Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > શનિવાર night (ધારાવાહિક નવલકથા, પ્રકરણ – ૪૪)

શનિવાર night (ધારાવાહિક નવલકથા, પ્રકરણ – ૪૪)

29 January, 2022 08:03 AM IST | Mumbai
Soham

‘જન્મતાની સાથે તેણે બાપ છીનવી લીધો, મારો સાથી છીનવી લીધો... ફેંકી દો, જ્યાં ફેંકવો હોય ત્યાં... ખવડાવી દો કૂતરાઓને.’

શનિવાર night

શનિવાર night


ખાનના ઘરે સુમૈલા જે વાત કરતી હતી એ જ ટૉપિક પર મધુ પણ વાત કરતો હતો. મધુ રાજ અને ડૉ. સંધ્યા બિશ્નોઈ સાથે ખાનના ઘર તરફ આવતાં હતાં. રસ્તામાં મધુએ વાત કરવાની શરૂઆત કરી અને સંધ્યા બિશ્નોઈની આંખો રસ્તા પર, તો કાન મધુના શબ્દો પર પથરાઈ ગયા.
‘એવું જ લાગતું કે અમિત અને શહેનાઝ બેબી એકબીજા માટે બન્યાં હોય. તેમનો પ્રેમ પણ એવો હતો અને એકબીજાની દરકાર પણ બેઉ બહુ કરતાં. અમિત યંગ હતો, સમજદાર હતો, તો શહેનાઝ બેબીમાં હજી પણ નાની બચ્ચી અકબંધ હતી. તે અમિતને હેરાન કરે તોયે અમિત ગુસ્સે થાય નહીં. બન્નેને જોઈને અમને બધાને બહુ ખુશી થતી. હું તો કહેતો પણ ખરો કે બેબીને ફાઇનલી એ પ્રેમ મળ્યો જેની તેને રાહ હતી.’
‘... પછી?’ 
રાજે પૂછ્યું એટલે મધુએ વાત આગળ ધપાવી.
‘અમિતને આમ તો અહીં એક વીક જ રોકાવું હતું, પણ શહેનાઝ બેબીને મળ્યા પછી તે વધારે રોકાઈ ગયો પણ...’ મધુએ થૂંક ગળે ઉતાર્યું, ‘જવાનું હતું એ તો નક્કી હતું એટલે એક દિવસ અમિત મુંબઈ જવા માટે નીકળી ગયો.’
‘ચીટિંગ...’
‘ના, નહીં... તેની ડ્યુટી હતી અને ડ્યુટી પર જતાં પહેલાં તેણે શહેનાઝને કહ્યું હતું કે તે પાછો આવશે. પ્રૉમિસ કર્યું હતું તેણે શહેનાઝને.’ મધુએ વાત આગળ ધપાવી, ‘અમિત ગયા પછી એક દિવસ શહેનાઝે તેના પિરિયડ ગુમાવી દીધા.’
‘મીન્સ?’
‘બેબી પ્રેગ્નન્ટ હતી, મા બનવાની હતી તે.’ મધુએ રાજની સામે જોયું, ‘તરત તેણે અમિતને ફોન કર્યો, પણ અમિતની ટૂર શરૂ થઈ ગઈ હતી અને તે નીકળી ગયો હતો એટલે વાત થઈ નહીં... બેબી અમિતની રાહ જોતી રહી અને અમે પણ...’
‘તે આવ્યો?’
‘હા, ચાર મહિને... અને બેબીએ ત્યાં સુધી બચ્ચું અકબંધ રાખ્યું...’
‘ઓહ...’ રાજે અનુમાન બાંધ્યું, પણ અનુમાન કરતાં જુદો જવાબ આવ્યો.
‘અમિતને ખબર પડી એ પછી તે પણ બહુ રાજી થયો... કોઈ દલીલ-અપીલ વિના તેણે પ્રેમથી બેઉને સ્વીકારી લીધાં અને મૅરેજ માટે હા પણ પાડી દીધી.’ મધુની આંખ સામે એ મૅરેજ સેરિમની આવી ગઈ, ‘શહેનાઝ બેબી માટે તો એ સોનાનો દિવસ હતો. અમિત તેની જિંદગી હતો અને એટલે જ તેણે અમિતને બધું સોંપી દીધું હતું. અમિત સાથે રહેવા મળે એ જ તેનું સપનું બની ગયું હતું. અમિત પાછો ગયા પછી પણ તે એકલી-એકલી બેસીને અમિત સાથે વાતો કરતી અને અમે જોઈએ તો એ શરમાઈ પણ જતી. અમિત પણ બેબીને એટલો જ પ્રેમ કરતો હતો.’
‘બેઉનું ફૅમિલી માની ગયું હતું?’
‘બહુ ટ્રાય કરી હતી, પણ ઈરાનીસાહેબના મનમાં એક વાત ઘૂસી ગઈ હતી...’ મધુએ કહ્યું, ‘અમિત અને શહેનાઝ સાથે મળીને તેને મારી નાખવા માગે છે, એ લોકોની નજર આ પ્રૉપર્ટી પર છે. તેણે મોઢા પર પણ કહ્યું હતું બેઉને...’
‘હંઅઅઅ... પછી?’
‘શહેનાઝે શરત મૂકી અમિત પાસે...’ મધુએ પોતાના શબ્દોમાં સુધારો કર્યો, ‘શરત નહીં પણ રિક્વેસ્ટ કરી કે મૅરેજ પછી તે અહીં, સેસિલમાં, ઈરાનીસાહેબ સાથે રહે તો ચાલે અને... અમિતે પણ હા પાડી, એટલું જ નહીં સાહેબ, અમિતે તો પોતે પણ અહીં રહેશે એવું પણ પ્રૉમિસ કર્યું.’
‘વાહ...’ પહેલી વાર ડૉ. સંધ્યા બિશ્નોઈના મોઢામાંથી ઉદ્ગાર આવ્યો હતો, ‘હૉપ કે તેના મનમાં કોઈ પાપ નહીં હોય...’
વાત આડા પાટે ચડે એ પહેલાં જ રાજે પૂછી લીધું,
‘મૅરેજમાં ઈરાનીસાહેબ નહોતા હાજર રહ્યા?’
‘ઈરાનીસાહેબ જ નહીં, બીજું પણ કોઈ હાજર રહ્યું નહીં... જ્યારે તેમને ખબર પડી કે શહેનાઝ નૉન-પારસી સાથે મૅરેજ કરે છે અને તે મૅરેજ પહેલાં જ પ્રેગ્નન્ટ થઈ ગઈ છે ત્યારે મૅરેજમાં કોઈ આવ્યું નહીં અને પછી તો કોઈએ ક્યારેય સંબંધ પણ રાખ્યો નહીં.’
‘ઓહ...’
‘અમિત અને શહેનાઝ બેબી સમજી ગયાં કે હવે તેમને માટે ઈરાનીસાહેબ એકલા અને ઈરાનીસાહેબ માટે તે બેઉ જ બાકી બચ્યાં છે. હનીમૂન પર જવાનું બધું ગોઠવાઈ ગયું હતું તો પણ અમિતે જ એ આખી ટ્રિપ કૅન્સલ કરી નાખી અને પ્રેગ્નન્ટ વાઇફ સાથે અહીં, સેસિલમાં જ હનીમૂન કર્યું. આમ તો સાહેબ, હનીમૂન જેવું કાંઈ હતું જ નહીં. બેબીને પાંચમો મહિનો ચાલતો હતો. ડૉક્ટરે બેડ-રેસ્ટ કહ્યું હતું એટલે અમિતસાહેબ આખો દિવસ તેનું ધ્યાન રાખે. બેબીને જે ખાવાનું મન થાય એ બધું અમિતસાહેબ પોતે જ બનાવે.’
‘તો તમે લોકો...’
‘અમે હતાને, પણ બેબીનું બધું કામ તે જ કરે.’ મધુના ચહેરા પર આવી ગયેલી પ્રસન્નતા અંધકારમાં પણ સ્પષ્ટ દેખાતી હતી, ‘બેબી માટે અમિત રૉકિંગ-ચૅર લાવ્યો હતો. વિન્ડો પાસે એ પડી હોય. સવાર પડે એટલે એના પર શહેનાઝ બેબી ગોઠવાઈ જાય અને પછી આખો દિવસ તેણે ત્યાં બેસી રહેવાનું. તે બેઠાં-બેઠાં ઑર્ડર કરે અને અમિત ‘જી મૅડમ...’ ‘યસ મૅડમ...’ કહીને તેનાં બધાં કામ કરે.’
રાજને એ રૉકિંગ-ચૅર યાદ આવી ગઈ. 
સેસિલ વિલાના ડ્રૉઇંગરૂમમાં એ ચૅર હજી પણ પડી છે. રાજ પણ તેના પર બેસતો અને કિયારા પણ એ રૉકિંગ-ચૅર પર નિયમિત બેસતી એ પણ રાજને યાદ આવી ગયું.
‘અમિત અને શહેનાઝ બેઉ તેના આવનારા બાળકની રાહ જોતાં હતાં. અરે, રાજસા’બ, અમિત તો પહેલેથી ઑર્ડર કરીને બધું મગાવ્યા કરતો. રમકડાં ને કપડાં ને જાતજાતની ચીજવસ્તુ... અમે તેને કહ્યું કે બાળક આવે એ પહેલાં તેની ચીજવસ્તુ ન લેવાય, અપશુકન થાય, પણ તે માન્યો નહીં. અમારી વાત સાંભળીને હસી પડ્યો. કહે કે આવી અંધશ્રદ્ધા જ આપણને હેરાન કરે છે... અને જુઓ આજે.’
મધુ વાત અધૂરી મૂકી દે એવું લાગતાં જ રાજે ફરીથી બાજી સંભાળી લીધી.
‘પછી શું થયું?’
‘બસ પછી તો... પછી તો...’ મધુએ પણ ભૂતકાળમાં જવા માટે તસ્દી લેવી પડી, ‘અરે હા, અત્યારે જે સેસિલમાં ચકરડી ને હીંચકા ને એ બધું છેને એ બધું અમિતે લગાડ્યું છે. બાળક આવે ત્યારે તે રમી શકે એને માટે. ટેનિસ કોર્ટ ઈરાનીસાહેબે બનાવી હતી, પણ બાકીનું બધું અમિતસાહેબે કર્યું. ડાઇનિંગરૂમમાં કૅરમબોર્ડ હતું, પણ ત્યાં પેલું ફુટબૉલ ટેબલ છેને એ અમિતે જ ઑર્ડર કરીને મગાવ્યું હતું. તેનો દીકરો એકલો હોય તો પણ ફુટબૉલ રમી શકે એટલે...’
દીકરા પરથી જ મધુને યાદ 
આવી ગયું.
‘અને, અને... તમે માનશો, શહેનાઝ અને અમિતને ખાતરી હતી કે દીકરો જ આવશે. બેઉને વિશ્વાસ હતો. કપડાં પણ એ લોકો છોકરા માટેનાં જ મગાવતાં. એ લોકોએ નામ પણ પહેલેથી નક્કી કરી લીધું હતું, ‘પરઝાન...’ આ નામ આમ તો શહેનાઝ બેબીની મમ્મીએ શોધી રાખ્યું હતું, પણ દીકરી આવી એટલે પછી પરઝાન નામ એમ જ રહી ગયું.’
રાજને શહેનાઝની મમ્મી યાદ 
આવી ગઈ.
‘શહેનાઝની મમ્મી ક્યાં...’
‘એ તો બેબીને જન્મ આપીને તરત જ ગુજરી ગયાં હતાં. શહેનાઝ બેબીને એ વાતની બીક પણ હતી કે બાળકને જન્મ આપીને તે પણ... પણ અમિત તેને સમજાવતો કે એવું કંઈ નથી થવાનું. બેઉ વચ્ચે બહુ પ્રેમ હતો... બહુ બહુ પ્રેમ.’
‘ડિલિવરી પછી અમિત ગયો ફરી નેવીમાં?’
સવાલ ડૉ. સંધ્યાનો હતો એટલે મધુએ તેની સામે જોયું.
‘ના, પહેલાં જ. બેબીએ રોકવાની બહુ કોશિશ કરી, પણ અમિતે જવું પડ્યું. તેણે પ્રૉમિસ પણ કર્યું કે આ છેલ્લી વાર તે જઈ આવે. અહીં સેસિલમાં જ, અમારા બધાની હાજરીમાં તેણે રાજીનામું પણ આપી દીધું હતું, પણ ત્રણ મહિના રહેવું પડે એમ હતું, હોય એ લોકોમાં એવું કે તરત છોડી ન શકે... એટલે તે ગયો અને બેબીની ડિલિવરી અમે કરાવી. નૉર્મલ ડિલિવરી હતી પણ ૨૦ કલાક પેઇન સહન કરવું પડ્યું તેણે...’ મધુની આંખ સામે એ રાત આવી ગઈ હતી, ‘ખાનસા’બનાં વાઇફ આવ્યાં હતાં ડિલિવરી કરાવવા અને અમે બધાં, બહાર રાહ જોઈને બેઠાં હતાં... ૨૦ કલાક... બહુ અઘરું છે એ પેઇન સહન કરવાનું. શહેનાઝ બેબી ચિલ્લાતી રહી, રાડો પાડતી રહી અને તોયે પરઝાન બાબાનો જન્મ થાય નહીં. મહામુશ્કેલીએ પરઝાન બાબાએ દુનિયા જોઈ અને તેનું પહેલું રડવાનું અમને સેસિલના મેદાનમાં સંભળાયું. એવું લાગ્યું કે ફરી બેબી જ પાછી આવી... અમારી આંખોમાં આંસુ આવી ગયાં હતાં ત્યારે...’
મધુની આંખોમાં અત્યારે પણ પાણી તગતગવા માંડ્યાં હતાં. પાણીદાર આંખોમાં આવી ગયેલાં પાણી પૂનમના અજવાળામાં સ્પષ્ટ દેખાતાં હતાં.
‘પરઝાન બાબા માટે અમે આખી રૂમ શણગારી હતી. બેબીએ પણ પહેલી વાર એ રૂમ જોઈ અને તે ખુશ થઈ ગઈ. રૂમમાં આવીને તેણે પહેલાં કહ્યું હતું, ‘અમિત સાથે વાત કરવી છે...’ મધુ એક સેકન્ડ માટે ઊભો રહી ગયો, ‘મેં જ વાત કરાવી હતી તેને. મહામુશ્કેલીએ... ચાર જગ્યાએથી પરમિશન લઈને... અને વાત થઈ ત્યારે અમિતસાહેબ પણ ત્યાં રડવા માંડ્યા હતા... તેણે અમને બધાને પ્રૉમિસ કર્યું કે તે જલદી આવે છે. મને તો એવું પણ કહ્યું કે બેઉનું ધ્યાન રાખવાની જવાબદારી મધુ તારી છે, ભૂલ થઈ તો મારીશ તને... પણ...’
‘પણ શું?’ 
ડૉ. સંધ્યા બિશ્નોઈના પગ થંભી ગયા. હવે જે વાત શરૂ થવાની હતી એ વાત તેને માટે મહત્ત્વની હતી.
‘અમિત અચાનક ગાયબ થઈ ગયો...’ રાજ ધબકારો ચૂકી ગયો, ‘એક પણ ફોન પર તે આવે નહીં, મેસેજના જવાબ આપે નહીં. બધું બગડવાનું શરૂ થયું, એકસાથે... ઈરાનીસાહેબની હાલત પણ વધારે ને વધારે બગડવાની શરૂ થઈ અને શિયાળાના દિવસો શરૂ થયા. શહેનાઝ બેબીમાં પણ નરી આંખે જોઈ શકાય એવો બદલાવ આવવાનો શરૂ થયો. તેનું વર્તન, તેનો વ્યવહાર... બધું બદલાવા માંડ્યું. આમ તો અમે પરઝાન બાબા પછી જ એ જોવા માંડ્યા હતા પણ, પછી, પછી તો કોઈ અજાણ્યાને પણ દેખાય એવી રીતે એ બદલાવ અમારી સામે આવવા માંડ્યો.’
‘એવું કેમ?’ 
રાજે મધુને પૂછ્યું એટલે મધુએ તારણ સાથે જવાબ આપ્યો.
lll
‘કદાચ બેબીમાં ઈરાનીસાહેબની બીમારીની અસર હતી, બને. કદાચ... અને કદાચ આખો દિવસ એકલા રહીને પણ એવો સ્વભાવ થઈ ગયો હોય. ઠંડીના દિવસો, કડકડતી ઠંડીમાં આખા વિલામાં ત્રણ જ જણ. બીમાર ઈરાનીસાહેબ, આખી રાત રડ્યા કરતો દીકરો... ઈરાનીસાહેબ અને પરઝાનને કારણે શહેનાઝ બેબી સૂઈ નહોતી શકતી. એને લીધે એવું બન્યું કે તેને શેઠ અને પૌત્ર બેઉથી નફરત થવા માંડી...’
સુમૈલાએ ઇન્સ્પેક્ટર તોડકર સામે જોયું.
‘આ જ કારણ હશે કે મને વિલામાં બોલાવી લેવામાં આવી... હું જાઉં કે તરત શહેનાઝ પોતાની રૂમમાં જતી રહે. જતાં પહેલાં મને પરઝાન બાબા હાથમાં આપે. બાબા મને સોંપે કે તરત તે રડવા માંડે. હું શહેનાઝને કહું કે આ એકલો નહીં રહે તો તે કોઈની શરમ રાખ્યા વિના મને કહે...‘ ફેંકી દો કચરાટોપલીમાં, મને વાંધો નથી.’
lll
‘બેબી, એવું ન બોલાય...’
‘બોલાય, આને માટે તો કંઈ પણ બોલાય...’ 
શહેનાઝે પરઝાન સામે જોયું, પરઝાન રડતાં-રડતાં તેની સામે જોતો હતો, પણ શહેનાઝના ચહેરા પરના તંગ ભાવ અકબંધ રહ્યા.
‘મારી આજુબાજુમાં આ સહન નથી થતો... મોઢું ન દેખાડતા તેનું મને.’
‘બેબી, બાળક આમ જ મોટું થાય...’
‘તો નથી કરવું મારે તેને મોટું...’ શહેનાઝે રૂમનો ડોર બંધ કરતાં પહેલાં દાંત ભીંસ્યા, ‘મારી નાખો મારવો હોય તો... ફરિયાદ નહીં કરું હું કોઈ...’
‘બેબી...’
સુમૈલાની વાત સાંભળ્યા વિના જ શહેનાઝે કહી દીધું.
‘જન્મતાની સાથે તેણે બાપ છીનવી લીધો, મારો સાથી છીનવી લીધો... ફેંકી દો, જ્યાં ફેંકવો હોય ત્યાં... ખવડાવી દો કૂતરાઓને.’
ધડામ...
ઝાટકા સાથે શહેનાઝની રૂમનો ડોર બંધ થઈ ગયો.
lll
તેમ્બે અને તોડકર સુમૈલાની સામે જોઈ રહ્યા. સુમૈલાના ચહેરા પર જે ભાવ હતા એ ભાવમાં દયા પણ હતી તો સાથોસાથ ગુસ્સો પણ હતો. એ ગુસ્સો સંજોગો માટે હતો કે પછી શહેનાઝ માટે એ તેમ્બે-તોડકર સમજી શક્યા નહોતા.

વધુ આવતા શનિવારે


Whatsapp-channel Whatsapp-channel

29 January, 2022 08:03 AM IST | Mumbai | Soham

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK