Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કોઈની સફળતા જોઈને તેને રોલમૉડલ ન બનાવી લેવાય

કોઈની સફળતા જોઈને તેને રોલમૉડલ ન બનાવી લેવાય

28 January, 2022 05:23 PM IST | Mumbai
Bhavini Lodaya

ગ્લૅમર અને સક્સેસ જોઈને કોઈને રોલમૉડલ માની લેવાનું ખરા અર્થમાં યોગ્ય નથી. પ્રેરણા લેવી એ ખોટું નથી, પણ માત્ર કોઈના જીવનને જોઈને કૉપી-પેસ્ટ કરવાનું બંધ કરવું જોઈએ.

મિડ-ડે લોગો

મિડ-ડે લોગો


દરેકના જીવનમાં એક પ્રેરણાત્મક ઉદાહરણ એટલે કે રોલમૉડલ હોય છે જેના જેવા બનવાની બધા ઇચ્છા ધરાવતા હોય છે. એમાં પણ સ્પોર્ટ્સ પ્લેયર અને બૉલીવુડની સેલિબ્રિટી યંગ જનરેશન માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર હોય છે. તેમના જેવા બનવા માટે યુવાનો ઘેલા બનતા હોય છે. જોકે મને વિચાર આવે છે કે શું ખરેખર ચમકતી-દમકતી સફળતા ધરાવતાં પાત્રો ખરા અર્થમાં સાચા રોલમૉડલ કહી શકાય ખરાં? ગ્લૅમર અને સક્સેસ જોઈને કોઈને રોલમૉડલ માની લેવાનું ખરા અર્થમાં યોગ્ય નથી. પ્રેરણા લેવી એ ખોટું નથી, પણ માત્ર કોઈના જીવનને જોઈને કૉપી-પેસ્ટ કરવાનું બંધ કરવું જોઈએ.
આ વાત માત્ર યંગસ્ટર્સ માટે જ નથી, નાના-મોટા સૌકોઈ માટે છે. હેલ્થ માટે સજાગ લોકો જિમમાં જતા હોય છે. તેમના માટે ત્યાંના વાતાવરણ પ્રમાણે જિમ ટ્રેઇનરને, કોઈ ધાર્મિક સત્સંગ પ્રવચનમાં જાય એટલે સાધુ-સંતો-મહંતોને, કોઈ ક્રિકેટના ઘેલા હોય એ ક્રિકેટરોને અને બૉલીવુડના દીવાના ઍક્ટર-ઍક્ટ્રેસિસને રોલમૉડલ માનતા હોય છે. જોકે જરૂરી નથી કે સફળતાએ પહોંચેલી એ તમામ વ્યક્તિ પર્ફેક્ટ જ છે અને તેમના તમામ ગુણો અનુકરણીય છે.
હાલમાં જ સમાચાર આવ્યા હતા કે વિશ્વના નંબર વન ટેનિસ પ્લેયર નોવાક જોકોવિચે કોવિડ માટે વૅક્સિન લીધી ન હોવાથી તેને ઑસ્ટ્રેલિયામાં રમ્યા વિના પાછું ફરવું પડ્યું. એક સ્ટાર પ્લેયર તરીકે તેને એવો ઈગો હતો કે તેને કોઈ રોકી નહીં શકે, પરંતુ એવું ન થયું. ક્રિકેટ-સ્ટાર વિરાટ કોહલીનું પણ એવું જોવા મળ્યું. આપણને સાઉથ આફ્રિકાની બિનઅનુભવી ટીમ સામે ટેસ્ટ-સિરીઝમાં હાર જોવા પડી. વિરાટ સાઉથ આફ્રિકાના વિરોધમાં ઘણુંબધું બોલ્યો હતો જે એક આદર્શ વ્યક્તિને શોભે નહીં. એવું કહેવાઈ રહ્યું છે કે ટીમના બીજા પ્લેયરો તેનાથી સંતુષ્ટ નથી. એ જે હોય તે, પણ આપણો મુદ્દો છે રોલમૉડલનો. આ બન્ને પાત્રો દુનિયાભરના યંગસ્ટરો માટે રોલમૉડલ છે તો તેમનાં વ્યવહાર અને વાણી કેવાં હોવાં જોઈએ? તેમની સ્પોર્ટ્સની ચોક્કસ સ્કિલને કારણે  તેઓ બેસ્ટ પર્ફોર્મર બન્યા છે, પરંતુ માત્ર પર્ફોર્મન્સ ના આધારે રોલમૉડલ કે આઇકોન બની ન શકાય. એના માટે ખાસ જરૂરી છે વ્યક્તિત્વને શોભે એવી વાણી અને વર્તન. માત્ર પર્ફોર્મન્સના આધારે કોઈને આદર્શ બનાવવા ન જોઈએ. સ્કિલ અને કૅરૅક્ટરમાં ફરક છે. એટલે જ હું કહીશ કે બીજાને રોલમૉડલ કે આદર્શ બનાવવાને બદલે સૌથી પહેલાં આપણે પોતાનામાં રહેલા ગુણોને પારખવા જોઈએ અને એ ગુણો દ્વારા પોતાનું આગવું વ્યક્તિત્વ ઊભું કરવું જોઈએ.

શબ્દાંકન : ભાવિની લોડાયા


Whatsapp-channel Whatsapp-channel

28 January, 2022 05:23 PM IST | Mumbai | Bhavini Lodaya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK