Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જોઈ લો ખાતાપીતા ગ્રુપના જલસા

જોઈ લો ખાતાપીતા ગ્રુપના જલસા

26 January, 2022 12:15 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

જલેબી-ફાફડા, સેવખમણી, બટાટાવડાં, ખાંડવી જેવી સ્વાદિષ્ટ વાનગીઓની મિજબાની કરે, રવિવારે હોટેલમાં જાય અને દર બે મહિને બહારગામ ફરવા ઊપડી જાય 

ખાતાપીતા ગ્રુપના આ વડીલો દરરોજ સવારે મરીન ડ્રાઇવની પાળે મોજ કરે છે અને રવિવારે હોટેલમાં જલસો કરે છે.

ખાતાપીતા ગ્રુપના આ વડીલો દરરોજ સવારે મરીન ડ્રાઇવની પાળે મોજ કરે છે અને રવિવારે હોટેલમાં જલસો કરે છે.


ગિરગામ, નાનાચોક અને ચીરાબજાર વિસ્તારમાં રહેતા ૨૫ જેટલા સિનિયર ​સિટિઝન્સ મરીન ડ્રાઇવની પાળે બેસી ઠઠ્ઠામશ્કરી કરતાં-કરતાં જલેબી-ફાફડા, સેવખમણી, બટાટાવડાં, ખાંડવી જેવી સ્વાદિષ્ટ વાનગીઓની મિજબાની કરે, રવિવારે હોટેલમાં જાય અને દર બે મહિને બહારગામ ફરવા ઊપડી જાય 

દ​ક્ષિણ મુંબઈના રહેવાસીઓમાં મરીન ડ્રાઇવ મૉર્નિંગ વૉક માટેનું સૌથી પસંદીદા સ્થળ છે. ઠંડા પવનની લહેરખીને શ્વાસમાં ભરીને ચાલવાની અને થાક્યા બાદ પાળે બેસીને દરિયાનો ઘૂઘવાટ સાંભળવાની જુદી જ મજા છે. અહીં વૉકિંગ માટે આવતા લોકોમાં વડીલોની સંખ્યા વધુ હોવાથી અનેક ગ્રુપ બની ગયાં છે. એમાંથી એક છે ખાતાપીતા ગ્રુપ. દરરોજ સવારે મરીન ડ્રાઇવની પાળે ભેગા થતા આ ગ્રુપના ૨૫ જેટલા સિનિયર સિટિઝન શું કરે છે તેમ જ તેમના તંદુરસ્ત અને પ્રવૃત્તિમય જીવનનું રહસ્ય શું છે એ જાણીએ. 


અલખનો ઓટલો | ગ્રુપ કઈ રીતે બન્યું એ વિશે વાત કરતાં ગિરગામમાં રહેતા ૬૫ વર્ષના પ્રેમજી કારિયા કહે છે, ‘વર્ષોથી અમે બધા પોતપોતાની રીતે મફતલાલ બાથથી નરીમાન પૉઇન્ટ ચાલતા હતા. દરરોજ એકબીજાને જોતા હોઈએ એટલે હાથ ઊંચો કરી ખબરઅંતર પૂછવા જેટલી ઓળખ હતી. સામાન્ય રીતે વૉકિંગ બાદ થોડી વાર બધા મરીન ડ્રાઇવની પાળે બેસે પછી ઘરે જાય. પહેલાં બે-ત્રણ જણે સાથે બેસવાનું શરૂ કર્યું. ધીમે-ધીમે કરતાં સંખ્યા વધતી ગઈ અને અલખનો ઓટલો બની ગયો. છ વર્ષથી ૨૫ મેમ્બરનું ગ્રુપ છે જેમાંથી ૨૦ કરતાં વધુ મેમ્બરની ઉંમર પાંસઠની ઉપર છે અને બધા વાગડના કચ્છી છીએ. હું પ્રૉપર્ટી માર્કેટ સાથે સંકળાયેલો છું. કોઈનો પ્લાયવુડનો તો કોઈનો પેપર બજારમાં બિઝનેસ છે. એક મેમ્બર ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે. થોડા વખત પહેલાં અવસાન પામેલા અમારા ગ્રુપ મેમ્બર ચંદ્રકાંત પંડ્યાએ ૨૦૦ જેટલી ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું હતું. હવે બિઝનેસની દોરી સંતાનોના હાથમાં સોંપી દીધી હોવાથી નિવૃત્ત જીવન વિતાવીએ છીએ. તમામ મેમ્બરો ગિરગામ, ચીરાબજાર અને નાનાચોક આ વિસ્તારમાં રહે છે.’

જીભનો ટેસડો | અમારા જેવો ખાણી-પીણીનો જલસો કોઈ નહીં કરતું હોય એમ જણાવતાં તેઓ કહે છે, ‘બધાને જીભનો ટેસડો છે. અલખના ઓટલે બેસી એકબીજાની ઠઠ્ઠામશ્કરી કરતાં-કરતાં જલેબી-ફાફડા, પાતરાં, ખાંડવી, બટાટાવડાં, ઢોકળાં વગેરે ૧૦-૧૨ આઇટમ મંગાવી મોજ કરીએ એટલું જ નહીં; ચાલવા આવતા લોકોને પકડી-પકડીને નાસ્તો કરાવીએ. સોમથી શનિવાર નાસ્તા-પાણીનો કાર્યક્રમ ફિક્સ હોય. રવિવારે કાલબાદેવી, ભુલેશ્વર, ચર્નીરોડનાં જાણીતાં સ્થળોએ જમવા જઈએ. હજી ગયા રવિવારે વિનયમાં મિસળ ખાવા ગયા હતા. જુદી-જુદી વરાઇટી ખાવાનો જબરો શોખ હોવાથી અમારા ગ્રુપનું નામ જ ખાતાપીતા ગ્રુપ રાખી લીધું. અઠવાડિયે એકાદ વાર સાંજના સમયે ચા પીવા ભેગા થઈ જઈએ. ખાઉધરા ભેગા થયા છે એવું કહીને અમને લોકો ચીડવે છે. લૉકડાઉનમાં મરીન ડ્રાઇવ નહોતા જઈ શકતા પણ મળવાનું બંધ નહોતું થયું. પોલીસની નજર બચાવીને એક મેમ્બરના ઘરે ભેગા થઈ પત્તા રમતા હતા. કાર્ડ્સ રમવાનો અને સંગીતનો પણ શોખ છે. ગ્રુપ મેમ્બર રાયચંદ ખુટિયા સારા ગાયક છે. અમારાં ઘર વિશાળ છે અને લગભગ બધાને ડ્રાઇવિંગ આવડે છે. ઇન્ડિપેન્ડન્ટ હોઈએ એટલે નીકળી જઈએ.’

ફરવાનો ચસકો | નિવૃત્તિમાં પ્રવૃત્તિ એટલે ફન ઍન્ડ એન્ટરટેઇનમેન્ટ એવું ઉત્સાહ સાથે જણાવતાં પ્રેમજીભાઈ કહે છે, ‘બે-ત્રણ મહિને એક વાર બહારગામ ફરવા જઈએ. લોનાવલા, માથેરાન, તિથલ, મહાબળેશ્વર અને દેવલાલી ફેવરિટ સ્થળો છે. લોનાવલામાં અમારા એક મિત્રનો બંગલો છે એમાં રહીએ. કિચનની વ્યવસ્થા મુંબઈથી કરીને જઈએ. અમારી સાથે રસોઈ કરવાવાળા મહારાજ, સાફસફાઈ માટે હેલ્પર અને વાસણ માંજવા માટે ઘાટી એમ ત્રણ જણને લઈ જઈએ. કોઈ પણ જગ્યાએ ચાર દિવસનો પ્રોગ્રામ ફિક્સ હોય. ખર્ચા માટે એક લાખ રૂપિયા સાઇડમાં મૂકી રાખ્યા છે. વપરાઈ જાય એટલે બીજા ભેગા કરી લઈએ. પૈસેટકે બધા સુખી હોવાથી ટાઇમપાસ થાય એવી ઍક્ટિવિટી શોધી કાઢીએ. અમારા જલસા જોઈને ઘણા વડીલોને ઍડ થવું છે પરંતુ મૅનેજ કરવામાં તકલીફ થાય તેથી હવે નમ્રતાથી ના પાડી દઈએ છીએ.’ 

ખાતાપીતા ગ્રુપના આ વડીલો દરરોજ સવારે મરીન ડ્રાઇવની પાળે મોજ કરે છે અને રવિવારે હોટેલમાં જલસો કરે છે.

પશુ-પક્ષીપ્રેમીઓને સંદેશ

ખાતાપીતા ગ્રુપના સભ્યો મરીન ડ્રાઇવ વિસ્તારમાં જીવદયાને લગતી કેટલીક પ્રવૃત્તિઓ પણ કરતા હતા જે ફરજિયાતપણે બંધ કરાવવામાં આવી છે. આ સંદર્ભે વાત કરતાં પ્રેમજીભાઈ કહે છે, ‘અમે જીવદયાપ્રેમી છીએ. દરરોજ ચોપાટી ખાતે વિદેશથી આવતાં પક્ષી સીગલને ગાંઠિયા અને કબૂતરોને ચણા ખવડાવતા હતા. સરકારી પ્રતિબંધ આવતાં ઍક્ટિવિટી બંધ થઈ ગઈ. પોલીસે અમને સમજાવ્યું કે સીગલનો આહાર માછલી છે. તેલમાં તળેલી વાનગીઓ ખવડાવવાથી તેમની ઊડવાની ક્ષમતાને અસર થાય છે. પોતાના દેશમાં પાછાં ફરતી વખતે ઊંચે ઊડી ન શકવાને કારણે સેંકડો સીગલ અધવચ્ચે દરિયામાં પડીને મૃત્યુ પામે છે. કબૂતરને મીઠું અને હળદર નાખેલા ચણા ખવડાવવાથી તેમની પાચનક્રિયા મંદ પડે છે તેથી ચણાની પણ ના પાડી દીધી. ત્યાર બાદ અમે કૂતરાને પાર્લે જી બિસ્કિટ ખવડાવવા લાગ્યા. જોકે હવે ફક્ત મારી બિસ્કિટ ખવડાવીએ છીએ. શુગરવાળાં બિસ્કિટથી કૂતરાની હોજરી ખરાબ થઈ જાય છે. અમે સમયાંતરે પાંજરાપોળ અને ગૌશાળામાં જઈ ગાયની સેવા કરીએ છીએ.’ 


Whatsapp-channel Whatsapp-channel

26 January, 2022 12:15 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK