° °

આજનું ઇ-પેપર
Sunday, 28 November, 2021


આ દીકરી છેને આપણી, તે રોલ કરશે...

23 November, 2021 07:19 PM IST | Mumbai | Sarita Joshi

સ્માઇલ કરતાં અશરફ ખાને કહ્યું અને હું ખુશ-ખુશ થઈ ગઈ. અશરફ ખાન જેવો ઓલિયો આત્મા આવું કહે, અશરફ ખાન જેવા અદ્ભુત અદાકાર આવું કહે એનાથી રૂડું બીજું શું હોય

અશરફ ખાનના ફોટોગ્રાફ્સ આજના સમયમાં પણ જોવા મળે એ લહાવાથી ઓછું કંઈ નથી.

અશરફ ખાનના ફોટોગ્રાફ્સ આજના સમયમાં પણ જોવા મળે એ લહાવાથી ઓછું કંઈ નથી.

નમસ્કાર મિત્રો, આજે આડીઅવળી વાત કર્યા વિના સીધા જ આપણે ગયા મંગળવારે જે ઘટનાની વાત ચાલતી હતી એ ઘટનાને કન્ટિન્યુ કરીએ.
આપણી ફિલ્મોનાં જાણીતાં ઍક્ટ્રેસ શારદા નાટકમાં કામ કરે. ઈરાની શેઠની કંપનીનું જે નાટક હતું ‘પૃથ્વીરાજ’ એમાં તે સંયુક્તાનું પાત્ર કરે. શો આવે એટલે તે શો માટે મુંબઈથી આવે. અમે કાઠિયાવાડમાં હતા અને ‘પૃથ્વીરાજ’નો શો હતો, પણ કોઈ કારણોસર શારદા પહોંચી શક્યાં નહીં એટલે થઈ ગયો બધાનો જીવ અધ્ધર અને ખાસ તો ઈરાની શેઠનો. શો કૅન્સલ કરે તો મોટું નુકસાન થાય અને આબરૂ બગડે એ લટકામાં. હવે કરવું શું? બીજા કોઈની પાસે સંયુક્તાનો રોલ કરાવીને શો સાચવી શકાય; પણ એ રોલ થવો જોઈએ એકદમ પરફેક્ટ, જેથી પ્રેક્ષકોને એવું ન લાગે કે આપણે છેતરાયા છીએ. ઈરાની શેઠનું મોઢું થઈ ગયું સફેદ પૂણી જેવું. તે બધાની સામે જુએ અને બધા એકબીજા પર ઢોળે કે આ કરશે રોલ અને બીજી કહે આ કરશે રોલ; પણ સાહેબ, રોલ બહુ મોટો, મહત્ત્વનો અને આખું નાટક એના પર. ઈરાની શેઠ ચિંતામાં આવી ગયા કે હવે કરવું શું? કોની પાસે રોલ કરાવવો? તમને કહ્યું એમ રોલ મહત્ત્વનો હતો અને પાછું એમાં વચ્ચે છપ્પા પણ બોલતા અને ગાતા જવાના હતા. 
કોણ જાણે કેમ પણ અશરફદાદા મારી સામે જોઈને સ્માઇલ કરવા લાગ્યા. અશરફ ખાનને હું અશરફદાદા કહેતી. મારી સામે જોઈને દાદાએ સ્માઇલ કર્યું અને પછી ઈરાની શેઠ સામે જોઈને તેમણે જોયું...
‘આ દીકરી છેને આપણી, તે કરશે રોલ...’
સાંભળીને હું અંદરથી ખુશ-ખુશ થઈ ગઈ. બહુ ગમ્યું મને અને ઉત્સાહમાં આવી ગઈ. આનંદ-આનંદ થવા માંડ્યો મને, પણ મેં મારી એ ખુશી પર કાબૂ રાખ્યો અને મોઢું બંધ રાખીને ત્યાં જ ઊભી રહી. બે-ચાર સેકન્ડ સુધી ઈરાની શેઠ કશું બોલ્યા નહીં, પણ પછી તેમણે મારી સામે જોયું.
‘યાદ નહીં હોય તેને બધું...’
અને સાહેબ, મેં તો સીધો છપ્પો લલકાર્યો...
સિધાવો સિધાવો સરના સરતાજ
જેવા રમ્યા છો રંગ એવા જંગ પણ જમાવજો
શોભાવજો કીર્તિ બનીને વીર હિન્દુસ્તાનની
સોંપી તમારા આશરે તકદીર હિન્દુસ્તાનની
આટલું બોલીને મેં તો તબલાના થાપનો અવાજ પણ મોઢામાંથી કાઢ્યો.
‘ધડ... ધડ... ધડ... ધાડ...’
બધા એટલા હસ્યા અને મને પ્રેમથી એટલાં લાડ કર્યાં કે આજે પણ એ દિવસ યાદ આવે તો તરત આંખના ખૂણા ભીના થઈ જાય. મારાં સદ્નસીબ કે અશરફ ખાનસાહેબે મારામાં એ ક્ષમતા જોઈ, મારામાં રહેલી એ ક્ષમતા પર શ્રદ્ધા રાખીને મને મોટું સ્ટેજ મળે એ માટે તક આપી. હું આજે તમને સૌને કહીશ સાહેબ, તક ક્યારેય ગુમાવતા નહીં. ભલે નિષ્ફળતા મળે, પણ તક આવી હોય તો એનો લાભ લેજો. બાકી એનો એવો પસ્તાવો થશે કે તમે આખી જિંદગી રજાઈમાં મોઢું સંતાડીને રડશો.
આજે, અત્યારે આ વાત ચાલે છે ત્યારે મને તમને જ નહીં; અશરફ ખાનસાહેબને પણ બે હાથ જોડી, આશીર્વાદ લઈને આભાર માનવો છે. ખાનસાહેબ એવી શખ્સિયત હતા, એવું તેમનું વ્યક્તિત્વ હતું કે મનમાં ચાલતા ખરાબ અને ખોટા વિચારો પણ તેમને યાદ કરવાથી ઓલવાઈ જાય. હું કહીશ કે ખાનસાહેબને જો કાજળની ડબ્બીમાં બંધ કરીને મહિનાઓ પછી બહાર કાઢવામાં આવે તો પણ એ બે-દાગ હોય. હરતા-ફરતા પીર, ઓલિયા જ કહો તમે તેમને.
lll
અને આમ મારી પસંદગી ‘પૃથ્વીરાજ’ નાટકની સંયુક્તાના રોલ માટે થઈ.
અમે એ દિવસે એક જ રિર્હસલ કર્યું હતું. રાતનો શો હતો અને અમારી પાસે સમય હતો, પણ વધારે રિહર્સલની જરૂર નહોતી પડી. નાટકમાં એક ગીત હતું. એ ગીત માટે અમારે રિહર્સલ કરવું પડ્યું હતું. એ ગીતના શબ્દો હતા...
રંગ ભીના રસરાજ આજ ધીમે-ધીમે,
ડંખ દીધા દલડાને રાજ ધીમે-ધીમે
હોળીના સીનમાં આ ગીત આવતું અને અશરફ ખાન સામે સંયુક્તા ગાય છે. આજે પણ ઘણી વાર હું પર્ફોર્મ કરું ત્યારે આ ગીતની છટા દેખાડું અને એ સમયમાં મારા પ્રેક્ષકોને લઈ જવાની કોશિશ કરું.
lll
મારા આમ તો લાંબા વાળ હતા, પણ એ પછીયે મને વિગ પહેરાવવામાં આવી. બાંધો સારો, પણ ઉંમર નાની અને મારે કરવાનું હતું પચીસ વર્ષની સંયુક્તાનું પાત્ર એટલે એ નાનકડી છોકરીને બે-ત્રણ બ્લાઉઝ પહેરાવ્યાં તો નીચે એક જાડી સાડી અને એના પર કૉસ્ચ્યુમની સાડી પહેરાવીને રોલની ઉંમર મુજબનો મારો બાંધો ઘડવામાં આવ્યો અને એમ સંયુક્તાને તૈયાર કરવામાં આવી.
નાટકનો સમય થયો અને શો શરૂ થયો. ક્યારે સવાબે કલાક પૂરા થયા એની કોઈને ખબર ન પડી. આ સવાબે કલાક દરમ્યાન ઈરાની શેઠ તો અધ્ધરજીવે બૅકસ્ટેજમાં બધું જોયા કરે. જોકે શો પૂરો થયો અને ઑડિયન્સે તાળીઓના ગડગડાટ સાથે નાટક વધાવી લીધું. કોઈએ ફરિયાદ સુધ્ધાં કરી નહીં. અરે, ફરિયાદ તો દૂરની વાત છે, કોઈને ખબર સુધ્ધાં પડી નહીં કે શારદાને બદલે આજે સંયુક્તા કોઈ બીજી છે. આ કામ જો તમારાથી થાય તો તમે સાચા ઍક્ટર.
તાળીઓના ગડગડાટ સાથે સ્ટેજનો કર્ટન બંધ થયો અને એ પછી મારા માથા પર એક પછી એક બધાના હાથ આવતા જાય, આશીર્વાદ આપતા જાય. બધાએ ખૂબ વખાણ કર્યાં કે ખૂબ જ સરસ કર્યું. આજે આપણે આ વાત કરીએ છીએ ત્યારે મારે એક વાત સ્વીકારવી છે કે હું એ દિવસોમાં ભગવાનમાં માનતી નહીં અને માનતી નહીં એટલે તેમનું નામ પણ લેતી નહીં. પગે પડતા ભગવાનને, સ્કૂલમાં જઈએ ત્યારે ભગવાનને પ્રાર્થના કરવાની હોય એ કરીએ; પણ ભગવાનમાં માનું નહીં. જોકે એ રાતે ભગવાનનો આભાર માન્યો હતો. પહેલી વાર જીવનમાં પરમાત્માનો આભાર માન્યો અને તેમને કહ્યું કે આમ જ મારી સાથે રહેજો.
આજે પણ એ જ કહેવું છે મારે. આભાર ઈશ્વર તારો. ઈશ્વરના આ આભાર વિના હવે જીવન નીકળે એમ નથી. જેમ-જેમ ઉંમર થાય એમ-એમ ઈશ્વર નજીક લાગવા માંડે અને લાગવા જ જોઈએ. બીજું છે પણ કોણ તમારી આજુબાજુમાં? છોકરાઓ મોટા થયા, તેમના છોકરાઓ મોટા થયા અને તેમનો પણ સંસાર શરૂ થઈ ગયો. બધું ઈશ્વરના આશીર્વાદથી તો થાય છે. આપણે માનીએ કે આપણી આવડત; પણ ના, એ બધું એનું. આવડત પણ એની અને આપવાની કૃપાદૃષ્ટિ પણ એની. આપણા હાથમાં તો માત્ર એક જ વાત કે હાથ જોડી, હાથ ફેલાવીને તેમની દુઆ માગો. એ આપણો અધિકાર છે અને ઈશ્વરને પણ એ ખબર છે એટલે તો કાન દઈને આપણને સાંભળે છે. બસ, તમારું ધ્યાન રાખજો અને બધું ખૂલવા માંડ્યું છે એટલે ચીવટ સાથે બહાર જજો. કોરોનાને ભગાડવાનો છે અને ફરી એ દિવસો પાછા લાવવાના છે જેમાં ચહેરા પર માસ્ક ન હોય અને એકબીજા સામે સ્મિત સાથે જોતા હોઈએ.

આવજો. મળીએ આવતા મંગળવારે.

નાટકનો સમય થયો અને શો શરૂ થયો. ક્યારે સવાબે કલાક પૂરા થયા એની પ્રેક્ષકોને તો ઠીક, નાટકના બીજા કોઈ આર્ટિસ્ટને પણ ખબર ન પડી. આ સવાબે કલાક દરમ્યાન ઈરાની શેઠ તો અધ્ધરજીવે બૅકસ્ટેજમાં બધું જોયા કરે. જોકે શો પૂરો થયો અને ઑડિયન્સે તાળીઓના ગડગડાટ સાથે નાટકને વધાવી લીધું ત્યારે તેમને શાંતિ થઈ.

23 November, 2021 07:19 PM IST | Mumbai | Sarita Joshi

અન્ય લેખો

એક ગુનેગાર હોય છે

ઘણી વખત સુખ આપણી સામે જ હોય છતાં એને ઓળખવામાં આપણે થાપ ખાઈ જઈએ. અનેક ઉતાર-ચડાવ અને અવરોધો વચ્ચે એક એવો સંબંધ હોવો જોઈએ જે આપણને જીવવા પ્રેરે

28 November, 2021 02:06 IST | Mumbai | Hiten Anandpara

હું ઈશ્વરનો મહેમાન અને ઈશ્વર મારા યજમાન

ઈશ્વરના આ આવાસમાં આપણે ટૂંકી મુદત માટે કોઈક કામે આવ્યા છીએ. આ કામ શું છે એ માણસ પોતે જ જો સમજી લે તો તે ભારે સુખી થાય છે. દુર્ભાગ્યે માણસ છેલ્લા શ્વાસ સુધી પોતાનું કામ સમજી શકતો નથી અને પરિણામે કેટલાંક કામોમાં હવાતિયાં મારે છે

28 November, 2021 02:05 IST | Mumbai | Dr. Dinkar Joshi

સબ અપની અપની મહેફિલોં મેં ગુમ થે, ઔર મૈં અપને ચાહનેવાલોં મેં બિખર ગયા

સૌના હૃદયમાં સ્થાન પામવું એ કાંઈ નાનીસૂની વાત નથી. બહુ ઓછા લોકો આ સિદ્ધિ મેળવી શકે. એ બદલ મારા ચાહકોનો હું જેટલો ઉપકાર માનું એટલો ઓછો છે. આજીવન હું તેમનો ઋણી રહીશ.

28 November, 2021 02:01 IST | Mumbai | Rajani Mehta

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK