આય આપરા જમશેદજી સેઠ બી સપનાના સોદાગર હુતા! એવને એક નહીં પણ બબ્બે સપનાંની વાત સ્વામી વિવેકાનંદને કરી હુતી
ચલ મન મુંબઈનગરી
એસ. એસ. એમ્પ્રેસ ઑફ ઇન્ડિયા, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સનું પહેલું મકાન
આય આપરા જમશેદજી સેઠ બી સપનાના સોદાગર હુતા! એવને એક નહીં પણ બબ્બે સપનાંની વાત સ્વામી વિવેકાનંદને કરી હુતી. વાત જાને એમ છે કે સ્વામીજી અને સર જમશેદજી, બન્ને ‘એમ્પ્રેસ ઑફ ઇન્ડિયા’ નામની સ્ટીમરમાં સાથે ટ્રાવેલ કરી રહ્યા હુતા. ૧૮૯૩ના મે મહિનાની ૩૧ તારીખે સ્વામીજી પેનેનસુલા નામની આગબોટમાં મુંબઈથી નીકલિયા. સીધો રસ્તો લેવાને બદલે લાંબો રસ્તો લીધો. મુંબઈથી ગિયા ચીન અને ત્યાંથી ગિયા જાપાન. તાંના યોકોહામા બંદરેથી એસએસ એમ્પ્રેસ ઑફ ઇન્ડિયા નામની સ્તિમરમાં વાનકુવર જવા નીકલિયા. એ જમાનામાં એરોપ્લેન તો હુતાં નહીં. એટલે એક દેસથી બીજે દેસ જવા માટે આગબોટ એક જ સાધન હુતું. આય એમ્પ્રેસ ઑફ ઇન્ડિયા કૅનેડિયન પૅસિફિક સ્ટીમશિપ્સ નામની કંપનીને વાસ્તે ગ્રેટ બ્રિટનમાં ૧૮૯૦-૧૮૯૧માં બંધાઈ હુતી. કલાકના ૧૬ દરિયાઈ માઇલની ઝડપે ચાલતી આય ટ્વીન પ્રોપેલર બોટ એ વખતે સૌથી ફાસ્ટ ચાલતી સ્ટીમર હુતી. તેમાં એકુ વખતે ૭૭૦ મુસાફરો બેસી સકતા હુતા.