° °

આજનું ઇ-પેપર
Sunday, 22 May, 2022


રાષ્ટ્રદ્રોહ : ઝાડ કાપવાનું હતું, પણ જંગલ કાપી નાખ્યું

15 May, 2022 01:09 PM IST | Mumbai
Raj Goswami

રાષ્ટ્રદ્રોહના કાનૂનને સ્થગિત કરવાનું સર્વોચ્ચ અદાલતનું પગલું કેન્દ્ર સરકારને ગમ્યું નથી એનો સંકેત કાનૂનપ્રધાન કિરેન રિજિજુની પ્રતિક્રિયા પરથી મળે છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

રાષ્ટ્રદ્રોહના કાનૂનને સ્થગિત કરવાનું સર્વોચ્ચ અદાલતનું પગલું કેન્દ્ર સરકારને ગમ્યું નથી એનો સંકેત કાનૂનપ્રધાન કિરેન રિજિજુની પ્રતિક્રિયા પરથી મળે છે. કાનૂનપ્રધાને કહ્યું હતું કે ‘અમે કોર્ટનું અને એની સ્વતંત્રતાનું સન્માન કરીએ છીએ, પણ એક લક્ષ્મણરેખા હોય છે જેનું રાજ્યનાં તમામ અંગોએ માન જાળવવું જોઈએ. કોર્ટે સરકારનું, વિધાનમંડળનું સન્માન કરવું જોઈએ અને સરકારે કોર્ટનું’

જે લોકો તિરંગો સળગાવે છે, જે લોકો તમારી અને મારી જેમ જય હિન્દ બોલવા નથી માગતા અને ભારત તેરે ટુકડે ટુકડે જેવાં વિભાજનકારી સૂત્રો પોકારે છે... જે લોકો વિદેશી હાથોમાં નાચે છે, જે લોકો બંધારણનું અપમાન કરે છે અને જે લોકો બાબાસાહેબ ભીમરાવ આંબેડકર જેવા સંતની પ્રતિમાઓ તોડે છે તેમને કૉન્ગ્રેસ પ્રોત્સાહન આપવા માગે છે. તમે મને કહો મિત્રો, જે લોકો દેશની અને આપણા બંધારણ વિરુદ્ધ કામ કરતા હોય તેમને સબક શીખવવા માટે રાષ્ટ્રદ્રોહનો કાનૂન ન હોવો જોઈએ? પણ કૉન્ગ્રેસ રાષ્ટ્રદ્રોહનો કાનૂન રદ કરવા માગે છે. સત્તામાં આવવા માટે કૉન્ગ્રેસ આટલી નીચે જઈ શકે છે.
- રાષ્ટ્રદ્રોહનો કાનૂન રદ કરવાના કૉન્ગ્રેસના ચૂંટણીઢંઢેરા પર નરેન્દ્ર મોદી ગુવાહાટીમાં, ૨ એપ્રિલ ૨૦૧૯.

બ્રિટિશરાજ સમયના રાષ્ટ્રદ્રોહના કાનૂન હેઠળના તમામ પેન્ડિંગ કેસોની સુનાવણી પર સર્વોચ્ચ અદાલતે બુધવારે સ્ટે ફરમાવ્યો અને એની જોગવાઈ હેઠળ એક પણ નવી ફરિયાદ નહીં નોંધવા કેન્દ્ર અને રાજ્ય સરકારને તાકીદ કરી ત્યારે પ્રશ્ન થયો કે જે મોદી સરકારના શાસનમાં જ રાષ્ટ્રદ્રોહના સૌથી વધુ કેસ નોંધાયા હોય અને જે મોદી એક સમયે એને હટાવવાના સમર્થનમાં નહોતા

તેમનું અચાનક હૃદયપરિવર્તન કેમ થયું?
સર્વોચ્ચ અદાલતે એવા સમયે આ નિર્દેશ આપ્યો હતો જ્યારે કેન્દ્ર સરકારે સોમવારે નવું ઍફિડેવિટ દાખલ કરીને અદાલતને કહ્યું હતું કે એ ઇન્ડિયન પીનલ કોડની ૧૨૪-એ કલમ અંગે પુનઃ વિચારણા કરવા માગે છે. ૧૮૬૦ની સાલના આ કાળા કાયદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં સમય-સમય પર પિટિશનો થઈ છે. લેટેસ્ટ પિટિશન વરિષ્ઠ પત્રકારો પેટ્રિસિયા મુખીમ અને અનુરાધા ભસીન, કાર્ટૂનિસ્ટ અસિમ ત્રિવેદી, એડિટર ગિલ્ડ ઑફ ઇન્ડિયા, કૉમન કૉઝ એનજીઓ, ભૂતપૂર્વ પ્રધાન અરુણ શૌરી, નિવૃત્ત આર્મી જનરલ એસ. જી. વોમ્બક્તકરે અને અન્ય જાણીતા નાગરિકોએ કરી હતી.

તેમની ફરિયાદ એ હતી કે સરકાર એના ટીકાકારો, રાજકીય વિરોધીઓ અને પત્રકારોનો અવાજ બંધ કરવા માટે આ કાનૂનનો દુરુપયોગ કરી રહી છે. સર્વોચ્ચ અદાલત ઘણા સમયથી આ બધી પિટિશનો પર સુનાવણી કરી રહી હતી. અદાલતે એની રૂખ પણ સ્પષ્ટ કરી દીધી હતી કે તે આ બાવા આદમના જમાનાના કાનૂનના પક્ષમાં નથી.

ગયા વર્ષે મુખ્ય ન્યાયાધીશ એન. વી. રમન્નાએ એક સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે મહાત્મા ગાંધી અને બાળ ગંગાધર ટિળકને જે કાનૂન હેઠળ જેલમાં પૂરી દેવામાં આવ્યા હોય એને સરકાર ૭૫ વર્ષ પછી કેમ છાવરી રહી છે? રમન્નાએ એવું પણ કહ્યું હતું કે આ કાનૂન સ્વતંત્રતાવિરોધી છે. આ તો એવું છે જાણે લાકડું કાપવા માટે સુથારને કરવત આપો અને તે આખું જંગલ કાપવા લાગી જાય.

માત્ર કૉન્ગ્રેસ જ નહીં, બહુમતી રાજકીય પક્ષો આ કાનૂનને દૂર કરવામાં પક્ષના છે. થોડા દિવસ પહેલાં રાષ્ટ્રવાદી પાર્ટીના વડા શરદ પવારે રાજ્યસભામાં આ કાનૂન પર ચર્ચાની માગણી કરી હતી. તેમણે કહ્યું હતું કે આ કાનૂનનો ઉપયોગ લોકોની લોકતાંત્રિક માગણીઓને દાબવા માટે થઈ રહ્યો છે. વરિષ્ઠ પત્રકાર એ. જી. નૂરાનીએ ગયા વર્ષે એક લેખમાં લખ્યું હતું કે ‘રાષ્ટ્રદ્રોહની મહામારી આખા દેશમાં ફેલાઈ ગઈ છે. એણે સ્ત્રીઓ, બાળકો, વિદ્યાર્થીઓ, શિક્ષકો કોઈને છોડ્યા નથી. માત્ર નવજાત શિશુઓ બાકાત રહી ગયાં છે.’

કેન્દ્ર સરકારનો દાવ ઊંધો પડ્યો?
કેન્દ્ર સરકારે પહેલાં આ કાનૂનનો બચાવ કર્યો હતો, પણ પછી એનું હૃદયપરિવર્તન થયું.  જાણકાર લોકો કહે છે કે સર્વોચ્ચ અદાલતે આ કાનૂનની અયોગ્યતાને લઈને મન બનાવી લીધું હતું અને તે આ કાનૂનની સમીક્ષા કરવા માટે એને મોટી બેન્ચ પાસે મોકલી ન દે એ માટે સરકારે સોમવારે અદાલતમાં ઍફિડેવિટ કરીને કહ્યું કે તે આ કાનૂન પર પુન: વિચારણા કરવા તૈયાર છે, ત્યાં સુધી અદાલત એની સુનાવણી ન કરે.

આ કાનૂન સામેનાં એક અરજીકર્તા અને તૃણમૂલ કૉન્ગ્રેસનાં સંસદસભ્ય મહુઆ મોઇત્રાએ શબ્દો ચોર્યા વગર એક ટીવી-ચૅનલને કહ્યું હતું કે ‘રાષ્ટ્રદ્રોહના કાનૂનની સમીક્ષા કરવાના નામે સરકાર એમાં ખેંચાય એટલું ખેંચવા માગતી હતી. આ દિલ્હી વડી અદાલતમાં વૈવાહિક બળાત્કારના મામલા જેવું છે. આ લોકો આઠ વર્ષથી સત્તામાં છે. તેમને જો સાચે જ કશું કરવું હોય તો તરત થાય એવું છે. હવે એમને ભાન થયું કે આ કાનૂનની સમીક્ષા સાત જજની બેન્ચ કરે એવી પૂરી સંભાવના છે એટલે તેમને ખેંચવું છે. બેઝિકલી, આ એવું કહેવાય કે ‘તમે આઘા રહો, અમને જે લાગશે એ અમે કરીશું’ અને પછી વર્ષો સુધી એના પર પલાંઠી મારીને બેસી રહે.’

પહેલી નજરે એવું લાગે છે કે સરકારનો દાવ ઊંધો પડ્યો છે. એને હતું કે સર્વોચ્ચ અદાલત સરકારી સમીક્ષાની રાહ જોવાનું નક્કી કરીને સુનાવણી ટાળી દેશે. એવું થયું પણ ખરું. અદાલતે એ સ્વીકાર્યું કે સરકાર આ કાનૂનની સમીક્ષા કરે ત્યાં સુધી તે રાહ જોશે, પણ એમાં વચ્ચે અદાલતે બે-ત્રણ નિર્દેશો ઉમેરી દીધા જેની સરકારને અપેક્ષા નહોતી. સરકાર સમીક્ષા કરે ત્યાં સુધી આ કાનૂનની જોગવાઈઓ સ્થગિત રહેશે. મતલબ ન તો એના પર અદાલતોમાં કામ ચાલશે કે ન તો પોલીસ નવી ફરિયાદો નોંધશે. જે લોકો જેલોમાં બંધ છે અથવા જેમના પર ફરિયાદો થયેલી છે તેઓ ટ્રાયલ કોર્ટનો સંપર્ક કરી શકશે અને કોર્ટો ઝડપથી એનો ફેંસલો કરશે.

કેન્દ્ર સરકારના સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ અદાલતના આ નિર્ણયનો વિરોધ પણ કર્યો અને કહ્યું કે નોંધનીય ગુના (કૉગ્નિઝેબલ ઑફેન્સ)માં કાનૂન સ્થગિત કરવો એ બરાબર નથી. અદાલતે આ દલીલ ફગાવી દેતાં કહ્યું કે સેક્શન ૧૨૪-એના વ્યાપક દુરુપયોગને જોતાં નાગરિક સ્વતંત્રતા અને રાજ્યની સત્તા વચ્ચે સંતુલન હોવું જરૂરી છે.

રાષ્ટ્રદ્રોહના કાનૂનને સ્થગિત કરવાનું સર્વોચ્ચ અદાલતનું પગલું કેન્દ્ર સરકારને ગમ્યું નથી એનો સંકેત કાનૂનપ્રધાન કિરેન રિજિજુની પહેલી પ્રતિક્રિયા પરથી મળે છે. બુધવારે સર્વોચ્ચ અદાલતનો નિર્દેશ આવ્યો એ પછી કાનૂનપ્રધાને દિલ્હીમાં પત્રકારો સમક્ષ કહ્યું હતું કે ‘અમે અમારા મત એકદમ સ્પષ્ટ રીતે રજૂ કર્યા હતા અને કોર્ટને આપણા પીએમ (નરેન્દ્ર મોદી)ના ઇરાદાની પણ જાણ કરી હતી. અમે કોર્ટનું અને એની સ્વતંત્રતાનું સન્માન કરીએ છીએ, પણ એક લક્ષ્મણરેખા હોય છે જેનું રાજ્યનાં તમામ અંગોએ માન જાળવવું જોઈએ. અમે એકબીજાનું સન્માન કરીએ છીએ. કોર્ટે સરકારનું, વિધાનમંડળનું સન્માન કરવું જોઈએ અને સરકારે કોર્ટનું. આપણે ત્યાં મર્યાદારેખાઓ સ્પષ્ટ દોરાયેલી છે અને એ લક્ષ્મણરેખાનું કોઈએ ઉલ્લંઘન કરવું ન જોઈએ.’

અદાલતે પોતાની જ લક્ષ્મણરેખા તોડી છે
મજાની વાત એ છે કે રાષ્ટ્રદ્રોહના કાનૂનનો સૌથી વધુ દુરુપયોગ કરવાનો આરોપ વર્તમાન સરકાર પર જ લાગે છે. ૨૦૧૪ પછી ૪૦૫ લોકો સામે રાજકારણીઓ અને સરકારોની ટીકા કરવા બદલ રાષ્ટ્રદ્રોહના કેસ થયા છે, જેમાં ૧૪૯ લોકોએ નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની અસભ્ય ટીકા કરી હતી.

ખાલી ૨૦૧૬ અને ૨૦૧૯ વચ્ચે સેક્શન ૧૨૪-એ હેઠળ નોંધાયેલા કેસોની સંખ્યામાં ૧૬૦ ટકાનો વધારો થયો હતો, પણ એમાં સજા થવાનો દર ઘટીને ત્રણ ટકા થઈ ગયો હતો. એનો અર્થ એ થયો કે મોટા ભાગના કેસ એટલા ફર્જી હતા કે કોર્ટોમાં ટકી શક્યા નહોતા. એક કેસમાં તો અલાહાબાદ વડી અદાલતે રાજ્યને અને પોલીસને સંભળાવ્યું હતું કે ‘ભારતની એકતા વાંસના સાંઠાની બનેલી નથી કે ઠાલા નારાઓના પવનથી વળી જાય. આપણા દેશના પાયાઓ ઘણા નક્કર છે.’

રાષ્ટ્રદ્રોહનો કાનૂન આ પાયાઓનું રક્ષણ નથી કરતો, એને ઢીલા કરે છે. સવાલો કરવા અને ટીકાઓ કરવી એ લોકશાહીનો પ્રાણ છે. એના માટે તમે લોકોને જેલમાં બંધ કરી દો તો તે લોકશાહીનું રક્ષણ ન કહેવાય. કાનૂનપ્રધાનને જો ખોટું લાગ્યું હોય તો એ અકારણ જ છે. લોકોને કદાચ ખ્યાલ નહીં હોય કે પંડિત જવાહરલાલ નેહરુ આ જરીપુરાણા કાયદાને કાઢવા માગતા હતા, પણ સર્વોચ્ચ અદાલતે જ આ કાનૂનને પીનલ કોડમાં રાખ્યો હતો. હવે એ જ સર્વોચ્ચ અદાલતે એનું પાપ ધોવાનું કામ કર્યું છે.

ડિસેમ્બર ૧૯૪૮માં બંધારણીય સભા સમક્ષ આ મુદ્દો આવ્યો ત્યારે અત્યંત તેજસ્વી વકીલ કનૈયાલાલ મુનશીએ એક સુધારો પેશ કરીને બંધારણના ડ્રાફ્ટમાંથી રાષ્ટ્રદ્રોહ શબ્દ હટાવવાની માગણી કરી હતી. તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રદ્રોહ શબ્દના બહુબધા અર્થ થાય છે. જેમ કે દોઢસો વર્ષ પહેલાં ઇંગ્લૅન્ડમાં મીટિંગ કરવી કે સરઘસ કાઢવું રાષ્ટ્રદ્રોહ કહેવાતો હતો.

મે ૧૯૫૧માં નેહરુએ સંસદમાં કહ્યું હતું કે ‘ઇન્ડિયન પીનલ કોડની ૧૨૪-એ કલમ મારી દૃષ્ટિએ બહુ વાંધાજનક અને ભૂંડી છે અને આપણે જે પણ કાનૂન પસાર કરીએ એમાં એનું કોઈ સ્થાન હોવું ન જોઈએ. આપણે એને વહેલી તકે કાઢીએ તો સારું.’ ૧૯૫૦માં રોમેશ થાપરના ક્રૉસરોડ મૅગેઝિન સામેના કેસમાં સર્વોચ્ચ અદાલતે રાષ્ટ્રદ્રોહ શબ્દ દૂર કરાવ્યો હતો.

૧૯૬૨માં બિહારની ફૉર્વર્ડ કમ્યુનિસ્ટ પાર્ટીના સભ્ય કેદારનાથે તેમના એક ભાષણમાં સીઆઇડી વિભાગના અધિકારીઓને કૂતરા અને કૉન્ગ્રેસના નેતાઓને ગુંડા ગણાવીને કહ્યું કે કામદારોની ક્રાંતિ મૂડીવાદીઓ, જમીનદારો અને કૉન્ગ્રેસીઓને ભસ્મીભૂત કરી નાખશે ત્યારે તેમની સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો સર્વોચ્ચ અદાલતે માન્ય રાખ્યો હતો અને તેમને એક વર્ષની સજા થઈ હતી.

કેદારનાથના કેસમાં અદાલતના ફેંસલા પછી ભારતમાં રાજકીય વિરોધીઓને પાઠ ભણાવવા માટે દરેક સરકાર છૂટથી રાષ્ટ્રદ્રોહના કેસ નોંધતી થઈ ગઈ હતી. આપણે ત્યાં કાનૂનો બનાવતી વખતે કે એનો ઉપયોગ કરતી વખતે મગજનો ઉપયોગ કરવામાં નથી આવતો એવા આક્ષેપની સાબિતી રાષ્ટ્રદ્રોહનો આ કાનૂન છે.

ભારતમાં રાષ્ટ્રદ્રોહના કાનૂનનો ઉપયોગ વિરોધીઓને ઠેકાણે પાડવા થઈ રહ્યો હતો ત્યારે ૧૯૭૭માં બ્રિટનના લૉ કમિશને એના પીનલ કોડમાંથી આ કાનૂનને રદ કરવાની ભલામણ કરી હતી. એ પછી બ્રિટનમાં રાષ્ટ્રદ્રોહના કાનૂનને લઈને સાર્વજનિક ચર્ચા શરૂ થઈ અને એના પરિણામે ૨૦૦૯માં બ્રિટને આ કાનૂન નાબૂદ કર્યો હતો. એ વખતે કાનૂનમંત્રી ક્લેર વૉર્ડે કહ્યું હતું કે ‘રાષ્ટ્રદ્રોહ એ જમાનાનો અપરાધ છે જ્યારે આજની જેમ અભિવ્યક્તિની આઝાદીને અધિકાર ગણવામાં આવતી નહોતી. આજે અભિવ્યક્તિની આઝાદી લોકશાહીનો પાયાનો પથ્થર છે. આ દેશમાં આવો જરીપુરાણો અપરાધ અસ્તિત્વમાં છે એટલે જ ઘણા દેશો આ કાનૂનને સાચવીને બેઠા છે અને રાજકીય તેમ જ પ્રેસની આઝાદીને કચડવા માટે એનો ઉપયોગ કરે છે.’

ક્લેર વૉર્ડના મનમાં ત્યારે ભારત રમતું હશે. ભારતની સર્વોચ્ચ અદાલતે હવે એનું પોતાનું જ પાપ ધોવા માટે હાથમાં ગંગાજળ લીધું છે ત્યારે મોદી સરકારે લક્ષ્મણરેખાની ચિંતા કર્યા વગર પોતાના તરફથી એમાં બે ટીપાં રેડવાં જોઈએ.

15 May, 2022 01:09 PM IST | Mumbai | Raj Goswami

અન્ય લેખો

સિલસિલા : ફ્લૉપ સંબંધનું હિટ સંગીત

હરિજી (હરિપ્રસાદ ચૌરસિયા) અને હું બી. આર. ચોપડાની ફિલ્મોમાં સંગીત આપતા હતા એ વખતથી (તેમના નાના ભાઈ) યશ ચોપડાને જાણતા હતા. સમય જતાં અમારી વચ્ચે સારો વ્યવહાર બંધાયો હતો

21 May, 2022 02:38 IST | Mumbai | Raj Goswami

બાગબાનનો અવતાર

વીસ વર્ષ પછી અમિતાભે હેમા માલિની સાથે એ કરી. એવી રીતે મોહન કુમારે ‘અવતાર‘ માટે અમિતાભ બચ્ચનને સાઇન કર્યો હતો, પણ કોઈક કારણસર પાછળથી એ રાજેશ ખન્નાને ઑફર કરી

14 May, 2022 07:30 IST | Mumbai | Raj Goswami

વડા પ્રધાનનું બોલકું મૌન અને લાઉડસ્પીકરનો ઘોંઘાટ

૧૦૦થી વધુ ભૂતપૂર્વ સનદી અધિકારીઓએ વડા પ્રધાનને એક પત્ર લખીને કહ્યું કે દેશના વિવિધ ભાગોમાં તાજેતરમાં કોમી હિંસાના બનાવોમાં તમારું મૌન અકળાવનારું છે અને તમે આ ‘નફરતની રાજનીતિ’ને અટકાવો એવી વિનંતી છે

08 May, 2022 06:31 IST | Mumbai | Raj Goswami

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK