Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > કૉલમ > રોહિત શર્માએ ક્રિકેટની શરૂઆત કરી હતી સ્પિન બોલર તરીકે, બૅટ્સમૅન તરીકે નહીં

રોહિત શર્માએ ક્રિકેટની શરૂઆત કરી હતી સ્પિન બોલર તરીકે, બૅટ્સમૅન તરીકે નહીં

07 July, 2024 08:50 AM IST | Mumbai
Pravin Solanki | pravin.solanki@mid-day.com

અભી તો ચૌકા મારા હૈ, છક્કા અભી બાકી હૈ; આગાઝ દેખા હૈ આપને, અંજામ અભી બાકી હૈ!

રોહિત શર્મા

માણસ એક રંગ અનેક

રોહિત શર્મા


ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન તરીકે રોહિત શર્માની લોકપ્રિયતાનો ધ્વજ અત્યારે શિખર પર ફરકી રહ્યો છે. આ ટોચનું સ્થાન મેળવવા તેણે ખૂબ સંઘર્ષ કરવો પડ્યો છે. તેને રાતોરાત આ સિદ્ધિ નથી મળી, શૂન્યમાંથી સર્જન કર્યું છે. ઘણા એકડાઓ ઘૂંટી-ઘૂંટીને ૧૦૦ સુધી લખતાં શીખ્યો છે


ગુરુવારે, ૪ જૂને ભારતીય વિજયી ટીમને સત્કારવા માનવમહેરામણનાં ઘોડાપૂર ઊમટ્યાં ને એક ઐતિહાસિક ઘટના બની ગઈ. રોહિત શર્મા અને તેની ટીમની જિંદગીનો એક યાદગાર અવસર બની ગયો.છેલ્લાં બે અઠવાડિયાંથી ભારત આખું ક્રિકેટમય બની ગયું હતું. ભારત T20માં વર્લ્ડ વિજેતા બન્યું એ ખરેખર એક અનન્ય સિદ્ધિ છે. ભારતે ત્રણ વાર વર્લ્ડ કપ હાંસલ કર્યો - બે વાર T20માં અને એક વાર વન-ડેમાં. આમ જુઓ તો ભારતે સૌથી પહેલી વાર ૧૯૮૩માં ICC ટ્રોફી હસ્તગત કરી હતી. એ સમયે કપિલ દેવ કૅપ્ટન હતા અને એ વન-ડે વર્લ્ડ કપ હતો, જ્યારે બીજા ICC કપ માટે ૨૦ વરસ રાહ જોવી પડી હતી. ૨૦૦૨માં ભારતે સંયુક્તરૂપે ટ્રોફી પ્રાપ્ત કરી હતી અને ૨૦૦૭માં T20 વર્લ્ડ કપ પ્રાપ્ત કર્યાની સિદ્ધિ મેળવી. એ પછી ચાર વરસે ૨૦૧૧માં વન-ડે વર્લ્ડ કપ મેળવ્યો અને બે વર્ષ બાદ ૨૦૧૩માં ICC ચૅમ્પિયન ટ્રોફી મેળવી અને હવે ૨૦૨૪નો ઇતિહાસ તો આપણી સામે જ છે.


ટ્રોફીપુરાણ બાજુ પર રાખીને આપણે આજે વાત કરવી છે માત્ર ને માત્ર આપણા લોકપ્રિય  કૅપ્ટન રોહિત શર્માની. ૨૦૨૪ના વર્લ્ડ કપ પછી રોહિત શર્માની લોકપ્રિયતાનો ધ્વજ શિખર પર ફરકી રહ્યો છે. ૨૦૨૪ના સમગ્ર વર્લ્ડ કપમાં રોહિતે જે રીતે પોતાની રમત રમી છે એને કારણે તેની લીટી સહેજ મોટી થઈ ગઈ છે. કૅપ્ટન અને પ્લેયર તરીકે તે બધાની આંખમાં વસી ગયો છે. ખેર, રોહિત આજે પ્લેયર અને કૅપ્ટન તરીકે ટોચના સ્થાને ભલે આવી ગયો છે, પણ મૂળ વાત એ કરવી છે કે આ ટોચનું સ્થાન મેળવવા તેણે ખૂબ સંઘર્ષ કરવો પડ્યો છે. તેને રાતોરાત આ સિદ્ધિ નથી મળી, શૂન્યમાંથી સર્જન કર્યું છે. ઘણા એકડાઓ ઘૂંટી-ઘૂંટીને ૧૦૦ સુધી લખતાં શીખ્યો છે.

રોહિતનું બાળપણ અત્યંત ગરીબાઈમાં વીત્યું હતું. તેની પાસે રહેવા માટે ન સાફસૂથરું ઘર હતું કે ન પેટ ભરવા માટે બે ટંકનું પૂરું ભોજન. જે ઉંમરમાં બાળકો એકદમ ઝંખતાં હોય કે માતાનો ખોળો મળે ને બાપનો ખભો મળે, પણ આ બન્ને રોહિતના નસીબમાં નહોતા. નાનપણથી જ તે મા-બાપથી દૂર થઈ ગયો હતો. રોહિત શર્માનો જન્મ નાગપુરમાં ૧૯૮૭ની ૨૩ એપ્રિલે થયો હતો. પિતાનું નામ ગુરુનાથ શર્મા અને માતાનું નામ પૂર્ણિમા શર્મા છે. નાના ભાઈનું નામ વિશાલ શર્મા છે. રોહિતના પિતા નાગપુરમાં એક ટ્રાન્સપોર્ટ કંપનીમાં મુકાદમનું કામ કરતા હતા. તેમનો પગાર એટલો નજીવો હતો કે બે ટંકનું જમવાનું ભાગ્યે જ બનતું. રોહિત અને વિશાલ જરાક મોટા થયા કે પિતા ગુરુનાથે બાળકોના ભવિષ્ય માટે એક નાનકડી કુરબાની અમલમાં મૂકી દીધી. રોહિત અને વિશાલને સારું શિક્ષણ અને બે ટંક પૂરતું ખાવાનું મળે અને સારા સંસ્કાર મળે એટલે પાંચ વર્ષના રોહિતને દાદા પાસે બોરીવલીમાં મોકલી દીધો.


રોહિતનાં દાદા-દાદીએ ખૂબ હોંશથી રોહિતને સાચવવાની જવાબદારી સંભાળી લીધી. રોહિતનું બોરીવલીની એક સ્કૂલમાં ઍડ‍્મિશન લીધું. સ્કૂલ નાની હતી, પણ મજાની હતી. સ્કૂલનું નામ હતું અવર લેડી ઑફ વૈલંકની હાઈ સ્કૂલ. માસિક ફી પચીસ રૂપિયા હતી. દાદા-દાદીનો મનસૂબો રોહિતને સારું શિક્ષણ મળે એવો હતો એટલે કરકસર કરીને દર મહિને પચીસ રૂપિયા બચાવવાનું નક્કી કરી લીધું. રોહિત દિલ દઈને ભણવા લાગ્યો અને જ્યારે-જ્યારે સમય મળે ત્યારે ગલીના મિત્રો સાથે ક્રિકેટ રમવાનું ભૂલતો જ નહીં. એ એકમાત્ર તેનું મનોરંજનનું સાધન હતું.

સમયનું ચક્ર ફરતું ગયું. રોહિત મોટો થતો ગયો અને ક્રિકેટનું વળગણ વધતું ગયું. તેની ઉંમર ૧૨ વર્ષની હતી ત્યારે તેની સ્કૂલ અવર લેડી ઑફ વૈલંકની હાઈ સ્કૂલની ક્રિકેટ મૅચનું આયોજન બોરીવલીની સેન્ટ જોસેફ હાઈ સ્કૂલ સાથે થયું. આ મૅચમાં રોહિતનો સમાવેશ થયો; પણ દોસ્તો બૅટ્સમૅન તરીકે નહીં, સ્પિન બોલર તરીકે. રોહિત શર્માએ એ મૅચમાં સ્પિનર તરીકે ૧૨ રનમાં ૩ વિકેટ લીધી અને બૅટિંગમાં આઠમા નંબરે રમીને ૧૮ બૉલમાં ૪૦ રન ઝૂડી કાઢ્યા. તેના જીવનની એ પહેલી મૅચ શુકનવંતી નીકળી. સ્કૂલની ટીમને જીત મળી અને રોહિતનો જયજયકાર થયો.

રોહિત શર્માનો પર્ફોર્મન્સ જોઈને સેન્ટ જોસેફ સ્કૂલના કોચ ખૂબ પ્રભાવિત થઈ ગયા. તેઓ બીજા જ દિવસે રોહિતનાં દાદા-દાદી પાસે પહોંચી ગયા અને કહ્યું કે તમે રોહિતનું ઍડ‍્મિશન અમારી સ્કૂલમાં લઈ લો, તેનામાં એક સફળ ક્રિકેટર થવાના બધા ગુણો છે. દાદાએ સ્કૂલની ફી પૂછી તો કોચ દિનેશ લાડે કહ્યું કે દર મહિને ૨૫૦ રૂપિયા. દાદાના હોશ ઊડી ગયા. તેમણે સાફ ઇનકાર કરી દીધો, પણ કોચ દિનેશે પીછો ન છોડતાં કહ્યું કે હું પ્રિ​ન્સિપાલને કહીને ફી માફ કરાવીશ અને ક્રિકેટનું કોચિંગ પણ મફત કરાવી દઈશ. આમ રોહિતના નસીબનો પહેલા પડાવનો દરવાજો ખૂલી ગયો.

દિનેશ લાડે સૌથી પહેલું કામ એ કર્યું કે તેમણે રોહિતને બોલિંગને બદલે બૅટિંગમાં વધુ ધ્યાન આપવાનું કહ્યું. રોહિતે સલાહ માની પણ ખરી. એક વખત એક ક્લબ-મૅચમાં રોહિત પાસે દિનેશ લાડે ઓપનિંગ કરાવ્યું અને એ મૅચમાં રોહિતે ૪૪ બૉલમાં ૧૦૫ રન કરીને કોચ સહિત બધાને સ્તબ્ધ કરી દીધા.

દિનેશ લાડે હવે રોહિત પ્રત્યે ખાસ ધ્યાન આપવા માંડ્યું. ક્રિકેટની નાની-નાની બારીકીઓનો અભ્યાસ કરાવ્યો અને પરિણામ સ્વરૂપે ૨૦૦૫માં રોહિત શર્માની પસંદગી ‘A’ ગ્રુપની ટીમ માટે થઈ. એ મૅચમાં તેણે આઠમા નંબર પર બૅટિંગ કરીને ૪૨ રન કર્યા અને ૩ વિકેટ લીધી. બીજા મુકાબલામાં રોહિતે સાતમા નંબર પર બૅટિંગ કરીને ૯૦ બૉલમાં ૧૪૨ રનનો ઢગલો કરી દીધો. દેશભરમાં તેના નામની ચર્ચા થવા લાગી. આ બન્ને ઇનિંગ્સને કારણે રોહિત શર્માની વરણી ૨૦૦૬માં અન્ડર-૧૯ની ટીમમાં થઈ અને તેના નસીબનું પાંદડું ખસી ગયું. આ ટીમમાં રોહિત શર્મા સાથે રવીન્દ્ર જાડેજા, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલીનો પણ સમાવેશ હતો.

 અન્ડર-૧૯ની ટીમના વર્લ્ડ કપમાં રોહિતે તોફાની બૅટિંગ કરીને ભારતીય ટીમને ફાઇનલમાં પહોંચાડવા માટે યોગદાન આપ્યું હતું, પરંતુ ફાઇનલમાં ભારતીય ટીમ પાકિસ્તાન સામે હારી. આમ છતાં રોહિત શર્માએ ૬ મૅચમાં ૩૯૦ રન બનાવ્યા હતા જે બધાથી અધિક હતા અને એ જ કારણે ઇન્ડિયા ‘A’ની ટીમમાં ફર્સ્ટ ક્લાસ મૅચમાં તેનું ચયન થયું. રોહિતે ન્યુ ઝીલૅન્ડ સામે બાવીસ બૉલમાં ૫૭ રન કરીને પોતાનો પરચો બતાવ્યો. આ બધાને કારણે ૨૦૦૬માં રણજી ટ્રોફી માટે મુંબઈની ટીમમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો.

રોહિતે પહેલી રણજી ટ્રોફીમાં ગુજરાતની ટીમ સામે ૨૬૫ બૉલમાં ૨૦૫ રન ઝૂડી કાઢ્યા અને રણજીની જ ફાઇનલના મુકાબલામાં બંગાળ સામે વિસ્ફોટક ૫૦ રન કરીને મુંબઈને રણજી ટ્રોફી ​જિતાડવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. એ જ કારણે પહેલી આંતરરાષ્ટ્રીય મૅચ આયરલૅન્ડ સામે તેને ચાન્સ મળ્યો, પણ આ મૅચમાં તેનો બૅટિંગ કરવાનો વારો જ ન આવ્યો. ૨૦૦૭માં સાઉથ આફ્રિકા સામે વર્લ્ડ કપ T20નું આયોજન થયું. સિનિયર ખેલાડી જેવા કે સચિન તેન્ડુલકર, સૌરવ ગાંગુલી, ઝહીર ખાન, રાહુલ દ્રવિડને આરામ આપવામાં આવ્યો અને નવા કૅપ્ટન તરીકે મહિન્દ્ર સિંહ ધોનીની નિમણૂક થઈ.

આ મૅચમાં રોહિતનો સમાવેશ થયો હતો, પણ તેને રમવાનો મોકો બહુ જ ઓછો મળતો. લગભગ સાતમા-આઠમા ક્રમમાં બૅટિંગ મળતી અને બહુ જ ઓછા બૉલ રમવા મળતા.

સાઉથ આફ્રિકા સામેની મૅચમાં શરૂઆતના આપણા ત્રણ ખેલાડીઓ યુવરાજ સિંહ, વીરેન્દ્ર સેહવાગ અને ગૌતમ ગંભીર જેવા ધરખમ ખેલાડીઓ ૩૩ રનમાં પૅવિલિયન ભેગા થઈ ગયા. આ પરિસ્થિતિમાં ધોનીએ રોહિત શર્માને પાંચમા નંબરે રમવા મોકલ્યો. આ નીતિ રંગ લાવી અને રોહિતે ચાર ગગનચુંબી સિક્સર અને ત્રણ ચોગ્ગા ફટકારી દુનિયામાં હિટમૅનનું બિરુદ મેળવી લીધું. આ કપ ભારતે જીતી લીધો, પણ હવે રોહિત વન-ડે મૅચ રમવા માટે થનગની રહ્યો હતો. જોકે ૨૦૦૮ આવતાંની સાથે જ સુરેશ રૈના અને વિરાટ કોહલીનો દબદબો શરૂ થઈ ગયો અને રોહિતને ફરી પાછું ઓછું રમવા મળવા લાગ્યું. વળી તેનું પ્રદર્શન પણ એવું નબળું પડવા માંડ્યું કે ટીમમાં તેને સ્થાન મળવાનું બંધ થઈ ગયું.

રણજી અને બીજી નાની-નાની મૅચો રમીને તેણે ફરીથી ફૉર્મ મેળવી લીધું. ધોનીનો તેના પર વિશ્વાસ વધતો ગયો, પણ ત્રણ વર્ષ તે ટીમની બહાર રહ્યો. ૨૦૧૦માં ઝિમ્બાબ્વે સામે ફરીથી તેનો સમાવેશ થયો. કૅપ્ટન હતો સુરેશ રૈના. આ મૅચમાં ચોથા નંબર પર બૅટિંગ કરવા આવ્યો અને ૯૦ બૉલમાં ૧૦૪ રન કરીને ફરીથી આત્મવિશ્વાસ મેળવી લીધો. આ સિરીઝ ભારતે ૫-૦થી જીતી લીધી.

એ પછી ભારત, બંગલાદેશ અને શ્રીલંકાની ત્રિકોણીય સિરીઝ ચાલુ થઈ. રોહિતે ૧૧૦ રનની શાનદાર રમત બતાવી.

ભારતે હવે પછી આફ્રિકા સામે મૅચ રમવાની હતી અને ત્યાર બાદ ICC વર્લ્ડ કપ ૨૦૧૧ રમવાનો હતો.

આફ્રિકા સામે રોહિત સંપૂર્ણ રીતે નિષ્ફ્ળ રહ્યો અને એ કારણે ICC વર્લ્ડ કપમાં તેનો સમાવેશ ન થયો. રોહિત સંપૂર્ણપણે ભાંગી પડ્યો. વધુ આવતા અંકે...

સમાપન
તકદીર ઇન્સાન કો ક્યા-ક્યા રંગ દિખાતી હૈ 
શિખર પર પહુંચને સે પહલે હુન્નર ​શિખાતી હૈ

 

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

07 July, 2024 08:50 AM IST | Mumbai | Pravin Solanki

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK