Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > એ કાજુવાળા કાકા આવ્યા

એ કાજુવાળા કાકા આવ્યા

15 June, 2021 09:54 AM IST | Mumbai
Sarita Joshi | sarita.joshi@mid-day.com

હા, કાજુવાળા કાકા. તેઓ અમને કાજુ આપતા. નાટક જોવા આવે એટલે અમે બધા રાજી-રાજી થઈ જઈએ. કાકાને જોઈને સ્તુતિ કરતાં-કરતાં પણ અમારા ચહેરા પર સ્માઇલ આવી જતું. કાકા ત્રીજી રોમાં બેસતા, અમારી નજર મળે એટલે અમે ઇશારાથી તેમને કહી પણ દઈએ કે ઇન્ટરવલમાં આવજો

અમારો ગેટઅપ આવો રહેતો. આ કપડાંનું જો વજન કરો તો એ ૨૦ કિલોથી પણ વધારે આવે

અમારો ગેટઅપ આવો રહેતો. આ કપડાંનું જો વજન કરો તો એ ૨૦ કિલોથી પણ વધારે આવે


નાટક ચાલુ કરતાં પહેલાં સ્તુતિ થાય. મા લક્ષ્મી અને સરસ્વતીના ફોટો હોય. પ્રેક્ષકો આવી ગયા હોય. જેણે સ્તુતિ ગાવાની હોય એ છોકરીઓને ઘાઘરો-પોલકું, ઓઢણી અને મેકઅપના થપેડા કરવામાં આવે. સફેદ, લાલ અને પીળા કલરનો મેકઅપ એ સમયમાં બહુ વપરાતો. પાણીમાં મિક્સ કરીને એ મેકઅપ મોઢા પર લગાડવાનો અને હાથ પર પણ લગાડવાનો, જેથી ખાલી મોઢું નહીં, છોકરીઓના હાથ પણ ગોરાચટ્ટ લાગે. તમે આપણી ભવાઈ યાદ કરો. ભવાઈમાં જેવો ભડકા જેવો મેકઅપ થાય એવો જ મેકઅપ કર્યો હોય. હા, છોકરીઓએ ટીકો પણ રાખવાનો, પણ એ ટીકો અત્યારે મળે છે એવો નહીં. માચીસની જે કાંડી હોય એનાથી કે પછી આંગળીથી એ જાતે જ કરી લેવાનો. ચાંદલો પણ પૈસો હોય એનાથી ગોળ કરવાનો. કાજલ પણ અમે એમ જ લગાડતાં. આંગળીના ટેરવા પર લઈને. અમે તૈયાર થઈ જઈએ એટલે અમને કહેવામાં આવે, દેખાડવામાં આવે કે આમ ઘાઘરો-પોલકું પહેરીને સ્તુતિ ગાઓ.

મને યાદ છે કે એ જમાનામાં અમારા કાજુવાળા એક કાકા હતા. હા, તેમનું નામ જ કાજુવાળા કાકા. માથે ડગલો પહેરીને આવે. ધોતિયું હોય અને કાળો ડગલો પહેર્યો હોય. પોતે ગોરા અને માથે કાળી ટોપી પહેરે એટલે એ કાળી ટોપી એકદમ દીપી ઊઠે. કાજુવાળા કાકાની બીજી વાત કહું એ પહેલાં તેમનું નામ કાજુવાળા કાકા કેમ પડી ગયું એ કહું તમને. કાકા અમારા જેવડા છોકરાઓ માટે કાજુ ભરીને લાવતા એટલે અમારા જેવાઓને એ કાજુવાળા કાકા બહુ ગમે. અમે સ્તુતિ ગાતાં હોઈએ ત્યારે તો આંખ બંધ હોય, પણ પછી આંખો ખૂલે અને અમારું ધ્યાન ત્રીજી રોમાં જાય. જુએ કે કાજુવાળા કાકા આવ્યા છે એટલે તરત બધા અંદરોઅંદર વાતો કરવા માંડે કે કાજુવાળા કાકા આવ્યા છે, કાજુવાળા કાકા આવ્યા છે. કાજુવાળા કાકા ત્રીજી રોમાં જ બેસે, એ તેમની ફેવરિટ જગ્યા. મિત્રો હું તમને પણ કહું, નાટક જોવાની સૌથી વધુ મજા તો આ ત્રીજી રોમાંથી જ આવે. હું કેતકી કે પછી તેની દીકરી રિદ્ધિ કે જમાઈ રસિક દવેનાં નાટકોના ગ્રૅન્ડ રિહર્સલ્સમાં જાઉં તો મોટા ભાગે ત્રીજી રોમાં જ બેસું. આ ત્રીજી રોમાંથી નાટક જુઓ તો તમારો આઇ-કૉન્ટૅક્ટ સ્ટેજ સાથે બરાબર બંધાય. હવે વાત કરીએ કાજુવાળા કાકાની.



કાજુવાળા કાકા ત્રીજી રોમાં જોઈએ એટલે અમે રાજી-રાજી થઈ જઈએ. આજે ડાયલૉગ્સ બોલવાની સિસ્ટમ બદલાઈ છે, પણ એ સમયમાં એવું નહોતું. એ વખતે તો બિન્દાસ સામું જોવાતું ઑડિયન્સમાં, ડાયલૉગ પણ ઑડિયન્સમાં જોઈને જ બોલતા એટલે અમે તો કાજુવાળા કાકાની સામે વિનાસંકોચ જોતાં. બધી છોકરીઓ લાઇનમાં ઊભી હોય, એ જેવું આ સાંભળે કે ‘કાજુવાળા કાકા આવ્યા’ કે તરત જ કાજુવાળા કાકાને જોવા માંડે. સામે ભગવાનનો ફોટો હોય અને નજર કાકાની સામે હોય. કાકાને પણ દેખાય આ બધું એટલે તેઓ બિચારા નજર ફેરવી લે, પણ અમારી નજર, અમારી આંખ સીધી કાજુવાળા કાકા પર હોય. સ્તુતિ પૂરી કરીને ભગવાનને પગે લાગી અમે મનમાં ને મનમાં કહીએ કે હે ભગવાન કાકાજુવાળા કાકા આજે આવ્યા છે તો તેમને કહેજો કે ઇન્ટરવલમાં આવીને તમે અમને કાજુ આપજો. ભગવાનને તો કહીએ, પણ પછી કાજુવાળા કાકાની સામે પણ હોઠ હલાવ્યા વિના, મૌન થઈને જ ઍક્ટિંગ કરીએ. ખાલી હાવભાવથી જ કહેવાનું. તમે પેલી રમત રમો છોને, ડમ્બ ઍન્ડ સરાઝ, એમાં જેમ હાવભાવથી કહેવાનું હોય એ રીતે.


અમારો આ ઇશારો કાજુવાળા કાકા ઓળખી જાય અને અમારી સામે તેઓ હસે એટલે અમે સમજી જઈએ કે કે કાકા ઇન્ટરવલમાં અમારી પાસે આવશે. આવશે અને અમને બધાને મુઠ્ઠો ભરીને કાજુ આપશે.

તમને બીજી એક અંદરની વાત કહું.


સ્તુતિમાં જે બધી છોકરીઓ હોય એમાં ઘાઘરા, પોલકાં અને મોટી વિગ પહેરેલી બધી છોકરી ન હોય, એમાં કેટલાક છોકરાઓ પણ હોય. એ સમયે આટલીબધી છોકરીઓ નાટકમાં કામ કરવા માટે ક્યાંથી મળવાની.

lll

હા, એ સમયે નાટકમાં કામ કરવા માટે છોકરીઓ બહુ તૈયાર થતી નહીં અને ધારો કે તે થાય તો તેની ફૅમિલીમાંથી તેને પરમિશન મળે નહીં એટલે મોટા ભાગનાં નાટકોમાં છોકરીઓનો રોલ છોકરાઓ જ કરે. છોકરાઓ એટલે જ ત્યારે મૂછ અને દાઢી નહીં રાખતા હોય એવું મારું માનવું છે. દાઢી-મૂછવાળી છોકરી જોઈ છે તમે ક્યાંય? કરવાનો તો છોકરીનો રોલ પણ આવે, એવા વખતે દાઢી-મૂછ કાઢવાં પડે, એના કરતાં પહેલેથી રાખવા જ નહીં. કોઈ લપ જ નહીં. આ પહેર્યાં ઘાઘરો ને પોલકું અને આ લગાડી વિગ ને સીધા સ્ટેજ પર. છોકરીઓ મળતી નહીં એનો લાભ મને અને મારી બહેન પદ્‍માને સાચે જ મળ્યો.

ઈરાની શેઠ અમને તો આમ ઓહો હો હો...

‘કામ કરશો તો તમને બેઉને ૧૫૦ રૂપિયા આપીશ.’

આટલી મોટી રકમ આપવાનું કારણ, અમે બેઉ છોકરીઓ હતી. કહ્યું એમ, એ સમયે નાટકમાં સ્ત્રીપાત્ર બહુ ઓછાં ભજવતાં. મેં તમને કહ્યું એમ નાટકમાં કામ કરનારા મોટા ભાગના નૉન-ગુજરાતી જ હોય, ગુજરાતી જોવા જ ન મળે. અરે, નટીશૂન્ય નાટકોની શોધ પણ આ જ અરસામાં થઈ હતી. કોઈ સ્ત્રીપાત્ર નાટકમાં હોય જ નહીં. બધેબધા છોકરાઓ અને કોઈ છોકરાઓએ છોકરી બનવાનું નહીં, પણ એવાં નાટકોમાં પછી મહિલાઓને બહુ રસ પડતો નહીં એટલે વચ્ચે-વચ્ચે પ્રોડક્શન કંપનીઓ આવાં, છોકરાઓને છોકરી બનાવતાં નાટકો પણ કરતી.

અમે નાટકમાં કામ કરતાં એને માટે પણ મારી માએ તો અમને બન્ને બહેનોને કહ્યું હતું કે ‘તમે બેઉ સ્કૂલમાં કહેતી નહીં કે અમે નાટકમાં કામ કરીએ છીએ.’ પ્રોફેશનલી જો તમે ટ્રેડિશનલ થિયેટરમાં કામ કરો તો એ જરા નીચલા સ્તરનું કામ કહેવાય. લોકો તમને સારી રીતે જુએ નહીં. આ માનસિકતા હતી અને એ માનસિકતા તૂટે એ જરૂરી હતું અને જુઓને, એ તૂટીને. આજે છોકરાઓ કરતાં છોકરીઓ ઍક્ટિંગ-ફીલ્ડમાં વધારે જોવા મળે છે અને તેના પેરન્ટ્સ રાજી થઈને કહે પણ છે કે અમારી દીકરી ફલાણા નાટકમાં કામ કરે છે કે પછી ફલાણી સિરિયલમાં કામ કરે છે. નાટક હિટ જાય તો માબાપ રાજી થઈને દીકરીના કામનાં વખાણ પણ કરે અને તેની સફળતામાં સહભાગી પણ બને.

સાહેબ, દીકરીઓને આગળ વધવા માટે જરૂરી પ્રોત્સાહન આપવું જોઈએ. આપણે આપણી આ કૉલમની શરૂઆત પણ આ જ વિષયથી કરી હતી. યાદ કરો, પેલી ફેમિના મિસ ઇન્ડિયાવાળી છોકરીની વાત. નાના ઘરની દીકરીએ કેવી મોટી સફળતા મેળવી હતી. આ સફળતા એ હકીકતમાં તો તેના મોટા મનના વિચારવાળાં માબાપની પણ સફળતા છે. આજે આપણા મુંબઈ જેવા શહેરમાં તો ઓછું જોવા મળે છે, પણ બાકી નાનાં શહેરોમાં તો બહુ જોવા મળે છે કે દીકરીઓને જે કરવાની ઇચ્છા હોય એ કરવા મળે નહીં. થોડી મોટી થાય એટલે તેણે ઘરનાં કામ શીખવા માંડવાનાં અને પછી લગ્નની તૈયારીમાં લાગી જવાનું. કામ શીખવાં જ જોઈએ ઘરનાં, પણ દીકરી છે એટલે તેણે કામ શીખવાં પડે એ વાત જરા ખોટી છે. દીકરી હોય કે દીકરો, સૌકોઈએ ઘરનાં કામ શીખવાં જોઈએ. આજે યુગ બદલાયો છે અને બદલાયેલા આ યુગ વચ્ચે હું જોઉં છું કે દુનિયા પણ બદલાઈ રહી છે. અમેરિકામાં જરા પણ એવું નથી કે આ કામ છોકરાનું અને આ કામ છોકરીઓનું. ના, બધાં કામ બધાનાં. દીકરો ઘરનાં કામ પણ કરે અને દીકરી સરસ રીતે જૉબ પણ કરે, બીજાં બહારનાં કામ પણ કરે.

સાહેબ, આપણે પણ હવે આ વિચારધારાને અપનાવવાની જરૂર છે, ખભેખભા મિલાવીને આગળ વધવાની આવશ્યકતા છે.

Whatsapp-channel Whatsapp-channel

15 June, 2021 09:54 AM IST | Mumbai | Sarita Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK