Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > તું જ સઘળા ઉત્તર બતાવી દે

તું જ સઘળા ઉત્તર બતાવી દે

21 May, 2023 02:20 PM IST | Mumbai
Hiten Anandpara

કોઈને કશુંક બતાવવામાં મદદનો ભાવ હોય છે, જ્યારે બતાવી દેવામાં હુંસાતુંસીનો ભાવ હોય છે

પ્રતીકાત્મક તસવીર

અર્ઝ કિયા હૈ

પ્રતીકાત્મક તસવીર


કોઈને કશુંક બતાવવામાં મદદનો ભાવ હોય છે, જ્યારે બતાવી દેવામાં હુંસાતુંસીનો ભાવ હોય છે. વર્તમાનમાં તો ગૂગલ મૅપને કારણે સરનામું શોધવું ઘણું સરળ બની ગયું છે. બાકી એ પહેલાં ક્યારેક તો અનુભવ્યું હશે કે પૂછતાં-પૂછતાં કદાચ પ્રભુ મળી જાય, પણ સરનામું ન મળે. જોકે હજી પણ કેટલાંક કન્ફ્યુઝન છે. કોઈ તમને એસ. કે. બરોડાવાલા માર્ગ પર મળવાનું કહે તો ખ્યાલ ન આવે કે એ અલ્ટામાઉન્ટ રોડ પર મળવાનું કહે છે. રસ્તાઓનાં નામ ધરમૂળથી બદલવાને કારણે પેઢીઓના મનમૂળમાં ધરબાયેલાં નામો પર ધૂળ ચડી જાય. મેટ્રો સ્ટેશન વળનઈનું નામ જો વળનઈ-મીટ ચોકી ન કર્યું હોત તો દાયકાઓથી મલાડમાં રહેતો મુંબઈગરો પોતાનું સ્ટેશન કયું છે એ બાબતમાં પણ સાશંક જ રહેત. મનહર મોદી હયાતીની શંકાને સક્ષમ બનાવે છે...

મારો વિકાસ મારાથી આગળ વધી ગયો



પગલીઓ મારી મારાથી પાછળ રહી ગઈ


પૂછો મને તો હુંય બતાવી નહીં શકું

પહેલાં હતો હું ક્યાંક, પણ હમણાં કશે નથી


જિંદગી જેમ-જેમ આગળ વધે તેમ-તેમ સમય પાછો જતો જાય. અતીતને જોઈ શકાય છે, આંબી શકાતો નથી. આમ તો પાછળ વળીને જોવાના કારણમાં તારણ અંકે કરવાનું હોય, જાતને ચકાસી જોવાની હોય. વીતેલું જીવન અસરકારક રહ્યું કે પ્રભાવહીન રહ્યું એ તપાસવાનું હોય. કોઈના પર છાકો મારવાની વાત નથી, પણ અરીસાની નજરમાં આપણે ક્યાં છીએ એ તપાસ સમયાંતરે થવી જોઈએ. હર્ષ બ્રહ્મભટ્ટ અરીસા પાસેથી અઘરું કામ લેવા માગે છે...

જો આપ કહો એક ચમત્કાર કરી દઉં

આ પાનખરોને હું તડીપાર કરી દઉં

ચહેરો જ નહીં સૌના ઇરાદાય બતાવે

થોડોક અરીસાને અસરદાર કરી દઉં

મુત્સદ્દી માણસોનો અને અનિર્ણાયક માનસિકતા ધરાવતા લોકોનો ઇરાદો કળવો મુશ્કેલ હોય છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી જીતીને હુંકાર કરનારી કૉન્ગ્રેસ પાર્ટી મુખ્ય પ્રધાનનું ચયન કરવામાં ભેરવાઈ ગઈ. આખરે પાંચ દિવસે નિવેડો આવ્યો. હજી પણ આ પક્ષ ભેરવાતો રહેશે, કારણ કે જે રેવડી સ્કીમો જાહેર કરી છે એના કારણે રાજ્ય દેવાંના બોજ તળે ધકેલાશે. પ્રગતિને બદલે પતનના રસ્તે વળવાની કમનસીબી જનતાના ભાગે ન આવે તો સારું. આકાશ ઠક્કર કહે છે એવી ખુમારીને વાસ્તવિકતાનો આધાર જોઈએ, કલ્પનાનો આધાર નહીં... 

કોઈ ના વાંચી શકે એવું લખીને

એક પીંછું વૃક્ષ પર પાછું ચડ્યું છે

ના બતાવો ડર મને મારા પતનનો

ભાગ્ય તો ‘આકાશ’નું પણ મેં ઘડ્યું છે

વૈશ્વિક અર્થતંત્રમાં પતનની શરૂઆત થઈ ચૂકી છે. અગ્રણી આર્થિક સંસ્થાઓના મતે કેટલાય દેશોની ઇકૉનૉમી ગૂંગળાશે. પાકિસ્તાનનું શું થશે એ તો અલ્લાહ જાણે. મોંઘવારી વધતાં પ્રજા પિસાય ને છેલ્લે પાણી ગળા સુધી આવી જાય ત્યારે બળવા પર ઊતરી આવે. દુશ્મનથી લડવા માટે સજ્જ રખાતું લશ્કર જ્યારે પોતાના પ્રજાજનો પર જ ગોળી વરસાવવા મજબૂર બને ત્યારે સંઘર્ષ સર્જાય. એનાથીયે ખરાબ વાત જોઈએ તો સુદાનમાં લશ્કરી અને અર્ધલશ્કરી દળો વચ્ચેના વિખવાદને કારણે પ્રજા ત્રાહિમામ્ થઈ ગઈ. વિષમ પરિસ્થિતિમાં સપડાવાનું થાય ત્યારે આદિલ મન્સૂરીની આ વિષાદમયી પંક્તિઓ વધારે સાચી લાગે...

જીવનની આ નિશાળના ધોરણનો પ્રશ્ન છે

જે પાક્કો યાદ છે તે સબક આપતી નથી

સઘળી દિશાઓ દૂરથી મંઝિલ બતાવતી

ત્યાં પહોંચવાની કોઈ સડક આપતી નથી

સડક દેશની પ્રગતિની નિશાની છે. ૨૦૧૬માં વાર્ષિક ૬,૦૬૧ કિલોમીટર રોડનું નિર્માણ થયેલું. આ આંકડો ૨૦૨૨માં ૧૩,૨૯૮ કિલોમીટર સુધી પહોંચ્યો છે. આ નોંધનીય ઉપલબ્ધિ છે. ૧૯૬૦ના દસકની આસપાસ અમેરિકામાં વ્યાપક સ્તરે રસ્તાઓ બનાવવામાં આવ્યા હતા. આ રસ્તાઓ એના વિકાસમાં મહત્ત્વનો હિસ્સો બન્યા. મરીઝ રસ્તાને આર્થિક અને માર્મિક નજરે જુએ છે... 

એવો કોઈ દિલદાર જગતમાં નજર આવે

આપી દે મદદ કિંતુ ન લાચાર બનાવે

હમદર્દ બની જાય, જરા સાથમાં આવે

આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે

લાસ્ટ લાઇન

સૂન અથવા શિખર બતાવી દે

તું મને મારું ઘર બતાવી દે

ઓળખું જો અખર બતાવી દે

દે તલપવું, ટશર બતાવી દે

સૌની અંગત ખબર બતાવી દે

લાગણી શું? શું ડર? બતાવી દે

આજ મારાય હાથ ના પ્હોંચ્યા

ક્યાં રહી ગઈ કસર બતાવી દે

તેં મને પૂછેલા સૌ પ્રશ્નોના

તું જ સઘળા ઉત્તર બતાવી દે

ગૂંચ અર્પણ તને આ તન-મનની

હલ બતા દે, હૂનર બતાવી દે

અંશ છે તુંય એની અચરજનો

કોણ એ જાદુગર? બતાવી દે

સંજુ વાળા

કાવ્યસંગ્રહ : અદેહી વીજ

Whatsapp-channel Whatsapp-channel

21 May, 2023 02:20 PM IST | Mumbai | Hiten Anandpara

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK