Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > માન ન માન વક્ત હૈ બડા બલવાન, જીસને બનાઈ ‘શોલે’ ઉસને હી બનાઈ શાન‍!

માન ન માન વક્ત હૈ બડા બલવાન, જીસને બનાઈ ‘શોલે’ ઉસને હી બનાઈ શાન‍!

16 June, 2021 12:21 PM IST | Mumbai
Pravin Solanki | pravin.solanki@mid-day.com

ચંબલના ડાકુ ગબ્બર સિંહનો જે પ્રભાવ હતો એવો જ પ્રભાવ ફિલ્મ ‘શોલે’ના ડાકુ ગબ્બર સિંહમાં ઊભરી આવ્યો હતો. સંજીવકુમારને એ રોલ કરવો હતો

માન ન માન વક્ત હૈ બડા બલવાન, જીસને બનાઈ ‘શોલે’ ઉસને હી બનાઈ શાન‍!

માન ન માન વક્ત હૈ બડા બલવાન, જીસને બનાઈ ‘શોલે’ ઉસને હી બનાઈ શાન‍!


‘જીવતો કે મરેલો પણ મારે ગબ્બર જોઈએ...’ આ સંવાદ ‘શોલે’ ફિલ્મમાં આવ્યો એ પહેલાં ૧૯૫૯માં મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન બોલ્યા હતા અને એ પણ વડા પ્રધાન જવાહરલાલ નેહરુના દબાણથી. ૧૯૭૫માં ‘શોલે’ ફિલ્મે દેશભરમાં ધૂમ મચાવી હતી એ પ્રમાણમાં ‘શાન’ ઊણી ઊતરી એટલે શીર્ષકની પંક્તિઓ મજાકનું કારણ બની હતી. 
થોડા દિવસ પહેલાં ‘ચંબલના ડાકુઓ’ વિષય પરની વિગતો વાંચવામાં આવી. એમાં એક ડાકુ ગબ્બર સિંહ પણ હતો. ચંબલના ડાકુ ગબ્બર સિંહ અને ‘શોલે’ના ગબ્બર સિંહ વચ્ચે ઘણું સામ્ય નજરે પડ્યું. પછીથી જાણવા મળ્યું કે ‘શોલે’ના ડાકુ ગબ્બર સિંહનું પાત્ર સાવ કાલ્પનિક નહોતું, ચંબલના ડાકુ ગબ્બર સિંહ પર આધારિત હતું. એ માટે બે કારણ જવાબદાર હતાં. 
જાણીતા કલાકાર સલમાન ખાનના દાદા અને સલીમ ખાનના પિતા અબ્દુલ રસીદ ખાન ઇન્દોરમાં ઇન્ડિયન ઇમ્પીરિયલ પોલીસમાં ડીઆઇજી હતા. બીજી વાત, જયા ભાદુરી-બચ્ચનના પિતા તરુણકુમાર ભાદુરી પત્રકાર-લેખક હતા. તેમણે ચંબલના ડાકુઓ પર ઘણાં પુસ્તક લખ્યાં હતાં અને એમાંના એક પુસ્તકમાં ડાકુ ગબ્બર સિંહ પર વિગતવાર વાર્તા અને વર્ણન હતાં, જે લેખક સલીમ-જાવેદને ખૂબ ઉપયોગી થઈ પડ્યાં. ગબ્બરની પ્રકૃતિ-પ્રવૃત્તિ વિશે ઘણી વિગતો મળી.
એ સમયે ચંબલના ડાકુ ગબ્બર સિંહનો જે પ્રભાવ હતો એવો જ પ્રભાવ ફિલ્મ ‘શોલે’ના ડાકુ ગબ્બર સિંહમાં ઊભરી આવ્યો હતો.‍ મજબૂત પાત્રાલેખનને કારણે નિર્માતા-દિગ્દર્શક રમેશ સિપ્પી સંજીવકુમારને ઠાકુરનું પાત્ર ભજવવા સાઇન કરવા ગયા ત્યારે વાર્તા સાંભળીને સંજીવકુમારે કહ્યું, ‘ઠાકુરને બાજુએ મૂકો, હું ગબ્બર સિંહનું પાત્ર ભજવીશ.’ દિગ્દર્શકે કહ્યું કે સાહેબ, ગબ્બર સિંહના પાત્ર માટે પહેલેથી જ ડૅની ડેન્ઝોન્ગ્પાને સાઇન કરી લેવામાં આવ્યો છે (જોકે ડેન્ઝોન્ગ્પા એ સમયે બીજી ફિલ્મમાં વ્યસ્ત હોવાથી શૂટિંગની તારીખો ફાળવી ન શકવાથી ગબ્બર સિંહના પાત્રમાં અમજદ ખાનને લેવામાં આવ્યો હતો). 
આટલી પ્રસ્તાવના પછી અસલી ગબ્બર સિંહની વાત પર આવીએ. મધ્ય પ્રદેશના ભીંડ ઇલાકાના એક નાનકડા ગામમાં ખૂબ જ ગરીબ પરિવારમાં તેનો જન્મ થયો. જન્મ્યો ત્યારે ગબ્બર ગોળમટોળ, ઢમઢોલ, હટ્ટોકટ્ટો અને દેખાવમાં થોડો કદરૂપો લાગતો હતો. એટલે બધા  તેને ગબરો કહીને બોલાવતા અને પછીથી તેનું નામ જ ગબરો પડી ગયું. 
ગબરાના પિતા પાસે ગુજરાન માટે ફક્ત એક ખૂબ જ નાનકડો જમીનનો ટુકડો હતો. એમાંથી માંડ-માંડ ગુજરાન થતું. ગબરો નાનપણથી જ તોફાની, બેફિકરો, અલ્લડ, ભણવામાં તો જરાય રસ નહોતો. બાપને વધારાની ક્માઈની જરૂર હતી એટલે ગબરાને બાળપણથી જ બીજાના ખેતરમાં મજૂરીના કામમાં જોતરી દીધો હતો. એ સમયે ગરીબ ઘરના છોકરાઓનું આ જ નસીબ હતું. ગબરામાં એક ગુણ હતો કે જે કામ કરે એ ખંતથી કરે, કામમાં આડોડાઈ ન કરે, પણ તેની સાથે જો કોઈ આડોડાઈ કરે તો તેને ત્યાં ને ત્યાં સીધે રસ્તે લાવી દેતો. ગબરો યુવાન થયો ત્યારે પણ તેણે શરીરને કસાયેલું જાળવી રાખ્યું હતું.  
 મોટા ભાગના ડાકુઓના જન્મનું કારણ જમીન રહ્યું છે. ‘જર, જમીન ને જોરુ, ત્રણેય  કજિયાનાં છોરું.’ એમાં એ સમયે જર અને જોરુ કરતાં જમીને ડાકુ પેદા કરવામાં મોટો ભાગ ભજવ્યો હતો. ગબરા માટે પણ એ જ કારણ નિમિત્ત બન્યું. 
 બધું સમુંસૂતરું ચાલતું હતું ત્યાં એક દિવસ એવું બન્યું કે કોઈકે ફરિયાદ કરી કે ગબારાના બાપ પાસે જે જમીનનો ટુકડો છે એ ગેરકાયદે છે. બસ, ખલ્લાસ!! વાતનું વતેસર થયું. વિવાદ વકર્યો. લડાઈ-ઝઘડા શરૂ થયા, ક્યારેક જીભાજોડી, તો ક્યારેક વાત હાથાપાઈ પર આવવા લાગી. મામલો પંચાયત પાસે પહોંચ્યો. પરિણામસ્વરૂપ પંચાયતે જમીનનો કબજો પોતાની પાસે લઈ લીધો અને ગબારાના જીવનની દિશા બદલાઈ ગઈ. 
 ગબરો એ સમયે ૧૬-૧૭ વર્ષનો હતો. ગરમ લોહી, ગરમ મિજાજ અને બેઇન્સાફીને કારણે ગબરાએ મગજનું સમતોલપણું ગુમાવ્યું. ગુજરાનનું એકમાત્ર સાધન જમીનનો ટુકડો છીનવાઈ જવાથી તેની નસનસમાં ખુન્નસ ઊભરાઈ આવ્યું. એક દિવસ તેણે પંચાયતને કહી દીધું, ‘અમારી જમીનનો ટુકડો જો હું પાછો ન મેળવું તો મને બે બાપનો કહેજો.’ 
 ગબરાએ મજૂરીકામ છોડી દીધું. શું કરવું અને શું ન કરવું એ તેને કાંઈ સૂઝતું નહોતું. અસ્તિત્વનો સવાલ આવે છે ત્યારે ઘણી વાર માણસનું મગજ બહેર મારી જાય છે. નવરોધૂપ ગબરો વેરની વસૂલાત દિમાગમાં લઈને ગામમાં કાળો કેર વર્તાવવા માંડ્યો!! ચોરી-લૂંટફાટ, ઝઘડા-ટંટા રોજનાં થઈ પડ્યાં. તક મળે તો સારાં કામ કરવાનો માણસનો મનસૂબો ક્યારેય પૂરો થતો નથી, પણ ખરાબ કામ કરવા માટે તક સામે ચાલીને આવે છે. 
એક અંધારી રાતે ગબરો ગામના પાદરે બીડી ફૂંકતો રખડતો હતો ત્યાં દૂરથી તેને બે વ્યક્તિઓના ઓળા નજીક આવતા દેખાયા. ગબરાની જમીન બાબત જેમણે ફરિયાદ કરી હતી  તેઓ હતા. ઘડીભરમાં તો બન્ને સામસામા આવી ગયા. ગબરો એકલો હતો અને સામે બે વ્યક્તિ હતી; પણ ગબરાની સાથે ખુન્નસ, વેરની વૃત્તિ, ઝનૂન અને જુવાનીનું જોમ હતું. પળભરમાં બન્નેને ત્યાં ને ત્યાં વાઢી નાખ્યા. બે લાશ ઢળી પડી. ગબરો ઘડીભર બન્નેને તાકી રહ્યો. લાશો પર થૂંક્યો અને અંધારામાં ઓગળી ગયો. ક્યાં ગયો ગબરો? આવતા સપ્તાહે...
સમાપન :     
 સૌ પ્રવાસીઓને એની જાણ છે 
 આપણે બેઠા એ ખોટું વહાણ છે 
 કોઈ તલસે શ્વાસ ચાલુ રાખવા 
 કોઈ નો ચાલે છે એ મોકાણ છે. 
અનિલ ચાવડા.


Whatsapp-channel Whatsapp-channel

16 June, 2021 12:21 PM IST | Mumbai | Pravin Solanki

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK