Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > વાત નાની, પણ લેસન બહુ મોટું

વાત નાની, પણ લેસન બહુ મોટું

17 June, 2021 11:55 AM IST | Mumbai
JD Majethia

નાનપણમાં સાંભળેલી વાર્તા આજે પણ યાદ આવે ત્યારે એમાંથી બોધપાઠ મળી આવે. મારામાં વાર્તાનું સિંચન મારી બાએ કર્યું છે; પણ એ સિંચન, એ બોધપાઠ આજે પણ મારા જીવનમાં અકબંધ રહ્યાં છે

વાત નાની, પણ લેસન બહુ મોટું

વાત નાની, પણ લેસન બહુ મોટું


ચીટિંગ. અંચીનો દાવ ગંચીમાં. 
નાનપણમાં આપણે રમતાં-રમતાં એવું બોલતા કે અંચીનો દાવ ગંચીમાં. છે તો નાનપણની વાત, છતાં આ વાત અત્યારે મારે ફરીથી કહેવાની છે. અંચીનો દાવ ગંચીમાં. હા, આજે એવું જ કરવાના છીએ આપણે અને એ પણ પહેલી વાર. હમણાં હું તમને વાર્તા કહેવાનો છું, એ વાર્તા જેનો એપિસોડ તમે રાતે ‘વાગલે કી દુનિયા’માં જોવાના છો. આ વાતની મજા એ છે કે વાત બહુ સરળ છે, પણ જે ચીજ આપણે બહુ સહેલાઈથી કરી લેતા હોઈએ છીએ એ જ વાત બીજાને મોટો આંચકો આપનારી બની શકતી હોય છે અને ઘણી વાર તો એ જ વાત બહુ મોટા પાયે આપણને પોતાને પણ ફસાવી દેનારી બની જતી હોય છે. વાત કરતાં પહેલાં હું તમને વાતની પાછળની વાર્તા કહી દઉં.
મને હમણાં આપણી સબ ટીવીની સિરિયલ ‘વાગલે કી દુનિયા’ની વાર્તા લખવાનો મોકો મળી ગયો છે અને સાચું કહું તો મને મજા પડી ગઈ છે. આમ પણ મને વાર્તા કહેવાનું બહુ ગમે, નાનપણથી. ભૂતકાળમાં મેં તમને કહ્યું હતું કે વાર્તા કહેવાની આ ટૅલન્ટ મને મારી બા શાંતાબહેન નાગરદાસ મજીઠિયા પાસેથી મળી છે. બાએ મારા બાળપણને વાર્તાઓથી સીંચ્યું છે એવું કહું તો જરાય ખોટું નહીં કહેવાય. બા પાસેથી સાંભળેલી એ વાર્તા શાળામાં કહીને હું શાળામાં એક ડગલું આગળ ગયો અને પછી ધીમે-ધીમે બધામાં બહુ પ્રખ્યાત થવા માંડ્યો અને એક તબક્કો એવો આવી ગયો કે લોકોનો હું ગમતો પણ થઈ ગયો. બાની પહેલી વાર્તા મને આજે પણ યાદ છે. 
રાજાના દરબારમાં એક ચોરને રજજૂ કરવામાં આવે છે. એક ચોર છે જેણે રાજના દરબારમાં ચોરી કરવાની હિંમત કરી અને ચોરી કરતાં તે પકડાઈ ગયો. પકડાઈ ગયેલા એ ચોરને ફાંસીની સજા આપવામાં આવે છે. ફાંસીની સજા પહેલાં ચોરને બોલાવીને પૂછવામાં આવે છે કે હવે તારું મોત નક્કી છે. મરતાં પહેલાં બોલ, તારી આખરી ઇચ્છા શું છે, રાજા એ પૂરી કરશે.
ચોર વિચારવાનો સમય લીધા વિના રાજાને કહે છે કે મરતાં પહેલાં મારે એક વાર મારા બાપને મળવું છે. દેખીતી રીતે બહુ નાની ઇચ્છા છે, આ પણ ચોરની વાત સાંભળવા જેવી છે. ચોર કહે છે કે મને મારા બાપને મળવું છે, પણ મને ખબર નથી કે મારો બાપ અત્યારે છે ક્યાં હશે. અમે ઘણા સમયથી વિખૂટા પડી ગયા છીએ અને તેનો કોઈ અતોપતો મારી પાસે નથી.
ચોરની આખરી ઇચ્છા સાંભળીને રાજા પોતાના આખા રાજ્યમાં ચોરના બાપને શોધવાનું કહે છે. એક તરફ શોધ ચાલુ છે અને બીજી તરફ ફાંસીનો દિવસ નજીક આવતો જાય છે. ફાંસી આપવાનું નક્કી કર્યું હતું એ મુજબ હવે અંતિમ દિવસ આવી જાય છે. બધાએ નાનપણમાં વાર્તામાં સાંભળ્યું છે એ મુજબ રાજ્યના જાહેર સ્થળે મોટા ચોગાનમાં ફાંસીનો માંચડો તૈયાર થાય છે. આખું ગામ ભેગું થાય છે અને રાજા પણ આવી જાય છે. બધા આવી જાય છે એટલે પેલા ચોરને પણ લઈ આવવામાં આવે છે. બે બાજુ સૈનિક અને વચ્ચે પેલો ચોર. ચોર માંચડા પાસે પહોંચી જાય છે એટલે તેના બાપને તેની પાસે લઈ આવવામાં આવે છે. ફાંસી આપવાની છે એટલે ચોરના હાથ તો બંધાયેલા છે. બાપ નજીક આવે છે એટલે ચોર રાજાના સેનાપતિને કહે છે, હાથ ખોલો, મારે મારા બાપને મળવું છે. 
ચોરના હાથ ખોલવામાં આવે છે. ચોર બાપને ગળે લગાડવા આગળ આવે છે અને બાપની નજીક આવીને ચોર બાપને કચકચાવીને એક લાફો મારી દે છે. 
બધા શૉક્ડ. 
આટલો અવાજ હતો મેદનીનો, કોલાહલ હતો અને ચોરે બાપને તમાચો માર્યો એમાં સાવ શાંતિ થઈ ગઈ. બધા સ્તબ્ધ થઈ ગયા. રાજાને પણ નવાઈ લાગી. રાજાએ પૂછ્યું કે તું આટલા દિવસથી આની રાહ જોતો હતો, અમને બધાને શોધવાની મહેનત કરાવી, માંડ તારો બાપ મળ્યો. અમને બધાને મનમાં હતું કે બહુ સારી વાત કહેવાય, પ્રેમની વાત કહેવાય કે મરતાં પહેલાં તું તારા બાપને મળવા માગે છે અને તેં આમ, આ રીતે તારા બાપને તમાચો માર્યો, શું કામ? 
ચોરનો જવાબ સાંભળવા જેવો છે.
ચોરે વાત શરૂ કરતાં કહ્યું કે હું નાનો હતો ત્યારે મને મારો બાપ મેળામાં લઈ ગયો. મેં મેળામાં ફરવાનું શરૂ કર્યું. બાપને ખભે બેસીને હું ફરતો હતો ત્યારે મેં એક ડગડગિયું જોયું. નાના તબલા જેવું, બન્ને બાજુએ વાગે. સાવ નાનું અને ખિસ્સામાં આવી જાય એવડું. મને એ બહુ ગમી ગયું એટલે એની કિંમત પૂછી તો કહ્યું ૧૦ રૂપિયાનું. 
‘ના ભાઈ, આપણાથી ન લેવાય. મોંઘું છે.’
બાપાએ કહ્યું અને તે આગળ વધી ગયા. અમે એ રમકડું લીધું નહીં. આખો મેળો ફર્યા પણ પછી મેં ક્યાંય કોઈ રમકડાની ડિમાન્ડ કરી નહીં. મેળામાંથી બહાર નીકળ્યા એટલે મારા બાપાએ મને નીચે ઉતાર્યો. નીચે ઊતરી મેં ખિસ્સામાં હાથ નાખીને પેલું ડગડગિયું કાઢ્યું. મારા બાપુ એ જોઈને મૂંઝાયા, તેણે મને પૂછ્યું કે આ ક્યાંથી આવ્યું?
મેં કહ્યું કે તમે મને ખભે બેસાડ્યો હતો અને પેલા ભાઈ સાથે તમે ભાવની પૃચ્છા કરતા હતા ત્યારે મેં તેણે માથે રાખેલા સૂંડલામાંથી એ લઈ લીધું, તેને ખબર ન પડે એટલે મેં તરત જ મારા ખિસ્સામાં નાખી દીધું. 
મારો બાપ તો હરખાઈ ગયો. 
‘વાહ, મારા દીકરા, તેં તો કમાલ કરી. હોશિયાર છો હોશિયાર તું તો, મારા ૧૦ રૂપિયા બચાવ્યા અને તારે માટે ડગડગિયું પણ લઈ લીધું.’
ચોર રાજા સામે ફર્યો અને બોલ્યો, ‘જો એ દિવસે મારા બાપે મારાં વખાણ કરવાને બદલે મને એક થપ્પડ મારી હોત તો આજે હું અહીં, આ ફાંસીના માંચડે ન હોત. સંતાનના આવા કારસ્તાન માટે તેને બિરદાવવાની ભૂલ બીજું કોઈ ન કરે એ માટે રાજ્યના દરેક વ્યક્તિની હાજરીમાં થપ્પડ મારી. જો એ દિવસે એક જ થપ્પડ મારી હોત તો આજે હું ક્યાંક સારી જગ્યાએ સારું કામ કરતો હોત, પણ એ દિવસે એવું ન કરીને મારા બાપે મારો ભૂતકાળ બગાડી નાખ્યો. મહારાજ, બાપુ પર હાથ ઉપાડવા બદલ હું માફી માગું છું, પણ આ જરૂરી હતું. મારા કે મારા બાપુ માટે નહીં, આખા રાજ્ય માટે.’
ચોરે માફી માગી અને રાજાએ ચોરને તેના આ જ કર્મ માટે નહીં, પણ તેણે કરેલી રાજ દરબારની ચોરી માટે પણ માફી આપી, ફાંસીની સજામાંથી તેને મુક્ત કરી દીધો. 
નાનપણમાં સાંભળેલી આ વાર્તા આજે પણ મારા દિલોદિમાગ પર છવાયેલી છે. બાળપણમાં તો આ વાર્તા સાંભળી કે સંભળાવીને મારામાં બહુ સુધારો આવ્યો હતો કે નહીં એ તો યાદ નથી, પણ અત્યારે આવી વાતોથી ઘણું શીખવા અને સમજવા મળે છે. બાળકોને સમજાવવાં સહેલાં થઈ જાય છે કે અત્યારથી જેટલી નાની-નાની વાતમાં સારી રીતે વિચારશો અને વર્તણૂકમાં ચોખ્ખાઈ રાખશો એટલું જ આવનારા જીવનમાં સરળતા રહેશે અને આવનારા જીવનમાં કોકડા ઓછા ઉકેલવા પડશે.

ચોર વિચારવાનો સમય લીધાં વિના રાજાને કહે છે કે મરતાં પહેલાં મારે એકવાર મારા બાપને મળવું છે, પણ મને ખબર નથી મારો બાપ અત્યારે છે ક્યાં. અમે ઘણા સમયથી વિખુટા પડી ગયા છીએ અને એનો કોઈ અત્તોપત્તો મારી પાસે નથી. અંતિમ સમયમાં તેને એકવાર મળવાની મારી તિવ્ર ઈચ્છા છે.


Whatsapp-channel Whatsapp-channel

17 June, 2021 11:55 AM IST | Mumbai | JD Majethia

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK