Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આ ટોળા-બહાદુરોને કાયદો સમજાવો!

આ ટોળા-બહાદુરોને કાયદો સમજાવો!

26 June, 2022 01:10 PM IST | Mumbai
Dr. Dinkar Joshi

થોડાં વર્ષો પહેલાં સર્વોચ્ચ અદાલતે એવો આદેશ આપ્યો હતો કે આવી ભાંગફોડથી જે નુકસાન થાય એ નુકસાન આવું આંદોલન કરનારા નેતાઓ કે પક્ષોએ ભરપાઈ કરી આપવું જોઈએ. આમ છતાં સર્વોચ્ચ અદાલતના આ આદેશનો સરકાર અમલ કરાવી શકી નથી

પ્રતીકાત્મક તસવીર

ઉઘાડી બારી

પ્રતીકાત્મક તસવીર


જ્યાં વિરોધ હોય ત્યાં સંવાદ હોઈ શકે. ક્યાંય પણ સમજફેર થતી હોય ત્યાં એનું નિરાકરણ થઈ શકે. બધા પક્ષોને બધો ફાયદો મળે એવું તો ન જ થઈ શકે અને જેમને વર્તમાન લાભ મળે છે એમને વધુ પડતું નુકસાન ન થાય એવી કશીક યોજના પણ થઈ શકે. મોટા ભાગે બને છે એવું કે તેમની પાસે તર્ક કે વિચારણા નથી હોતી અને વિરોધ કરવા પાછળ ગણતરી જુદી હોય છે. 

વાત નાની હોય કે મોટી, કોઈ પણ વર્તમાન કાર્યપદ્ધતિમાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ આવે કે તરત જ એમાં મતભેદ થવાનો. આ મતભેદ માટે બંને પક્ષો પોતાનો નહીં પણ બીજાનો લાભ આમાંથી થાય છે એવી દલીલ કરવાના અને આ દલીલ માટે જાત-જાતનાં અને ભાત-ભાતનાં ભૂતકાલીન અને વર્તમાન ઉદાહરણો પણ આપવાના. બંને પક્ષોમાં જે કહેવાતું હોય છે એ બધું સાચું નથી હોતું, પણ પોતે જે કહે છે એ સાચું જ છે એવું જોરશોરથી રજૂ કરે છે. આ જોરશોર દ્વારા ઝાઝું કંઈ ઊપજતું નથી ત્યારે તોડફોડ શરૂ થાય છે. ઘરમાં પતિ હોય કે પત્ની, માતા હોય કે પિતા, પુત્ર હોય કે પુત્રી - પોતાનું ધાર્યું કરાવી શકતાં નથી ત્યારે વાસણના ઘા કરે છે અથવા બારીબારણાં જોરદાર રીતે પછાડે છે. બારીબારણાં પછાડવાથી કે વાસણોનો ઘા કરવાથી પોતાની વાત સાચી નહીં કરી જાય એટલું બુદ્ધિપૂર્વકનું સમજવા છતાં આવું બને છે. 



મોટા ભાગે એવું થાય છે કે જે કાર્યપદ્ધતિ ચાલતી હોય એનાથી અમુક માણસો ટેવાઈ ગયા હોય છે. આ ટેવને કારણે તેમને ફાયદો પણ થતો હોય છે. હવે જો નવી પદ્ધતિ દાખલ થાય તો તેમને ન ફાવે. નવી પદ્ધતિથી બીજા એક મોટા વર્ગને ફાયદો થતો હોય અને આમ લાભના પ્રશ્ને ખેંચતાણ શરૂ થઈ જાય છે. હમણાં ભારત સરકારે અગ્નિપથ નામની એક લશ્કરી ભરતીની જાહેરાત કરી. આ લશ્કરી ભરતીથી બધાને બધો જ ફાયદો થાય એવું તો ન જ બને. વર્તમાન પદ્ધતિને કારણે જેને લાભ થતો હોય એવો એક વર્ગ હોય જ છે. એટલું જ નહીં, નવી પદ્ધતિથી પોતાને ખાસ લાભ નહીં મળે એવી ધારણાથી વિરોધ કરનારાઓનો વર્ગ ઊભો થઈ જાય છે. આ અગ્નિપથ યોજના શું છે અથવા કેવી છે એની વિગતવાર વાત નથી કરવાના, પણ અહીં આપણે વિરોધ કરવાની પદ્ધતિ વિશે ચર્ચા કરવી છે.


વિરોધ એટલે વિરોધ, ભાંગફોડ નહીં 
અગ્નિપથ યોજનાના વિરોધીઓએ ગાડીઓ બાળી નાખી, એન્જિનો સળગાવી દીધાં, સેંકડો રેલવે ગાડીઓની અવરજવર રોકી દીધી. આમ કરવાથી આ અગ્નિપથ વિશે કંઈ ચર્ચા તો થઈ શકે જ નહીં. જ્યાં વિરોધ હોય ત્યાં સંવાદ હોઈ શકે. ક્યાંય પણ સમજફેર થતી હોય ત્યાં એનું નિરાકરણ થઈ શકે. બધા પક્ષોને બધો ફાયદો મળે એવું તો ન જ થઈ શકે અને જેમને વર્તમાન લાભ મળે છે એમને વધુ પડતું નુકસાન ન થાય એવી કશીક યોજના પણ થઈ શકે. જોકે મોટા ભાગે બને છે એવું કે તેમની પાસે તર્ક નથી હોતો, વિચારણા નથી હોતી અને વિરોધ કરવા પાછળ ગણતરી જુદી હોય છે. આવા લોકો આ ભાંગફોડમાં ઊતરી પડે છે. એન્જિન કે રેલવે ગાડીઓ બાળી દેવાથી મૂળ આયોજનની વાત થઈ શકે નહીં. એમાં સુધારણા કે વિચારણા પણ થઈ શકે નહીં. જોકે બને છે એવું કે જેમના પેટમાં દુખે છે તેઓ પેટની દવા કરવાને બદલે માથું કૂટવા માંડે છે. 

થોડાં વર્ષો પહેલાં સર્વોચ્ચ અદાલતે એવો આદેશ પણ આપ્યો હતો કે આવી ભાંગફોડથી જે નુકસાન થાય એ નુકસાન આવું આંદોલન કરનારા નેતાઓ કે પક્ષોએ ભરપાઈ કરી આપવું જોઈએ. આ આદેશ અત્યંત બુદ્ધિપૂર્વકનો અને શેરીના નેતાઓને બેઉ હાથ પકડીને રોકી શકે એવો હતો. આમ છતાં સર્વોચ્ચ અદાલતના આ આદેશનો સરકાર અમલ કરાવી શકી નથી. જે કાયદાનો અમલ કરાવી શકાય નહીં એ કાયદો માત્ર કાયદાપોથીમાં જ હોય તો એનો અર્થ શું છે? એક સાવ નાનકડી વાત. નગર અને ઉપનગરોમાં રાજકીય પક્ષો તો ઠીક, સાવ મામૂલી સંસ્થાઓ સુધ્ધાં પોતાના ધંધા જ્યાં-ત્યાં લગાવી દે છે. આ હોર્ડિંગ લગાવવા માટે પરમિશન લેવી જોઈએ. ફાલતુ નેતાઓના ચેલાઓ હોર્ડિંગ લટકાવીને ચારે બાજુ ચિતરામણ કરી મૂકે એ ગેરકાનૂની છે. 


કાયદાનો અમલ શા માટે નથી થતો?
સામાજિક વ્યવસ્થા માટેના આવા કાયદા અદાલત ઘડી કાઢે છે. આ ઉપરાંત સરકાર પણ આ વિશે કોઈક ને કોઈક પદ્ધતિ અમલમાં મૂકે છે. બને છે એવું કે જેમણે આ કાયદાઓનો અમલ કરવાનો છે તેઓ વ્યવહારમાં એનો અમલ કરવામાં ઓછો રસ ધરાવતા હોય છે. આ ઓછા રસનું કારણ તેમનો પોતાનો લાભ હોય છે. આ ઉપરાંત ટોળાને એકત્રિત કરીને ઉશ્કેરી મૂકવાની એક આવડત પણ હોય છે. હકીકતમાં જેઓ જુઠ્ઠા અને નબળા છે તેઓ ટોળાંનું નિર્માણ કરે છે. ટોળું ક્યારેય સમજદાર અને બૌદ્ધિક હોતું નથી. જેઓ સામાન્ય જીવનમાં સમજદાર કે બૌદ્ધિક હોય છે તેઓ પણ ટોળાનો એક ભાગ બનીને પોતાની બહાદુરીનો એક સંતોષ લઈ લેતા હોય છે. 

થોડાં વર્ષો પહેલાં ચર્ચગેટ સ્ટેશનના પ્લૅટફૉર્મ પર એક સાંજે એક નાનકડું ટોળું કોઈ એક માણસને ધબેડી રહ્યું હતું. આ ધબેડનારાઓમાં મારા એક વડીલને પણ મેં જોયા. મેં તેમનો હાથ પકડી લીધો અને પૂછ્યું, ‘કાકા શું કરો છો? આ માણસનો શું વાંક છે?’ 

‘તેનો શું વાંક છે એની તો મને ખબર નથી. આ લોકો તેને કેમ મારે છે એ તો હુંય જાણતો નથી.’ કાકાએ ખુલાસો કર્યો.

‘પણ તો પછી તમે શું કામ તેને મારી રહ્યા છો?’ મેં પૂછ્યું.

‘જો ભાઈ.’ કાકા બોલ્યા, ‘કોઈની ઉપર હાથ ઉપાડવાની બહાદુરી મારાથી ક્યારેય થઈ શકી નથી. આવો મોકો ક્યારેક મળી જાય ત્યારે બહાદુરી દેખાડી દેવી.’ કાકા હસતાં-હસતાં બોલ્યા.

આમ ટોળા-બહાદુરો અસલ વાતને સમજ્યા કે જાણ્યા વિના ભાંગફોડ કરતા હોય છે અને આ ભાંગફોડ કરવામાં તેમના નેતાઓને રસ પડતો હોય છે. મૂળ સમસ્યા ઉકેલવામાં તેમને કોઈ રસ નથી હોતો.

૧૯૨૧નું અસહકાર આંદોલન
ગાંધીજીએ કૉન્ગ્રેસમાં દાખલ થઈને સ્વતંત્રતાની લડતને એક નવી જ દિશા તરફ વાળી હતી. અત્યાર સુધી આ લડત નેતાઓની ચર્ચા-વિચારણા, આવેદનપત્રો, પ્રતિનિધિમંડળો એવી રીતે થતી હતી. ગાંધીજીએ લોકોને શેરીઓમાં ઊતરીને લડત કરવાનું કહ્યું. લોકોનાં ટોળાંઓને શેરીઓમાં ઉતારવાથી લડત અનિયંત્રિત થઈ જશે અને ટોળાંઓને શિસ્તબદ્ધ રાખવા ભારે મુશ્કેલ છે એવું માનીને કૉન્ગ્રેસના બીજા નેતાઓ જેમ કે મોતીલાલ નેહરુ, ચિત્તરંજનદાસ, મોહમ્મદઅલી જિન્નાહ બધાએ આનો વિરોધ કર્યો. તેમનું કહેવું હતું કે ‘જો એક વાર ટોળાંઓ શેરીઓમાં ઊતરતાં થઈ જશે તો આઝાદી પછી પણ આ ટોળાંઓ આપણાથી કાબૂમાં નહીં રહે.’ આજે આપણે જોઈએ છીએ કે ૧૯૨૧માં ગાંધીજીએ જે ટોળાંઓને દોર્યાં એ ટોળાંઓ શેરીએ-શેરીએ ઊતરી પડે છે અને ભાંગફોડ કરે છે, કારણ કે આજે ગાંધીજી નથી. 

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં છે, ન્યુઝપેપરનાં નહીં)

Whatsapp-channel Whatsapp-channel

26 June, 2022 01:10 PM IST | Mumbai | Dr. Dinkar Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK