Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ફરિયાદી હાજિર હો!

ફરિયાદી હાજિર હો!

29 July, 2020 08:45 PM IST | Mumbai
Sejal Ponda

ફરિયાદી હાજિર હો!

આવા માણસો જ્યાં હોય ત્યાંની પરિસ્થિતિને માણી નથી શકતા

આવા માણસો જ્યાં હોય ત્યાંની પરિસ્થિતિને માણી નથી શકતા


ફરિયાદ કરનાર પક્ષ હંમેશાં નબળો, લાચાર, દયા આવે એવો લાગતો હોય છે. માણસ સાથે જ્યારે અન્યાય થયો હોય, કોઈક દ્વારા તેનું શોષણ થયું હોય, મારપીટ થઈ હોય, હકનું છીનવી લેવાયું હોય ત્યારે ફરિયાદ નોંધાતી હોય છે. પહેલાંના વખતમાં ગામડામાં મોટા જમીનદારો ખેડૂતોની જમીન ગેરકાયદે રીતે છીનવી લેતા ત્યારે સામાન્ય ખેડૂત ફરિયાદ નોંધાવતો. આવા અનેક કિસ્સા હજી પણ ક્યાંક-ક્યાંક સાંભળવા મળે છે. અમુકને ન્યાય મળે, અમુકને ન મળે. આ સામાજિક દૂષણની વાત થઈ. 

એક પરિવારની વાત કરીએ તો એ પરિવારમાં એવો નિયમ હતો કે દરેક સભ્યએ પોતાની જે-જે ફરિયાદ હોય એ કાગળમાં લખી રાખવાની અને ઘરમાં રાખેલા
કમ્પ્લેઇન-બૉક્સમાં એ કાગળ નાખી દેવાનો. દર રવિવારે એ કમ્પ્લેઇન-બૉક્સ બધાની હાજરીમાં ખોલવામાં આવે. એક-એક કાગળમાંથી ફરિયાદ વાંચવામાં આવે અને એનો ઉપાય કાઢવામાં આવે. આ પ્રથાને કારણે પરિવારના સભ્યો
વચ્ચે ખુલ્લા મને ચર્ચા થતી અને એકબીજા પ્રત્યેના ગમા-અણગમા, ફરિયાદ બધાની
સામે જાહેર થતાં. જેને લીધે એકબીજાને વધુ સારી રીતે સમજવાનો મોકો મળતો. પરિવારમાં વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેની ફરિયાદ સમજવાનો આ સારો ઉપાય છે.
આપણને દરેકને બીજી વ્યક્તિ માટે કે પરિસ્થિતિ, સંજોગો અને અચાનક આવી પડેલી આફત સામે ફરિયાદ હોય જ છે. કોઈને પોતાની જિંદગીથી ફરિયાદ હોય. કોઈને પોતાના બૉસની ફરિયાદ હોય. કોઈને સાથે જીવતા સંબંધમાં ફરિયાદ હોય. ભક્તને ભગવાન પાસે ફરિયાદ હોય. માણસને માણસની ફિરિયાદ હોય. અમુક સંજોગોમાં માણસ ફરિયાદ કરે એ સમજી શકાય, પણ માણસ સતત ફરિયાદ કરતો હોય તો એ તેની ખામી છે.
અમુક માણસોને ઑબ્ઝર્વ કરજો, તેઓ એકધારી ફરિયાદ જ કરતા હોય છે. ઘરમાં હોય તો ઘરની રસોઈમાં ખોડ કાઢીને ફરિયાદ કરવા માંડે. બહાર જાય તો ઘર જેવું જમવાનું નથી એમ કહીને ફરિયાદ કરે. ઘરમાં રહીને થાક લાગ્યાની ફરિયાદ કરે. બહાર ફરવા જાય તો ફરવાના થાકની ફરિયાદ કરે. આવા માણસો જ્યાં હોય ત્યાંની પરિસ્થિતિને માણી નથી શકતા. તેમને દરેક બાબતે વાંકું જ પડતું હોય છે અને દરેક બાબતે ઓછું જ પડતું હોય છે.
ટ્રેનના ધક્કા ખાઈને ઑફિસ જવું પડે તો ગિરદીની ફરિયાદ કરે. ઘરે બેસીને કામ કરવાનું આવે તો કામના વધેલા કલાકની ફરિયાદ કરે. તેમને કામનો બોજ લાગતો હોય એમાં નવું કામ સોંપવામાં આવે તો ફરિયાદ કરે કે ‘મારા પર કામનો બોજ નાખતા જ જાય છે.’ હવે આવા માણસોને પાછી ઈર્ષા પણ બહુ થઈ આવે. જો કોઈ મહત્ત્વનો પ્રોજેક્ટ બીજા કલીગને સોંપવામાં આવે તો ફરિયાદ કરે કે ‘મને ન સોંપ્યો.’ અરે ભાઈ, પણ તને કામનો બોજ લાગે છે તો બીજો પ્રોજેક્ટ કલીગને મળ્યો તો તને શેનું પેટમાં દુખે છે?
આવા ફરિયાદીઓ ક્યારેય ખુશ રહી શકતા નથી કે ન તો બીજાને ખુશ રહેવા દે છે. આવા માણસોને દરેકેદરેક વ્યક્તિથી કંઈ ને કંઈ ફરિયાદ હોય છે. ગજબ છે તેમનું. કામ સોંપો તો કામની ફરિયાદ. કામ ન સોંપો તો મને કેમ ન સોંપ્યું એવી ફરિયાદ.
અંગત સંબંધોમાં પણ આવા માણસોને કંઈ ને કંઈ વાંકું પડતું હોય છે. અમુક વાત મને કેમ ન કરી એવી ફરિયાદ લઈને ઊભા રહી જાય. વાત કરીએ તો આ બધું મને કહીને મારો બોજો કેમ વધારો છો એવી ફરિયાદ કરવા માંડે. આવા ફરિયાદીઓ અણગમો સાથે લઈને જ ફરતા હોય છે. તેમને હાલતું-ચાલતું કમ્પ્લેઇન-બૉક્સ કહી શકાય.
આવા માણસો સવારનો સૂર્યોદય માણવા જાય તો ત્યાં વહેલા ઊઠવાની ફરિયાદ કરવા માંડે અને કુદરતના અદ્ભુત સર્જનને માણવાનું ચૂકી જાય. તેમના મોઢે એવું પણ સાંભળવા મળે કે સૂરજ તો રોજ ઊગે છે એમાં આટલા વહેલા ઊઠીને સૂર્યોદય જોવા માટે શું આવવાનું!
આવા માણસોને તમે સારામાં સારી ફૅસિલિટી આપોને તો પણ એમાંથી કંઈક શોધીને ફરિયાદ જરૂર કરશે. તેમની પાસે સારી નોકરી કે સારું પદ હશે તો પણ તેમની ફરિયાદ ચાલુ જ રહેશે કે મારાં તો નસીબ જ ખરાબ છે. તેમને કોણ સમજાવે કે નસીબ ખરાબ હોત તો તમને નોકરી મળી જ ન હોત. તમે બેરોજગાર હોત. તમારી પાસે કામ છે એ જ ઈશ્વરની મોટી કૃપા છે. એ કામ સાથે, કામ કરનારાઓ સાથે તમારે ઍડ્જસ્ટ કરવાનું છે.
જેકાંઈ મળ્યું હોય એને કોસવું બહુ જ ખોટી આદત કહેવાય. જે મળ્યું હોય એ ઈશ્વરની કૃપા સમજવી. માણસ ચાર ટાઇમ જમી શકતો હોય અને તો પણ ફરિયાદ કરતો હોય કે રસોઈમાં સ્વાદ નથી એના જેવો અભાગિયો કોઈ ન કહેવાય. એક ટંક ભોજન ન મળી શકતું હોય એવા લોકો પણ હોય છે ત્યારે ચાર ટંક મળતા ભોજનમાં વળી ફરિયાદ શેની કરવાની હોય!
હાડમારી, તકલીફ, અણધારી આફતો આપણા જીવનનો જ એક ભાગ છે. સતત ફરિયાદ કરીને આપણે જે મળ્યું છે એનો ઓચ્છવ કરતા નથી. એની કદર કરતા નથી. ચાર ટંક જમી શકતા હોઈએ, માથે છત હોય, નોકરી હોય, પ્રેમ કરનારો પરિવાર હોય તો આપણા જેવો ભાગ્યશાળી બીજો કોણ હોઈ શકે! આપણને બધું ઓછું જ પડતું હોય તો આ બધું હોવા છતાં આપણને એની દરકાર નથી હોતી અને વધું સારું મળવાની અપેક્ષા હોય છે. વધું સારું મળી ગયા પછી પણ આવા માણસોની ફરિયાદ બંધ નથી થતી તો એનો અર્થ એ જ છે કે ખામી ઈશ્વરે કરેલી કૃપામાં નથી. આપણે એ કૃપાને સમજી નથી શકતા એ જ મોટી ખામી છે. આપણે એવા ફરિયાદી પક્ષમાં તો નથીને?હાડમારી, તકલીફ, અણધારી આફતો આપણા જીવનનો જ એક ભાગ છે. સતત ફરિયાદ કરીને આપણે જે મળ્યું છે એનો ઓચ્છવ કરતા નથી. એની કદર કરતા નથી. ચાર ટંક જમી શકતા હોઈએ, માથે છત હોય, નોકરી હોય, પ્રેમ કરનારો પરિવાર હોય તો 



આપણા જેવો ભાગ્યશાળી બીજો કોણ હોઈ શકે! આપણને બધું ઓછું જ પડતું હોય તો આ બધું હોવા છતાં આપણને એની દરકાર નથી હોતી અને વધું સારું મળવાની અપેક્ષા હોય છે.


(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)


Whatsapp-channel Whatsapp-channel

29 July, 2020 08:45 PM IST | Mumbai | Sejal Ponda

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK