો એવો કર્યો કે જીવન આખું બદલાઈ ગયું. નહીં-નહીં તો પાંચ-છ મોટા ટ્રેક તેઓ સર કરી આવ્યાં. 
શરૂઆત ફિટનેસથી થઈ
ટિપિકલ ગૃહિણીની જેમ સોશ્યલ મેળાવડાઓમાં હરવું-ફરવું, ફ્રેન્ડ-સર્કલ અને ફૅમિલી સાથે અવારનવાર હોટેલમાં જઈને સેલ્ફી ક્લિક કરીને ખુશ થવું એ તેમનું રૂટીન હતું. જોકે વળાંક આવ્યો તેમની અંગત ફિટનેસમાં વધારો થયો ત્યારથી. જીવનના ૩૫મા વર્ષે અચાનક ટ્રેકિંગનો શોખ કઈ રીતે જાગ્યો એ વિશે વાત કરતાં ફાલ્ગુનીબહેન કહે છે, ‘છ વર્ષના મારા દીકરાને ડાન્સ-ક્લાસમાં લઈ જતી હતી ત્યારે મને વિચાર આવ્યો કે હું પણ ઝુમ્બા ક્લાસ જૉઇન કરું. ફિઝિકલ ફિટનેસ માટે હું કંઈ કરતી નહોતી એટલે ડાન્સના બહાને થોડું વર્કઆઉટ પણ થઈ જશે એવા વિચાર સાથે મેં ઝુમ્બા ક્લાસ જૉઇન કર્યા અને ફિટનેસ સુધરતાં મને ખરેખર મજા આવવા લાગી. કહેવાય છેને કે તનમન સ્વસ્થ હોય તો સાહસ આપમેળે જન્મે. એ જ દરમ્યાન મેં ઑનલાઇન ચંદર ટ્રેકના ટ્રેકિંગની ઍડ જોઈ. આ પહેલાં હું કદી ટ્રેક પર ગઈ નહોતી એટલે કુતૂહલ ખાતર મને થયું કે હું ટ્રેકિંગ કરવા જાઉં. ઘરમાં વાત કરી તો તેઓ માની પણ ગયા.’ 
...ને શરૂ થયો બૂટ કૅમ્પ
આમ પહેલી વાર ફૅમિલી કે ફ્રેન્ડ્સ વગર તેઓ અજાણ્યા લોકો સાથે નવ દિવસના ટ્રેક પર ગયાં. એ માટે તેમણે તૈયારીઓ પણ સારી કરી. ઉત્સાહી ફાલ્ગુનીબહેન કહે છે, ‘સ્મૂથ ટ્રેકિંગ થઈ શકે એ માટે રોજિંદા વર્કઆઉટમાં વધારો કર્યો. મુલુંડ ટેકરી પર અઠવાડિયામાં બેથી ત્રણ વાર જઈને પ્રૅક્ટિસ કરતી. પાંચ-પાંચ કિલોના વજન સાથેની બૅગ લઈને સો જેટલા દાદરા ચડ-ઊતર કરવાની પ્રૅક્ટિસ કરતી જેનાથી ટ્રેકિંગ વખતે વજન સાથે લઈને જવામાં થાક ન લાગે. જો આપણે ફિટ ન હોઈએ અને થાકી જઈએ તો ટ્રેકિંગની મજા જ ન આવે. આમ તૈયારીઓ સાથે સજ્જ 
થઈને નીકળી પડી બરફની ચાદર બિછાવેલા લેહના આહલાદક મનોહર ચંદર ટ્રેક પર.’ 
કુદરતનો અદ્ભુત નજારો નિહાળતાંની સાથે નજરો ત્યાં જ થંભી ગઈ એમ જણાવીને ફાલ્ગુનીબહેન કહે છે, ‘અદ્ભુત નજારો, બ્યુટી ઑફ માઉન્ટન, કુદરતી વાતાવરણ અને નવા લોકો સાથે મળીને નવું-નવું જાણવાનો મોકો. આ બધી ખુશી માણ્યા પછી ખરેખર એમ લાગ્યું કે જાણે સ્વર્ગ ધરતી પર જ છે. ચંદર ટ્રેક 
એટલે ફ્રોઝન રિવર. જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં નદીનું પાણી થીજી જાય અને બરફ બની જાય એના પર ચાલીને ટ્રેકિંગ કરવાનું. એ ઠંડી ફીલથી ખૂબ મજા આવે. આમ ચાલતાં-ચાલતાં નેરક વૉટરફૉલ સુધી પહોંચ્યા જે મોટો 
વૉટરફૉલ છે અને એ પણ ફ્રીઝ થયેલો 
હતો. એ બ્યુટી જોવા અચૂક જ મળે. 
આ મનોહર દૃશ્ય નિહાળતાં સ્વ સાથે સમય વિતાવવાની પળોને હું મારા મનમાં કેદ કરતી ગઈ. કોઈ જંજાળ નહીં અને કોઈ ઉપાધિ નહીં. બસ, ફક્ત હું અને મારી સાથે હું જ. એ જ સમયે મેં મનમાં નિર્ધાર કર્યો કે હવેથી વર્ષમાં એક વખત તો હું ‘મી ટાઇમ’ માટે આવું ‘મી વેકેશન’ જરૂર માણીશ.’
કપરા ટ્રેકનાં ચડાણો
ટ્રેકિંગનો શોખ વધતો ગયો અને જોગાનુજોગ મળતી ટ્રેકિંગની તકો તેઓ ઉપાડતાં ગયાં. વિશાળ વિશ્વને વધુ ને વધુ જાણવાની અને માણવાની ઇચ્છા વધતી ચાલી અને તેમણે ટ્રેકર્સ માટે ડિફિકલ્ટ કહેવાય એવા લેહના કંગ યસ્તે ટૂ અને નેપાલના એવરેસ્ટ બેઝ કૅમ્પ સુધીનું ખેડાણ કરી લીધું. આ કપરા ટ્રેક માટે ફિટનેસ મેળવવા શું કર્યું એની વાત કરતાં ફાલ્ગુનીબહેન કહે છે, ‘નેપાલ એવરેસ્ટ બેઝ કૅમ્પ ટ્રેક સાથે લબુચે ઈસ્ટ સમિટના ૨૦,૦૦૦ ફુટના ટ્રેક માટે હું ત્રણ વાર માલશેજ ઘાટ પર ગઈ. ચુમારી કરી પાસે રૅપલિંગ કરતાં શીખી. રોપ પકડીને નીચે ઊતરવાનું. આ બધી સ્પેશ્યલ ટ્રેકિંગની ટ્રેઇનિંગ લઈને ગઈ હતી. ૧૫,૦૦૦ ફુટ પર આવેલા કાશ્મીર ગ્રેટ લેકનો ટ્રેક કર્યો. લેહનો કંગ યસ્તે ટૂનો ચૅલેન્જિંગ ગણાતો ટ્રેક પણ મેં પાર કર્યો.’
જસ્ટ પુશ યૉરસેલ્ફ
જીવનભર યાદ રહી જાય એવા એવરેસ્ટ બેઝ કૅમ્પના ટ્રેક વિશે ફાલ્ગુનીબહેન કહે છે, ‘સમિટ પૂરું થવાને માત્ર ૧૫૦ મીટર બાકી હતા અને હું હિંમત હારી ગઈ અને ટ્રેક-લીડરને કહી દીધું કે મારે હવે નથી કરવું. મને નજર સામે પીક દેખાતી હતી, નજર સામે સમિટ દેખાતું હતું તે છતાં મનોબળ નબળું થઈ ગયું હતું કે બસ, હવે તો મારાથી નહીં જ થાય. એ સમયે મારા હસબન્ડે કહેલી વાતો મને યાદ આવી - જસ્ટ પુશ યૉરસેલ્ફ. એ વાક્યની હિંમતથી મેં મનોબળ મક્કમ કર્યું અને મહામુશ્કેલીએ એટલું ચડાણ પૂરું કર્યું. ટોચ પર પહોંચ્યા બાદ જાણે બધી જ મહેનત વસૂલ થઈ ગઈ. ખુશી તો આકાશ આંબવા જેવી લાગી. એ સંતોષની ફીલિંગ્સ જીવનભર મારી સાથે રહેશે.’

મૅરથૉન અને સાઇક્લિંગ પણ

જીવનમાં એક સાહસની એન્ટ્રી થાય એ પછી એમાં નવાં સાહસો ઉમેરાતાં જાય એ સ્વાભાવિક છે. જીવનનો આ ટર્નિંગ પૉઇન્ટ એટલો ગમવા લાગ્યો કે એ પછી તો મૅરથૉન અને સાઇક્લિંગ પણ શરૂ થયું. એ વિશે ફાલ્ગુનીબહેન કહે છે, ‘૧૦ કિલોમીટરની પહેલી રન કર્યા બાદ એવી મજા આવી કે પછી કચ્છી મૅરથૉન, મુંબઈ મૅરથૉન એવી અનેક મૅરથૉનમાં પણ મેં ભાગ લીધો. એ જ સમયે સાઇકલ રાઇડિંગ ગ્રુપમાં જોડાવાની તક મળી અને સાઇક્લિંગ પણ શરૂ કરી દીધું. ભુજથી માતાનો મઢ, મુંબઈથી ચારોટી, મુંબઈ-પુણે-લોનાવલા એમ અનેક સાઇકલ-રાઇડમાં ભાગ લઈને વર્ષમાં બેથી ત્રણ વાર સાઇકલ-ઇવેન્ટમાં ભાગ લઉં છું અને અઠવાડિયામાં ત્રણ દિવસ ૩૦થી ૪૦ કિલોમીટર સાઇકલ ચલાવવાની અને દર રવિવારે ૧૦૦ કિલોમીટર મુલુંડથી નરીમાન પૉઇન્ટ, મુલુંડથી વાશી આમ મારી સાઇકલ દોડતી જાય. સાઇકલ ચલાવતી વખતે પડવાને કારણે હાથની બે સર્જરી પણ થઈ ચૂકી છે, પરંતુ એ પછી પણ મારી સાઇકલ દોડે છે.’

જે ફિટ છે તે જ જીવનભર હિટ છે

ખુશી પામવી છે તો સ્ટ્રગલ કરવી પડશે એમ જણાવીને ફાલ્ગુનીબહેન કહે છે, ‘પોતાને સવાલ કરવો કે એક કલાકનું વર્કઆઉટ કરવું છે કે એક 
કલાક ડૉક્ટર પાસે જઈને લાઇનમાં બેસવું છે? હોટેલમાં જઈને ખાવું છે કે હેલ્ધી રહીને એન્જૉય કરવું છે? મને હંમેશાં લોકોની સાથે જ રહેવું ગમતું એટલે હું ક્યારેય એકલી ગઈ નથી. જોકે સ્વ સાથે માણવા મળેલી પળોએ મને નિજાનંદને માણતાં શીખવાડ્યું છે એટલે મેં હવે નાની-નાની સોલો ટ્રિપ પણ શરૂ કરી છે.’

28 October, 2021 07:18 PM IST | Mumbai | Bhavini Lodaya

અન્ય લેખો

માંગ ભરો સજની

લગ્નવિધિ સાથે જોડાયેલા રીતરિવાજોમાં પરિવર્તનનો જે પવન ફૂંકાયો છે એ બાબતે મૅરિડ, અનમૅરિડ અને એન્ગેજ્ડ પુરુષો સાથે વાત કરી ત્યારે શું જવાબ મળ્યો જોઈ લો

29 November, 2021 04:54 IST | Mumbai | Varsha Chitaliya

ક્લાઇમેટ અને ક્લાઇમૅક્સ:સમય આવી ગયો છે નેચરના રસ્તે ચાલવાનો,કુદરતનો સંગાથ લેવાનો

રિયલિટી એ છે કે આસામમાં આવું જ બન્યું હતું. હાથીની અવરજવરની જગ્યામાં જે ખેતર હતાં એ ખેતરના પાકને નુકસાન થતું હોવાથી લોકોએ હાથીની અવરજવર બંધ કરી દીધી, જેને લીધે બન્યું એવું કે હાથીઓનું ઝુંડ ગામમાં નુકસાન કરવા માંડ્યું.

29 November, 2021 11:25 IST | Mumbai | Manoj Joshi

માઇન્ડને કાબૂમાં રાખવા માટે પણ વર્કઆઉટ બહુ મહત્ત્વનું છે

‘રાધાક્રિષ્ન’, ‘હીરો - ગાયબ મોડ ઑન’થી લઈને અત્યારે એન્ડ ટીવીની સિરિયલ ‘બાલ શિવ’માં જોવા મળતો ક્રિપ સૂરિ વર્કઆઉટ ઉપરાંત દરરોજ પચ્ચીસ કિલોમીટરનું સાઇક્લિંગ કરે છે. ક્રિપ માને છે કે જો માઇન્ડ તમારા કન્ટ્રોલમાં હોય તો તમને ક્યારેય થાક સુધ્ધાં ન લાગે

29 November, 2021 09:19 IST | Mumbai | Rashmin Shah

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK