° °

આજનું ઇ-પેપર
Saturday, 25 September, 2021


ચાલબાઝ (વાર્તા-સપ્તાહ | પ્રકરણ 4)

29 July, 2021 08:16 AM IST | Mumbai | Rashmin Shah

રોહિતને સંભવનું ખૂન કરવાનું મન થઈ ગયું. દોસ્ત તરીકે જેટલો ભરોસો કર્યો એ તમામ ભરોસો એ માણસે તોડી નાખ્યો.

ચાલબાઝ (વાર્તા-સપ્તાહ | પ્રકરણ 4)

ચાલબાઝ (વાર્તા-સપ્તાહ | પ્રકરણ 4)

રોહિતના દિમાગમાં શૂન્યાવકાશ પથરાઈ ગયો હતો. 
‘નોટિસમાં લખ્યું છે કે તેણે દોસ્તીદાવે મદદ કરી હતી, પણ હવે તમે પૈસા આપવામાં આનાકાની કરો છો. ૭ દિવસમાં એક કરોડ પાછા નહીં આપો તો તે પોલીસ-કેસ કરશે...’
‘હંઅઅઅ...’
‘તમે મને બે ચેકનું કહો છો, પણ નોટિસમાં એક ચેકની વાત છે...’
‘ના, મેં બે આપ્યા છે.’ રોહિતે કહ્યું, ‘ધાર્યું નહોતું કે ખરાબ સમયે તે આવું કરશે...’
‘ઠીક છે, ચિંતા ન કરો...’ શ્વેતાએ રોહિતનો હાથ પોતાના હાથમાં લીધો, ‘તમે બધું ભૂલીને મને એટલું કહો કે હું આમાંથી કોઈ રસ્તો કાઢું?’
‘તારાથી શું...’ 
‘...થવાનું છે એમ જને?’ શ્વેતાએ રોહિતના શબ્દો પૂરા કર્યા, ‘મને ટ્રાય તો કરવા દો. બને કે હું સંભવને સમજાવી શકું અને તે પોલીસ-કેસ ન કરે.’
‘પણ જો વાત બગડી અને શિલ્પાને ખબર પડી તો?’ રોહિતને ચિંતા એ નહોતી કે શ્વેતા સંભવને સમજાવશે કે નહીં, પણ તેને ડર એ હતો કે શ્વેતા રોહિતની તરફેણમાં વાત કરે એનાથી સંભવની કમાન છટકે અને તે રોહિત-શ્વેતાની બધી વાત શિલ્પાને કરી દે, ‘જો એવું થયું તો મારી પાસે બીજો કોઈ રસ્તો નહીં રહે.’
‘બીજો મતલબ...’ 
‘સુસાઇડ સિવાયનો...’
‘પ્લીઝ...’ શ્વેતાએ રોહિતનો હાથ મજબૂતીથી પકડી લીધો, ‘ક્યારેય આવું નહીં બોલવાનું...’
રોહિતની આંખ તગતગવા માંડી હતી.
‘એય, તમે જરા રડોને.’ શ્વેતાનો ચહેરો સહેજ નજીક આવ્યો, ‘રડોને, મારે રડતા બાળકને મનાવવાની પ્રૅક્ટિસ કરવી છે, પ્લીઝ, જરા...’
રોહિત હસી પડ્યો. શ્વેતા ખુશ થઈ ગઈ. 
‘બેસવું છે કે જવું છે?’
‘જઈએ...’
‘કેમ, શિલ્પાભાભી લાકડી લઈને દરવાજે ઊભાં રહેશે.’
‘ના, પણ બેસવું હોય તો અહીં નહીં.’ રોહિતે રેસ્ટોરાંના એક ટેબલ તફર ઇશારો કર્યો, ‘એ જે કપલ છે એ સંભવનાં 
ભાઈ-ભાભી છે.’
‘હવે ક્યાંય નથી જવું.’ શ્વેતાએ રોહિત સામે જોઈને પૂછી લીધું, ‘તમને બીક નથીને?’ 
રોહિતને હા કહેવી હતી, પણ તેના મોઢામાંથી હા નીકળી નહીં.
‘હું એક કામ કરું, અત્યારે જ સંભવને પૂછું કે કાલે તે ફ્રી છે કે નહીં...’ 
શ્વેતાએ મોબાઇલ હાથમાં લીધો એટલે રોહિતે ટચલી આંગળી દેખાડી. 
‘ડોન્ટ વરી, ગો...’
આમ પણ રોહિતે આજે ક્યાં ચિંતા કરવાની હતી. સંભવ-શ્વેતા મળે પછી જ નવી ચિંતાનો ઉદય થવાનો હતો.
lll
‘બન્ને ચેક મારી પાસે છે, તમે ક્યાં છો?’ સવારે શ્વેતાનો ફોન આવ્યો ત્યારે રોહિત ઘરે જ હતો.
‘ઘરે.’ રોહિતે ઘર શેનો કોડવર્ડ હતો એ યાદ કરવાની કોશિશ કરી. ઘર એટલે છાતી કે પછી ઘર એટલે હોઠ. 
‘મારે તમને મળવું છે, તાત્કાલિક...’
‘એનીથિંગ રોંગ?’
‘ના, એવરીથિંગ ઇસ ફાઇન.’ શ્વેતા પાસે ચેક આવી ગયા પછી પણ તે મૂડમાં નહોતી લાગતી. તેણે રોહિત સાથે ઘર કે રસ્તાની કોઈ મજાક નહોતી કરી.
‘પણ વાત તો કર સરખી... તારો મૂડ નથી, કેમ?
‘ના, ના.’ શ્વેતા દબાઈને બોલતી હોય એવું લાગતું હતું, ‘આ તો તમારું વૉઇસ રેકૉર્ડિંગ સાંભળ્યું એટલે...’
‘વૉઇસ રેકૉર્ડિંગ!’ રોહિતનું આશ્ચર્ય વાજબી હતું, ‘શેનું?’ 
‘તમારા દોસ્તને મારી સાથે મૅરેજ કરવાની સલાહ આપતું... ભાઈની ફર્મ મળવાની લાલચ...’ 
ઓહ માય ગૉડ - રોહિતની છાતીમાં સણકો ઊપડ્યો.
સાવ નિર્દોષભાવે સંભવ પાસે બોલાયેલી વાતનો કેવો દુરુપયોગ.
‘શ્વેતા...’
‘તમે ઘરમાં છો, નામ નહીં બોલો.’ શ્વેતાએ રોહિતને અટકાવી દીધો, 
‘પછી તમારું કોઈને મારી નાખવાવાળું રેકૉર્ડિંગ સાંભળ્યું. તમારો કોઈ બહેનપણી સાથેનો વાર્તાલાપ સાંભળ્યો. પછી, પછી બીજી એક છોકરી સાથેનું રેકૉર્ડિંગ સાંભળ્યું. પછી...’
‘તું ક્યાં છો?’
‘ઘરે...’ શ્વેતા રડી પડી, ‘આજે જ બધા રાજસ્થાન ગયા અને મેં આજે જ આ બધું...’ 
‘લિસન, લિસન શ્વેતા. હું ઘરે આવું છું.’
lll
‘મારી પાસે કોઈ ખુલાસો નથી.’ રોહિતની નજર રિમોટ પર હતી, ‘મને ખબર નથી કે હું આવું કંઈ બોલ્યો છું કે નહીં, પણ તેં જ એ રેકૉર્ડિંગ સાંભળ્યું છે એટલે બીજી કોઈ શંકા પણ રાખતો નથી. જો હું બોલ્યો હોઉં તો મારો કોઈ ભાવ એવો હતો નહીં. બને કે સંભવના મનમાંથી આપણા સંબંધ માટેના વિચારો બદલવા ખાતર હું બોલ્યો હોઉં.’
‘મેં તમને કહ્યુંને કે મારે કંઈ 
નથી સાંભળવું.’
‘મારી ખાતર તો સાંભળ...’ રોહિત ઊભો થઈને શ્વેતાની નજીક આવ્યો, ‘હું ખરેખર એવા કોઈ ભાવથી બોલ્યો નથી.’
‘મારે કોઈ ચોખવટ જોઈએ નહીં...’ શ્વેતાનો અવાજ ફરી રડમસ થઈ ગયો, ‘તમારો અવાજ હતો એ. તમે એવું પણ કહ્યું કે હું સાવ ચાલુ ટાઇપની છોકરી છું. આવી છોકરીને પ્લૅટફૉર્મ બનાવી આગળ નીકળવી જવાનું હોય.’
રોહિત ચૂપ રહ્યો.
‘કેમ, હવે જવાબ નથી.’ શ્વેતા પોતાના બેડ પરથી ઊભી થઈ. ‘પેલી બીજી કઈ જેની સાથે તમે સાઇઝની વાત કરતા હતા. શું નામ હતું તેનું?’
સંભવ.
રોહિતને સંભવનું ખૂન કરવાનું 
મન થઈ ગયું. દોસ્ત તરીકે જેટલો 
ભરોસો કર્યો એ તમામ ભરોસો એ માણસે તોડી નાખ્યો. 
રોહિતે શ્વેતા સામે જોયું.
‘આમ નહીં જુઓ મારી સામે. હું સાચે જ રડી પડીશ...’ રોહિતે નજર ન ફેરવી એટલે શ્વેતાએ આંખોની દિશા બદલી, ‘મેં માત્ર તમારે માટેના પ્રેમને કારણે જ આ કામ કર્યું છે. તમારા બન્ને ચેક મારા પર્સમાં છે.’
રોહિત નીચું જોઈ ગયો. શ્વેતાના ચહેરાનો તાપ તે જીરવી નહોતો શકતો.
‘મારા માટે તમને પ્રેમ ન હોય એનો વાંધો નહીં, પણ પ્લીઝ, મારા માટે ખરાબ તો ન બોલો...’ 
‘પ્લીઝ, શ્વેતા...’
‘હું હજી કહું છું, બધું સાંભળ્યા પછી પણ મારી તમારા માટેની ફીલિંગ્સ અકબંધ છે. તમે ચિંતા ન કરતા. હવે ચેકનું ટેન્શન પૂરુંને...’ હીબકાને કારણે શ્વેતા ત્રુટક-ત્રુટક બોલતી હતી, ‘મેં સંભવને રેકૉર્ડિંગ ડિલીટ કરવા કીધું છે, હું એ કામ પણ કરી આપીશ.’ 
‘પ્લીઝ, પ્લીઝ શ્વેતા...’ રોહિત ઊભો થઈને શ્વેતાની સામે આવ્યો, ‘નાઉ સ્ટૉપ...’
રોહિતે શ્વેતાના બન્ને હાથ પકડી લીધા,
‘શાંત, એકદમ શાંત...’
‘આવું શું કામ...’ શ્વેતા રડી પડી, ‘કેવું-કેવું બોલ્યા...’
‘અરે, હું નથી બોલ્યો’ - રોહિતને કહેવાનું મન થયું, પણ તે કહી શકે તેમ નહોતો - જો કહે કે તે મૅરેજની વાત બોલ્યો છે તો પોતે ખોટો પડી જાય. શ્વેતા તર્ક કરી શકે કે હમણાં જ તમે કહેતા હતા કે તમને યાદ નથી અને હવે કહો છો કે હું આટલું જ બોલ્યો છું.
સંભવ.
‘નીચ, હલકટ.’
‘કોણ જાણે બીજું શું-શું તેણે રેકૉર્ડ કર્યું હશે?’
‘સંભવ કહે છે કે જો તમે તેને એક વીકમાં પૈસા નહીં આપો તો તે મારું રેકૉર્ડિંગ ભાઈને અને બાકીનાં રેકૉર્ડિંગ ભાભીને સંભળાવી દેશે.’
ઓહ...
રોહિતના શરીરમાં ધ્રુજારી ભરાઈ ગઈ. ‘ચેક અને પોલીસ-કેસની વાત શિલ્પાને ખબર પડે તો ઘરમાં કકળાટ થાય, પણ રેકોર્ડિંગની વાત, શ્વેતાની વાત ઘર સુધી પહોંચે તો...’
‘ને તોયે હું ટ્રાય કરીશ કે તમને કોઈ પ્રૉબ્લેમ ન થાય...’ 
‘બસ, ચૂપ.’ રોહિતે શ્વેતાને ઢંઢોળી, ‘સાવ ચૂપ.’
અઢળક રડવાને કારણે શ્વેતાના ધ્રુસકા બંધ નહોતા થતા.
‘બેસ...’ રોહિતે શ્વેતાને બેડ પર બેસાડી, ‘પાણી લઈ આવું...’
‘ના...’ શ્વેતાએ રોહિતનો હાથ પકડી રાખ્યો, મજબૂતીથી.
‘આઇ ઍમ સૉરી...’ રોહિત 
શ્વેતાની નજીક આવ્યો. શ્વેતાની 
છાતી હવે રોહિતને સ્પર્શતી હતી, ‘રિયલી, આઇ ઍમ...’
રોહિતના બાકીના શબ્દો સીધા શ્વેતાના મોઢામાં દાખલ થયા.
શ્વેતાએ રોહિતના હોઠ પર પોતાના હોઠ મૂકી દીધા.
રોહિત અહીંથી અટકવા માગતો હતો, પણ ના, શ્વેતાને ના પાડવાની તેની હિંમત નહોતી ચાલી. હવે તો શ્વેતા જ સંભવમાંથી છોડાવી શકે એમ હતી.
રોહિતે ધીમેથી શ્વેતાને ઊંચકી લીધી. 
‘આજે ઘરે આવી ગયા એમ...’ રડવાને લીધે ભારે થઈ ગયેલો શ્વેતાનો અવાજ વધુ સેક્સી લાગતો હતો. 
‘આજે ચેકિંગ છે.’ રોહિતે શ્વેતાના માંસલ ગાલ પર દાંત બેસાડ્યા, 
‘ઑફિસ, ઘર અને ગૅરેજ. બધું ચેક કરવામાં આવશે.’
રોહિતનું શરીર શ્વેતા પર ઢળી ગયું. 
‘એય... આંખ તો ખોલો.’
ના, રોહિતે આંખ નહોતી ખોલી. તેને ડર હતો કે આંખ ખોલશે અને સામે સંભવ ઊભો હશે...
‘સંભવ. તને તો હું છોડીશ નહીં.’
lll
‘ના, તે માનતો નથી...’ શ્વેતાએ સંભવનું નામ લીધું નહીં એટલે રોહિતે ધારી લીધું કે તેની આસપાસ કોઈક છે.
‘હા, પણ શ્વેતા બે મહિના થઈ 
ગયા, યાર.’ 
રોહિતની અકળામણ વાજબી હતી. એક મહિનાથી તો તેણે નેમચંદ જૈનને ત્યાં જવાનું પણ ઓછું કરી નાખ્યું હતું. ‘તેં કહ્યું હતુંને કે આપણે પૈસા આપી દઈએ, પણ એક શરતે. તે બધાં રેકૉર્ડિંગ ડિલીટ કરી નાખે...’
‘હા..’ શ્વેતાએ કહ્યું, ‘તે નથી માનતો...’
‘સારું ત્યારે...’ 
રોહિત પાસે બીજું કશું કહેવા માટે રહેતું નહોતું.
‘તમને કહું છુંને, તમે ટેન્શન નહીં કરો. હું બધું ફોડી લઈશ.’ શ્વેતાએ ધરપત આપતાં કહ્યું, ‘બાય ધ વે, એક ગુડ ન્યુઝ છે, આપું?’
‘હંઅઅઅ...’ 
‘આઇ ઍમ પ્રેગ્નન્ટ...’
‘વૉટ?’ 
રોહિતનો અવાજ ફાટી ગયો. તેને થયું કે હમણાં હૃદય છાતીમાંથી બહાર આવી જશે. એક છોકરી તેનાથી પ્રેગ્નન્ટ થઈ. એક એવી છોકરી જેને ખબર છે કે તે હૅપિલી મૅરિડ છે. ઘરે બે બાળકો છે અને છતાં ગુડ ન્યુઝ આપતાં કહે છે, ‘આઇ ઍમ પ્રેગ્નન્ટ.’
રોહિતની આંખ સામે અંધકાર છવાઈ ગયો. એ અંધકારને ચીરતાં નેમચંદ, શિલ્પા, જેસલ, તોરલ, સંભવ, શ્વેતા તેની આંખ સામે આવ્યાં.
કોઈ ખડખડાટ હસતું, કોઈ 
ધ્રુસકે-ધ્રુસકે રડતું. કોઈ શબ્દશૂન્ય તો કોઈ નિર્લેપ ભાવે.
સામેથી જે કહેવાતું હતું એનાથી રોહિતને કોઈ મતલબ નહોતો. રોહિતે ફોન કટ કરવાને બદલે સીધો સ્વિચ્ડ-ઑફ કરી દીધો.
lll
‘અરે, ક્યારની રાહ જોઉં છું.’ 
‘બૂમાબૂમ તો નહીં કર. જો ગેટ પર. દાખલ થાઉં છું...’
એ જ સમયે બ્લૅક મર્સિડીઝ ગેટમાં એન્ટર થઈ.
‘ખરી છો, તને રાહ જોવડાવવાની મજા આવે છે?! કેટલી રાહ જોઈ છે મેં...’
‘આવ્યો બહુ રાહ જોવાવાળો...’ શિલ્પાએ કહ્યું, ‘મેં રાહ નથી જોઈ કે પછી હું...’
મૉલની સામેથી પસાર થતી લોકલ ટ્રેનના અવાજને કારણે વાત અધૂરી છોડી દેવી પડી.
‘જો, તારા આરાધ્ય દેવ આવ્યા...’ શિલ્પા જોરથી બોલી, ‘પગે લાગી લે.’
સંભવે પસાર થતી ટ્રેનને હાથ જોડ્યા. 
‘ભલું થાજો દેવીમાનું...’ સંભવ શિલ્પાની નજીક આવ્યો, ‘જો આ ન હોત તો તારા કપાતર માટે ખરેખર સુપારી આપવી પડી હોત.’ 
રોહિબતના સુસાઇડને શનિવારે બે મહિના પૂરા થતા હતા.
‘મને તો એમ જ છે કે એ દિવસે તેં જ રોહિતને પાછળથી ધક્કો માર્યો હશે...’
‘ના, કેટલાક ચાલ રમે, કેટલાક રમાડે.’ સંભવે શિલ્પા સામે જોયું, ‘રમનારા અને રમાડનારા બદલાયા કરે, પણ ચાલ ગોઠવનારો તો એક જ હોય.’
‘ઠીક છે, ચાલબાઝ...’ 
શિલ્પાએ સંભવનો હાથ ખેંચ્યો.

સંપૂર્ણ

29 July, 2021 08:16 AM IST | Mumbai | Rashmin Shah

અન્ય લેખો

જમતી વખતે પલાંઠી સારી કે ટેબલ-ખુરશી?

તમારાં ભૂલકાંના નાનકડા હાથમાં ચમચી-કાંટો પકડાવવાને બદલે તેમને નીચે પલાંઠી વાળી ‌તેમના હાથેથી ખાવા દો

24 September, 2021 05:22 IST | Mumbai | Jigisha Jain

શું માત્ર પાંચ મિનિટ ફાળવશો નેચર માટે?

ભલે એને રિસ્પૉન્સ નબળો મળ્યો છે, પણ આ યુવાને જે સહજ રીતે કુદરતના સંવર્ધનને જીવનનો હિસ્સો બનાવ્યો છે એ ખરેખર અનુકરણીય છે

24 September, 2021 05:18 IST | Mumbai | Ruchita Shah

યે બાત સચ હૈ, સબ જાનતે હૈ તુમ કો ભી હૈ યે યકીન

‘દિલ હૈ કિ માનતા નહીં’નું ટાઇટલ-સૉન્ગ હકીકતમાં ‘આશિકી’ માટે તૈયાર કરવામાં આવ્યું હતું, પણ એમાં કોઈ સિચુએશન બનતી નહોતી એટલે ડિરેક્ટર મહેશ ભટ્ટે એ વાપરવાની ના પાડી દીધી અને પછી એનો ઉપયોગ ‘દિલ હૈ કિ માનતા નહીં’માં કરવામાં આવ્યો

24 September, 2021 05:01 IST | Mumbai | RJ Dhvanit Thaker

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK