° °

આજનું ઇ-પેપર
Saturday, 31 July, 2021


સત્યની ખોજ બંધ થઈ ગઈ? જૂઠને જલસા છે

27 December, 2018 12:44 PM IST | | Jayesh Chitaliya

સત્યની ખોજ બંધ થઈ ગઈ? જૂઠને જલસા છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

સોશ્યલ સાયન્સ

આજકાલના દિવસોમાં તમે અખબારમાં ખાસ કરીને સમાચારમાં શું વાંચો છો? ટીવી ન્યુઝ ચૅનલ્સમાં શું જુઓ કે સાંભળો છો? આ વાંચ્યા અથવા સાંળ્યા બાદ તમને શું સાચું, કેટલું સાચુ અને શું તેમ જ કેટલું ખોટું લાગે છે? કયા સમાચાર તમને સાચા કે ખોટા લાગે છે? ટુ બી સ્પેસિફિક કયા છાપાના સમાચાર તમને સાચા કે ખોટા લાગે છે? કયા પ્રકારના સમાચારમાં તમને વિશ્વાસ બેસે છે યા કયા પ્રકારના સમાચારમાં તમને વિશ્વાસ બેસતો નથી? આટલા બધા સવાલોથી તમે કન્ફ્યુઝ થઈ ગયા? સ્વાભાવિક છે, થઈ ગયા હશો. કારણ સરળ છે, કારણ કે તમારી પાસે કોઈ સ્પષ્ટ જવાબ જ નહીં હોય. તમને પોતાને જ પાકી ખાતરી નહીં હોય કે સાચા કયા અને ખોટા કયા? કોના સાચા, કોના ખોટા? એક સમય હતો જ્યારે અખબારમાં આવે એટલે સાચું જ હોય એવું શ્રદ્ધા અને વિશ્વાસથી મનાતું હતું. આજે અખબારોમાં છપાયા બાદ પણ અનેક સમાચારો શંકા જગાવે છે. એ જે રીતે લખાય છે એ વિશે પણ અનેક સવાલો ઊભા થઈ શકે છે.

કોનો ભરોસો કરવો?

ખેર, આ વાતને જરા આગળ લઈ જઈએ. હવેના સમયમાં જેની બોલબાલા ક્યારેક  અખબાર કે ટીવી કરતાં પણ વધી જાય છે એવા સોશ્યલ મીડિયામાં ફરતા અહેવાલો, વિડિયો (ફૉર્વર્ડિયા), નિવેદનો, સ્પીચ, માર્ગદર્શન, સલાહ, સૂચના અને ચેતવણીના નામે ફરતા મેસેજિસ, ખાસ કરીને રાજકીય ક્ષેત્રને લગતા અને ફિલ્મી દુનિયા સાથે સંબંધ ધરાવતા મેસજિસ પર તમને કેટલો ભરોસો બેસે છે? કયા સાચા, કયા ખોટા લાગે છે? કયા બનાવટી યા પ્લાન્ટેડ લાગે છે? કઈ રીતે ખબર પડે છે? આમાંથી ઘણા મેસેજિસ તો તમે પોતે પણ મેળવીને મોકલતા હશો. કેટલાય મેસેજિસને તમે ગ્રુપમાં નાખતા હશો. આ મેસેજ વાંચીને ટોળામાં ચર્ચા પણ કરતા હશો, જેમને ન ખબર હોય તેમને પણ કહેતા હશો; સત્ય કે અસત્ય શું છે એની ચકાસણી કે ખાતરી કર્યા વિના. આપણને ક્યાં એની  ચિંતા હોય છે? આ એેક ગંભીર બાબત છે જે આગળ જતાં વધુ ગંભીર રાષ્ટ્રીય સમસ્યા બની જવાની છે. તેમ છતાં આપણને શું ફરક પડે છે? કોણ બધી તપાસ કરે? શા માટે કરે? શું ફરક પડે છે આપણને? જ્યારે કે આવું વલણ અપનાવીને આપણે દેશ તેમ જ સમાજ સાથે ભયંકર અન્યાય કરી રહ્યા છીએ. આ સવાલો અને વાતોથી ફરી કન્ફ્યુઝ થઈ ગયા, વિચારતા થઈ ગયા કે પછી હજી પણ કંઈ ફરક પડતો નથી?

આપણું સત્ય શું?

ક્યારેક નહીં, હવે તો ઘણી વાર એવું લાગે છે કે આપણે સત્યની ખોજ સાવ બંધ કરી દીધી છે. આપણે હવે પોતે જે માનીએ છીએ, આપણને જે ઠીક લાગે છે એને જ સત્ય ગણવા લાગ્યા છીએ. વર્તમાન સમયના રાજકીય તેમ જ સામાજિક માહોલને જોઈ આવા વિચાર આવે એ સ્વાભાવિક છે. ઘણાને લાગે છે આમાં નવું શું છે? પરંતુ સવાલ નવા કે જૂનાનો નથી, આપણે આને ચલાવતા રહ્યા છીએ યા આપણે એની ઉપેક્ષા કરતા રહ્યા છીએ  એટલે જ આપણને એમ લાગે છે કે આમાં નવું શું છે. આપણે એને સ્વીકારી લીધું છે એટલે આપણને એમાં નવાઈ કે આઘાત પણ લાગતા નથી.

રેડીમેડ સત્યની દુકાનો

સત્યની દશા હવે રેડીમેડ વસ્ત્રો જેવી થઈ ગઈ છે. આપણે કપડું લઈ પહેલાં આપણો ડ્રેસ સિવડાવતા, જેમાં આપણે આપણું માપ આપવું પડતું, એની ટ્રાયલ થતી, જરૂર જણાય તો ફેરફાર થતા. હવે આપણે રેડીમેડ વસ્ત્રો પસંદ કરવા લાગ્યા છીએ જ્યાં દરેક માપ તૈયાર છે. કદાચ ક્યાંક ઑલ્ટરેશન કરાવવું પડે એટલું જ. બાકી બધું જ રેડીમેડ-તૈયાર. સત્યનું પણ હવે એવું થઈ રહ્યું છે. સત્ય વિવિધ દુકાનો પર રેડીમેડ મળે છે. આપણે એને માપતા-ચકાસતા કે ફેરફાર કરાવતા નથી, સ્વીકારી લઈએ છીએ. આપણે જૂઠને પણ ચકાસતા-તપાસતા નથી, બસ સ્વીકારી લઈએ છીએ; કારણ કે આપણને એ માફક આવતું હોય છે. માફક ન આવતું હોય તો આપણે એનો વિરોધ કરી આપણને માફક આવે એવા ફેરફાર કરાવીએ છીએ. જોકે જૂઠ તો જૂઠ જ રહે છે એની પરવા કે ચિંતા આપણે કરતા નથી.

બ્રેકિંગ ન્યુઝ-ફેકિંગ ન્યુઝ

સત્ય અને અસત્ય હવે માત્ર અખબારો, ટીવી ચૅનલો સુધી સીમિત રહ્યાં નથી; સોશ્યલ મીડિયા પણ આમાં સૌથી વધુ સક્રિય બની ગયું છે. કેટલાંક સત્ય-અસત્યની દોટ ફેસબુક અને વૉટ્સઍપ પર પણ ચાલે છે. સત્યને ગ્લૉરિફાય કરવું કે અસત્યને સત્ય ઠરાવવું એની એવી જબરદસ્ત રજૂઆત કરી શકનાર એવા એક્સપટ્ર્સૉની આજે સૌથી વધુ ડિમાન્ડ છે. બ્રેકિંગ ન્યુઝ તો હવે કૉમન થઈ ગયા, એની કોઈ વૅલ્યુ કે વિસાત રહી નથી જ્યારે ફેકિંગ (ફેંકુગીરી માટે આ શબ્દ કૉઇન કર્યો છે) ન્યુઝ હાલ ભરપૂર ચલણમાં છે.

અર્થના અનર્થ-આડેધડ ટીકા-ટિપ્પણ

તાજેતરમાં અંબાણીની દીકરીના લગ્નપ્રસંગે જમણવારમાં અમિતાભ બચ્ચન, આમિર ખાન વગેરે જેવા ટૉપના સ્ટાર્સ પીરસતા નજરે પડ્યા, તેમના ફોટો પ્રગટ થયા. બસ, આટલું જોઈ લોકોએ પંચાત અને ટીકા શરૂ કરી દીધી, આટલા મોટા સ્ટાર્સ પણ અંબાણીના નોકર બની જાય છે? અરે ભાઈ, આમ કરવું એ એક પ્રકારની પ્રથા છે જેમાં કન્યાપક્ષ તરફથી તેમના સ્નેહીઓ પીરસવાની કામગીરી બજાવે એમાં નવાઈ કે અજુગતું ન ગણાય. પરંતુ અંબાણીના પરિવારમાં આમ થયું, બિગ બી જેવા મોટા સ્ટારે આમ કર્યું, બસ મંડી પડો, વૉટ્સઍપ અને ફેસબુક પર ફોટો મૂકો અને કટાક્ષ-ટીકા કરો. આમ કરનાર લોકો જાણે બહાદુરીનું કામ કરી રહ્યા હોય એવો વર્તાવ કરે છે. તેમને લાઇક્સ અને કમેન્ટ્સ આપનાર લોકો પણ મનમાં ફુલાતા હતા. ખરેખર તો પેલા બિગ બી, આમિર, શાહરુખ જેવા સેલિબ્રિટી સ્ટાર આ પીરસવાનું કામ કરશે ત્યારે તેઓ પોતે પોતાની આવી ટીકા થઈ શકે એમ જાણતા હોવા છતાં આમ કર્યું હતું, જે સાબિત કરે છે કે તેમને આવો કોઈ ઈગો નથી. જ્યારે તેમની ટીકા કરનારાઓનો ઈગો કેવો મોટો હશે, જે પોતે આ સેલિબ્રિટી સામે કંઈ નથી છતાં તેમની ટીકા કરવામાં બાકી રાખતા નથી. અહીં સવાલ સત્ય અને અસત્યનો ઊભા થાય છે. સત્ય સમજ્યા વિના અસત્ય પ્રસરતું જાય છે અને સમર્થન પણ મેળવતું જાય છે.

હવે તો સત્ય અને અસત્યની લડાઈ પણ બંધ થઈ ગઈ હોય એવું લાગે છે, કારણ કે અસત્યનો પ્રચાર-પ્રસાર એ રીતે થાય છે કે અસત્ય જ સત્ય લાગે. જ્યારે કે સત્ય મૌન ધારણ કરી બેઠું હોય છે, એને પ્રચારની જરાય આદત નથી અને એનો એ સ્વભાવ પણ નથી. પરિણામે અહીં હવે અસત્યનો વિજય થવા લાગ્યો છે, જે વિજયને જોઈ લોકો એને જ સત્ય માનતા થઈ જાય છે.

27 December, 2018 12:44 PM IST | | Jayesh Chitaliya

અન્ય લેખો

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

15 March, 2021 01:59 IST | Mumbai | Sanjay Goradia

જોગાનુજોગ

જોગાનુજોગ

15 March, 2021 01:45 IST | Mumbai | Samit purvesh Shroff

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

15 March, 2021 01:41 IST | Mumbai | Dr. Mukul Choksi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK