Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > શનિવાર night (પ્રકરણ 65)

શનિવાર night (પ્રકરણ 65)

25 June, 2022 08:09 AM IST | Mumbai
Soham

‘પાણી પી...’ અમિતે સુમનના માથા પર હાથ મૂક્યો, ‘શહનાઝ કોઈને હર્ટ નહીં કરે. મારી જવાબદારી પણ તું, તું બધી વાત કર. તારી પણ ભૂલ હોય તો...’

શનિવાર night

ધારાવાહિક નવલકથા

શનિવાર night


‘તમે આમ મારી પાછળ નહીં આવો...’
મૉલ રોડ પર સુમનને અમિત મળી ગયો અને તેણે ફરીથી એ જ વાત પકડી કે શહનાઝ સાથે શું થયું હતું. સુમને અમિત સાથે વાત કરવાનું ટાળ્યું અને આગળ વધી ગઈ એટલે અમિત પણ તેની પાછળ આવવા માંડ્યો. દસેક ડગલાં ચાલીને સુમન ફરી અને દૃઢતા સાથે તેણે અમિતને કહ્યું,
‘મહેરબાની કરો, મારી પાછળ નહીં આવો...’
‘પ્લીઝ, તમે સમજો. મને વાત કરો. મને બધું જાણવું છે.’ અમિત રીતસર કરગરતો હતો, ‘શહનાઝની લાઇફમાં શું બન્યું, કેવી રીતે બન્યું, કોણ એની માટે જવાબદાર...’
‘શહનાઝ છેને આજુબાજુમાં?’ સુમને જવાબ આપ્યો, ‘એને જ બધું પૂછી લોને. ખબર પડી જશે, કોણે-કોણે એને દુખી કરી છે.’
‘એ કહી શકતી હોત તો શું કામ હું આમ તમારી પાછળ ફરતો હોત...’ અમિતે નિસાસો નાખ્યો, ‘એ છે, એનો જીવ ભટકે છે. પોતાની હાજરી મને દેખાડે છે, મને આગળ દોરવે છે પણ અનફૉર્ચ્યુનેટલી એ પોતે મને કશું કહી શકતી નથી, એ બોલી શકતી નથી.’
‘તો એને કહો કે એ લખીને તમને કહી દે, શું થયું હતું એ...’
‘એ તાકાત એનામાં નથી સુમન, તમે મારી વાત સમજો.’ 
અમિતનો અવાજ દબાયેલો હતો, આજુબાજુમાંથી પસાર થતા લોકો તેને જુએ નહીં એ માટે તેણે પોતાનું પોણું મોઢું સંતાડેલું રાખ્યું હતું. સંતાડેલા મોઢાના કારણે તેના દબાયેલા શબ્દો વધારે ઊંડેથી આવતા હતા.
‘એ કંઈક કહેવા માગે છે પણ શું કહેવા માગે છે એ મારે જ શોધવાનું છે. નહીં તો, નહીં તો એ આમ જ ભટકતી રહેશે.’
lll
‘શહનાઝ ભટકતી રહેશે એ વાતે મારા મનમાં ડર ફરી જગાડી દીધો. પેલી રાત પછી મારા ઘરમાં પણ અમુક ઘટનાઓ એવી ઘટતી હતી જે સામાન્ય નહોતી.’ સુમને ડૉ. સંધ્યા સામે જોયું, ‘મેં ગૅસ પર દૂધ ન મૂક્યું હોય તો પણ ચૂલો એમ જ ચાલુ થઈ જાય. ઑટોમૅટિકલી ફ્રિજનો દરવાજો ખૂલે. હું ઘરમાં દાળ-ભાત બનાવું અને જમવા બેસું ત્યારે તપેલીમાં દાળ-ભાતને બદલે ધાનસાક આવી જાય... મને ખાતરી થઈ ગઈ હતી કે શહનાઝ જ આ બધું કરે છે પણ મને સમજાતું નહોતું કે મારે આ બધું કોને કહેવું...’
સુમને નજર ફેરવીને મધુ સામે જોયું.
‘મેં બધી વાત મધુને કરી પણ એની પહેલાં હું અમિતને ઘરે લઈ ગઈ. એ જ દિવસે, બજારમાંથી સીધો...’
lll
‘જુઓ તમે ગભરાતા નહીં, શહનાઝ તમને હેરાન કરવા નથી માગતી અને એ કોઈને હેરાન નહીં કરે. બસ, તમે મને બધી વાત કરો.’
પાણી પીધા પછી અમિત તરત વાત પર આવી ગયો, હવે તેને ખાતરી થઈ ગઈ હતી કે સુમન તેની સાથે વાત કરશે. રોડ પર તેણે વધારે પડતી લપ કરી એટલે સુમને તેને ઘરે આવવાનું કહ્યું હતું. સુમનને ડર હતો કે સુરેશ જો અમિતને જોઈ લેશે તો એ વગર કારણનો અકળાશે.
‘અહીં નહીં, તારે જે વાત કરવી હોય એ ઘરે કર...’
અડધી ક્ષણનો વિચાર કર્યા વિના તરત જ અમિતે પગ ઉપાડ્યા.
‘ચાલો...’
ઘરે પહોંચીને પાણી પીધા પછી પણ અમિત પોતાની વાત પર આવી ગયો હતો અને તેણે સુમનને પણ ધરપત આપી હતી,
‘મારો વિશ્વાસ રાખજો, એ કોઈને કંઈ નહીં કરે...’
સુમને ઊંડો શ્વાસ લઈને વાતની શરૂઆત કરી.
અમિતના ગયા પછી શહનાઝ જે રીતે ઘરમાં એકલી રહેવા માંડી હતી એ બધી વાતો તેણે મધુ અને શિવાજી પાસેથી સાંભળી હતી તો નાના પરઝાન સાથે શહનાઝ ખરાબ રીતે વર્તતી એ તો તેણે પોતે નજરે જોયું હતું. વાતો આગળ વધતી રહી અને વધતી વાતો વચ્ચે અમિતના ચહેરાના હાવભાવ પણ બદલાતા ગયા. તેને સમજાઈ ગયું હતું કે શહનાઝના બદલાતા ગયેલા સ્વભાવ પાછળ પોતે કારણભૂત બન્યો હતો અને શહનાઝ એ બધાનો દોષ પરઝાનને માનતી હતી.
‘એ પરઝાનને મારતી...’
‘હા.’ મધુએ ઊંડો શ્વાસ લઈને કહ્યું, ‘જો પરઝાન તેની પાસે એકલો હોય અને જરા અમસ્તી કચકચ કરે તો તરત જ તેને ગુસ્સો આવી જતો અને એ પરઝાન પર હાથ ઉપાડી લેતી. એટલે જ એક સમય પછી અમે પરઝાનને તેની પાસે મૂકતાં જ નહોતાં.’
‘થૅન્ક યુ સો મચ.’ અમિતની આંખમાં આંસુ આવવા માંડ્યાં હતાં પણ તેણે એ પ્રયાસ સાથે રોક્યાં અને કહ્યું, ‘પછી શું થયું?’
સુમને ફરી વાત આગળ વધારી. ઈરાનીશેઠના મૃત્યુની વાત પણ તેણે કરી અને એ પછી તેણે શબ્દો શોધવાનો પ્રયાસ કરવો પડ્યો હતો.
‘એ પછી, બધું બસ એમ જ... એમ જ આગળ વધતું ગયું.’
ધડામ...
સુમન જેવી ચૂપ થઈ કે બીજી જ ક્ષણે કિચનમાંથી અવાજ આવ્યો. સુમન અને અમિત બન્નેની નજર અવાજની દિશામાં ગઈ અને બન્નેની આંખો પહોળી થઈ ગઈ.
ફર્શ પર દૂધ ઢોળાયેલું હતું અને ઢોળાયેલા એ દૂધ પર કાળી બિલાડી તરફડિયાં મારતી હતી. બિલાડીની આંખોમાં દહેશત હતી. બિલાડીની ગરદન મરડવામાં આવી હોય એવું સ્પષ્ટ દેખાતું હતું.
ઘરનાં એક પણ બારી-બારણાં પણ ખુલ્લાં નહોતાં એ પછી બિલાડી ઘરમાં આવી કેવી રીતે એ સુમનના મનમાં ચાલતું હતું તો અમિતના મનમાં શહનાઝ આવી ગઈ હતી. આ બીજો પ્રસંગ હતો જેમાં શહનાઝે આવું ઘાતકી સ્ટેપ લીધું હોય.
ગઈ કાલે રાતે જ્યારે અમિત સેસિલ વિલા ગયો ત્યારે વિલાના મેઇન ગેટ પર બેઠેલા વાંદરાએ અમિત પર હુમલો કર્યો હતો. મહાકાય વાંદરાથી બચવાનો પ્રયાસ કરતો અમિત પાછા પગે ભાગ્યો તો ખરો પણ જેવો બેચાર ડગલાં પાછળ ગયો કે પગમાં મોટો પથ્થર અથડાતાં અમિતનું બૅલૅન્સ ગયું અને તે ઊંધા માથે જમીન પર પટકાયો.
સામે આવતા વાંદરાની ચિચિયારી સતત ચાલુ હતી અને એ ચિચિયારીના કારણે આજુબાજુની ઝાડીમાંથી પણ સેસિલ તરફ આવતા વાંદરાઓની પણ ચિચિયારી શરૂ થઈ ગઈ હતી. જમીન પર પડેલા અમિતની નજર પેલા મહાકાય વાંદરા પર હતી અને એ વાંદરો પણ અમિત સામે ઘુરકિયાં કરતો હતો. પાંચથી દસ સેકન્ડનો સમય પસાર થયો અને ત્યાં અમિતની આસપાસમાં બીજા પાંચ-સાત વાંદરાઓ આવી ગયા. બધાની ચિચિયારીઓ ચાલુ હતી અને ચિચિયારીએ વાતાવરણમાં ભય પાથરી દીધો હતો.
અમિત સમજી ગયો હતો કે હવે આ વાંદરાઓ તેને મૂકશે નહીં અને બન્યું પણ એવું જ. મહાકાય વાંદરાએ સૌથી પહેલી તરાપ મારી અને એની તરાપ હવામાં જ રહી ગઈ.
હવામાં જ વાંદરાને કોઈએ પકડી લીધો હોય એ રીતે એ સહેજ અટક્યો અને પછી બીજી જ સેકન્ડે હવામાં જ એની ગરદન મરડાઈ.
ખટાક.
ગરદનું હાડકું તૂટ્યું અને એ પછી હવામાં ટકી ગયેલો એ વાંદરાનો જમીન પર ઘા થયો. 
ધડામ...
જે તાકાતથી એ મહાકાય વાંદરો જમીન પર પછડાયો હતો એ અકલ્પનીય હતું. વાંદરાનો જીવ તો ગરદન મરડાવાથી નીકળી જ ગયો હતો પણ જમીન પર પછડાટ સાથે એની ખોપરી ફાટી અને એમાંથી નીકળેલું લોહી છેક અમિતના ચહેરા પર ઊડ્યું.
હાજર રહેલા બીજા વાંદરાઓ પણ હેબતાઈ ગયા અને પાછા પગે ખસકીને ત્વરા સાથે ઝાડીમાં ભાગ્યા.
આજે, અત્યારે ફરી એવી જ ઘટના ઘટી હતી. ફરક માત્ર એટલો હતો કે એ ઘટના કોઈએ જોઈ નહોતી પણ નજરે ન જોયેલી ઘટના ઘટી નથી એવું આશ્વાસન ક્યારેય લઈ નથી શકાતું. આગલી રાતની ઘટના પરથી અમિત સમજી ગયો હતો કે અત્યાર સુધી જે શહનાઝ અણસાર આપતી હતી એ શહનાઝમાં હવે તાકાત આવતી જાય છે. આગલી રાતે સમજાયેલી એ વાતને અત્યારની આ ઘટના ખાતરી આપતી હતી. અલબત્ત, અત્યારે કોઈ પર હુમલો થયો નહોતો કે પછી કોઈના સ્વબચાવની પણ આ ક્ષણ નહોતી અને એમ છતાં પણ, એમ છતાં પણ શહનાઝ રીઍક્ટ થઈ હતી.
આવું શું કામ?
અમિતનું દિમાગ કામ પર લાગ્યું, તેણે જેટ ઝડપે સુમનની તમામ વાતોને રિવાઇન્ડ કરી અને સુમને જ્યાં વાતનું સમાપન કર્યું હતું ત્યાં આવ્યો.
‘એ પછી, બધું બસ એમ જ... એમ જ આગળ વધતું ગયું.’
તો શું સુમન અધૂરી વાત કહે છે? 
અમિતને શંકા જાગી અને જાણે એ શંકાને બળ આપવું હોય એ રીતે, ત્યારે જ પાણીનો ગ્લાસ કિચનમાં પડ્યો.
ખણણણ...
સુમન ઊભી થઈ પણ અમિતના શબ્દોએ તેના પગ અટકાવી દીધા.
‘શહનાઝ.’ અમિતની નજર આજુબાજુમાં ફરતી હતી, ‘તું અહીં છો?’
અમિતે થોડી રાહ જોઈ. અમિત રાહ જોતો હતો એ દરમ્યાન સુમનની આંખો અમિત પર જ લાગેલી હતી.
કોઈ જવાબ આવ્યો નહીં એટલે અમિતે ફરી આજુબાજુમાં નજર ફેરવી.
‘તું અહીં હો તો મને હિન્ટ આપ શહનાઝ... કોઈ પણ રીતે...’
ધાડ...
સુમનને જોરથી ઝાટકો લાગ્યો અને તેને કોઈએ ધક્કો બેસાડીને એ બેઠી હતી એ જગ્યાએ પલંગ પર ફરી બેસાડી દીધી. સુમન જે ઝાટકા સાથે પલંગ પર બેઠી એ જોઈને અમિત સમજી ગયો કે આ કારસ્તાન શહનાઝનું જ છે અને ધક્કો સહન કરેલી સુમન પાસે તો કોઈ દલીલ રહી નહોતી.
‘સુમન, કોઈ એવી વાત બાકી છે જે તારે મને કહેવી હોય પણ તું કહી શકતી ન હો કે પછી... એવી વાત જે તું ભૂલી જતી હો.’ સુમનના કપાળે પરસેવો વળી ગયો હતો, ‘શહનાઝ અત્યારે જે રીતે વર્તે છે એ જોતાં મને લાગે છે કે તે બધું સાંભળે છે અને સાંભળતાં-સાંભળતા એ ગુસ્સે થઈ છે... પ્લીઝ સુમન, તું યાદ કર.’
‘છે, એવી વાત છે...’ સુમન પોતે જ નહીં, પણ તેનો અવાજ પણ ધ્રૂજતો હતો. તેના શબ્દો રીતસર ધ્રૂજતા હતા, ‘એ પછી, એ પછી ઘણુંબધું તેની સાથે થયું...’
સુમનની આંખોમાં આંસુ આવી ગયાં.
‘એ છોકરીનો કોઈ વાંક નહોતો અને તો પણ... તો પણ...’
અમિત ઊભો થઈ રસોડામાં ગયો અને પાણીનો ગ્લાસ ભરીને આવ્યો.
‘પાણી પી...’ અમિતે સુમનના માથા પર હાથ મૂક્યો, ‘શહનાઝ કોઈને હર્ટ નહીં કરે. મારી જવાબદારી પણ તું, તું બધી વાત કર. તારી પણ ભૂલ હોય તો...’
‘મારી નહીં, મારી કોઈ ભૂલ નથી...’ સુમનનો હાથ ગરદન પર ચાલ્યો ગયો, ‘આઈ શપથ. મેં, મેં કોઈ ભૂલ નથી કરી. આઈ, આઈ શપથ...’
‘તારી વાત પણ નથી સુમન.’ અમિતે સુમનને ધરપત આપી, ‘જેની ભૂલ હોય એની વાત છે અને શાંતિથી વાત કર. પહેલાં ઘર સાફ કરી લઉં હું?’
સુમને એવી રીતે માથું હલાવ્યું કે જેનો જવાબ હા છે કે ના એ કોઈ કહી શકે નહીં. અમિતે પોતાને જોઈતો હતો એ અર્થ કાઢી લીધો અને ઘરનું મેઇન ડોર ખોલી બહારથી ખાલી બૉક્સ લઈ અંદર આવ્યો. રસોડામાં પડેલી બિલાડીની આંખો ફાટેલી હતી. અમિતે હાથમાં પ્લાસ્ટિકની થેલી પહેરી બિલાડીના મૃતદેહને ઉપાડી બૉક્સમાં મૂક્યો.
‘હું આ ફેંકી આવું... તું અહીં...’
સુમન ઊભી થઈ ગઈ.
‘ના, હું એકલી નહીં રહું. હું, હું તારી સાથે આવું છું.’
‘અરે ડરવાની જરૂર નથી. શહનાઝ કોઈને કંઈ નથી કરતી.’
‘ના, હું નહીં રહું અહીં...’ અમિત બહાર નીકળે એ પહેલાં સુમન પોતાના જ ઘરની બહાર નીકળી ગઈ, ‘હું સાથે આવીશ...’
અમિતના ચહેરા પર સ્મિત આવી ગયું.
‘ઠીક છે, ચાલો સાથે. આપણે ફેંકતાં આવીએ.’
વાત ફેંકવાની કરી પણ અમિતે એવું કર્યું નહીં. એક અવાવરુ જગ્યાએ જઈને અમિતે પથ્થરની મદદથી એક ફુટનો ખાડો ખોદી બિલાડી એમાં પધરાવી ખાડો ફરીથી બંધ કર્યો. સુમન તેને જોતી રહી.
ખાડો બંધ કર્યા પછી અમિતે બે હાથ જોડી આંખો બંધ કરી.
અમિત કઈ પ્રાર્થના કરતો હતો અને કોના માટે પ્રાર્થના કરતો હતો એ તો સુમનને સમજાયું નહીં પણ અમિતની સહાનુભૂતિ તેને સ્પર્શી ચોક્કસ ગઈ.
lll
ડૉ. સંધ્યાને પણ અત્યારે સમજાતું હતું કે જ્યારે પણ શહનાઝની વાત આવતી ત્યારે તેને બિલાડી શું કામ દેખાતી હતી. બિલાડી શહનાઝનો પહેલો એવો શિકાર હતો જેને તેણે કોઈ કારણ વિના, માત્ર સુમન પરના ગુસ્સાને લીધે મારી હતી.
‘દરેક મોત શહનાઝને વધુ પાવરફુલ બનાવે છે... દરેક મોત.’ સંધ્યાનો અવાજ છેક નાભિમાંથી આવતો હતો, ‘તેમ્બેને મારીને એની તાકાત ફરીથી વધી ગઈ છે.’

વધુ આવતા શનિવારે


Whatsapp-channel Whatsapp-channel

25 June, 2022 08:09 AM IST | Mumbai | Soham

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK