° °

આજનું ઇ-પેપર
Thursday, 06 October, 2022


વારસો

18 September, 2022 11:11 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઋજુતાએ પણ પ્રિયમ સાથે છેડો ફાડી નાખ્યો. શોભા વિસામો નામના નારી સુધાર કેન્દ્રમાં સ્પર્શનો આવેલો વારસો દાન કરીને પોતાની જિંદગી સ્ત્રીઓના વિકાસ અને કેળવણીમાં જ વ્યતીત કરવાના વિચાર સાથે ઘરના ઉંબરાને ઓળંગે છે

ઇલસ્ટ્રેશન : અર્જન સિંહ શૉર્ટ સ્ટોરી

ઇલસ્ટ્રેશન : અર્જન સિંહ

‘શોભા, આ તારો કોઈ પત્ર આવ્યો છે. કાનપુરથી ચિત્રકાર સ્પર્શનો છે. આપણે કાનપુર તો ફક્ત એક જ વર્ષ રહ્યાં, એટલામાં તારો ઘરોબો આ ચિત્રકાર સાથે એટલો થઈ ગયો કે તેના પત્રો આજ સુધી આવે છે.’ વ્યંગમાં કટાક્ષ મારતાં નિશિતે કહ્યું.

સ્પર્શ નામ વિચારતાં જ શોભાએ કહ્યું, ‘આપણા ઘરની બાજુમાં જ તેમનું ઘર હતું. કલાકાર જીવ, પણ આટલાં વર્ષોમાં તો ક્યારેય કોઈ પત્ર આવ્યો જ નથી’, આશ્ચર્ય પામતાં જવાબ આપ્યો.
‘ઠીક છે, આ તો તારા નામે પત્ર છે એટલે તને પૂછવું પડ્યું. અરે! છોડો બધાને. ઋજુતાનાં માતાપિતા આવતાં જ હશે.’ ત્યાં જ ડોરબેલ વાગી. ‘આવો આવો... પધારો!’ના ઉદ્ગાર સાથે નિશિત અને શોભાએ થનારા વેવાઈનું સ્વાગત કર્યું.

આગતાસ્વાગતા સાથે પ્રિયમ અને ઋજુતાના પરિણયને સંબંધોની મહોર મારવાનો સમય આવી ગયો.

નાનપણથી પ્રિયમ અને ઋજુતા એક શાળામાં ભણતાં. નજીકમાં જ ઘર હોવાથી શોભા અને મીનાક્ષીને પણ બાળકોની સાથે-સાથે મૈત્રી થઈ ગઈ. પાંચ વર્ષનાં બાળકો હતાં ત્યારની ઓળખાણ આજની પરિણય ગાંઠમાં બદલાવાની હતી એટલે સૌ ખૂબ ખુશ હતાં.  

પ્રિયમ એક વર્ષ એમ.બી.એ.ની ડિગ્રી લઈને ત્રણ દિવસમાં જ પાછો ફરવાનો હતો. તેના આવવાના દિવસે જ ગોળધાણાનું નાનું ફંક્શન પ્રિયમને મોટું સરપ્રાઇઝ આપવાની વાત ચાલતી હતી. 
બધું જ નક્કી કરીને ઋજુતા તેનાં મૉમ-ડૅડ શોભાના ઘરેથી વિદાય થયા. નિશિતનો સ્વભાવ પહેલેથી જ થોડો ખટપટિયો, તેણે શોભાને યાદ કરાવતાં કહ્યું, ‘કઈ ખબર પડી? કે ઋજુતાનાં મૉમ-ડૅડ પ્રિયમને સગાઈમાં શું આપવાનાં છે? તારી વાત તો મીનાક્ષીબહેન સાથે થઈ જ હશેને?’ 

‘હા. હવે જવા દોને એ વાત’, શોભાએ વાત ટાળતાં કહ્યું, ‘તેઓ જે આપશે એ તેમના જમાઈને આપશે અને એ તેમનો જમાઈ જ વાપરશે. આપણે શું લેવાદેવા?’ 

‘કેમ નહીં.’ ખિજાઈને નિશિતે કહ્યું, ‘આવડો મોટો ભણાવ્યો-ગણાવ્યો તો આપણે જ ને? તો મારે પૂછવું તો પડે જ કે શું આપવાના છે પ્રોફેસરજી તેમના એકના એક જમાઈને, ખબર તો પડે આ સંબંધ ખોટમાં છે કે નફામાં?’ 

‘અરે! આવું બોલીને તો તમે મારા અનમોલ હીરા જેવા દીકરાનો સોદો કરવા બેઠા હોવ એવું લાગે છે. આ જમાનામાં તમે આવું વિચારો છો? આવી કોઈ ક્ષુલ્લક ભેટથી સંબંધોને માપવાનો તમારો નજરિયો જ ખોટો છે.’ મોં મચકોડીને શોભા રસોડા તરફ વળી.

કામ કરતાં કરતાં પણ શોભા અતીતમાં પહોંચી ગઈ. નિશિતને શરૂઆતથી પૈસા સાથે સંબંધોને જોડવાની ખરાબ આદત છે. પાંચ બહેનોમાં પોતે સૌથી નાની. મા-બાપે ભણાવી-ગણાવીને બધાંને માંડ પરણાવ્યાં ત્યારે પણ કોઈક વારતહેવારે મારા પિયરથી ઓછો વ્યવહાર થાય તો તરત નિશિત અને તેની મા મને સંભળાવતાં, પણ હવે હું આનું પુનરાવર્તન નહીં થવા દઉં. હું ઋજુતાને તેના પિયરથી કંઈ પણ લાવવા-લઈ જવામાં કોઈની દખલગીરી નહીં ચલાવું.

સાંજે જમીપરવારીને શોભા અને નિશિત બેઠાં હતાં ત્યાં જ નિશિતને પેલો પત્ર યાદ આવ્યો. ‘શોભા, ચાલ પેલા સ્પર્શ મઝુમદારનો પત્ર ખોલીએ, જોઈએ ચોવીસ વર્ષ પછી આપણે તેને કેમ સાંભર્યાં?’ શોભાને પણ થોડી મૂંઝવણ તો થઈ, પણ સ્પર્શે આટલાં વર્ષે મને કેમ યાદ કરી હશે એવું પણ લાગ્યું. 

‘પ્રિય કહેવાનો હક તો છે જ નહીં એટલે ખાલી શોભા, તને મારો પત્ર મળશે ત્યારે હું આ દુનિયામાં નહીં હોઉં. મને મગજમાં ગાંઠ થઈ છે. આ લખું છુ એના બીજા જ દિવસે ઑપરેશન છે. બહુ ઓછી શક્યતા છે કે હું આ શસ્ત્રક્રિયામાં બચું. એટલે જ કદાચ તું યાદ આવી. તારું ઍડ્રેસ મને નિશિતના મિત્ર પાસેથી જ મળ્યું. હું જીવનમાં એકલો જ છુ. મારો કાનપુરનો બંગલો અને બૅન્ક અકાઉન્ટમાં રહેલા ૭૦,૦૦,૦૦૦ રૂપિયા હું તારા દીકરા પ્રિયમને નામે કરતો જાઉં છું. મારા વકીલ મિસ્ટર કોહલી તમને મળવા અને કાનૂની સહીસિક્કા કરાવવા આવશે.’ 

પત્રની વિગત સાંભળતાં જ શોભાને કાપો તો લોહી ન નીકળે એવી હાલત થઈ ગઈ. શોભાએ દુનિયાની સામે ગોરંભી રાખેલું સત્ય આમ ચોવીસ વર્ષે બહાર આવશે એવી કલ્પના તેણે ક્યારેય નહોતી કરી. હકીકત વાંચીને નિશિતે પહેલો સવાલ કર્યો કે ‘સ્પર્શ આપણી બાજુમાં રહેતો ત્યારે પ્રિયમ તો ફક્ત એક મહિનાનો હતો. શું વાત છે શોભા, કાનપુરની આટલી મોટી હવેલી અને સિત્તેર લાખ જેવી માતબર રકમ તે શું કામ પ્રિયમના નામે કરે?’

શોભા ખૂબ ગભરાઈ ગઈ. તેના હોઠ સુકાવા લાગ્યા અને આખા શરીરે પરસેવો બાઝી ગયો. તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં. તેણે નિશિતને કહ્યું, ‘પ્લીઝ તમે કોઈ ગેરસમજ નહીં કરો, હું શાંતિથી તમને બધી વાત કરું છું.’

‘આપણે નવાં-નવાં કાનપુર રહેવા ગયાં હતાં. તમારી નવી નોકરીને કારણે તમે બહુ જ વ્યસ્ત રહેતા હતા. સવારે આઠ વાગ્યાથી તમે નીકળી જતા અને મોડી રાતે ઘણી વાર કંપનીમાં જ કોઈ ક્લાયન્ટ સાથે ડિનર કરીને આવતા. નવા સ્થળને હિસાબે હું કોઈને ખાસ ઓળખતી પણ નહોતી. મારો ચિત્રકલાનો એક જ શોખ સમય પસાર કરવાનું સાધન હતો. એક દિવસ રવિવારે સવારે તમે સ્પર્શને આપણા ઘરે લઈ આવ્યા, બાજુના બંગલામાં રહે છે અને તે બહુ મોટા ચિત્રકાર છે એવું કહીને ઓળખાણ કરાવી હતી. ઔપચારિક વાતો કરી આપણે સ્પર્શને વિદાય આપી.

આવતાં-જતાં એક પાડોશીને નાતે સ્મિતની આપૃલે થતી. તેણે ઘરે ચિત્રકલાનાં ટ્યુશન આપવાનું પણ ચાલુ કર્યું હતું. તમે મારી એકલતાની ફરિયાદોને દૂર કરવા સ્પર્શને આપણા ઘરે મને ટ્યુશન આપવા આવવાની વિનંતી કરી. ધીરે-ધીરે મને પેઇન્ટિંગ બનાવવામાં અને સ્પર્શની નજદીકી ગમવા લાગી. તમે પંદર દિવસ માટે મુંબઈ ગયા હતા, ત્યારે એક વરસાદી સાંજે મને ખૂબ તાવ આવ્યો. ઘરમાં મારો ખ્યાલ રાખવાવાળું કોઈ નહોતું. તેણે મારા કપાળે પોતાં મૂક્યાં અને દવા આપીને સૂવા દીધી., બીજે દિવસે હું તેનો આભાર માનવા ફૂલો લઈને તેના ઘરે ગઈ. સાંજનો સમય હતો. અચાનક અમે બંને કોઈ ખેંચાણથી એકબીજામાં ખોવાઈ ગયાં. 

થોડા દિવસો પછી તમે મુંબઈથી આવી તો ગયા, પણ એ જ દિવસે તમારી લખનઉની ઑફિસમાં ઇમર્જન્સી કોઈ કામ આવી પડ્યું, તો તમારે પાછા દસ દિવસ ત્યાં જવું પડ્યું. થોડા જ દિવસમાં મને મારી ભૂલ સમજાઈ. આ કોઈ પ્રેમ નહોતો, પણ એકલતાનો આવેગ હતો તે કદાચ કોઈ પુરુષથી પણ એકલતામાં થઈ જ જતો હોય છે.

મને મારી ભૂલ સમજાય એ પહેલાં જ મારામાં સ્પર્શનું બાળક આકાર લઈ રહ્યું હતું. મેં પેઇન્ટિંગ ક્લાસ પણ બંધ કરી દીધા. ક્યાંય બહાર આવવા-જવાનું પણ ઓછું કરી નાખ્યું. સ્પર્શ મને મળવાની કોશિશ પણ કરતો, પણ મેં આ આવેગને કોઈ જ નામ ન આપવાનો ફેંસલો લીધો હતો. થોડા વખતમાં મારા ખોળે પ્રિયમ અવતર્યો. તેને પામીને પાછળની બધી વાત હું ભૂલી ગઈ, અને તમારી બદલી મુંબઈ થવાનું સાંભળી મને ખૂબ રાહત થઈ. મુંબઈ જવાના આગલા દિવસે જ તમારી ગેરહાજરીમાં સ્પર્શ પ્રિયમને રમાડવા ઘરે આવ્યો. તેણે પણ મને વચન આપ્યું કે હવે તે ક્યારેય મારો કે પ્રિયમનો સંપર્ક નહીં કરે.

મુંબઈ આવીને તો હું સ્પર્શ નામની વ્યક્તિને ક્યારેક ઓળખતી હતી એ પણ વીસરી ગઈ. તે હાથ જોડતાં શોભા રડતાં રડતાં બોલી કે પેલી નાજુક ક્ષણ સિવાય જીવનમાં ક્યારેય તમને નથી ભૂલી. પૂરાં મન વચન અને કાયાથી તમારી વફાદાર રહી છું. મારી એક ભૂલને માફ કરી દો.’

‘વાહ! નિશિત ગુસ્સાથી લાલપીળો થઈ ગયો. મારી જિંદગીમાં આવું મોટું જૂઠાણું ચલાવીને તું એક ભૂલમાં ખપાવે છે? ના... ના... આ તો હું બિલકુલ નહીં ચલાવી લઉં. આખી જિંદગી હું જેને મારો દીકરો સમજતો હતો તે તો તારા પાપનું પરિણામ છે. ત્રણ દિવસમાં પ્રિયમ આવે છે. તેને કહીને આખી વાતનો ફેંસલો કરવો છે. હું હવે તારી સાથે નહીં રહી શકું. આ સાંભળીને શોભાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેણે ઘણી વાર નિશિતને સાચી હકીકત કહેવાનો વિચાર કર્યો હતો, પણ પરિણામનો વિચાર કરતાં જ ડરી જતી. અચાનક સ્પર્શનું મોત તેના જીવનમાં પ્રલય લઈ આવ્યું.

સવારે ઋજુતા જ પ્રિયમને લેવા ઍરપોર્ટ ગઈ. રસ્તામાં આવતાં આવતાં જ આખી હકીકતની જાણ કરી. પ્રિયમને ઘર પાસે જ ઉતારી ઋજુતા પાછી વળી, કારણ કે આ વાતમાં તે ક્યાંય વચ્ચે આવવા નહોતી માગતી. ઘરે પહોંચતાં પ્રિયમને પોતાનું ઘર અજાણ્યું લાગ્યું. પોતાના ડૅડને પોતે આવવાનો ઉમળકો જ ન દેખાયો. ઘડીભરમાં આખું ઘર જાણે સૂનમૂન થઈ ગયું.

પ્રિયમે શોભા અને નિશિતને બેસાડ્યાં. વળી આખી વાત જાણ્યા પાછી તેણે પણ પુરુષપ્રધાન સમાજનું ઉદાહરણ આપતાં કહ્યું કે હું પણ ડૅડની જગ્યાએ હોત તો મૉમ તને ડિવોર્સ જ આપત. શોભાને આ સાંભળીને તો એવું લાગ્યું કે જીવતાજીવત તેના હાથપગ કપાઈ ગયા. તેને એવું લાગતું હતું કે પ્રિયમ જ નિશિતને સમજાવશે. એના બદલે પ્રિયમ મૉડર્ન જમાનામાં રહીને આવી છીછરી સોચ કેમ ધરાવે છે? કદાચ નિશિતના ઉછેરને કારણે જ આવું શક્ય છે. હવે કડવો ઘૂંટ પીવો જ રહ્યો.

ઋજુતા પ્રિયમના ફેંસલાથી ખૂબ નાખુશ હતી. તેણે પ્રિયમને સમજાવવાની ઘણી કોશિશ કરી. નિશિત કાયદેસર કાર્યવાહી કરવા માગતો હતો. ફક્ત બે જ દિવસમાં શોભાને તેના રહેવાની વ્યવસ્થા બીજે કરવાનું જણાવ્યું. શોભાને તો પિયરમાં પણ મા-બાપ કે ભાઈ કોઈ જ નહોતું. બહેનોના જીવનમાં દખલ કરીને હેરાન નહોતી કરવા માગતી. નિશિત અને પ્રિયમમાં પોતાનું બ્રહ્માંડ સમજનારી શોભાને અચાનક ઉપર આભ અને નીચે ધરતીનો સથવારો લાગ્યો.

ઋજુતા શોભાને ખૂબ સારી રીતે સમજતી હતી. તેણે શોભાને પોતાના ઘરે લઈ જવાની વાત કરી ત્યારે શોભાએ ઘસીને ના પડી. ઋજુતાએ પણ પ્રિયમ સાથે સંબંધ એમ કહીને તોડ્યો કે જે વ્યક્તિ એક માને કે સ્ત્રીને જ ન ઓળખી શકે એવી વ્યક્તિ સાથેના સંબંધની આવરદા જ કેટલી?

ઘર છોડવાના આગલા દિવસે જાણે શોભા કોઈ લાંબી રજા પર જતી હોય એમ બધું જ વ્યવસ્થિત કર્યું. ઘરના નોકરોને પણ નિશિત અને પ્રિયમના ગમાઅણગમાથી વાકેફ કરી દીધા. તેમને ભાવતી દરેક વાનગી ફ્રિજમાં બનાવીને મૂકી દીધી. જયારે એકલી પડી ત્યારે ઘરની એક-એક દીવાલોને અડીને પોતાનું વહાલ દર્શાવ્યું, એક સ્ત્રી માટે તેનું ઘર તેના શરીરની ચામડી જેટલું મહત્ત્વ ધરાવે છે. આખી જિંદગી આનું જતન કર્યું, પણ કાલે આ શરીરથી ચામડી અળગી થવાની હતી. એક અલગ જ શાંતિ શોભાના મુખ પર છલકતી હતી. આટલા પ્રહારો કંકાસથી પણ જાણે પર થઈ ગઈ હતી. કોઈ સંત જેવું જીવન જીવવાની હતી આવતી કાલથી, ક્યાં જવું છે? ક્યાં પહોંચવું છે? એની કોઈ ફિકર જ નહીં. 

પો ફાટતાં જ શોભા નાહીધોઈને તૈયાર થઈ ગઈ. ઘરમાં મંદિરમાં પૂજા કરી, આરતી કરીને રોજના નિત્યક્રમની જેમ પ્રસાદ પણ સૌને આપ્યો. ઋજુતા તેમને લેવા આવી હતી. સાથે નારી સુધાર કેન્દ્રની દસ-પંદર સ્ત્રીઓ પણ પોતાની તૈયારી કરીને આવી હતી. સમજાવટથી કામ થાય એ માટે તેઓની ચીફ પણ નિશિતને સમજાવવા આગળ આવી, પણ શોભાએ જ સૌમ્યતાથી આવું કંઈ જ ન કરવાની વિનંતી કરી. નિશિતને છૂટાછેડામાં કોઈ જ અડચણ પોતાના તરફથી નહીં આવે એની બાંયધરી આપી.

ઋજુતાએ પણ પ્રિયમ સાથે છેડો ફાડી નાખ્યો. શોભા વિસામો નામના નારી સુધાર કેન્દ્રમાં સ્પર્શનો આવેલો વારસો દાન કરીને પોતાની જિંદગી સ્ત્રીઓના વિકાસ અને કેળવણીમાં જ વ્યતીત કરવાના વિચાર સાથે ઘરના ઉંબરાને ઓળંગે છે.

(લેખિકા : નેહા શાહ)

 

નવા લેખકોને આમંત્રણ - તમે પણ જો શૉર્ટ સ્ટોરી લખવા માગતા હો તો સ્વાગત છે. લગભગ ૧૩૦૦ શબ્દોમાં રોમૅન્ટિક અથવા સંબંધોના તાણાવાણાને સુંદર રીતે રજૂ કરતી નવલિકા ટાઇપ કરીને featuresgmd@gmail.com પર મોકલો. સાથે તમારું નામ અને કૉન્ટૅક્ટ નંબર અને ફોટો પણ મોકલશો. જો વાર્તા સિલેક્ટ થશે તો જ પબ્લિશ થશે. 

18 September, 2022 11:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ભારતની આઝાદીના સોમા વર્ષે બ્રિટને આપણને શું ગિફ્ટ આપવી જોઈએ?

કોહિનૂર હીરો. હા, એનાથી બેસ્ટ બીજી કોઈ ગિફ્ટ હોઈ પણ ન શકે. હું આશા રાખું કે ૨૦૪૭ની પંદરમી ઑગસ્ટે બ્રિટન સરકાર આ સ્ટેપ લે અને ભારતમાંથી જે હીરો એ લઈ ગયા છે એ ભારતને પરત કરે

06 October, 2022 04:07 IST | Mumbai | JD Majethia

ભાષાપુરાણઃ અસ્તિત્વની આ લડત જીતવી હશે તો એનો વ્યાપ વધાર્યા વિના છૂટકો નથી

ગુજરાતીઓના ઇન્વિટેશન કાર્ડ પણ અંગ્રેજીમાં હોય છે અને ગુજરાતીઓ વાતો પણ અંગ્રેજીમાં કરવાનું પસંદ કરે છે

06 October, 2022 03:58 IST | Mumbai | Manoj Joshi

અનેક મર્યાદાઓ છતાં આત્મનિર્ભરતા એ જ જીવનમંત્ર

આજીવન સાથે રહેનારી શારીરિક-માનસિક મર્યાદાઓ અને જબરદસ્ત પરાવલંબી સ્થિતિ છતાં હિંમત ટકાવી રાખનારા સેરિબ્રલ પૉલ્ઝીના દરદીઓની સંઘર્ષકથા જાણશો તો સૅલ્યુટ કરવાનું મન થશે

06 October, 2022 02:22 IST | Mumbai | Jigisha Jain

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK