Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ભાવમાં રકઝક કરતા નહીં અને ગરીબ બાળકોને પણ યાદ રાખજો

ભાવમાં રકઝક કરતા નહીં અને ગરીબ બાળકોને પણ યાદ રાખજો

26 May, 2022 06:56 PM IST | Mumbai
JD Majethia

મારે મન ઉનાળો એટલે આંબો અને જ્યારે પણ વાત આંબાની આવે ત્યારે હું આ બે સલાહ સૌને આપું. આખું વર્ષ આંબાની માવજત કરતા ખેડૂતભાઈઓ સાથે ભાવની રકઝક કરવાને બદલે તેમને બે પૈસા કમાવા દેજો અને આંબો ખાવાની સાથોસાથ ગરીબોને પણ ખવડાવજો

 ભાવમાં રકઝક કરતા નહીં અને ગરીબ બાળકોને પણ યાદ રાખજો

ભાવમાં રકઝક કરતા નહીં અને ગરીબ બાળકોને પણ યાદ રાખજો


એપ્રિલ અને મે મહિનો આવે એટલે બે મોટાં વળગણ લેતાં આવે. આઇપીએલ અને આંબો. બીજા ઘણાંબધાં છે, પણ સૌથી શિરમોર આ બે છે. આઇપીએલ વરસાદ પહેલાં જ પતાવવી પડે, નહીં તો ક્રિકેટ બોર્ડ પતી જાય. જોકે આંબો થોડો પ્રેમાળ છે. ચોમાસા પછી પણ આપણને અલગ-અલગ જાતથી સ્વાદ અને આનંદ આપતો રહે છે. આઇપીએલમાં જુગાર અને સટ્ટા જેવાં દૂષણો આવ્યાં છે અને એવાં જ દૂષણો આંબામાં પણ છે. 
કેમિકલથી પકાવીને આંબો તૈયાર કરવામાં આવે અને પૈસા કમાવા આપણાં ઘરોમાં એ ઘુસાડવામાં આવે. કેમિકલથી પકાવેલાં ફ્રૂટ્સ કૅન્સર જેવી મોટી બીમારી નોતરી શકે છે એવા ખૂબબધા વીડિયો વૉટ્સઍપ પર ફરતા થયા છે અને તમે જોયા પણ હશે એટલે એના વિશે વધારે લખતો નથી; પણ હા, આવો જ આંબા માટેનો એક વિડિયો મેં જોયો અને હું દંગ રહી ગયો હતો અને એને લીધે જ મને આ લેખ સૂઝ્યો છે. 
તમારા ઘરે આવેલી કેરી સાચી રીતે પાકી છે કે નહીં એની અલગ-અલગ પરખ છે. પહેલાંના સમયમાં કેરીનો વિશ્વાસુ ફ્રૂટસેલર - હા, ફૅમિલી ડૉક્ટરની જેમ ઘણાના પર્મનન્ટ ફ્રૂટસેલર અને સબ્ઝીસેલર હોય છે - એ ઘરે આપી જતો અને આપણે આંખે પાટા બાંધીને આંબાને ઘોળીને પી જતા કે પછી કાપીને ખાઈ જતા. છાલ ઉતારવાનું નામ જ નહીં. ગોટલો પણ બહુ સિફતથી છેલ્લે ચાટી જતા. જોકે આજકાલ આવું શક્ય નથી રહ્યું. ભલભલા ફૅમિલી ફ્રૂટ્સવાળાનો ભરોસો કરી શકાય એમ નથી. ઘણી વાર તો તેમને બિચારાઓને પણ ખબર નથી હોતી.
મૂળ વાત પર આવીએ. તમારા ઘરે કોઈ પણ કેરી બાલદીમાં ધોવા નાખવી અને જોવું કે કઈ કેરી પાણીમાં તરે છે અને કઈ ડૂબે છે. જે કેરી કેમિકલથી પકાવેલી હશે એ તરતી રહેશે અને જે પોતાની રીતે પાકી છે એ તળિયે બેસી જશે. આપણે હવે દરેક કેરીને બને તો ખોલીને જોવી અને પછી સુધારીને ખાવી. જો રસની કેરી હોય તો આખા કરંડિયામાંથી એકાદ-બે કેરીને ટેસ્ટિંગ માટે ખોલીને જોવી જ જોવી. નહીં તો આ કેરી અને કેરીનો રસ કેરીના ભાવ કરતાં પણ વધારે મોંઘો પડી જશે. 
બહુ દુઃખ થાય આ મિશ્રણની વાતો સાંભળીને. બીજું બધું તો ઠીક, પણ આંબામાં ભેળસેળ? 
ગરમીની તકલીફોની સામે વેકેશનની મોટામાં મોટી જો કોઈ હોપ હોય તો આંબો છે. આખા વેકેશનમાં કેરીનાં અથાણાં, ગરમી વધે ત્યારે-ત્યારે આમનો પનો, જમવામાં સુધારેલી કેરી, આમરસ-પૂરી, કેરીનો ફજેતો જેવી વરાઇટી ગરમી સહન કરવાનાં સ્વાદિષ્ટ આકર્ષણો છે. આમનો પનો ખાસ ઘરમાં રાખજો. ગરમીના દિવસોમાં ખાસ પીજો, સાથે લઈ જજો અને કુટુંબમાં લગભગ બધાને પિવડાવવાનો પ્રયાસ કરજો. ગુજરાતીઓ જરા ચેતજો. એ જમાના હવે નથી રહ્યા કે આપણે રોજ કેરીનો રસ ખાઈએ અને આપણને કંઈ ન થાય. બસ, મજા જ મજા આવે જમવાની. દિવસો પહેલાં જેવા નથી રહ્યા. કસરત કે વૉક કે શારીરિક કામો બહુ થતાં નથી. કપડાં ધોવાથી માંડીને સૂકવવા જેવાં કે ચટણી પીસવાથી માંડીને વાસણો ધોવા જેવાં કામો પણ હવે રહ્યાં નથી. ટીવી અને મોબાઇલ જેવાં સાધનોને કારણે જીવન હવે બેઠાડુ બની ગયું છે અને માટે જ આંબો રોજ પચે નહીં. રસ તો ગરમ પડી શકે અને વજન-કૉલેસ્ટોરેલ ખૂબ વધારી દે. આપણાં બાળકોનાં વજનો પણ વધી જાય અને મોઢા પર ગરમી પણ નીકળી શકે એટલે એ બધાના ઇલાજો પણ સાથે-સાથે કરતા રહેવા. આ ઇલાજના ભાગરૂપે જ એક નુસખો સમજાવું છું.
કેરીનો રસ બને તો દૂધમાં બનાવવો. દૂધ એની ગરમી ઓછી કરશે અને આંબામાં રહેલો આમ કબજિયાત ન કરે એની તકેદારી રાખવા માટે એમાં થોડું પાણી પણ ભેળવવું. કોઈના લગ્નપ્રસંગે ગયા હોઈએ ત્યારે રસ કેવી રીતે બન્યો છે એની પળોજણમાં પડ્યા વિના જેટલો ખાવો હોય એટલો ખાઈ લેવો અને પછી ઘરે આવીને બાકીની ચીજોનો ઇલાજ કરવો, કારણ કે રસની મજા એ રસની મજા છે એટલે એ તો લેવી જ લેવી; પણ તકેદારી બધા પ્રકારની રાખવી. બધાને પોતપોતાના ઘરગથ્થુ ઇલાજો ખબર જ હશે એટલે ડૉક્ટર બનવાનું છોડીને મજા કરવાનું સૂચન કરુ છું. આંબાની ખૂબ મજા માણજો, કારણ કે એ એક ફળ એવું છે કે એના સ્વાદની તોલે બીજું કંઈ ન આવે. 
આંબાનો સ્વાદ તો આમ ખાટો, મીઠો, સહેજ અમસ્તો ખટમીઠો હોય છે. આ સ્વાદને વર્ણવી શકાય નહીં. આંબો એટલે આંબો, ફળોનો રાજા. આજકાલ ખૂબ વરાઇટીઓ આવે છે આંબાની. આંબામાંથી બનતી જાતજાતની વરાઇટી અત્યારે યાદ કરું છું તો મોઢામાં પાણી આવે છે. તમે માની ન શકો, કલ્પી ન શકો એવી અને એટલી વરાઇટીઓ હોય છે. જો તમને એના વિશે વધારે ખબર ન હોય તો તમે શોધશો તો તમને મુંબઈમાં પુષ્કળ વરાઇટી મળી જશે. પાર્લા-ઈસ્ટમાં તોસા નામની એક રેસ્ટોરાં છે. એમાં મેં આંબાની વરાઇટીઓની ખૂબ મોજ માણી છે.
નાનપણથી બાપુજીએ ખૂબ આંબા ખવડાવ્યા છે. આફૂસની સીઝન પૂરી થાય એટલે રાજાપુરી, તોતાપુરી, કેસર અને ભાતભાતના આંબા. આંબા જોઈને લેવાની પણ એક કળા છે. લોકોને આવડતું હોય છે આ ફળ લેતાં. હું તો તમને પણ કહીશ કે આ ફળ લેવાની કળા પણ તમે કેળવજો અને આ દિવસોમાં હજી જે સમય બાકી છે એમાં આંબા લાવજો અને બને તો મિત્રોને પણ મોકલાવજો. મહેમાનોને ઘરે બોલાવજો, રસપૂરીનું જમણ ગોઠવજો. થોડા સમય પહેલાં અક્ષયકુમારે નરેન્દ્ર મોદીનો એક ઇન્ટરવ્યુ કર્યો ત્યારે તેણે મોદીસાહેબને પૂછ્યું હતું કે તમને આંબા ભાવે છે? ત્યારે તેમણે કહ્યું હતું કે ગુજરાતીઓ તો કેરીના રસથી દૂર રહે એવું બને જ કેવી રીતે? 
મેં જોયું છે કે નૉન-ગુજરાતીઓ જે છે તેમને આપણા ગુજરાતીઓના આંબાના રસનો બહુ આઇડિયા નથી. જો તમારા ગ્રુપમાં નૉન-ગુજરાતીઓ હોય તો એકાદ મૅન્ગો પાર્ટી તમારા ઘરમાં રાખીને એ બધાને પણ બોલાવજો અને તમારા આ મિત્રોને પણ મૅન્ગો ખાવાની રીત શીખવજો. આજકાલ ઘણા એવા મિત્રો છે જેઓ પોતાના ફાર્મહાઉસમાં આંબા વાવીને એ ફળ તમારા ઘરે મોકલે. આવા આંબા ઘરે આવે ત્યારે બહુ ગમે. આમાં એક નવું નીકળ્યું છે ઑર્ગેનિક રીતે ઉગાડેલો આંબો એટલે કે એક પણ પ્રકારનું કેમિકલ વાપર્યા વિનાનો આંબો. શુદ્ધ અને સાત્ત્વિક ખાતર સાથે બનેલો આંબો. હું મન ખોલીને, દિલ ખોલીને આવા આંબા ખાઉં છું, રસ પીઉં છું. આંબાની મજા જ જુદી છે. ખાસ કરીને શૅર કરીને ખાવાની. પહેલાં એક વ્યવહાર હતો, હજી પણ છે દીકરી અને બહેનોની ઘરે આંબા મોકલવાનો. આ વ્યવહાર તમે ચૂકતા નહીં અને આ જ વ્યવહારની સાથોસાથ તમને બીજી પણ સલાહ આપું.
જો આર્થિક સધ્ધરતા હોય તો દર વખતે બહુ કસી-કસીને આંબા લેતા નહીં. થોડું કમાવા દેજો આખું વર્ષ આંબાની માવજતમાં ખર્ચી નાખનારા આંબા વેચનારાઓને પણ, કારણ કે આંબા વેચનારાને પણ ખુશીથી આંબા ખાવાની મજા આવે. બીજી વાત, તમને લાગે કે કેરી તમને પોસાય એવા ભાવ પર આવી ગઈ છે તો 
તમારી રીતે આંબા ખરીદો પછી બે-ચાર કેરી આસપાસ રમતાં એ આંબાવાળાનાં બાળકોને કે પછી ગરીબ બાળકોને આપી દેજો. ખરેખર તમારા આંબાનો સ્વાદ વધી જશે, એની મીઠાશ પણ બેવડાઈ જશે.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)


Whatsapp-channel Whatsapp-channel

26 May, 2022 06:56 PM IST | Mumbai | JD Majethia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK