Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ‘સખણાં રે’તો સાસુ નહીં’ મારાં ફેવરિટ નાટકો પૈકીનું એક છે

‘સખણાં રે’તો સાસુ નહીં’ મારાં ફેવરિટ નાટકો પૈકીનું એક છે

24 October, 2022 04:08 PM IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

નાટકમાં પાંચ કલાકાર અને પાંચેપાંચ પાંચહજારા ઍક્ટર, તમે નાટક જુઓ તો તમે પણ સ્વીકારો જ

‘સખણાં રે’તો સાસુ નહીં’ નાટકમાં મીનળ પટેલે જે કામ કર્યું છે એ આજની તારીખે પણ મારી આંખ સામેથી જતું નથી.

જે જીવ્યું એ લખ્યું

‘સખણાં રે’તો સાસુ નહીં’ નાટકમાં મીનળ પટેલે જે કામ કર્યું છે એ આજની તારીખે પણ મારી આંખ સામેથી જતું નથી.


‘ફિરોઝભાઈ હવે નાટક કરવાની ના પાડે છે. મારી પાસે આખી સ્ક્રિપ્ટ લખાવડાવી. મેં પહેલો અંક લખી નાખ્યો, બીજા અંકનો મારો સ્ક્રીનપ્લે આખો રેડી છે, પણ ફિરોઝભાઈ કહે છે કે આ નાટક મારે ધર્મેશ વ્યાસ અને પ્રણોતી પ્રધાન સાથે કરવું હતું, પણ એ બન્ને અવેલેબલ નથી એટલે તેઓ જ્યારે ફ્રી હશે ત્યારે હું આ નાટક કરીશ.’

અમારે નવું નાટક કયું કરવું એની વિચારણા ચાલતી હતી એ દરમ્યાન એક દિવસ વિપુલે આવીને ઉપર મુજબ વાત કરી. તે ખૂબ હતાશ હતો. વિપુલ કહે કે આ નાટક લખવા માટે કોઈ પૈસા પણ આપવામાં નથી આવ્યા. આ કોઈ રીત છે?



મારે અત્યારે એક ખાસ વણલખ્યા નિયમની વાત તમને કહેવી છે. જ્યારે એસ્ટૅબ્લિશ પ્રોડ્યુસર કોઈ લેખકને નાટક લખવાનું કહે તો તેને પેન-મની આપવાનો રિવાજ નથી. ગુજરાતી રંગભૂમિ પર બધાનાં વહાણ વિશ્વાસે જ ચાલે છે, એ જ વિપુલના કેસમાં પણ હતું. વિપુલે મને વાત કરી અને કહ્યું કે ફિરોઝભાઈવાળું નાટક થવાનું નથી તો ચાલો, આપણે એ નાટક કરીએ. મેં તરત જ હામી ભણી દીધી અને તાકીદ પણ કરી કે કાલ સવારે ફિરોઝભાઈ મારી પાસે આવીને કહેવા ન જોઈએ કે આ નાટક મારું હતું, તમે કેમ કર્યું. તરત જ વિપુલે ફરી એ જ વાત કરી કે હું તો તૈયાર જ છું, પણ તેઓ જ મને નાટક કરવાની ના પાડે છે,  ‘બિલકુલ બરાબર, એવું ન જ ચાલે.’


આ જવાબ મેં ત્યારે આપ્યો હતો અને આજે પણ હું આ જ જવાબ આપું છું, કારણ કે હું દૃઢપણે માનું છું કે કલાકારોમાં આપણે કોઈ બંધન રાખીને ચાલવું નહીં. અમારો એ અપ્રોચ જ નથી રહ્યો. વર્ષે ચાર-પાંચ નાટક બનાવતા હતા અને રંગભૂમિ પર સૌથી વધુ નાટકો અમે પ્રોડ્યુસ કર્યાં છે. જે થઈ શક્યું એની પાછળનું કારણ એ જ કે અમે ક્યારેય કલાકારોની અવેલેબિલિટી જોઈને કે પછી ચોક્કસ કલાકાર હોય તો જ નાટક કરવું એવું રાખ્યું નથી. અમારી એક સ્ટાઇલ રહી છે, જેમાં સૌથી પહેલાં અમે વાર્તા નક્કી કરીએ, ત્યાર પછી લેખક નક્કી થાય અને લેખક નાટક લખવાનું ચાલુ કરે એટલે જે કલાકારો અવેલેબલ હોય તેમની સાથે અમે આગળ વધીએ.

ગયા વખતની મારી કૉલમ વાંચીને ફિરોઝભાઈએ મને ફોન કર્યો કે સંજયભાઈ, તમે જે લખ્યું છે એ સાચું નથી. વિપુલને મેં નાટક લખવા આપ્યું ત્યાર બાદ વિપુલ તરફથી કોઈ કમ્યુનિકેશન થયું નહોતું. જોકે આ વાત સાથે હું સહમત નથી. ઍની વેઝ, આપણે વાત આગળ વધારીએ.


વિપુલ મહેતાની આખી વાત સાંભળીને મેં તેને કહ્યું કે આપણે આ નાટક કરીએ છીએ. એ નવા નાટકની વાત કરતાં પહેલાં અમારા આગળના નાટક ‘હરખપદૂડી હંસા’ની વાત આટોપી લઉં. એ નાટક પણ અમે થ્રી-કૅમેરા સેટઅપ સાથે શૂટ કર્યું. નાટક શેમારૂની ઍપ પર છે, જોજો તમે. કદાચ એ તમને ગમશે. 

હવે ફરી આવી જઈએ આપણે નવા નાટકની વાત પર. આ નાટક થોડું કન્ટ્રોવર્શિયલ એમ હતું કે સ્ટોરીનો આઇડિયા ફિરોઝ ભગતનો હતો. મને હતું જ કે આ મૅટર વિવાદિત બનશે એટલે સીધું જ નક્કી કરવાને બદલે મેં મારા પાર્ટનર કૌસ્તુભ ત્રિવેદીની સલાહ લીધી. કૌસ્તુભે પણ મને એ જ કહ્યું કે આ ઇશ્યુ વિપુલ અને ફિરોઝભાઈ વચ્ચેનો છે, જેની સાથે આપણને કંઈ લાગતુંવળગતું નથી. જો નાટક સારું લાગતું હોય તો તું નાટક કર, હું તારી સાથે છું.

અમારી વચ્ચે વાત ​​ક્લિયર થઈ ગઈ એટલે અમે લોકોએ એ નાટકની શરૂઆત કરી. પહેલો અંક તો રેડી હતો અને બીજો અંક વિપુલના મનમાં ​ક્લિયર હતો જેને કારણે અમને કોઈ ચિંતા નહોતી. નાટકની થીમ બહુ પાતળી હતી. નાટકનું ટાઇટલ હતું, ‘સખણાં રે’તો સાસુ નહીં’. સાસુના એટલે કે લીડ રોલમાં અમે મીનળ પટેલને કાસ્ટ કર્યાં. 
મીનળબહેન ગુજરાતી રંગભૂમિનાં ખૂબ જ સિનિયર કલાકાર, સિત્તેરના દસકાથી તેઓ કાર્યરત છે. ઉંમરમાં અમારાથી મોટાં, પણ તેઓ અમારી સાથે મિત્ર જેવો જ વ્યવહાર રાખે. હું, વિપુલ અને મારો ખાસ ભાઈબંધ એવો જગેશ મુકાતી (જગેશ આજે પણ મારા માટે હયાત છે અને આજીવન તે મારી સાથે રહેશે એટલે હું તેના નામની આગળ જીવનમાં ક્યારેય સ્વર્ગીય નહીં લખું એટલે કોઈ એને ઔચિત્યભંગ ન ગણે) મીનળબહેનના ઘરે જમવા જતા હોઈએ એટલે એ રીતે પણ અમારો ઘરોબો સારો. મીનળબહેન સાથે કામ કરવું મને હંમેશાં ગમ્યું છે. 
મીનળબહેનને લાવ્યા પછી અમે વહુના રોલમાં શ્રુતિ ઘોલપને કાસ્ટ કરી. શ્રુતિ મૂળ વડોદરાની, એમએસ યુનિવર્સિટીમાં તેણે ઍક્ટિંગમાં ડિપ્લોમા કર્યો છે. શ્રુતિ ઍક્ટ્રેસ તો બહુ સારી, પણ તે સિંગર પણ બહુ સારી અને એવી જ રીતે મીનળબહેન પણ સિંગર બહુ સારાં. મીનળબહેનની બીજી કોઈ ઓળખાણ આપવાની જ ન હોય, પણ એમ છતાં નવી પેઢીના ધ્યાનમાં રહે એટલે કહું કે પ્રખ્યાત સંગીતકાર અને ગાયક નીનુ મઝુમદારનાં તેઓ દીકરી. કૌમુદીબહેન તેમનાં સ્ટેપ-મધર થાય. 

મીનળબહેન અને શ્રુતિ ઘોલપ પછી શ્રુતિના વરનું જે કૅરૅક્ટર કરવાનો હતો એના માટે વિપુલ પીયૂષ રાનડે નામનો વડોદરાનો જ એક મરાઠી છોકરો લાવ્યો. ગુજરાતમાં રહેતો હતો એટલે તેનું ગુજરાતી બહુ સરસ અને ઍક્ટર પણ બહુ સારો. અમે તેને મીનળબહેનના દીકરાના રોલમાં લીધો. નાટકમાં મીનળબહેનના ભાઈનું એટલે કે મામાનું કૅરૅક્ટર કૉમેડી હતું, જેના માટે દિલીપ રાવલને લઈ આવ્યા. 

નાટકની વાર્તા એવી હતી કે શ્રુતિનો હસબન્ડ પીયૂષ, જ્યારે શ્રુતિ પ્રેગ્નન્ટ હોય છે એ દરમ્યાન એક્સપાયર થઈ જાય છે અને પછી તેનો દીકરો બનીને પાછો આવે, જે બીજી છોકરી સાથે લગ્ન કરે છે. એ જે છોકરીનું કૅરૅક્ટર હતું એ પણ બહુ મહત્ત્વનું હતું, એ રોલ અમે ગઝલ રાયને આપ્યો. ગઝલે અત્યારે તો મૅરેજ કરી લીધાં છે અને હવે તે બાળકમાં બિઝી થઈ ગઈ છે, પણ ગઝલે ઘણાં નાટકો કર્યાં અને અમારા આ નાટકમાં તેણે બહુ સરસ કામ કર્યું હતું. 

નાટકમાં કુલ પાંચ કૅરૅક્ટર અને પાંચેપાંચ પાંચહજારા ઍક્ટર. નાટક બહુ સરસ બન્યું અને મિત્રો, હું કહીશ કે મારાં ફેવરિટ નાટકો પૈકીનું એક નાટક. 

૨૦૧૦ની ૭ માર્ચ અને રવિવાર.

અમારું પ૪મું નાટક ‘સખણાં રે’તો સાસુ નહીં’ અમે ઓપન કર્યું, જેના કુલ ૧૮૮ શો કર્યા. છેલ્લા વીસેક શોમાં પીયૂષ રાનડે સિરિયલના શૂટમાં બિઝી હતો એટલે પાર્થ દેસાઈએ તેનું રિપ્લેસમેન્ટ સંભાળ્યું, તો શ્રુતિ ઘોલપ પણ સિરિયલમાં બિઝી થઈ એટલે થોડા શો રિન્કુ પટેલે કર્યા, પણ નાટક ખૂબ ચાલ્યું. હવે વાત કરીએ પેલી કન્ટ્રોવર્સીની. 
જેવી ફિરોઝભાઈને ખબર પડી એટલે તરત જ તેમણે વિપુલ સાથે ઝઘડો કર્યો અને કૌસ્તુભને પણ ફોન કરી ફરિયાદ કરી. એ પછી અમે મળ્યા. અમે અમારી પોઝિશન જણાવી અને છેલ્લે નક્કી થયું કે ફિરોઝભાઈને નાટકના કથાબીજમાં ક્રેડિટ આપવી અને સાથોસાથ તેમને પૈસા પણ આપવા. આમ ઘીના ઠામમાં ઘી પડી રહ્યું અને બધું સુખરૂપ પાર પડ્યું. 
નાટકલાઇનની આ મજા છે. ચેસની રમત પૂરી થયા બાદ જેમ બધાં પ્યાદાં એક જ બૉક્સમાં ગોઠવાઈ જાય એ જ રીતે ગુજરાતી રંગભૂમિના કલાકારો જ્યારે કોઈ નાટકમાં મળે, પાર્ટીમાં મળે કે બીજા કોઈ પ્રસંગે મળે ત્યારે ફરી પાછા હસીને હાથ મિલાવે. ચાર દિવસ પહેલાં ફિરોઝભાઈએ મને ફોન કરીને જે વાતની ચોખવટ કરી એ ખૂબ જ હસતાં-હસતાં કરી એની પાછળ કોઈ ફરિયાદનો સૂર નહોતો. ફિરોઝભાઈ, તમને સૉરી પણ કહું છું અને તમારો આભાર પણ માનું છું.

જોક સમ્રાટ

સામેના બિલ્ડિંગમાં રહેતી કલ્પના પાંચ મિનિટ સુધી મારી સામે હાથ હલાવતી રહી.
પછી મેં પણ હાથ હલાવ્યો.
ત્યાં જ પાછળથી પત્નીએ પીઠ ઉપર ધબ્બો માર્યો અને કહ્યું : ‘એ કાચ સાફ કરે છે!’
(હું હજી હૉ​સ્પિટલમાં છું)

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

24 October, 2022 04:08 PM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK