° °

આજનું ઇ-પેપર
Tuesday, 21 September, 2021


પાવર, પાણી, પર્યાવરણ અને બીજું ઘણુંબધું

01 August, 2021 04:54 PM IST | Mumbai | Bhavya Gandhi

સેવિંગ્સ. આ એક શબ્દ એવો છે કે એ જ્યાં પણ આપણે સાંભળીએ ત્યારે આપણને પૈસા જ યાદ આવે, પણ એવું નથી. સેવિંગ્સના નામે તમે બીજું પણ ઘણું બચાવી શકો છો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

બચત કરો. સેવિંગ્સ કરો. ઓછું વાપરો.

આ એક વાત આપણને નાનપણથી શીખવવામાં આવે છે અને આજે પણ શીખવવામાં આવતી રહી છે. સેવ કરો. બચત કરો. આજે કરેલી બચત આવતી કાલે કામ લાગશે. સેવિંગ્સ કરો. પ્રૉબ્લેમ આવશે ત્યારે આ જ સેવિંગ્સ મોટો ભાઈ બનીને ઊભો રહેશે. ખોટું પણ નથી આમાં કશું. સાચું જ છે. સેવિંગ્સ જરૂરી છે જ. આવનારા સમયમાં તમને આજનું સેવિંગ્સ કામ લાગવાનું છે. જો આજે સેવિંગ્સ નહીં કર્યું હોય, કંઈ બચાવ્યું નહીં હોય તો આવનારા સમયમાં તમને કદાચ એ તક નહીં મળે કે તમે નવેસરથી આ ગુણ કેળવીને સેવિંગ્સ કરી શકો. હા, આ સેવિંગ્સનો બેઝિક રૂલ છે. જો આજે શીખ્યા તો એ જિંદગીભર કામ લાગશે; પણ જો આજે એ આદત પાળી નહીં, કેળવી નહીં તો તમને ક્યારેય આ આદત પડશે નહીં. માટે જ કહું છું કે આપણા પેરન્ટ્સ જે કહે છે એ માનો અને આજે જ નિયમ બનાવો, નક્કી કરો અને સેવિંગ્સ કરો.

આપણા પેરન્ટ્સ જે કહે છે એ જ વાત મારે સહેજ આગળ વધારીને કહેવી છે. મારે કહેવું છે કે દર મહિને નહીં પણ દરરોજ સેવિંગ્સ કરવાની આદત કેળવો. એવું સેવિંગ્સ કરીએ જે તમને અને તમારી આવનારી જનરેશનને પણ લાભ આપે. શું કરશો તમે આ સેવિંગ્સ માટે? હું બૅન્કમાં અકાઉન્ટ ઓપન કરી એમાં ફિક્સ્ડ ડિપોઝિટ મૂકવાની વાત નથી કરતો. હું તમને એમ પણ નથી કહેતો કે તમે કોઈ સારી કંપનીનો સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન લઈને એમાં દર મહિને ફિક્સ અમાઉન્ટ ઇન્વેસ્ટ કરો કે પછી મ્યુચ્યુઅલ ફન્ડ થ્રૂ સેવિંગ્સ કરો. માન્યું કે ફાઇનૅન્શિયલ પ્લાનિંગ અને સેવિંગ્સ કરવાની બાબતમાં તમે મારા કરતાં પણ વધારે સ્માર્ટ હશો, હોશિયાર હશો અને કદાચ એ કરતા પણ હશો. હું અહીં એ સેવિંગ્સની વાત કરુ છું જેની બચત તમને કે મને જ ઉપયોગી નથી થવાની પણ દરેક જણને, જે આ દેશમાં કે પછી આ પૃથ્વી પર રહે છે તેને થઈ શકે છે. હા, આપણે પઝલ નથી રમતા અને એ રમવી પણ નથી એટલે સીધેસીધી એ જ વાત કરીએ કે પૈસા સિવાય પણ શાનું સેવિંગ્સ કરવાની જરૂર છે અને એ સેવિંગ્સમાં પણ આપણે એક્સપર્ટ બનવાની જરૂર છે.

પૈસા ઉપરાંત આપણે જેની બચત કરવાની છે એમાં પહેલા નંબરે આવે છે પાવર. મતલબ ઇલેક્ટ્રિસિટી. તમને થશે કે પાવર બચાવવાનું કામ તો આપણે બધા સારામાં સારી રીતે કરીએ છીએ, પણ એમાં ક્યાંય સેવિંગ્સની ભાવના નથી. આપણે આ કામ બિલના પર્પઝથી કરીએ છીએ કે બિલ વધારે ન આવે અને આપણે વધારે પૈસા ન ભરવા પડે. અમુક આદતોમાં આપણે સુધારો કરીએ તો એનો બહુ મોટો બેનિફિટ થશે. આજે મોટા ભાગના લોકોના ઘરમાં એસી છે, કારણ કે એસી હવે લક્ઝરી નહીં પણ જરૂરિયાત બની ગયું છે. આ જરૂરિયાત વચ્ચે આપણે એ ભૂલી ગયા છીએ કે હવે આપણે વેડફાટના રસ્તે છીએ. કપલ હોય એવા લોકોની વાત જુદી છે, પણ નહીં તો એક રૂમમાં સૂઈને જો એક એસીથી કામ ચલાવવામાં આવે તો એમાં ખોટું શું છે? આજે એક ફ્લૅટમાં ત્રણ-ત્રણ, ચાર-ચાર એસી હોય અને દરરોજ રાતે બધાં એસી ચાલુ હોય. આને ક્રિમિનલ વેસ્ટ કહેવાય. આવો ક્રિમિનલ વેસ્ટ અટકાવવો જોઈએ અને મૅક્સિમમ એવો પ્રયાસ કરવો જોઈએ કે ઓછામાં ઓછાં ઍરકન્ડિશનર ચાલુ રહે અને પાવરનો વેડફાટ ન થાય. સોલર ઑપરેટેડ ગૅજેટ્સ વાપરવાં પણ ખૂબ જરૂરી છે. લાંબા સમયે એ તમને ખૂબ સારી રાહત આપશે.

સેવિંગ્સમાં બીજા નંબરે આવે છે પાણી. પાણીનો આપણે કેટલો બગાડ કરીએ છીએ અને જ્યારે બચાવવાની વાત આવે ત્યારે જરા પણ કૅર નથી કરતા, કારણ કે આપણે પાણીની ઉપયોગિતા અને એનું મહત્ત્વ સાચી રીતે સમજ્યા નથી. હું કહીશ કે આપણે બાથરૂમમાં પણ પાણી બગાડીએ છીએ અને કિચનમાં પણ એ જ કામ કરીએ છીએ. જ્યાં જરૂરી છે ત્યાં કરકસર નહીં કરો તો ચાલશે, પણ ફાલતુમાં જે પાણી બગડી રહ્યું છે એ બગાડ રોકવાનો છે. આપણને પાણી ખરીદીને પીવાની હવે આદત પડવા માંડી છે, પણ જો હજીયે સમજીશું નહીં તો એક દિવસ એવો આવશે કે આપણે પાણી માટે વૉર કરવા નીકળવું પડશે. તમે હોટેલમાં જાવ કે કોઈ ફંક્શનમાં જાવ અને જુઓ, ત્યાં જેટલું પાણી પીવાય છે એનાથી વધારે તો એઠું મૂકી દેવામાં આવે છે. શાવરના નામે આપણે સેંકડો લિટર પાણી વેડફી નાખીએ છીએ. ખરેખર પાણીની બાબતમાં પણ આપણે સિરિયસ થવાની જરૂર છે.

ત્રીજા નંબરે બચત કરવાની બાબતમાં આવે છે ફ્યુઅલ એટલે કે ઈંધણ. આ માટે ભૂતકાળમાં યુદ્ધ થઈ ચૂક્યું છે અને ભવિષ્‍યમાં થશે પણ ખરું. પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને એવું જે કોઈ ફ્યુઅલ છે એનો આપણે આડેધડ યુઝ કરીએ છીએ. આવું જ ચાલતું રહ્યું તો એ દિવસ દૂર નથી કે કાં તો આપણે મોંઘીદાટ ગાડી ખરીદી શકતા હોઈશું પણ ફ્યુઅલ માટે લોન લેવી પડશે અને કાં તો એવું બનશે કે ગવર્નમેન્ટ જ ફ્યુઅલ માટે રૅશનિંગ સિસ્ટમ લાગુ કરી દેશે. ઘરદીઠ કે વ્યક્તિદીઠ તમને ચોક્કસ લિટર જ ફ્યુઅલ આપવામાં આવે. જ્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટ છે ત્યાં એ વાપરો અને જ્યારે પણ શૅરિંગમાં જઈ શકાતું હોય ત્યારે એ કરો. શક્ય હોય ત્યાં વેહિકલ યુઝ કરવાનું જ ટાળો. ફાયદો તમારી હેલ્થને જ થવાનો છે. દરેક જગ્યાએ જલદી પહોંચવાની ઉતાવળ નથી હોતી. તો એનો લાભ લો. મસ્ત ફરતા-ટહેલતા જાવ અને ફ્યુઅલ બચાવો. ફ્યુઅલ બચશે તો ઑટોમૅટિક પૉલ્યુશન પણ કન્ટ્રોલમાં આવશે. એનો ફાયદો આપણને થવાનો જ છે. પૉલ્યુશન પરથી યાદ આવ્યું કે એન્વાયર્નમેન્ટ અને પર્યાવરણ આપણી બચતના ચોથા નંબરે છે.

પર્યાવરણ બચાવવાના નારાઓ લગાવવાથી કંઈ વળવાનું નથી. એ માટે તમારે કામ કરવું પડશે અને જો તમને સાચે જ નેચરની ચિંતા હોય તો આજે જ એક વૃક્ષ તમારા ફ્લૅટની, સોસાયટીની, બિલ્ડિંગની બહાર વાવો. આ ઉપરાંત જેટલી જગ્યાએ તમને લાગે કે ખાલી જગ્યા છે અને કોઈને નડે એમ નથી તો ત્યાં પણ વૃક્ષ વાવવાનું કામ કરો. માત્ર વાવવાનું નથી. પ્લાન્ટેશન પછી એ વૃક્ષને ઉછેરવાનું છે, મોટું કરીને બીજાને પણ મદદરૂપ બનાવવાનું છે. પર્યાવરણનું ધ્યાન નહીં રાખીએ તો ભવિષ્‍યમાં હજી વધારે અકળામણ અને ગરમી જોવા મળશે. મેં તો જોયું પણ છે કે હવે ફૉરેનની માર્કેટમાં ઑક્સિજન માસ્ક મળવા માંડ્યા છે તો અમેરિકામાં મેં ફ્રેશ અને પ્યૉર કહેવાય એવાં ઑક્સિજન સિલિન્ડર પણ માર્કેટમાં વેચાતાં જોયાં છે. તમારે એની જરૂર પડવાની નથી એવા ભ્રમમાં રહેવાની જરૂર નથી અને ધારો કે એવો ભ્રમ રાખવો પણ હોય તો પણ બીજાને હેલ્પફુલ થવા માટે વૃક્ષ વાવો. કોઈક વાર કોઈને નિ:સ્વાર્થભાવે કરેલી મદદ આપણને યુઝફુલ બની જતી હોય છે. દરેક જગ્યાએ સેલ્ફિશ બનવાને બદલે આપણે જે જગ્યાએ, જે સમાજમાં રહીએ છીએ ત્યાંના લોકો માટે અને આપણાં જ બાળકો માટે કામ કરીએ તો અલ્ટિમેટલી આપણી જ નવી જનરેશનને આપણે રહેવા લાયક પૃથ્વી આપી શકીશું.

પાંચમા અને છેલ્લા નંબરની સલાહ છે સમયને બચાવવાની. જરા સેલ્ફિશ બનો. સમય બચાવવો ખૂબ જ જરૂરી છે. આજે તમે ટ્રાફિક જૅમમાં, ટ્રેનની લાઇનમાં અને બસની લાઇનમાં વિતાવો છો એ બધો સમય બચાવવો ખૂબ જ જરૂરી છે. ભવિષ્‍યમાં આપણે બધા સુપરબિઝી થવાના છીએ અને કદાચ એવું પણ બને કે આપણે એક જ સિટીમાં કામ કરતા હોવા છતાં બે કે ત્રણ દિવસ ઘરે પણ ન આવીએ, માત્ર ને માત્ર એટલા માટે જ કે ટાઇમનો અભાવ હશે. ટ્રેનમાં આવવાનો, બસની લાઇનમાં ઊભા રહેવાનો કે ટ્રાફિક જૅમમાં ફસાવાનો સમય નહીં હોય. જો આજે સમય બચાવશો તો એ ટાઇમ આવતી કાલે તમને કામ લાગશે. આજે બચાવેલો સમય આવતી કાલે ફેવરિટ ફિલ્મ જોવામાં કામ લાગશે અને આજે બચાવેલો સમય તમને આવતી કાલની તમારી પસંદીદા બુક વાંચવામાં કામ લાગશે. ઘરમાં પણ સમય બચાવો, ઑફિસમાં પણ સમય બચાવો અને રસ્તા પર પણ સમય બચાવો. બીજાને પ્રેમથી રસ્તો આપો, ખોટી જગ્યાએ લેન ક્રૉસ ન કરો, ખોટી ઉતાવળ કરીને, ભાગાભાગી કરીને બીજાને પણ ખોટી ન કરો અને તમારો સમય પણ બચાવો.

બસ, પૈસા સાથે આ પાંચ વસ્તુઓનું સેવિંગ પણ શરૂ કરી દો. જુઓ તમારી લાઇફ કેવી બેસ્ટ બને છે. આ તમામ સેવિંગ્સનો એક બીજો પણ સરસ ફાયદો છે. તમારા પછીની પેઢી પણ તમારી આ બચતથી લાભમાં રહેશે.

01 August, 2021 04:54 PM IST | Mumbai | Bhavya Gandhi

અન્ય લેખો

વારસદાર (વાર્તા-સપ્તાહ | પ્રકરણ ૧)

‘અતુલ્ય માટે મને આવી જ સંસ્કાર-લક્ષ્મી જોઈતી હતી. મારા અત્તુને ખુશ રાખજો વહુબેટા, મને બીજું કાંઈ ન જોઈએ!’

21 September, 2021 08:14 IST | Mumbai | Samit (Purvesh) Shroff

વિશ્વનું એક માત્ર ગામ જ્યાં સંસ્કૃતમાં વાતચીત થાય છે

કર્ણાટકમાં આવેલા આ ગામે સંસ્કૃતિનાં મૂળિયાંને પકડી રાખીને વિકાસને પામવાની જે જહેમત ઉઠાવી છે એને કારણે વૈશ્વિક સ્તરે એની સુવાસ પ્રસરી છે અને દેશવિદેશના લોકો અહીં સંસ્કૃત શીખવા આવે છે

20 September, 2021 09:19 IST | karnataka | Aashutosh Desai

બેધારી તલવાર બની શકે છે 5G

રેડિયેશનની અસરો તેમ જ સાઇબર સિક્યૉરિટી એ બે બાબતોનું જોખમ તો છે જ, પણ સાથે હજી બીજી કોઈ બાબતે નુકસાન ન કરે એ બાબતે સચેત થવું જરૂરી છે

19 September, 2021 05:05 IST | Mumbai | Aashutosh Desai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK