Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ધારો કે કોવિડ-19 આવ્યો ન હોત તો?

ધારો કે કોવિડ-19 આવ્યો ન હોત તો?

01 April, 2021 02:10 PM IST | Mumbai
JD Majethia

વાસ્તવિકતા હકીકત છે, પણ કોઈને એ વાસ્તવિકતામાં રહેવું નથી. વર્તમાન સિવાયના બન્ને કાળ સાથે જીવવાની લોકોને આદત પડી ગઈ છે, પણ એ ત્રણ કાળનો જો સમન્વય કરીને જોવામાં આવે તો લાઇફ સાચે જ રંગીન બની જાય

ધારો કે કોવિડ-19 આવ્યો ન હોત તો?

ધારો કે કોવિડ-19 આવ્યો ન હોત તો?


માણસનો સ્વભાવ છે, તે વાસ્તવિકતાને ઝટ સ્વીકારી નથી શકતો. તમારી તો મને ખબર નથી પણ હું ઘણી વાર વાસ્તવિકતા સાથે ખૂબ-ખૂબ વાતો કરું, અતિશય ચર્ચા કરું અને એ વાતો, એ ચર્ચાના અંતે મારી વર્તમાન પરિસ્થિતિ કેમ સારી છે એના અનુકરણ પર આવું; કારણ કે બહુ સીધી વાત છે કે આપણે જીવવાનું તો વર્તમાન પરિસ્થિતિમાં જ છે અને એમ જ રહેશે. તમે ક્યારેય ભૂતકાળમાં પણ જઈ ન શકો કે ન તો તમે ક્યારેય વર્તમાનને છોડીને ભવિષ્યકાળમાં પણ જઈ શકો. મારો તો આ સ્વભાવ છે, વાસ્તવિકતા સાથે વાતો કરવાનો. ઘણી વાર ઊંઘ ન આવતી હોય ત્યારે ઊંઘવાનો પ્રયત્ન કરવાને બદલે કે પછી બળપૂર્વક સૂવાની કોશિશ કરવાને બદલે મનમાં ચાલતા વિચારોને જવાબ આપીને શાંત પાડું. 
આવતી કાલ માટે જોયેલાં સપનાંઓ વચ્ચે આવતા અવરોધો માણસને બિલકુલ નથી ગમતા હોતા અને રોજબરોજના કામના વિચારો પણ ઘણી વાર જંપવા નથી દેતા એટલે તેમના માટે પણ ચર્ચા કરવી જરૂરી છે, અનિવાર્ય છે. મોટા ભાગના લોકો આ જ બાબતમાં ભૂલ કરી બેસે છે. એ સપનામાં રાચવાનું પસંદ કરે કે પછી ભૂતકાળની સારી વાતોને વાગોળ્યા કરે; પણ વર્તમાનમાં રહેવાને બદલે, વર્તમાનના પ્રશ્નોનું નિરાકરણ શોધવાના બદલે એને ટાળ્યા કરે. 
હું મારા મનમાં આવેલા દરેક પ્રશ્નને શાંતિથી જવાબ આપીને મારી જાતને સમજાવું અને પછી જે સરસ નીંદર આવે કે સીધી સવાર. સવારે વેકઅપ કૉલ આવે પછી જ આંખો ખૂલે. હું ઘણી વાર વાસ્તવિકતા સાથે ચર્ચા કરતો હોઉં તો મને ઘણી વાર હસવું આવે એવું પણ બને. હું એવી ગણતરી માંડું કે જીવનમાં શું હતું, ક્યાંથી શરૂઆત કરી અને જીવનમાં આજે શું-શું છે. નૅચરલી એ બધું જોઈએ, યાદ કરીએ કે પછી લેખાંજોખાં માંડીએ તો સારું ફીલ થાય. આ રમતની સૌથી વધારે મજા ત્યારે આવે જ્યારે હું એમ વિચારું કે ફલાણા વર્ષે આમ કરવાના બદલે મેં આમ કર્યું હોત તો કે પછી પેલા વર્ષે મેં આવું સ્ટેપ લીધું એના બદલે મેં આમ કર્યું હોત કે આમ ન કર્યું હોત તો? તો આજે શું અને કેવી પરિસ્થિતિ હોત અને પછી તો એ દિશા રીતસર ખૂલી જાય કે જો આમ ન થયું હોત તો તેમ પણ ન થયું હોત અને વગેરે-વગેરે. 
આ વિચારો એક અનેરી કલ્પનાની દુનિયામાં લઈ જવાનું કામ કરે અને મારા આવા ગાંડા જેવા વિચારોમાં એવી પણ પરિસ્થિતિ આવે કે હસતાં-હસતાં મન રિલૅક્સ થઈ જાય પણ બીજી એક ખાસ વાત કહું તમને. ઘણી વાર આ પ્રકારના વિચારોની કલ્પનાથી એક સેન્સ પણ આવી જાય કે આપણે જે વિચારી રહ્યા હતા એ શા માટે ખોટું હતું અને આજની વર્તમાન પરિસ્થિતિ એ વિચારો કરતાં કેમ વધારે સારી છે. મારી વાત અત્યારે તમને સીધી જ માનવામાં ન આવે તો તમે ટ્રાય કરજો. વિચારજો દૃઢતા સાથે કે તમારા જીવનમાં થયેલી કોઈ એક ઘટના જો ન થઈ હોત તો તમારા જીવનમાં શું બદલાવ આવ્યો હોત. ઘટનાની જ વાત નથી, એ દુર્ઘટના પણ હોઈ શકે કે એ ન બની હોત તો શું થયું હોત. એ ઘટના કે દુર્ઘટનાને બદલે તમે જે કલ્પના કરતા હોત એ થયું હોત તો તમારા જીવનમાં શું ચેન્જ આવ્યો હતો અને આજે તમારું જીવન કેવું હોત...
વિચારોની બાબતમાં તો આપણને કોઈ પહોંચે નહીં એવું કહું તો અતિશયોક્તિ નહીં કહેવાય, પણ મારે કહેવું છે કે જે વિચારોની બાબતમાં ખુલ્લા ઘોડા સાથે રહે છે તેના જીવનમાં ઘણી રોમાંચક વાતો બનતી રહે છે.
હું જ્યારે પણ કોઈ મોટી મેદનીને સંબોધતો હોઉં અને એ મેદનીમાં જો વધારેમાં વધારે જુવાનિયા હોય ત્યારે એકાદ રમતને મારી વાતમાં લાવીને એને સમજાવવાનો પ્રયત્ન કરું જેથી મારી વાતો લોકોને આસાનીથી સમજાઈ જાય, ગળે ઊતરી જાય. અત્યારે પણ એ જ રીત અપનાવું તમારી સાથે.
મારા જીવનમાં સાપસીડીનું બહુ મહત્ત્વ છે. હું હંમેશાં મને મળેલી કે મારાથી ચુકાઈ ગયેલી સીડીઓને જોઉં કે પછી જે સાપના મોઢામાં આવતાં બચી ગયા હોય એ સાપના મોઢા પર પર મીટ માંડું. આપણને ઘણી વાર એમ લાગે કે આ સીડી આપણા હાથમાંથી એક ડગલા માટે જતી રહી પણ એ સીડી પછીનાં બે ડગલાં ભરાયાં હોત તો સાપ સીધો ૯૮થી સીધો ૧૩ પર લઈ આવ્યો હોત. એમાંથી બચી ગયા જેવી પરિસ્થિતિ પણ જોવી રહી. ઘણી વાર એવા વિચારો કરવાના જે વાસ્તવિકતા નથી પણ આપણી આજની વાસ્તવિકતાને બદલી શક્યું હોત અને હજી બદલી શકે છે. આમાંથી આપણે કરેલી ભૂલો પણ સમજાય અને જેને સુધારીને પણ આપણે આપણું જીવન સુધારી શકીએ. ઘણી વાર આપણી વણસેલી પરિસ્થિતિ માટે આપણે પોતે જ જવાબદાર હોઈએ છીએ. આવું કદાચ પરિસ્થિતિ સર્જાય ત્યારે રિયલાઇઝ ન થાય પણ બહુ ઓપન માઇન્ડેડ વિચારીએ તો જ સમજાય અને પછી વિચારો અમલમાં મુકાય અને આગળ ઉપરાંત પરિસ્થિતિને સુધારી શકાય. આવી અઘરી લગતી વાતોને એક ઉદાહરણથી ભેગી કરવાની કોશિશ કરું છું જેનાથી બધું જ સરળ અને સરસ રીતે સમજાઈ જશે.
ધારો કે, ધારોકે આ કોવિડ-19 એટલે કે આ કોરોના આપણા જીવનમાં આવ્યો જ ન હોત તો? વિચારો જરા કે એ જીવન કેવું હોત અને એમાં કેવા-કેવા ચેન્જ વિના જીવવાની આદત કન્ટિન્યુ રહી હોત. કેટકેટલી કલ્પનાઓ આપણે કરી જ નહોતી. સૅનિટાઇઝર હતાં ખરાં પણ એનો ઉપયોગ થતો નહોતો. માસ્ક નવો નહોતો પણ એનો વપરાશ થતો નહોતો. લૉકડાઉન શબ્દ પણ જીવનમાં આવ્યો નહોતો અને કરફ્યુ માટે તો એવું જ માનવામાં આવતું કે એ તો તોફાનો સમયે જ લાગુ કરવામાં આવે. બીમારી અટકાવવા માટે કરફ્યુ? બને જ નહીં. એવું ધારી પણ ન શકાય, પણ આ હકીકત બની અને એ હકીકતને લીધે જ આજે આપણી લાઇફ જુદી છે.
આ જ વાતને આપણે આવતા ગુરુવારે આગળ વધારીશું અને જોઈશું કે કલ્પના ધારે તો સુખ પણ આપે અને ધારે તો એ ખુશીઓ પણ આપી જાય


Whatsapp-channel Whatsapp-channel

01 April, 2021 02:10 PM IST | Mumbai | JD Majethia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK