Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ધારો કે આ દિવસ પહેલી વાર મળ્યો છે તો...

ધારો કે આ દિવસ પહેલી વાર મળ્યો છે તો...

03 July, 2022 09:53 AM IST | Mumbai
Bhavya Gandhi | feedbackgmd@mid-day.com

...તો એને જીવવાનું એક્સાઇટમેન્ટ ચોક્કસપણે બદલાઈ જાય. એક્સાઇટમેન્ટ પણ બદલાઈ જાય અને એ દિવસ સામે જોવાની આપણી મેન્ટાલિટી પણ ચેન્જ થઈ જાય. એક્સાઇટમેન્ટ પણ બદલાય, મેન્ટાલિટી પણ બદલાય અને એ બન્નેની સાથે આપણી રિલેશનશિપમાં પણ એટલો જ પૉઝિટિવ ચેન્જ જોવા મળે

ધારો કે આ દિવસ પહેલી વાર મળ્યો છે તો...

આરંભ હૈ પ્રચંડ

ધારો કે આ દિવસ પહેલી વાર મળ્યો છે તો...


પહેલી વાર. 
ફર્સ્ટ ટાઇમ.
આપણી લાઇફમાં આ ફર્સ્ટ ટાઇમ કેવું સ્પેશ્યલ હોય છે નહીં? ફર્સ્ટ નાઇટથી લઈને ફર્સ્ટ ટાઇમનો પેરન્ટિંગ એક્સ્પીરિયન્સ. બાળકનું પહેલું પગલું, સ્કૂલનો પહેલો દિવસ, પહેલી દોસ્તી, સ્કૂલમાં આપવામાં આવતું પહેલું હોમવર્ક. સ્કૂલનો ફર્સ્ટ ઍન્યુઅલ ડે હોય કે યુવાનીમાં થતો પહેલો પ્રેમ હોય, સ્કૂલમાં ટીચરના હાથનો પહેલો માર હોય કે પછી કૉલેજમાં મારેલી પહેલી બન્ક હોય, વેકેશનનો પહેલો દિવસ હોય કે કૉલેજ જૉઇન કર્યા પછીનો પહેલો દિવસ હોય, પહેલી ગર્લફ્રેન્ડ હોય કે પછી પહેલો બૉયફ્રેન્ડ હોય, બોર્ડની પહેલી એક્ઝામ, પહેલું બ્રેકઅપ, જૉબનો પહેલો દિવસ હોય કે પછી હાથમાં આવેલી પહેલી સૅલેરી હોય, પહેલું સ્માઇલ હોય કે પછી પહેલું રુદન હોય, પહેલું અટ્ટહાસ્ય હોય કે પછી પહેલી વખતની સ્મશાનયાત્રા હોય. 
ફર્સ્ટ ટાઇમ જે કંઈ હોય એ બધું સ્પેશ્યલ બની જતું હોય છે. આ ફર્સ્ટ ટાઇમ પછી જ તમને એ વાત, એ ઘટના કે પછી એ વ્યવહારની આદત પડે અને પછી બધું રૂટીન લાગવા માંડે. જોકે એ ફર્સ્ટ ટાઇમનો અહેસાસ તો બિલકુલ અલગ જ હોય છે. મારી વાત કરું તો મારા માટે પણ આ બધું ફર્સ્ટ પહેલા એક્સાઇટમેન્ટ સાથે રહ્યું છે. 
આજે પણ મને યાદ છે કે હું પહેલી વાર આર્ટિકલ લખવા બેઠો ત્યારે શું-શું થયું હતું.
ઑનેસ્ટલી. આજે પણ એ એકેએક સેકન્ડ યાદ છે. હું રૂમ બંધ કરીને અંદર ગયો. મનમાં હતું કે બધેબધું હું એકઝાટકે લખી લઈશ. એક કલાક અને પછી બે કલાક. સમય પસાર થતો ગયો અને આર્ટિકલ શેપ-અપ થતો ગયો. એ સમયની જે ખુશી હતી એ એવી હતી જેવી ખુશી વર્લ્ડ કપ જીત્યા પછી મહેન્દ્ર સિંહ ધોનીને આવી હશે. એ ખુશી એવી હતી જે ખુશી ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન વૉર પછી સૅમ માણેકશાને આવી હશે; પણ હવે, હવે કોઈ પણ સિચુએશનમાં આર્ટિકલ લખવાનો વિચાર આવી જાય અને એ લખાવાનું શરૂ પણ થઈ જાય. પહેલી વાર ટીવી-સિરિયલ કરી ત્યારે બહુબધી ખબર નહોતી પડતી એટલે શૂટિંગનું એક્સાઇટમેન્ટ એવું નહોતું, પણ ટીવી પર મને પોતાને મેં પહેલી વાર જોયો એ સમયનું એક્સાઇટમેન્ટ મને આજે પણ યાદ છે. પહેલી ફિલ્મનું એક્સાઇટમેન્ટ પણ જુદું હતું અને એ પછી એ એક્સાઇટમેન્ટ ક્યારેય આવ્યું જ નથી. 
ફર્સ્ટ ટાઇમ ઇઝ વેરી સ્પેશ્યલ, વેરી-વેરી સ્પેશ્યલ. 
આ જે વેરી સ્પેશ્યલ કે પછી વેરી-વેરી સ્પેશ્યલની વાત છે એ કેમ લાઇફ આખી અકબંધ ન રહી શકે? જર્નલિસ્ટ મને આ બાબતમાં લકી લાગે. દરરોજ નવું પેપર કાઢવાનું અને દરરોજ નવું એક્સાઇટમેન્ટ અનુભવવાનું. ટીવી-જર્નલિસ્ટ પણ આ બાબતમાં મને લકી લાગે. એવરીડે નવું અસાઇનમેન્ટ અને નવું એક્સાઇટમેન્ટ. જોકે એ તો કામને લગતી વાત થઈ. બીજા ફીલ્ડમાં કે પછી પોતાનાં બીજાં કામોમાં એ એક્સાઇટમેન્ટ ન હોય એનું શું? આ જ વિચાર સાથે હવે તમે જ વિચારો કે જો દરેક દિવસ આપણે પહેલા દિવસની જેમ જ ઊજવીએ તો? દરેક વાતને આપણે પહેલી ફીલિંગ્સની જેમ જ માણીએ તો?
હકીકત પણ એ જ છે કે લાઇફનો દરેક દિવસ ખરેખર નવો જ હોય છે. એ દિવસે જે બનવાનું છે એ પહેલાં ક્યારેય બન્યું નથી અને શું બનવાનું છે એની પણ તમને ખબર નથી હોતી. અરે, એ તો ઠીક. રાતે સૂતા પછી સવારે આપણે જાગીશું કે નહીં એ પણ આપણે ક્યાં જાણીએ છીએ? સવારે આંખ ખૂલે એટલે નવી જ લાઇફ જ શરૂ થતી હોય છે. તમે જાણો જ છો કે દુનિયામાં સેંકડો લોકો એવા છે જેઓ રાતે સૂએ છે અને પછી સવારના જાગતા નથી તો પછી આપણને એ નવેસરથી જાગવાની તક મળે છે તો આપણે એટલું ન કરી શકીએ, દરેક દિવસને નવો દિવસ ન ધારી શકીએ?
ભવિષ્યના આ સમયકાળને આપણે જીવતા જઈએ છીએ અને રાતે આપણે એનું ઍનૅલિસિસ કરીએ અને કહીએ કે ડલ દિવસ હતો કે પછી બોરિંગ દિવસ હતો. જોકે એવું વિચારવાનું છોડીને દરેક સવાર નવી સવાર ગણીને નવેસરથી શરૂઆત કરવાની માનસિકતા રાખીશું તો એનો ફાયદો આપણને જ થશે. એક તો સૌથી અગત્યની વાત એ છે કે આપણને ખબર જ નથી કે આવતી કાલની સવાર આવવાની છે કે નહીં અને એ પછી પણ આપણે રાતે સૂઈએ ત્યારે તો એવી જ રીતે સૂઈએ છીએ કે જાણે આપણને અમરપટ્ટો મળ્યો હોય. આ આત્મવિશ્વાસ સારો છે, પણ એને પર્મનન્ટ માનીને જીવવું ખોટું છે. બહેતર છે કે કોઈ જાતના પૂર્વગ્રહ વિના દરેક દિવસને નવા દિવસની જેમ ટ્રીટ કરીને આગળ વધીએ અને ફર્સ્ટ ટાઇમનો ફેવરિટ એક્સ્પીરિયન્સ કરીએ. આ જે અનુભવ હશે એ અનુભવ એકસાથે અનેક પ્રકારની લાગણી આપી જશે, પણ એ બધી લાગણીઓમાં સૌથી મહત્ત્વની જો કોઈ લાગણી હશે તો એ એક જ - તમારા મનમાં આવેલો રોમાંચ. રોમાંચ સાથે જીવવાની આ તક જતી કરવા જેવી નથી, કારણ કે આ જે તક છે એ જ તમારી લાઇફમાં નવું એક્સાઇટમેન્ટ ભરશે અને એ જ એક્સાઇટમેન્ટ તમને ફરીથી બેસ્ટ લાઇફ પ્રોવાઇડ કરશે.
આજનો દિવસ પૂરો એટલે આજના દિવસે જે કર્યું છે એનો બધો હિસાબ પૂરો. હવે આવતી કાલે જે કંઈ થવાનું છે એ બધું નવેસરથી જોવાનું છે, કરવાનું છે. પહેલું સ્માઇલ પણ પહેલી વારનું સ્માઇલ હતું એ જ મુજબનું હોવું જોઈએ અને રાતે વાઇફ સાથે કે પછી ગર્લફ્રેન્ડ સાથે થયેલો ઝઘડો પણ ભૂલીને નવેસરથી પ્રેમમાં પડવાનું છે. પ્રેમમાં પણ નવેસરથી પડવાનું અને પ્રેમ પણ નવેસરથી જ કરવાનો. ઘરની બહાર નીકળવાનું એક્સાઇટમેન્ટ પણ પહેલી વારનું જ હોવું જોઈએ અને કામ કરવાનું હોય એનું એક્સાઇટમેન્ટ પણ પહેલી વાર જેવું જ હોવું જોઈએ. લાઇફ આખી ચેન્જ થઈ જશે જો આ એક ફન્ડાને ઇમ્પ્લિમેન્ટ કરી દીધો. 
ક્યારેય ભૂલવું નહીં કે સાથે કશું રહેવાનું નથી અને સાથે કશું રહેતું નથી, પણ પાછળ જે મૂકીને જઈએ છીએ એ બધેબધું જ હંમેશાં અકબંધ રહે છે અને જે પાછળ રહી જવાનું છે એને બેસ્ટ રીતે મૂકીને જવું છે. એક વખત કરી તો જોજો, સામે મળેલી દરેક વ્યક્તિ સામે આછું એવું સ્માઇલ. અમેરિકામાં મેં આ જોયું છે. તમે ઓળખતા પણ ન હો, પણ જો તમારી આંખ સહેજ પણ એકબીજાને મળે કે તરત જ સામેની વ્યક્તિ તમારી સામે સ્માઇલ કરે. આપણે ત્યાં એ રીતે સ્માઇલ કરવાની તો કોઈ સિસ્ટમ જ નથી રહી, પણ પહેલાં એ હતી, આજે પણ છે; પણ એ જે પહેલી વારનું સ્માઇલ કરે છે તેની પાસે અકબંધ છે. નાનું બચ્ચું ઘરની બહાર જાય તો તે અજાણ્યા સામે પણ સ્માઇલ કરી લે છે. તેને સ્માઇલ કરતું પણ આપણે જ અટકાવી દીધું અને એવું કરીને આપણે આખી સોસાયટીને સોગિયા મોઢાવાળી કરી નાખી. બહેતર છે કે આપણે બગાડેલી સોસાયટી પણ આપણે સુધારીએ અને એ સુધારવા માટે આપણે ઍટ લીસ્ટ એક નિયમ બનાવીએ. રાત ગઈ, બાત ગઈ. નવો દિવસ, નવો આરંભ. આરંભ સાચે જ પ્રચંડ હશે એની હું તમને ખાતરી આપું છું.
દરેક વાતમાં તમને એક્સાઇટમેન્ટ મળશે અને દરેક વાતમાં તમારા મનમાં ખુશી જન્મશે. પહેલી સૅલેરી તમારા હાથમાં આવી ત્યારે તમે ઊછળી પડ્યા હતાને? એવો જ ઉત્સાહ તમારામાં જાગશે જ્યારે તમે સૅલેરીને પહેલી સૅલેરી સમજીને હાથમાં લેશો અને હાથમાં આવેલી એ સૅલેરીમાંથી ઘરે કંઈક લઈ જશો. એવી જ રીતે જેવી રીતે તમે મમ્મી માટે પહેલી સૅલેરીમાંથી સ્વીટ્સ લઈ ગયા હતા અને પપ્પા માટે તમે શૂઝ ખરીદ્યાં હતાં. એવી જ રીતે જેવી રીતે પહેલી સૅલેરી આવ્યા પછી તમે એ મમ્મીના હાથમાં મૂકી હતી. એક વખત, માત્ર એક વખત તમે ફરીથી એ બધું કરી જુઓ. ગૅરન્ટી, તમને મજા આવશે અને તમારી સાથે જોડાયેલી દરેકેદરેક વ્યક્તિને પણ એટલું જ એક્સાઇટમેન્ટ જાગશે. 
પ્રૉમિસ.

 ક્યારેય ભૂલવું નહીં કે સાથે કશું રહેવાનું નથી અને સાથે કશું રહેતું નથી, પણ પાછળ જે મૂકીને જઈએ છીએ એ બધેબધું જ હંમેશાં અકબંધ રહે છે અને જે પાછળ રહી જવાનું છે એને બેસ્ટ રીતે મૂકીને જવું છે. જેથી કોઈ તમને યાદ કરે ત્યારે એ બેસ્ટ વાત સાથે, બેસ્ટ વ્યવહાર સાથે તમે તેને યાદ આવો.


Whatsapp-channel Whatsapp-channel

03 July, 2022 09:53 AM IST | Mumbai | Bhavya Gandhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK