Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ૧૦૦ ટકા વોટિંગ રેટ છે આ શતાયુ દાદીઓનો

૧૦૦ ટકા વોટિંગ રેટ છે આ શતાયુ દાદીઓનો

04 December, 2022 11:19 PM IST | Ahmedabad
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

આયખાની સદી વટાવી ચૂકેલા ૧૦,૩૫૭ મતદારો ગુજરાતમાં છે. અમદાવાદ અને વડોદરામાં સૌથી વધુ શતાયુ મતદાતાઓ છે ત્યારે મળીએ એવા સેન્ચ્યુરિયનોને જેમણે આજ સુધીમાં એકેય ચૂંટણીમાં મત આપવાની ફરજ ચૂકી નથી. 

બાવળામાં ચૂંટણીસભા સંબોધવા આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે માણેકબા પરીખ.

બાવળામાં ચૂંટણીસભા સંબોધવા આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે માણેકબા પરીખ.


ગુજરાતમાં યોજાઈ રહેલી વિધાનસભાની ચૂંટણીમાં ૧૦૦ વર્ષના મતદાતાઓના ઉત્સાહનો પણ પાર નથી : આયખાની સદી વટાવી ચૂકેલા ૧૦,૩૫૭ મતદારો ગુજરાતમાં છે. અમદાવાદ અને વડોદરામાં સૌથી વધુ શતાયુ મતદાતાઓ છે ત્યારે મળીએ એવા સેન્ચ્યુરિયનોને જેમણે આજ સુધીમાં એકેય ચૂંટણીમાં મત આપવાની ફરજ ચૂકી નથી. 

અમદાવાદ પાસે આવેલા બાવળામાં રહેતાં ૧૦૪ વર્ષનાં માણેકબહેન પરીખ આજકાલ ઉત્સાહી જણાય છે. સ્વાભાવિક છે કે આપણને થાય કે આટલી ઉંમરે આ બાને એવો તે શેનો ઉત્સાહ સમાતો નહીં હોય. તો આપને એ જાણીને સુખદ આશ્ચર્ય થશે કે મતદાન કરવા માટે બાનો ઉત્સાહ સમાતો નથી. કદાચ તમને અતિશયોક્તિ લાગશે, પણ જ્યારે માણેકબાની સાથે વોટ આપવા જવાની વાત કરી તો શરમાઈને હસી પડ્યાં અને કહ્યું, ‘મને એક્ખોને ચાર વરહ થ્યાં, પણ હું વોટ આલવા જવાની છું અને આ કાંઈ પેલ્લી વાર વોટ આલવા નથી જતી, દેશ આઝાદ થ્યો એ પછી એક પણ ચૂંટણીમાં મત આપવાનું હું ચૂકી નથી એટલે આ વખતે પણ હું મત આપવા જવાની છું. તમે બધા પણ મત આપવા જજો.’ 
ગુજરાતમાં વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન થઈ ચૂક્યું છે અને હવે બીજા તબક્કાની ચૂંટણીનું મતદાન બાકી છે ત્યારે આ છે શતાયુ મતદાતાનો જોમ અને જુસ્સો. માણેકબા જેવા શતાયુ મતદારો પોતાના હકનો મત આપવા ૧૦૦ વર્ષ પછી પણ એટલા જ ઉત્સાહી છે. શતાયુ મતદારો માટે આનંદ સાથે અચરજ થાય કે આયખાની સદી વટાવી ચૂકેલા આ સૌભાગ્યશાળી વડીલો હોંશભેર મતદાનની વાત કરી રહ્યા છે. પ્રથમ તબક્કાની ચૂંટણીના મતદાનમાં તો ઘણા શતાયુ મતદાતાઓએ મત પણ આપ્યો છે અને બીજા તબક્કાની ચૂંટણીમાં માણેકબા જેવા શતાયુ મતદારો મત આપવા માટે તૈયાર છે ત્યારે એવો પ્રશ્ન થાય કે હવે આ લોકોને ૧૦૦ વર્ષ થઈ ગયાં ને એય મજાની લીલી વાડી જોઈ લીધી હશે તો ચૂંટણીમાં તેમનો મત આપે કે ન આપે, શું ફેર પડવાનો? પણ ના, જ્યારે એક-એક મત માટે હાર-જીત થતી હોય છે કે પછી ઓછા માર્જિનથી ચૂંટણીમાં હાર-જીત થતી હોય ત્યારે આ શતાયુ મતદારોનો એક મત પણ ઉમેદવાર માટે આશીર્વાદરૂપ બની જાય એ વાત પણ નકારી શકાય નહીં.
આઝાદી પછીની બધી ચૂંટણીમાં જેઓએ મતદાન કર્યું છે એ બાવળાનાં માણેકબા પરીખ મત આપવાના મુદ્દે હાથ જોડીને મોઢું મલકાવીને કહે છે કે ‘હું મત આપવા જવાની છું. મને પણ મત આપવા જવાનો ઉત્સાહ છે. પહેલાં મતદાન કરવા જતાં ત્યારે અમે કાગળ પર સિક્કા મારતાં હતાં અને હવે મશીનમાં બટન દબાવીએ છીએ. હું તો મત મારી જાતે જ આપું છું. મારો મત આપવા માટે હું કોઈને પૂછતી નથી. એવું થાય કે આ ઉંમરે મત આપવા જવાથી શું ફેર પડશે, પણ મતદાન કરવું એ આપણી ફરજ છે. હું તો બધાને કહું છું કે બધાએ મતદાન ફરજિયાત કરવું જોઈએ. પહેલાંના નેતાઓ અને અત્યારના નેતાઓ કામ કરે છે એટલે મત આપવા જવાનું.’ 
માણેકબાના ઘરની સામે મતદાનમથક છે એટલે તેમને મતદાન કરવા બહુ દૂર જવું પડતું નથી. તેમના ફૅમિલી મેમ્બર્સ તેમને મતદાનમથક પર લઈ જાય છે અને મતદાન કરાવે છે. થોડા દિવસ પહેલાં બાવળામાં ચૂંટણીસભા સંબોધવા આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી માણેકબાને  મળ્યા હતા અને પાંચ મિનિટ તેમની સાથે વાત કરી હતી અને તેમના ખબરઅંતર પૂછ્યા હતા. માણેકબાએ તેમને લાડુ ખાવા આમંત્રણ પણ આપ્યું હતું.
માણેકબા અને તેમના જેવા ઘણા વડીલો હવે મત આપવા જશે, પણ વડોદરાના માંજલપુરમાં રહેતાં ૧૦૧ વર્ષનાં સવિતાબહેન શાહને તો ઘરે બેઠાં-બેઠાં જ મત આપીને પોતાની ફરજ નિભાવ્યાનો આત્મસંતોષ થયો. આ વખતની ચૂંટણીમાં ચૂંટણી તંત્ર દ્વારા સિનિયર સિટિઝન્સને માટે મત આપવાની એક સુવિધા કરી આપી છે. જો સિનિયર સિટિઝન્સ ઇચ્છે તો તેમના ઘરે મતપત્રક, મતપેટી સહિતની જરૂરી વસ્તુઓ, ડૉક્યુમેન્ટ લઈને ચૂંટણી તંત્રના ઑફિસર સહિતના કર્મચારીઓ આવે છે અને તેમને મત આપવા માટેની સુવિધા કરી આપે છે. એટલે સવિતાબાએ તો ઘેરબેઠાં જ વોટિંગ કરી દીધું.
૧૦૦ વર્ષ પછી પણ મતદાન કર્યાનો સંતોષ વ્યક્ત કરતાં સવિતાબા કહે છે, ‘ઘેરબેઠાં વોટ આપવાનું મને તો ગમ્યું. હારુ થજો ચૂંટણીવાળાનું કે ઘેરબેઠાં વોટ આપવાની સુવિધા કરી આપી. આ બાબતની નવાઈ લાગી અને બહુ સારું લાગ્યું, નહીંતર અમારે આ ઉંમરે મતદાનમથકમાં જઈને વોટ આપવો પડત. જોકે હું તો દરેક ઇલેક્શનમાં વોટ આપવા ગઈ છું. હું કાયમ વોટ આપતી આવી છું.’ 
આ ઉંમરે શું કામ વોટ આપવાનો? શું ફેર પડે છે? એવો પ્રશ્ન પૂછતાં સવિતાબા કહે છે, ‘આપણે વોટ આપીએને તો કોઈકનું હારુ થાય અને કોઈનું હારુ થાય એ મને ગમે. હું ઇચ્છું છું કે જે જીતે તેણે ગુજરાત અને દેશ આગળ વધે એવાં કામ કરવાં જોઈએ. આ ઉંમરે પણ મેં મતદાન કર્યું એમ હું બધાને કહું છું કે ચૂંટણીમાં બધાએ મતદાન કરવું જોઈએ. એ આપણી ફરજ છે.’ 
ભરૂચ જિલ્લાના આમોદમાં જન્મેલાં સવિતાબાએ સાતમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે અને ભરતગૂંથણ તેમનું ગમતું કામ. આજે પણ સવિતાબા ઘરમાં મદદ કરે છે, હળવી કસરત કરે છે. દિવસ દરમ્યાન કોઈ ને કોઈ કામમાં વ્યસ્ત રહેતાં સવિતાબા મહાત્મા ગાંધીનો કિસ્સો યાદ કરીને કહે છે, ‘હું જ્યારે ભરૂચમાં ચોથા ધોરણમાં અભ્યાસ કરતી હતી ત્યારે એક વખત ગાંધીજી અમારી સ્કૂલની મુલાકાતે આવેલા અને મારી બાજુમાં બેસીને મને પૂછ્યું હતું કે કેવાં કપડાં પહેરવાનાં? ત્યારે મેં તેમને કહ્યું હતું કે ખાદીનાં કપડાં. ત્યારે બાપુએ મારી પીઠ થાબડીને મને શાબાશી આપી હતી.’ 
એ વાત જાણીને આશ્ચર્ય થશે કે માણેકબા, સવિતાબા સહિત ગુજરાતમાં ૧૦૦ કે એથી વધુ વય ધરાવતા ૧૦,૩૫૭ શતાયુ મતદારો છે, જે પૈકીના ઘણા વરિષ્ઠ મતદારોએ પ્રથમ તબક્કાની ચૂંટણીમાં મતદાન કર્યું અને બીજા તબક્કાની ચૂંટણીના મતદાનમાં પણ શતાયુ મતદાતાઓ લોકશાહીને મજબૂત બનાવવા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે છે. ગુજરાતમાં ૧૦૦ કે એથી વધુની ઉંમરના સૌથી વધુ ૧૫૦૦ જેટલા મતદારો અમદાવાદ જિલ્લામાં છે. એમાં પણ અમદાવાદ શહેરમાં ૧૦૦ કે એથી વધુ વયના સૌથી વધુ ૨૧૮ મતદારો એલિસબ્રિજ બેઠકમાં છે. એ પછી નારણપુરામાં ૧૨૮, વેજલપુરમાં ૧૦૫ અને ઘાટલોડિયામાં ૯૭ મતદારો છે.
શતાયુ મતદારોનો પણ ચૂંટણીમાં એક અહમ રોલ છે. આ મતદારોને પણ ઇગ્નૉર કરી શકાય નહીં અને એટલે જ રાજકીય પક્ષો પણ આ વરિષ્ઠ મતદાતાઓને મળીને તેમના મતરૂપી આશીર્વાદ માગી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

04 December, 2022 11:19 PM IST | Ahmedabad | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK