Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > નમામિ દેવી નર્મ દેઃ

નમામિ દેવી નર્મ દેઃ

20 November, 2022 11:22 AM IST | Mumbai
Alpa Nirmal

અમરકંટક પાસે સાવ નાની સ્ટ્રિંગ સ્વરૂપે નીકળતી મહાસાગર સમી નદી નર્મદા જો પૃથ્વી પર ન હોત તો એની ઉપર સરદાર સરોવર ડૅમ ન બંધાયો હોત, જો એ ડૅમનું નિર્માણ ન થયું હોત તો...

આરોગ્ય વન ગુજરાત નહીં દેખા...

આરોગ્ય વન


અમરકંટક પાસે સાવ નાની સ્ટ્રિંગ સ્વરૂપે નીકળતી મહાસાગર સમી નદી નર્મદા જો પૃથ્વી પર ન હોત તો એની ઉપર સરદાર સરોવર ડૅમ ન બંધાયો હોત, જો એ ડૅમનું નિર્માણ ન થયું હોત તો વિશ્વને વલ્લભભાઈ પટેલનું વિરાટ સ્ટૅચ્યુ ન મળ્યું હોત, જો એ હાઈએસ્ટ પ્રતિમા ન હોત તો આપણને એકતાનગર જેવું વન્ડરફુલ વન્ડરલૅન્ડ ન મળ્યું હોત

મોબાઇલમાં સ્ટૅચ્યુ ઑફ યુનિટી ઍપ્લિકેશન ડાઉનલોડ કરી લેવી. આ ઍપ્લિકેશન દ્વારા ટિકિટ બુકિંગથી લઈ ફોનનંબર, એકતાનગરની ઍક્ટિવિટીની મૅપ સહિતની ડીટેલ્સ મળી જશે.



જો તમે ક્યારેય ડિઝનીલૅન્ડ કે વિદેશમાં માઇલો સુધી ફેલાયેલા કોઈ પણ ઍમ્યુઝમેન્ટ પાર્કની વિઝિટ કરી હશે તો તમને ખ્યાલ હશે કે એકરોના એકરો સુધી વિસ્તરેલા આવા વન્ડરલૅન્ડમાં ચારેકોર ઢગલાબંધ આકર્ષણો હોય છે. બચ્ચાંઓને, યંગ ઍડલ્ટ્સને મોજ કરાવી દે એવા અને મિડલ-એજ્ડ અને વડીલોને ફરી બાળક અને જુવાન બનાવી દે એવી એક સે બઢકર એક રાઇડ્સ અને ઍક્ટિવિટીઓની ભરમાર હોય છે. યસ, આવા જ થીમ પર બન્યું છે, એકતાનગર. કેવડિયા નામે જાણીતા આ મોટા બધા એરિયામાં અનેક નોખાં-અનોખાં અટ્રૅક્શન ડેવલપ થયાં છે અને થઈ રહ્યાં છે, જે ગુજરાતીઓ માટે તો ખરાં, પણ સમસ્ત ભારતીયો માટે નવાં છે અને મસ્ટ વિઝિટ પ્લેસના લિસ્ટમાં સ્થાન પામી રહ્યાં છે.


દુનિયાભરમાં ખ્યાતિ પામેલા સ્ટૅચ્યુ ઑફ યુનિટીની મુલાકાત આપણામાંના ઘણાએ લીધી જ હશે, પરંતુ જાણકારીનો અભાવ હોય કે સમયનો અભાવ, એવાં કોઈ કારણોસર વન્ડરલૅન્ડસમા એકતાનગરના અજુબાઓ ઘણા લોકોએ જાણ્યા નહીં હોય ને માણ્યા નહીં હોય. વેલ, તો આજે આપણે ઊપડીએ સરદાર સરોવરની આજુબાજુ રહેલી એવી રૂપાળી સૃષ્ટિમાં, જે ઇન્ટરેસ્ટિંગ છે, અપીલિંગ છે.

છેલ્લાં થોડાં વર્ષોમાં અનેક રેલવે-સ્ટેશનનાં નામ બદલાયાં, જેમાંનું એક એકતાનગર. ૮ જાન્યુઆરી, ૨૦૨૨એ કેવડિયા રેલવે-સ્ટેશનનું નામકરણ થયું એકતાનગર - ઍન્ડ યસ, અહીંથી જ શરૂ થાય છે એકતાનગરની અદ્ભુત દુનિયા. આ રેલવે-સ્ટેશન આર્કિટેક્ચરનો બેનમૂન નમૂનો છે. હન્ડ્રેડ પર્સન્ટ સેલ્ફ સસ્ટેનેબલ આ સ્ટેશનની અંદર આર્ટ ગૅલેરી છે, તો શૉપિંગ સેન્ટર પણ છે. ના, ના રેલવે-સ્ટેશને મળતી હૉરર અને લવસ્ટોરીની કિતાબોની બુક-શૉપ નહી, બલકે મૉલ જેવું એવું બજાર જે ગુજરાતનાં ગામડાંઓમાં પણ નથી. વેલ, આ પબ્લિક - ગવર્નમેન્ટ પાર્ટનરશિપનો પ્રોજેક્ટ છે, એટલે બધું જ સંપૂર્ણપણે કાયમ ખુલ્લાં જ હોય એવું જરૂરી નથી. પણ એક વાત નોંધનીય છે કે ફુલ્લી ઍર-કન્ડિશન્ડ આર્ટ ગૅલેરીમાં ગુજરાતની પ્રખ્યાત કળાઓના મસ્ત-મસ્ત નમૂનાઓ છે. વળી, અહીં એ કળાની વર્કશૉપ, સંવાદ વગેરે પણ યોજાય છે. હા, ફૉરેનના રેલવે કે મેટ્રો સ્ટેશનના પરિસરમાં વિધ-વિધ પ્રોગ્રામ, વર્કશૉપ થતાં હોય એ જ રીતે.


નાઉ વેલકમ, ટુ ધ એકતાદ્વાર. તમે અહીંથી એકતાનગરમાં પ્રવેશો એટલે તમને સામી જ નજરે પડે આપણી ધોરી નસસમી વિશાળ નર્મદા અને નર્મદાતટની બેઉ બાજુ આભૂષણો જેવાં વિધ-વિધ પાર્ક અને ઍક્ટિવિટી. હવે, પહેલાં ક્યાં જવું અને પછી ક્યાં એ તો તમારી ચૉઇસ અને લાઇકિંગ ઉપર છે, પણ અમે અહીં જણાવીએ છીએ કે નર્મદાના આ ખજાનામાં શું-શું છે? આપણે લેટેસ્ટ ઓપન થયેલી ડિનો ટ્રેઇલથી મંગળાચરણ કરીએ. ડાયનાસૉરની ઉત્પત્તિ ક્યારે થઈ? કયા પ્રકારનાં ડાયનાસૉર હતાં? એમનું ગુજરાત કનેક્શન શું? જેવી માહિતી આપતા આ ઇન્ફો-કમ-એન્ટરટેઇનમેન્ટ પાર્કમાં બચ્ચાંઓને વિજ્ઞાન અને ઇતિહાસ ભણવા મળશે, સાથે ડાયનાસૉરની ૩ જાયન્ટ પ્રતિકૃતિ પણ જોવા મળશે. દિવસના ભાગમાં તો આ સુંદર લાગે જ છે, પણ રાત્રે પણ અહીં લાઇટિંગ પણ થાય છે.

બચ્ચાંઓને હેલ્થ અને ન્યુટ્રિશિયનનો  પાઠ ભણાવતો ન્યુટ્રિશિયન પાર્ક દુનિયાનો ફર્સ્ટ ટેક્નૉલૉજી પર ચાલતો પાર્ક છે. ૩૫ હજાર સ્ક્વેરમીટરમાં સ્પ્રેડ થયેલા આ પાર્કમાં કયા પ્રકારનો ખોરાક કયાં વિટામિન્સ, મિનરલ્સ આપે છે એ અવનવા પ્રોજેક્ટ્સ, પિક્ચર્સ મારફતે દર્શાવાયું છે. ટિફિન-બૉક્સ, છાશ વલોવવાનું વલોણું, ફ્રૂટ-બાસ્કેટ જેવા એકસાઇટિંગ આકાર ધરાવતા બિગ બ્લૉક્સમાં બચ્ચાંઓ સાથે બડે લોગનું એજ્યુટેઇનમેન્ટ પણ થાય છે. અહીં ટ્રેન રાઇડ પણ છે, તો મિરર મેઝ પણ છે. સાથે ‘ભુલભુલૈયા’ સિનેમાનો 5ડી શો ઇઝ માઇન્ડ બ્લોઇંગ. આ આખોય એરિયા એવો કલરફુલ અને હૅપી વાઇબ્સથી ભરપૂર છે કે ખરા અર્થમાં વડીલો અને જુવાનિયાઓ બચ્ચાં બની જાય છે.

ન્યુટ્રિશન પાર્કની વાત આપણે કરી એ પછી અનધર હેલ્થ પાર્ક છે આરોગ્યવન. ૧૭ એકરમાં ફેલાયેલા આ વનમાં આયુર્વેદની ઔષધિઓના છોડવા તેમ જ વૃક્ષો છે. કઈ ઔષધિ કયા રોગમાં કામ આવે છે એ જ્ઞાન સાથે અહીં ભારતનું યોગશાસ્ત્ર, પ્રાચીન શુશ્રૂષા પદ્ધતિઓનો પરિચય અપાયો છે અને આપણી આ પ્રાકૃતિક ચિકિત્સા રીતથી તમે પ્રભાવિત થયા હોવ તો વિવિધ ટ્રીટમેન્ટ આપતું કેરળનું આયુર્વેદિક સેન્ટર પણ ત્યાં છે. જ્યાં ૧ દિવસ, ૨ કલાક, ૪ કલાક, અડધો કલાકની વિવિધ ટ્રીટમેન્ટ થાય છે. આ વનનું વાતાવરણ એટલું શાતાદાયક છે કે માણસ આપોઆપ શાંતિ અનુભવે છે. આરોગ્યવન સાથે વિશ્વવન પણ જોવા જેવું છે. ૫ એકરમાં ફેલાયેલા આ ગ્લોબલ ફૉરેસ્ટમાં સાતેય ખંડના ૬ હજાર જેટલા પ્લાન્ટનું વાવેતર છે. કોઈ પણ દેશનાં ફૂલ હોય કે ઝાડ, છોડ હોય કે હર્બ્સ, બધાંની હાજરી વિશ્વવનમાં છે. ‘વર્લ્ડ ઇઝ સો સ્મૉલ’ અજાણ્યા માણસોને બીજી વખત મળતાં બોલાઈ જતું આ વાક્ય આ વનને જોઈને સ્ફુરે છે. યુનિટી ઑફ બાયોડાયવર્સિટીના પ્રતીક જેવા આ વનની મુલાકાત પછી ખ્યાલ આવે છે કે, આ આખોય વિસ્તાર ડેવલપ કરવામાં કેટલું મોટું વિઝન અને કેટલી મહેનત જોઈએ. વૅલી ઑફ ફ્લાવર્સ પણ આ વિસ્તારનું વન મોર અટ્રૅક્શન છે. નર્મદાના કિનારે-કિનારે ૧૭ કિલોમીટરના લાંબા પટ્ટામાં જાણે કલર્સનો દરિયો વહે છે. મોટા ભાગે બારે મહિના ખીલેલા રહેતા હોય એવા ૩૦૦ જાતિના ૪૦ લાખથી વધુ ફ્લાવર પ્લાન્ટ અહીં વવાયા છે. આ આખાય વિસ્તારનું લૅન્ડસ્કેપ એવું બેનમૂન છે કે સેલ્ફી લેવાની મજા પડી જાય છે.

‘ગુનગુના રહે હૈ ભંવરે ખિલ રહી હૈ કલી કલી...’ કળીઓ ખીલે કે ના ખીલે, અહીંના બટરફ્લાય ગાર્ડનમાં અનલિમિટેડ પતંગિયાંઓનો પમરાટ ચોવીસે કલાક ચાલુ રહે છે. ૧૦ એકરમાં ૧૫૦ જાતના પ્લાન્ટ પર ૧૫૦ જાતિનાં અસંખ્ય બટરફ્લાયે અહીં કાયમી નિવાસસ્થાન બનાવી દીધું છે. કુદરતની આ કમનીય કરામત જોઈને આમ તો ધરવ થાય જ નહીં, પણ નજીકમાં જ રહેલો કૅકટસ ગાર્ડન જ્યારે તમને સાદ દેતો હોયને, તો ચરણ આપોઆપ ત્યાં વળી જાય. કાંટા આમ તો હિંસક, પણ અહીં ૬૦૦ જાતિના કાંટાળા થોર જોઈને આંખો અચંબાથી પહોળી થઈ જાય છે. ૨૫ અલગ-અલગ દેશોમાંથી લવાયેલી આ વરાઇટીમાંથી અમુક કૅક્ટસ ૨૫ એકરની ઓપન લૅન્ડમાં છે તો અમુક કૅક્ટસને વિશાળ ડોમમાં પનાહ આપી એને માટે યોગ્ય વાતાવરણ ક્રીએટ કર્યું છે. હવે આરોગ્યવન ને વિશ્વવન કે પછી કૅકટસ ને બટરફ્લાય ગાર્ડન અને પેલા વૅલી ઑફ ફ્લાવર્સનાં ફૂલો ને છોડવાઓ, ને પ્લાન્ટ જોઈ એમને સાથે લઈ જવાનું મન લલચાય તો અહીં એકતા નર્સરી પણ છે જ, જ્યાં ૩ લાખથી વધુ જાતની કલમો, છોડ અવેલેબલ છે. સ્થાનિક સ્ત્રીઓ દ્વારા માવજત થતા આ છોડવા ઉપરાંત અન્ય ઈકોફ્રેન્ડલી પ્રોડક્ટ્સ પણ અહીં મળશે અને હા, પ્લેન્ટી ઑફ હૅન્ડિક્રાફ્ટસની આઇટમ્સ પણ ખરી. ઈકો-ટૂરિઝમનો શોખ હોય તો ખલવાણી અને ઝરવાણીમાં એ પણ સગવડ છે. ૩૨ એકરના વિશાળ પટમાં રહેવાના ટેન્ટ, ટ્રી-હાઉસ સાથે ચિલ્ડ્રન પ્લે એરિયા, કૅમ્પફાયર ઝોન, રેપલિંગ, ઝિપ-લાઇન, ક્લાઇમ્બિંગ વૉલ જેવી ઍક્ટિવિટી સાથે સાઇક્લિંગ ટૂર, રિવર રાફ્ટિંગ પણ થાય છે. આ ફૉરેસ્ટ લૅન્ડમાં આવી હિમાચલ પ્રદેશ કે ઉત્તરાંચલની કોઈ હિલ સાઇટ પર આવ્યા હોઈએ એવું લાગે. જોકે, જમણમાં ગુજરાતી સ્વાદ હોય એટલે યાદ આવે કે લે, આ તો મારું ગુજરાત, આપણું ગુજરાત!

કુદરતના જાત-જાતના કરિશ્મા જોયા, હરિયાળી, ફૂલપત્તી, પતંગિયાંનેય મળ્યા તો હવે પ્રાણીસૃષ્ટિ કેમ નહીં? એના માટે હાજર છે પેટિંગ ઝોન જ્યાં કાયમી હોળીના રંગોથી રંગાયેલા હોય એવા સાઉથ અમેરિકા, ઑસ્ટ્રેલિયા, આફ્રિકા, અગ્નિ એશિયાઈ દેશોના વતની મકાઉ, પોપટ, કુકુ, સ્વૅન જેવાં લૉટ્સ ઑફ પક્ષીઓ છે. ઍન્ડ ઍન્ડ ઍન્ડ વાર્તામાં ટ્વિસ્ટ એ છે કે એમને આપણે પાંજરામાં પુરાયેલાં નથી જોવાનાં, આપણે એમને મળવા એમના પાંજરામાં જવાનું છે. મોટી જાળી જેવા પ્રોટેક્ટેડ એરિયામાં રહેતા આ વિહંગો એટલાં હ્યુમન-ફ્રેન્ડલી છે કે એ તમારા માથે, ખભે, હાથ પર બેસીયે જાય. ને તમે એમને જોયા કરો, નજીક જાવ, ફોટા લો, ધે ડોન્ટ માઇન્ડ. એ જ રીતે ગાય, ઘોડા, સસલાં, બતક જેવાં પક્ષીઓ સાથે પણ આપણે ગેલ કરી શકીએ. ધીસ ઇઝ રિયલી અલ્ટિમેટ એક્સપિરિયન્સ. આ ઝોનના જ સેકન્ડ ફેઝમાં ૩૭૫ એકરમાં જંગલ સફારી છે, જેમાં અત્યારે જંગલી, શાકાહારી સહિત ૧૦૦ જેટલી જાતિનાં ૧૧૦૦થી વધુ ઍનિમલ્સ છે. ઝેબ્રા, ગેંડો, જિરાફ, દીપડો, સિંહ, ઇમુ બર્ડ, સાબર, કાંગારૂ, હરણ, મન્કી... પ્રાઇમરી ધોરણની ઍનિમલ્સ બુકમાં જેટલાં પ્રાણી હોય એ બધાં તો અહીં છે. હા, અમુકને નજીકથી ભાળી શકાય છે તો અમુકને કાચના બેરિયરમાંથી. હજી અહીં કામ ચાલુ છે એટલે ભવિષ્યમાં બીજાં પ્રાણીઓ અહીં વસે તો કહેવાય નહીં. બાકી આ સફારી તો કહેવું પડે બૉસ!

શિયાળાના ટૂંકા દિવસોમાં સૂર્યાસ્ત જલદી થઈ જાય અને અંધારું થતાં અહીં કરવું શું? એ પ્રશ્નોનો જવાબ છે, લેઝર ઍન્ડ સાઉન્ડ શો. સ્વાતંત્ર્ય સંગ્રામ અને રાજા-રજવાડાંઓના વિલીનીકરણમાં ભારતના પ્રથમ ગૃહપ્રધાન વલ્લભભાઈ પટેલનું જે યોગદાન છે એનો દૃશ્ય-શ્રાવ્ય શો લાઇટ અને મ્યુઝિક સાથે જ્યારે સ્ટૅચ્યુ ઑફ યુનિટી ઉપર લેઝર ટેક્નૉલૉજી દ્વારા રજૂ થાય છે ત્યારે આપણી છાતી ગૌરવથી ફાટફાટ થાય છે કે આ મહામાનવ ગુજરાતી હતા. સોમવાર સિવાય સપ્તાહની ૬ રાતે થતો આ શો જોઈ રગે-રગે દેશદાઝ છલકે છે. સાથે આખા એકતાનગરના ડેવલપમેન્ટ ઉપર ઓવારી જવાય છે. અરે થોભો હજુ, પેલો યુનિટી ગ્લો ગાર્ડન જોવાનો બાકી છે. એલઈડી લાઇટ્સ વડે અહીં અનેક ઇનસ્ટૉલેશન ઊભાં કરાયાં છે. પ્રાણી, પક્ષીઓ સાથે બીજી આકૃતિઓના ફિગર્સ અહીં ગ્લો કરે છે તો ઍપ્ટિકલ ઇલ્યુઝનની ટેક્નિક દ્વારા બનાવેલો ફાઉન્ટન તો અનબિલિવેબલી બ્યુટિફુલ છે. ‘રાત બાકી છે અને બાત પણ બાકી છે.’ એકતાદ્વારથી સરદાર સરોવર ડૅમ જતો સાડાઆઠ કિલોમીટરનો મુખ્ય માર્ગ રાત પડતાં જ વાઇબ્રન્ટ લાઇટ્સથી ઝળહળી ઊઠે છે. નિયોન લાઇટો વડે અહીં સુંદર કમાનો, વૃક્ષો, પક્ષીઓનાં આર્ટવર્ક્સ બનાવ્યાં છે. હૅપી સ્ટ્રીટનો કન્સેપ્ટ ધરાવતી આ લાઇટ ફૅન્ટૅસ્ટિક અને મનમોહક તો છે જ, સાથે એક યાદગાર સંભારણું આપે છે.

સમ યુઝફુલ પૉઇન્ટ્સ

સ્ટૅચ્યુ ઑફ યુનિટી અને એકતાનગરનાં બધાં જ આકર્ષણો એક જ ટૂરમાં સાથે જોવા, જાણવા, માણવા હોય તો અહીં કમસે કમ ટૂ નાઇટ્સ, થ્રી ડેઝનો પ્રોગ્રામ કરવો જોઈએ. બે પૂરા દિવસમાં પણ બધું કવર થઈ શકે, કારણ કે પાર્ક સવારે સાતથી સાંજ સાત વાગ્યા સુધી ખુલ્લો રહે છે.

એકતાદ્વારથી સરદાર સરોવર ડૅમ સુધીના ૧૮ કિલોમીટરમાં એક જગ્યાથી બીજી જગ્યાએ જવા થોડા-થોડા સમયે ફ્રી બસો મળે છે. ‘હોપ ઇન હોપ ઑફ’ જેવી સર્વિસ ધરાવતી આ ઇલેક્ટ્રિક બસીસ સર્કયુલર ફરતી રહે છે. બસમાં ન જવું હોય તો ટુક-ટુક જેવી પિન્ક ઈ-રિક્ષા પણ મળે છે. સ્થાનિક લેડીઝ દ્વારા ચલાવાતી આ રિક્ષામાં ૩ વ્યક્તિ બેસી શકે છે અને એનું ભાડું એક પૉઇન્ટથી બીજા પૉઇન્ટ સુધી ફિક્સ ૧૦૦ રૂપિયા છે.

જો તમે અંદર જ કોઈ હોટેલ, ટેન્ટસિટી કે સર્કિટહાઉસ, ગેસ્ટહાઉસમાં રહેવાના હો તો તમે દરેક જગ્યાએ પોતાનું વાહન લઈ જઈ શકો છે, અન્યથા બહાર પાર્કિંગમાં જ રાખવાનું રહે છે.

એકતાનગરમાં ઝરવાણી, ખલવાણી, ટેન્ટસિટી-૧/૨, સર્કિટહાઉસમાં રહેવાની સગવડ છે, તો ગેટની બહાર સ્ટાર હોટેલોથી લઈ બજેટેડ હોટેલો પણ છે. એ જ રીતે અનેક ઠેકાણે કૅફે, ફૂડ પ્લાઝા, રેસ્ટોરાં પણ છે.

ચોમાસું હોય, શિયાળો હોય કે ઉનાળો. અહીં નદીકિનારો અને ચારેકોર હરિયાળી હોવા છતાં સૂરજનો તપારો તેજ રહે છે આથી છત્રી, ટોપી, ગોગલ્સ સાથે રાખવાં વાઇઝ ડિસિઝન બની રહેશે.

નર્મદા નદીના લેકમાં નૌકાવિહાર પણ થાય છે. શાંત પાણીમાં હળવે ચાલતી મોટી મોટરબોટ ‘હઈસો હઈસો’ ટૂરમાં રિલૅક્સ કરે છે. ઍન્ડ યસ, સાંજે અહીં નર્મદાઘાટે આરતી પણ થાય છે.

શિવપુત્રી નર્મદાની આરતી ભલે હરિદ્વાર, બનારસ કે મથુરા જેવી ભવ્ય નથી, પણ સમસ્ત માહોલ પવિત્ર અને પાવન કરી દે છે. શિવભક્તો માટે અહીં શૂલપાણેશ્વરનું દેવાલય પણ છે, ‘મથ્થા ટેક આના.’ 

માઇન્ડ ઇટ

આ આખું સંકુલ એવું ચોખ્ખું અને વ્યવસ્થિત છે કે તમને જ જ્યાં ત્યાં કચરો કરવાનું કે પાન-માવાની પિચકારી મારવાનું મન જ નહીં થાય.

અહીં દરેક અટ્રૅક્શનની ટિકિટ સેપરેટ છે, જે ટિકિટ-વિન્ડો અથવા ઑનલાઇન લઈ શકાય. ‘આવું કેવું! દરેક વસ્તુના અલગ પૈસા ચૂકવવાના’ જેવી કચકચ કરતી વખતે યાદ કરજો કે આવાં અટ્રૅક્શન જોવા ડૉલર્સ ખર્ચી નાખતાં જરાય જીવ નહોતો કચવાયો. કેમ, જાણે આપણી મેન્ટાલિટી જ એવી છે કે હાય હાય દેશમાં (ગુજરાત)માં કંઈ આટલા પૈસા હોતા હશે?’

એકતાનગર ધીરેધીરે ડેવલપ થઈ રહ્યું છે. મેની ટાઇમ્સ અહીં કામ ચાલતું હોય, મેઇન્ટેનન્સ માટે કે બીજાં કોઈ કારણોસર જે-તે અટ્રૅક્શન બંધ હોય અથવા પાર્ટલી ખુલ્લું હોય એવું બનવું સ્વાભાવિક છે.

સ્ટૅચ્યુ ઑફ યુનિટી અને એકતાનગર સોમવારે બંધ રહે છે.

Whatsapp-channel Whatsapp-channel

20 November, 2022 11:22 AM IST | Mumbai | Alpa Nirmal

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK